Wednesday, 17 May 2017

એડમિશન -૨

એડમિશન -૨   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-ભાભીજી, કામ પડે ત્યારે અવાજ કરજો, બંદા અડધી રાત્રે ય ઉઠીને તમારું કામ પતાવી આવે એવા છે.

(વચનેશું કીમ દરીદ્રતામ ?- બોલવામાં આપણા બાપાનું શું જાય છે ?), આવું કહેનારા પતિના મિત્ર,  આપણા અવાજ કરવાથી અડધી રાત્રે ઉઠી તો જાય, પણ એમની પત્નીના અવાજ (ઝઘડો) કરવાથી પાછા બીજી મીનીટે સુઈ પણ જાય  તે શું કામનું ?

-અરે સાહેબ ! બોલોને – તમે કહો તો તમારા માટે તો જાન પણ હાજર છે.

આવું કહેનારા વિરલાઓ કોક  મળી આવે છે ખરા. પણ આપણા મોંઘા ભાવના ગાદલા કાતરી ગયેલો ઉંદર પિંજરામાં પુરાયેલો મળે, તો પણ એનો જીવ લેતા આપણો જીવ ન ચાલે, તો પછી આપણા માટે જાન હાજર કરનારા ભલા માણસનો જીવ લેવાય જ શી રીતે ? ભલે ને પછી તે લાખ રીતે હાજર કરે.

કહેવાય છે કે કસોટી વિના સોનાની સાચી પરખ થઇ શકતી નથી, એવું જ માણસનું પણ છે. કામ પડ્યા વગર એ ‘કામનો છે કે નકામો છે,’ તેની આપણને ખબર પડતી નથી. કસોટીમાંથી પાર ઉતારેલા માણસો, કે જે ખરેખર આપણા માટે  કશું કરી કરી શકવા સમર્થ છે, એવાઓના નામ અણીના સમયે યાદ નથી આવતા, અને ખોટા માણસને મદદ માટે કહેવાય જાય છે. આપણે જ ખોટા નંબરની બસમાં ચઢી ગયા હોઈએ પછી ડ્રાઈવર કે કંડકટરને દોષ આપવાથી શું વળે ?

મારા પતિના એક પ્રોફેસર મિત્ર, નામ સમીર લોખંડવાલા. અમને મદદ કરવા સદા તત્પર. પણ  મદદ મેળવવામાં પણ બુદ્ધિ, લાયકાત અને આવડત જોઈએ. અમારામાં આ બધી બાબતોનો, સાચું કહું તો મદદ મેળવવાની ઈચ્છાનો જ અભાવ. જેથી અમારા બંને બારકસોને એમની મદદ વિના જ સ્કુલમાં એડમિશન અપાવેલું. જેનું એમને અતિશય ખોટું લાગેલું. (એમના કહેવાથી જ અમને આ વાતની અમને ખબર પડેલી.)

-ભાભી, બસ આવું જ ને? છેવટે તમે મને પારકો જ ગણ્યો ને ?
-એવું નથી સમીરભાઈ, તમે તો તમારા ભાઈબંધને ઓળખો જ છો ને ? એમને કોઈનું ઓબ્લીગેશન લેવું ગમે નહીં.
-એટલે તમે મને ‘કોઈ’ ગણો છો, બીજાની વાત જવા દો, પણ મારી મદદ લેતા અચકાવ એ તે કેવું ? મને ન ગમ્યું.
-હવે જરૂર પડશે ત્યારે તમને ચોક્કસ જ કહીશ, બસ ?
-હું એ દિવસની ઉત્સુકતા પૂર્વક રાહ જોઇશ, મારા માટે એ અહોભાગ્યનો દિવસ હશે.

મારી ફ્રેન્ડ હેમાના દીકરા દીપુને  સ્કુલમાં K.G. મા એડમિશન અપાવવાની વાત આવી, ત્યારે મને સમીર લોખંડવાલા યાદ આવ્યા. મેં ઉત્સાહપૂર્વક મારા પતિ જીતુને વાત કરી, પણ એમણે એમના સ્વભાવ મુજબ આ બાબતમાં મદદ લેવાની તૈયારી કે ઉત્સાહ બતાવ્યા નહીં.

