Wednesday, 19 April 2017

એક લેખિકાનો ભ્રમ.

એક લેખિકાનો ભ્રમ.        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-તને દાંતનો દુખાવો હતો અને તું ડેંટીસ્ટ પાસે જવાની હતી, તેનું શું થયું ? જઈ આવી?
મારી એક ખાસ મિત્ર હર્ષાએ મને ફોન કરીને પૂછ્યું.
મેં થોડા દિવસો પહેલાં જ મારા બ્લોગ પર ‘દાંતનો દુખાવો’ નામનો લેખ મુક્યો હતો. મને થયું, હર્ષાએ એ લેખ વાંચીને મને ફોન કરીને ખબર પૂછી લાગે છે.
હું ઉત્સાહમાં આવી ગઈ, ખુશખુશાલ થઇ ગઈ, એટલા માટે નહીં કે ડોકટરે મારા દાંતનો દુખાવો મટાડી દીધો હતો, પણ એટલા માટે કે મારી ખાસમખાસ ફ્રેન્ડે મારો લેખ વાંચીને મને ફોન કર્યો હતો.
શેક્સપિયર નામના લેખક તો કહી ગયા છે, કે ‘What’s there in a Name ?’  મતલબ ‘નામમાં તો શું છે ?’ તે છતાં આપણે સૌ આપણા નામના ખુબ જ પ્રેમમાં હોઈએ છીએ. મારા લેખની સાથે છપાયેલું મારું નામ વાંચીને,  વર્ષો પછી આજે પણ મને એટલો જ અવર્ણનીય આનંદ થાય છે.
હું ૧૧ માં ધોરણમાં (જૂની એસ એસ સી) માં હતી ત્યારે બીજા વાર્તાકારોને જોઇને મને પણ  એકવાર વાર્તા લખવાનો ચસકો ઉપડ્યો. મેં વાર્તા લખી અને સુરતથી કુરિયર દ્વારા અમદાવાદના એક જાણીતા સ્ત્રી સાપ્તાહિકને મોકલી. મારી વાર્તા છપાઈ તો ખરી, પણ મારા બદલે કોઈક બીજા જ લેખકને નામે. એ જોઇને મને આઘાત લાગ્યો.
મારા પપ્પાની સલાહથી મેં કુરિયર દ્વારા મારી ફરિયાદ અને વાર્તાની  લખાણની મારી કોપી એ સાપ્તાહિકને મોકલી, પણ એમણે કઈ જવાબ ન આપ્યો. ખેર! મેં એમ માનીને સંતોષ માન્યો કે, ‘પ્રસિદ્ધ સાપ્તાહિકમા છપાઈ શકે એવી વાર્તા મને પણ લખતા આવડે છે ખરી.’ બાકી તો આ પંક્તિ લખનાર કવિએ કેટલું સરસ કહ્યું છે, ‘શ્રધ્ધાનો જ હોય વિષય તો પુરાવાની શી જરૂર ? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી હોતી નથી.’
લગ્ન પછી તો હું ‘હાસ્યલેખો’ લખવાના રવાડે ચઢી ગઈ, સુખી લગ્નજીવનની એ આડઅસર હશે ? જે હશે તે, એમાં મારા ઘણા શુભચિંતકોએ મને પ્રોત્સાહન આપ્યું. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મારા હાસ્યલેખોના  ચાર પુસ્તકોમાંથી બે પુસ્તકોને (પહેલું અને ચોથું પુસ્તક) હાસ્ય વિભાગનું ઇનામ પણ આપ્યું. (આ માહિતી છે કે માર્કેટીંગ ? જે ગણો તે, જમાનો જ માર્કેટિંગ નો ચાલે છે ને ?)  
મારા મુંબઈના વસવાટ દરમ્યાન ‘લેખિની’ સંસ્થાએ મારી લઘુકથા  ‘ત્રીજી દીકરી’ ને ઇનામ આપીને મને વાર્તા લખવા પ્રોત્સાહન આપ્યું. અમદાવાદ આવ્યા પછી ‘મમતા’ મેગેઝીને મારી લાંબી વાર્તા ‘સ્વાગતની તૈયારી’ ને ઇનામ આપ્યું. હું પહેલેથી જ અતિનમ્ર અને સરળ સ્વભાવની, એટલે ‘મારા હાસ્યલેખો અને વાર્તા કોઈ ઇનામના મોહતાજ નથી’, એવું કહેવાને (કે માનવાને) બદલે, એનાથી પ્રોત્સાહિત થઈને હું  લાંબી અને ટૂંકી વાર્તાઓ પણ લખતી થઇ. હજી પણ વાર્તા લખવાની કોઈપણ ‘ઇનામી સ્પર્ધા’ વિષે જાણીને મારું મન ખુબ જ પ્રફુલ્લિત થઇ જાય છે, જો કે હવે મારામાં ઇનામની લાલચ કરતા આળસ વધી જાય, ત્યારે  હું એમાં ભાગ નથી લેતી એ વાત જુદી છે, બાકી મને વાર્તા લખવાની મઝા તો ખુબ આવે છે.
