હું કો’ છો ? પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
એકવાર મારે
ટ્રેનમાં અમદાવાદથી સુરત જવાનું થયું. લાંબી મુસાફરી કંટાળાજનક ન બની જાય એટલા
માટે હું મારા મનગમતા પુસ્તકમાં મોં ખોસીને બેઠી હતી.
-કઈ બાજુ જવાના ?
અચાનક મારા કાને એક ગામડિયા ટાઈપ અવાજ સંભળાયો.
એકવાર ચૂંટાઇ ગયા
પછી નેતાઓ પોતાના અંગત સ્વાર્થભર્યા કામમાં વ્યસ્ત થઇ જાય છે, ત્યારે એમના બહેરા
કાને લોકોના એટલે કે પ્રજાના પ્રશ્નો અથડાઈને પાછા વળી જાય છે. ઠીક એમ જ મારી રીઝર્વ સીટ પર આરામથી ગોઠવાઈને
પુસ્તક વાંચતી હું, મારા કાને સહપ્રવાસી બહેનનો પ્રશ્ન અથડાઈને પાછો વળી ગયો.
-હુરત જવાના કે ?
પ્રશ્ન પૂછનાર બહેનની તાલાવેલી ગજબની હતી, એણે મારો હાથ દબાવીને પ્રશ્ન કર્યો.
સાવ અચાનક થયેલા
પાકિસ્તાની હુમલાથી અજાણ ભારતીય સૈનિક ઊંઘતા ઝડપાઈ જાય, એમ ટ્રેનના આ પડોશી બહેનના
હુમલાથી અજાણ હું, મારા હાથમાંથી પુસ્તક નીચે પડી ગયું. મેં સહેજ ગુસ્સો અને થોડી
ચીડથી પ્રશ્ન પૂછનારની સામે જોયું અને પછી નીચા નમી પુસ્તક લઇ પાછું વાંચવા
માંડ્યું.
-હુરત જવાના કે ?
કોઈ અડીયલ અને જીદ્દી બાળકના કુતુહલથી એણે મને ફરી પ્રશ્ન પૂછ્યો.
આ વખતે એણે મારા
હાથને ધીરેથી એનો હાથ અડાડીને સવાલ કર્યો. મેં પણ સચેત રહીને પુસ્તક બરાબર પકડી
રાખ્યું હતું. મને નવાઈ લાગી, જાડી
ચામડીના રાજકારણીઓ જેમને પ્રજાના પ્રતિભાવની કોઈ અસર ન થાય, એવા જ આ બહેન મારા
અણગમાની અસર ન થાય એવા જાડી બુદ્ધિના છે કે શું ?
-હા, સુરત જ જવાની
છું. મેં લપ ટાળવાના ઈરાદાથી મારી સામે
એકટક જોઈ રહેલી એ સ્ત્રીને જવાબ આપ્યો.
-હું નામ ? મારી
ગાફેલીયત નો લાભ ઉઠાવીને એણે બીજો પ્રશ્ન ફેંક્યો.
-પૃથ્વીવલ્લભ. મેં
જવાબ આપ્યો.
-હેં ? એણે નવાઈથી
મારી સામે જોયું, એટલે મેં પુસ્તકનું પૂઠું બતાવ્યું.
-ચોપડીનું નંઈ, મેં
તમારું નામ પુઈછું. એણે મારી સામે હસીને
કહ્યું.
-કોઈ હારું જ નામ
ઓહે. મેં જવાબ ન આપ્યો છતાં એણે કેડો ન
છોડ્યો.
-પૃથ્વીવલ્લભ, સરસ
નામ છે, નહીં ? કનૈયાલાલ મુન્શીએ લખ્યું છે. મેં ટીખળ કરતા કહ્યું.
-પરણેલાં ?
-હા.
-કેટલા છોકરાં ?
-એ ખબર નથી.
-હેં ? એવું તે હોય
? તમારા કેટલા છોકરા તે તમને ખબર નંઈ ?
-ઓહ ! મને તો એમ કે
તમે કનૈયાલાલ મુનશી વિષે પૂછો છો.
-એના વિષે જાણીને
મને હું ફાયદો ?
-ત્યારે મારા વિષે
જાણીને પણ તમને શું ફાયદો?
-હા, ઈ વાત તો
હાચી. આ તો જરા ટેમ પાસ થાય, બીજું તો હું ? હુરતમાં કાં જવાના?
-અઠવા લાઈન્સ. મેં
બગાસું ખાઈને કંટાળા સાથે કહ્યું.
-અરે વાહ ! મારે હો
એ બાજુ જ જવાનું છે. આપણે રીક્શામાં હાથે જહું. એના અવાજમાં ઉત્સાહ હતો.
-ભલે, હવે જો તમને
વાંધો ન હોય તો હું મારી બુક વાંચું ? મેં દયામણા અવાજે પૂછ્યું.
-હોવ્વે. વાંચોને
તમતમારે, મેં કીયારે ના પાઈડી ?
મેં બુક વાંચવાની
શરુ કરી ત્યાં જ એની બાજુમાં બેઠેલી એની દીકરી ટહુકી:
-મમ્મી, મારે બારી
પાસે બેસવું છે. છોકરી શુદ્ધ બોલી બોલતી હતી, સ્કુલમાં જતી હશે, હોંશિયાર લાગી.
-તારાથી તાં નીં
બેહાય, આપણી જગા આંઈ છે. અભણ માએ એને વારી.
-કેમ ન બેસાય, પેલા
અંકલ તો બેઠા છે ને ?
-હારાં છોકરાં જીદ
ન કરે, ચલ બેહી જા અંઈ.
