ઉછીનું. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
ઉછીનું આપવાની કળા
શીખવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરવો પડતો નથી. પરંતુ ઉછીનું લેવાની કળા શીખવા માટે
ઘણા પ્રયત્ન કરવા પડે છે. ‘ટ્રાયલ અને એરર’ ની રીત અપનાવવી પડે છે. કેટલાક આ
કળામાં માહેર હોય છે, પણ એવા ઘણા ઓછા લોકો હોય છે. અહીં એવા બે નમૂના પેશ કરું
છું.
-પલ્લવીબેન, ચપટીક
લોટ આપજોને જરા, હું મૂઈ કાલે ઉતાવળમાં લોટ દળાવવાનું ભૂલી ગઈ.
-લોટ કઈ રીતે
દળાવાય, આભાબેન?
-તમે ભારે રમૂજી છો
પલ્લવીબેન. લોટ દળાવવાનું એટલે કે ઘઉં દળાવવાનું. આજે સાંજે દળાવીશ ત્યારે પાછો
આપી જઈશ.
-શું પાછું આપશો, આભાબેન?
-ઘઉંનો લોટ વળી.
-અરે હોય? ચપટીક
લોટમાં વળી પાછું શું લેવાનું?
-એ તો ચપટીક લોટ
એવું કહેવાય, તમે જ કહો, હું એમ કહું કે એક ડબ્બો
ભરીને લોટ ઉછીનો આપજોને, તો સારું લાગે?
--ન જ લાગે વળી.
-જો કે મને ખબર છે
કે તમે બહુ ઉદાર દિલના છો. હું ચપટીક લોટ માગું તો પણ તમે ડબ્બો ભરીને આપી દો એવાં
છો.
-મારા વિષે ઘણાને
ઘણી ગેરસમજો છે, આભાબેન.
-પણ હું તો તમને
સારી રીતે સમજુ છું, પલ્લવીબેન. તમે એક મહાન લેખક તો છો જ સાથે સાથે ખુબ ઉદાર
દિલના વ્યક્તિ પણ છો. ચપટીક લોટ આપવાનું તમને શોભે પણ ખરું? અને આમ જુઓ તો ચપટીક
લોટની તો રાબ પણ ન થાય. તો પછી આપીએ ત્યારે ઉદાર દિલે જ કેમ ન આપીએ? શું કહો છો
તમે?
-બરાબર છે. આજ સુધી
મેં તમને ઉદાર હાથે (ઉદાર દિલે કહું તો એ અર્ધસત્ય હોય, આ બાબતમાં મારું દિલ મારા
હાથ સાથે નથી.) કાંદા, બટાકા, લસણ, ટામેટાં, મીઠું, ચા, રાઈ, જીરું, તલ, ચણાનો અને
ઘઉંનો લોટ વગેરે વગેરે...અરે ! કપાળ પર ચોટાડવાના ચાંદલા સુધ્ધાં આપ્યા જ છે ને?
અને આપ્યા પછી ક્યારેય એ વસ્તુઓ પાછી માંગી છે? (એ વાત જુદી છે કે તમે ‘ઉછીનું’
કહીને આ બધું લઇ જાવ છો એટલે એ ‘પાછું આપવું જોઈએ’ એવી મારા મનમાં ધારણા બંધાતી
હતી. પણ પછી તમને ઓળખી ગયા પછી તો એ પણ મેં છોડી દીધી છે.)
-એટલે જ તો કહું
છું કે તમે ઘણા ઉદાર છો. પેલી બાજુવાળી રીનાડી તો બહુ કંજૂસ છે. કઈ પણ માગીએ તો ધડ
દેતીકને ના પાડી દે છે. બોલો, આ રીતે કોઈને ચોખ્ખી ના કહેવાય?
-ન જ કહેવાય, એણે
કઈ પણ બહાનું કાઢી દેવું જોઈએ.
-એ જ તો. ઠીક, તો
પછી ડબ્બો મોકલું છું.
-ડબ્બો, શાનો
ડબ્બો?
-લોટનો ડબ્બો, તમે
મને ડબ્બો ભરીને લોટ આપવાના છોને?
-અરે, હા હા.
મોકલોને.
-સાંજે પાછો મોકલીશ
હો.
-એની જરૂર નથી.
(મને ખબર છે કે તમે ખાલી ખાલી જ કહી રહ્યા છો) બીજે રહેતા હતા ત્યારે આવકના દસ ટકા અમે
જરૂરીયાતમંદોને દાન કરતા હતા. પણ હવે મારે અહી આવ્યા પછી મંદિરમાં એ માટે જવાની
જરૂર રહી નથી.
-હે? હા હા. બહેન
તમે તો ઉદાર પણ ખરા ને ધાર્મિક પણ ખરા.
* *
*
-મનુભાઈ, આજનો દિવસ
તમારી કાર વાપરવા આપજોને.
-કેમ, તમારી કાર
ક્યાં ગઈ ? બગડી ગઈ છે?
-નારેના. કાર તો એ
પડી ઘરે અને ચાલુ જ છે. પણ આ તો શું,
ટી.વી. ખરીધું છે તે લેવા જવાનું છે. મારી જૂની કારના બદલે તમારી નવી કાર
લઈને જાઉં તો વટ પડે ને.