પણ હેમાના આગ્રહથી અને પ્રોફેસરના ‘અહોભાગ્ય’ વાળા વિધાનની યાદથી હું અને હેમા સમીરભાઈને મળવા ગયા. ભગવાનના દર્શનથી ભક્ત કૃતકૃત્ય થાય એવા ભાવ અમને જોઇને એમના ચહેરા પર પથરાયા. ખુબ જ ઉમળકાભેર એમણે અમને આવકાર્યા, બેસાડ્યા, અમારી ખુબ આનાકાની છતાં ચા-પાણી કરાવ્યા.

-બોલો ભાભી, તમારી શી સેવા કરું ?
-સમીરભાઈ, આ મારી ખાસ ફ્રેન્ડ હેમા છે. એના દીકરા દીપુને ઈંગ્લીશ મીડીયમમાં K.G. મા એડમિશન જોઈએ છે.
-મળી જશે.
-મળી જશે ? જે સરળતાથી એમણે અમને ‘મળી જશે’ કહ્યું, તેનાથી અમે બંને અહોભાવથી એમને જોઈ રહ્યા.
-સવાલ જ નથી, કોઈપણ સ્કુલમાં ફોર્મ ભરો, એનો ઈન્ટરવ્યુ આવે ત્યારે મને જરા ફોન કરી વિગત જણાવી દેજો.
-ઓહ ! થેન્ક્યુ... થેન્ક્યુ...  સમીરભાઈ. 
-એ શું બોલ્યા ? તમારો અને અમારો સંબંધ એવો છે કે તમારે મને થેંક્યુ કહેવાનું હોય જ નહિ. તમે મને સેવાનો મોકો આપ્યો એ બદલ હું ખુશ છું, તમને મદદ કરવી એ મારી ફરજ છે.
-ઓકે, તો હવે અમે રજા લઈએ ?
-ખુશીથી, ફરી જરૂર પધારજો.

હેમાએ દીપુ માટે એના ઘરની નજીકની એક સારી સ્કુલનું ફોર્મ ભર્યું, ઈન્ટરવ્યુ આવ્યો ત્યારે અમે સમીરભાઈને ફોન કર્યો. એમણે અમારી પાસેથી સ્કુલની વિગતો લઇ લીધી.

-સમીરભાઈ, દીપુને આ સ્કુલમાં એડમિશન મળી તો જશે ને? મેં કન્ફર્મ કરવા સમીરભાઈને ફોન પર પૂછ્યું.
-કોઈની દેન છે કે દીપુને એડમિશન ન આપે ? તમતમારે નચિંત થઈને ઈન્ટરવ્યુ આપી આવો, હું બેઠો છું ને ચિંતા કરવાવાળો બાર વરસનો.
‘તમે બાર વરસના કઈ રીતે?’ એવો સવાલ પૂછવાની મારી જિજ્ઞાસાને મેં માંડ માંડ કાબુમાં રાખી. પ્રોફેસરો તો આમેય ધૂની હોય છે,  છંછેડાય ગયા તો ગયા કામથી. દીપુનો ઈન્ટરવ્યુ સરસ ગયો. સમીરભાઈને ફરીથી ફોન કરી જણાવી દીધું, ફરીથી એમણે અમને શબ્દોથી નચિંત કર્યા. પણ રે માનવી તારું મન! રીઝલ્ટ આવ્યા વિના એમ નચિંત થાય?

અને જેની બહુ ઇન્તેજારી હતી એ રીઝલ્ટ આવ્યું, પણ અમારી ધારણાથી વિપરીત આવ્યું. એમાં દીપુનો નંબર નહોતો. અમે પહેલા તો સ્કુલમાં જ પૂછ્યું, સંચાલકોએ  કહ્યું, ‘ઈન્ટરવ્યુ સારો ગયો તો શું થયું ? ૧૨૦ સીટની સામે ૨૦૦૦ અરજી આવી હોય તો અમે કોને લઈએ અને કોને નહિ ?’ અમને આઘાત લાગ્યો, મેં પ્રોફેસર સમીરભાઈને ફોન કર્યો,