પણ ગયા વર્ષે સાહિત્ય અકાદમીએ પ્રખ્યાત હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટને, અને આ વર્ષે સ્વ. શ્રી તારક મહેતાને હાસ્યનો  સર્વોચ્ચ એવોર્ડ, ‘રમણલાલ નીલકંઠ પારિતોષિક’ આપ્યો, તે પછી મને થયું કે મારે મારી આડે પાટે ચઢી ગયેલી ગાડીને ઠેકાણે લાવીને હાસ્યલેખો લખવા ખુબ મહેનત કરવી જોઈએ.
ખેર ! આ તો બધી આડવાત થઇ, આપણે આ લેખની આડે પાટે ચઢી ગયેલી ગાડીને  ફરી પાટે ચઢાવીએ.
-અરે વાહ હર્ષા! તેં મારો હાસ્યલેખ ‘દાંતનો દુખાવો’ વાંચ્યો?
-તું તો જાણે જ છે  કે મને હાસ્યલેખો  કરતા આધ્યાત્મિક લેખો વાંચવાના વધુ ગમે છે, તો પછી તને એવો ભ્રમ શાથી થયો કે મેં તારો લેખ વાંચ્યો ?
-જો તેં મારો લેખ ન વાંચ્યો હોય તો પછી તને મારા દાંતના દુખાવાની ખબર શી રીતે પડી?
-અરે ! તેં જ તો કહ્યું હતું મને વોટસએપ પર. ( ઢન્ઢેરો પીટીને તું પોતે જ ભૂલી ગઈ કે?)
એણે મારી (એક લેખિકાની)  ખુશાલી ના ફૂગ્ગામાં વાસ્તવિકતાની  ટાકણી મારીને બધી હવા કાઢી નાખી. ઠીક છે, ‘દોસ્તીમાં સો ગુના માફ’, એમ સમજીને હું એને મારી દાંતના ડોકટરના દવાખાનાની મુલાકાતની દાસ્તાન સંભળાવવા ઉત્સુક થઇ.
-સાંભળ હર્ષા, મેં સવારે જ દાંતના ડોક્ટરને ફોન કરેલો, પણ સાંજ સુધી ...
-તારી સવારથી સાંજ સુધીની હિસ્ટ્રી જાણવામાં મને રસ નથી, મારી પાસે એટલો ટાઈમ પણ નથી, એટલે તું ટૂંકમાં જ પતાવ...એણે મારા ઉત્સાહ પર ઠંડુ પાણી રેડ્યું.
-તો પછી મને પણ મારી કોઈ વાત તને કહેવામાં રસ નથી... એના રુક્ષ શબ્દોથી ઘવાઈને મેં મોં ફુલાવીને અવાજમાં રીસ ઉમેરીને  કહ્યું.
-અરે, અરે. તું તો ખોટું માની ગઈ. ચાલ, સંભળાવ તારો દંતકિસ્સો. અત્યારે હું ફ્રી જ છું, અને મેં ફોન પણ  JIO પરથી જ કર્યો છે, એટલે કોઈ ચાર્જ તો લાગવાનો નથી.
-અચ્છા ? એટલે ચાર્જ લાગવાનો હોત તો તું મારી વાત સાંભળવાનો ઇનકાર કરત, એમ જ ને ?
-અરે, એવું તે હોતું હશે? સાંભળ, ગાંડી. હું તો મજાક કરતી હતી.
-હા, અને મજાક મજાકમા તેં મને ‘ગાંડી’ પણ કહી દીધી એમ જ ને?
-જો, સાચી વાત તો એ છે કે તું મારી ખાસમખાસ ફ્રેન્ડ છે. મારે તારા સિવાય બીજી કોઈ ક્લોઝ  ફ્રેન્ડ નથી,  જેની સાથે હું મારા દિલની તમામ વાતો શેર કરી શકું. વાત કરવામાં એક તું છે અને એક મારો ગ્રાન્ડસન. બસ બે જ સાથે મારે ફોન પર વાત કરવાની હોય, એટલે હવે રીસાયા વિના વાત કર, સમજી?
-તારી સાથેની ‘લમણાઝીંક’ મા મારે સમય ક્યાં પસાર થઇ ગયો તે ખબર જ ન પડી. એક તો મારું ઘરનું કામ પણ બાકી રહી ગયું, અને બીજું,  દાંતના ડોક્ટરની મુલાકાતનો સમય પણ થઇ ગયો,  એટલે મારી દર્દભરી દાસ્તાન દવાખાને થી પાછી આવીને તને સંભળાવું છું, ઓકે ?
-ભલે, પણ સાંભળ, જો દવાખાનેથી આવ્યા પછી ડોકટરે થોડો સમય  બોલવાની ના પાડી હોય તો, પુરતો આરામ કરી લઈને પછી ફોન કરજે, આપણે તો તબિયત પહેલા પછી બીજું બધું, ખરું કે નહીં? 
-હાસ્તો વળી.
-ચાલ તો પછી મોડેથી વાત કરીશું, બાય બાય.
-બાય બાય.  
       


No comments:

Post a Comment