-એ તો ઠીક. પણ
આજકાલ તો બધા જ ટી.વી. વાળા ફ્રી હોમ ડીલીવરી આપે છે.
-જાણું છું, પણ
મારે તો જાતે જઈને ટી.વી. બરાબર ચાલે છે કે નહિ તે ચેક કરીને લેવું છે.
-પણ મારે ઓફીસ
જવાનું છે, અને રોજ હું મારી કાર લઈને ઓફીસ જાઉં છું.
-તે જજોને. એક દિવસ
મારી કાર લઈને જશો તો શું બગડી જવાનું છે.
-તમારી કાર. આગળ
એકવાર આ રીતે તમે કાર એક્સચેન્જ કરેલી ત્યારે તમારી કાર રસ્તામાં જ બગડી ગયેલી.
કેટલા ધક્કા માર્યા તો પણ ચાલુ જ ન થઇ. છેવટે મારે તમારી કારને રસ્તામાં મૂકીને
રીક્ષામાં ઓફીસ જવું પડેલું.
-પડોશી માટે તમે
એટલું તો કરી જ શકોને? ચાલો, એવું પણ ન કરવું હોય તો હું તમને ઓફિસે ઉતારીને પછી
મારું ટી.વી. લેવા જઈશ, બસ? મારા માટે તો
‘પહેલો સગો પાડોશી’
-મારા ભોગ લાગ્યા
તે હું તમારો પાડોશી બન્યો.
-એમાં આટલા ગરમ શું
થવાનું? આ તો તમારા મિત્રના વટનો સવાલ છે.
-વટનો જ સવાલ હોય
તો એક કામ કરજો, અનિલભાઈ. ટીવી. લેવા જાવ ત્યારે રસ્તામાંથી બેન્ડવાજા વાળાને ય લઇ
જજો.
-કેમ?
-તમે મારી નવી
ગાડીમાં તમારું નવું ટી.વી. ..... અરે, અનિલભાઈ, ટીવી. તો નવું જ લીધું છે ને?
-ઓફકોર્સ, એકદમ
બ્રાન્ડ ન્યુ કલર ટી.વી. લીધું છે, બંદાએ...
-તો ઠીક, તમે
ગાડીમાં ટી.વી. લઈને આવતા હોય અને બેન્ડવાજાવાળા આગળ ..આગળ.. એક દો તીન.. વગાડતા
હોય.. એ ય ને વટ પડી જાય તમારો તો.
-અરે વાહ !
એક્સેલન્ટ આઈડીયા, આપો રૂપિયા ૨૭૫૦.
-શાના રૂપિયા?
-બેન્ડવાજા વાળાના.
-અનિલભાઈ, ‘જિસ કી
જૂતી ઉસ કા સર?’ મજાક કરો છો?
-શરૂઆત કોણે કરી? ચાલો
હવે, લાવો કારની ચાવી. અને હા, સાંજે વહેલા આવજો, ઘરે પાર્ટી રાખી છે.
-એના કેટલા પૈસા
આપવાના છે?
-તમારી આ રમૂજ
કરવાની રીત મને ખુબ ગમે છે. આવજો.
-ભલે. ( છૂટકો છે?)
સરસ વાત. અહીંયા પ્રદેશ માં આવા વાટકી વહેવાર હોતા જ નથી.
ReplyDeleteહા એક વાત જરૂરથી કહીશ કે અહીંયા કોઈ ને પોતાની બાયડી આપો તો ચાલશે પરંતુ ગાડી ના અપાઈ. કેમ કે ગાડી માં નુકસાન થશે તો દેખાઈ આવશે જયારે બાયડી માં.
કોઈ સુરતી પાસે બસ્સો રૂપિયા ઉછીના માગો એટલે પહેલાં તો ગાળ જ સાંભળવા મળે. ‘(ગાળ) પૈહા જ કાં ? લાવની કોઈની પાંહે ઓ’ય તો ? મને જ જોઈતા છે !’ પછી તમે કહો કે બસ્સો રૂપિયાની ખરેખર જરૂર છે, ત્યારે એ ખિસ્સા ફંફોળવા લાગશે, ‘જોમ…. ગજવામાં ઓ’ય તો….’ એક ખિસ્સામાંથી ચાર આની નીકળશે. બીજા ખિસ્સામાંથી બબ્બે રૂપિયાની બે ખખડધજ નોટો નીકળશે. તમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હો ત્યાં ત્રીજા ખિસ્સામાંથી પાંચસોની નોટ નીકળશે !
ReplyDelete‘ડેહું… ડેહું પૈહા તો ડેહું ! પણ હારા આ તો પાન્સોની નોટ ડેહં ! તને તો બસ્સો જ જોઈતા છે નીં ? ચાલ કંઈ નીં, આ પાન્સોની નોટ જ લઈ જાની !’ એમ કહીને તમારા ખિસ્સામાં પાંચસોની નોટ ખોસી દેશે !
- Thanks, Nareshbhai Baxi (on Face Book)