-હલ્લો, સમીરભાઈ.
-બોલો, ભાભી સાહેબા.
-તમે કહ્યું હતું પણ દીપુને તો એડમિશન ન મળ્યું.
-દીપુ ? કોણ દીપુ?
-મારી ફ્રેન્ડ હેમાનો દીકરો દીપુ, જેના એડમિશન વિષે અમે તમને મળવા આવ્યા હતા, અને ઈન્ટરવ્યુ વખતે સ્કુલની વિગતો લખાવી હતી.
-અરે હા હા. હું કહું અને એડમિશન ન મળે એવું બને જ નહિ. હું તપાસ કરીને તમને કાલે જણાવું.
-ભલે.

હેમાએ આ દરમ્યાન બીજી ચાર પાંચ સ્કુલમાં તપાસ કરી, પણ બધે જ એડમિશન ફૂલ થઇ ગયેલા, એ તો રડવા જેવી થઇ ગઈ. સમીરભાઈ સાથે વાત થયા બાદ બે દિવસ સુધી એમનો ફોન ન આવતા મેં ફરી ફોન કર્યો, તો એમણે કહ્યું,

-સોરી ભાભી, આ વખતે ઈંગ્લીશ મીડીયમમાં K.G. મા ખુબ જ ધસારો છે. બધાને પોતાના છોકરાઓને સ્માર્ટ બનાવવા છે. મા બાપના પોતાના ઇન્ગ્લીશના  ઠેકાણા નથી ને છોકરાઓને અંગ્રેજ બનાવવા નીકળ્યા છે.
-‘ધેટ ઈઝ નન ઓફ યોર બીઝનેસ’ એવું કહી દેવાની મારી તીવ્ર ઈચ્છાને મેં રોકીને એટલું જ પૂછ્યું,
-તો હવે અમારે શું કરવું?
-તમે કહેતા હો તો ગુજરાતી મીડીયમમાં એડમિશન અપાવી દઉં ?
-નો થેન્ક્સ સમીરભાઈ, અમે નાહકના તમને હેરાન કર્યા. મેં કટાક્ષમાં કહ્યું.
-ઇટ્સ ઓકે. ચાલ્યા કરે. બોલો મારે લાયક બીજું કોઈ કામ ?
-ના રે ના. (મારા ભોગ લાગ્યા તે મેં તમને આ કામ પણ સોંપ્યું.)

પછી તો મારા પતિ જીતુના એક ક્લાયન્ટની મદદથી દીપુને એક સારી સ્કુલમાં  એડમિશન મળી ગયું અને અમે પ્રોફેસર સમીર લોખન્ડવાલા ને ભૂલી પણ ગયા. પરંતુ થોડા સમય પછી અમારા એક કોમન ફ્રેન્ડ રસ્તામાં મળી ગયા, એમણે મારા પતિને કહ્યું, ‘યાર, શું કામ તું એ ‘લોખંડ’ ની મદદ લેવા ગયો ? તારા વિષે એ એલફેલ બોલતો હતો. કહેતો હતો -  ‘હાલતા ને ચાલતા લોક એડમિશન લેવા દોડી આવે છે, તે એડમિશન કઈ રસ્તામાં પડ્યા છે? મફતિયા લોકો સમજતા જ નથી કે દરેક કામના રૂપિયા લાગે છે અહીં.’

પતિદેવે મારી સામે માર્મિક દ્રષ્ટિથી જોયું, અને મેં મારા કાન પકડવાની અદા બતાવીને એમની માફી માંગી. અમને સમીરભાઈની મદદ ન મળી એનું જરાય દુઃખ નથી, એમના નસીબમાં અમને મદદ કરવાનું લખાયું નહીં હોય બીજું તો શું ? પણ વસવસો હોય તો એક જ વાતનો કે – અમને મદદ કરવાની ઉત્સુકતા પૂર્વક  તેઓ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા, તે ‘અહોભાગ્ય’ નો  દિવસ  એમના જીવનમાં હવે  ક્યારેય નહિ આવે.









No comments:

Post a Comment