મા દીકરી નો સંવાદ
સાંભળી રહેલા, બારી પાસે બેઠેલા એ સજ્જને દીકરીને બોલાવીને જરા ખસીને બારી પાસે
એને બેસવાની જગ્યા કરી આપી. દીકરી ત્યાં દોડી ગઈ, પણ માને એ ગમ્યું નહીં, એણે
નારાજગી દર્શાવી.
-જુઓ જુઓ અંકલ, આ
ઝાડ કેવાં દોડે છે ? દીકરી વાચાળ હતી, એણે અંકલ સાથે વાત શરુ કરી દીધી.
-તું એટલું ફાસ્ટ
દોડી શકે ?
-હા, અંકલ. વાર્ષિક
દિને સ્કુલમાં હું દોડમાં પહેલ્લી આવી હતી. દોડી બતાવું ?
-ના, ના. બેસી જા.
-અંકલ, તમને ખબર
છે, બે વત્તા બે ચાર ક્યારે નહીં થાય ?
-બેટા, બે વત્તા બે
ચાર જ થાય, હંમેશા.
-ના અંકલ, તમે
દાખલો ખોટો ગણો ત્યારે નહિ થાય.
-નોટી ગર્લ, તારું
નામ શું છે?
-નેહા, ને અંકલ
તમારું નામ ?
-નેહા, અંઈ આવ તો.
એની મમ્મીએ એને પોતાની પાસે બોલાવી.
-મમ્મી, મારે અહી જ
બેસવું છે. દસેક વર્ષની નેહાએ જીદ કરી.
-તારે તાં નથી
બેહવાનું, કીધું ને એકવાર. તને ઘેરે હું કેયલું ?
નેહાને એની મમ્મીએ
ખબર નહિ ઘરે શું કહ્યું હશે, પણ એ તરત ઉતરેલે ચહેરે બારી પાસેથી ઊઠીને એની મમ્મી
પાસે આવી ગઈ. સુરત સ્ટેશને ઉતરીને જેવી હું રીક્ષામાં બેસવા ગઈ કે તરત એ બહેને મને
પકડી પાડી. રીક્ષામાં બેઠા પછી મેં એમને જીજ્ઞાસાવશ પૂછ્યું,
‘તમે નેહાને બારી
પાસે કેમ ન બેસવા દીધી ? તમે એને ઘરે શું કહેલું ?’
-તમે છાપા નથી
વાંચતા કે ? એણે મને પ્રતિપ્રશ્ન કર્યો.
-રોજ વાંચું છું,
પણ આમાં છાપા ક્યા વચ્ચે આવ્યા ?
-છાપામાં રોજ કેવાં
હમાચાર આવે છે, મુઆ રાખ્ખસ જેવા પુરુષો !
આઠ દહ વરહની છોકરીને પણ કેવા પીંખી નાખે છે. મારી નેહાડી તો મૂઈ છે હો રૂપાળી,
શરીરે કાઠી ને બોલાવે ચાલવે ચબરાક. એને જો હાચવું નીં તો મારે છાને છાને રોવાના દી’
આવે. તેથી જ એને ચેતવી મેલી છે કે મુઆ પુરુષોથી દૂર જ રેવું ને એ લોકો હારે ઝાઝી
લપ કરવી નંઈ.
-અરે ! આવું
કહેવાથી તો એના કોમળ મગજમાં પુરુષો માટે ઝેર અને બીક ભરાઈ જાય.
-તમે હાચું કો’ છો
બેન. પણ જુઓ છો ને કે જમાનો કેવો ખરાબ છે તે ?
-પણ સો માંથી માંડ
દસ કે બાર પુરુષો એવા ખરાબ હોય છે.
-બરાબર છે, પણ એ દહ
બારને તમે ઓળખો કઈ રીતે ?
-ભગવાને સ્ત્રીઓને
એવી કુદરતી શક્તિ આપી છે, એ એની છઠ્ઠી ઈન્દ્રીય દ્વારા - પુરુષોની આંખ પરથી જ સમજી જાય.
-મારી નેહાડી જેવી
દહ વરહની છોકરી એમાં હું હમજવાની ? એને તો બારી પાહે બેહવા મળે કે ખાવા ચોકલેટ મળે
તો હો ભોળવાઈ જાય. છાપામાં રોજે રોજ આવડી અમથી છોકરીઓને પીંખી નાખનારા ગુંડાઓની વાત
સાંભળું છું ને હું ફફડી ઉઠું છું, એ તો કોઈ છોકરીની મા હોય ઈ જ આ વાત જાણે.
(મને એની વાત
સાંભળીને ‘નિર્ભયા કેસ’ ની યાદ આવી ગઈ.)
-આવા કૂકરમ કરનારને
તો હો વરહ જેલમાં જ નાખવા જોઈએ અથવા ઉભી બજારે હો હો કોરડા મારવા જોઈએ, તો એ લોકો
કદાચ હુધરે તો હુધરે, હું કો’ છો તમે ? એણે મને સવાલ કર્યો.
-હું શું કહું ?
વાચક મિત્રો, તમે
શું કહો છો ?
અમુક કેસ એવા બન્યા છે એટલે લોકો સાવચેત રહેતાં થઈ ગયાં છે.
ReplyDeleteહાચી વાત સે .... ઈ બેન ની.
ReplyDeleteઆપણા 'પુરુષપ્રધાન' દેશ માં આવી માં ની ખાસ જરૂરૂર છે ..... હા પોરી નું કૂમળું મગસ પર ખોટી અહર થેઇ જાય ....
રેઇ વાત ૧૦૦ વરહ જેલ માં પૂરવા ની કે ૧૦૦ કોડ મારવાની.... એતો જેને હમાંજ ની બીક લાગતી હોઈ એ બીયે..... બાકી તો કાં ફેર પરે ?