આંધળે બહેરું કુટાયું. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-દોસ્ત, તારે મારી
સાથે એક જગ્યાએ આવવાનું છે. મેં મિત્રના ખભે ધબ્બો મારતા કહ્યું.
-અરે ! બંદા એક શું
એકવીસ જગ્યાએ આવવા તૈયાર છે, ચાલ, બોલ ક્યા જવાનું છે? એણે અતિ ઉત્સાહમાં આવીને
મને વળતો ધબ્બો મારતા કહ્યું. એ ઊભો થઇ ગયો અને મને પણ હાથ પકડીને લગભગ મારા ઘરની
બહાર ખેંચ્યો.
-અરે, અરે ! જરા
ધીમો પડ યાર. જ્યાં જવાનું છે ત્યાં આજે નથી જવાનું, આવતી કાલે જવાનું છે.
-ઊંહ ! કાલની વાત
કાલે. આજે આજની વાત કર. એ પાછો આરામથી સોફામાં ગોઠવાઈ ગયો.
-એ જ કહું છું,
સાંભળ. આજે જેવો આવ્યો છે એવો રઘલા જેવો કાલે આવશે તો નહીં ચાલે, સમજ્યો?
-ન સમજ્યો. વોટ ડુ
યુ મીન બાય – ‘રઘલા?’
-રઘલાનો મતલબ ‘લઘર –
વઘર.’ જરા સારા કપડા પહેરીને ફાંકડો તૈયાર
થઈને આવજે. ચહેરા પરના આ થોરિયા સારા નથી લાગતા. એને લીધે તું ‘ઇન્ડિયા’સ મોસ્ટ
વોન્ટેડ’ જેવો લાગે છે.
-તું ય શું યાર,
મારી બૈરી જેવું બોલે છે. જવાનું ક્યાં છે
? કોઈ કંપનીમાં ઈન્ટરવ્યું આપવા જવાનું છે
?
-ઈન્ટરવ્યુ આપવા
નહીં, ઈન્ટરવ્યુ લેવા જવાનું છે.
-કોનો ઈન્ટરવ્યું
લેવા જવાનું છે અને શા માટે?
-છોકરીનો ઈન્ટરવ્યુ
લેવા જવાનું છે, પરણવા માટે.
-શું ? પરણવા માટે ? ના,
બાબા ના. શાદી તો બરબાદી હૈ, ગુમ હો જાતી આઝાદી હૈ. એકવાર પરણીને હું પસ્તાયો છું, ત્યાં બીજીવારની
આફત કોણ ઉઠાવે ? બે બૈરાવાળા પુરુષોની દશા જોઉં છું તો મને દયા આવે છે. અને સાંભળ,
આમ પણ હિંદુ લગ્નધારો બીજી પત્ની કરવાની પરમિશન નથી આપતો. અને આપતો હોય તો પણ મારે
એ જફા નથી જોઈતી. પણ એક વાત કહે, તું જ શા માટે પરણી જતો નથી?
-લોચા ન માર યાર,
અને તારી આ બકબક બંધ કર. તને એ જ વાત કહી રહ્યો છું. છોકરી તારા માટે નહીં, મારા માટે જ જોવા જવાનું
છે.
-તો પછી મને સરસ
રીતે તૈયાર થઈને આવવાની સૂચના શા માટે આપી?
-છોકરીવાળા પર આપણો
વટ પડવો જોઈએ કે નહિ? આ વધેલી દાઢીમાં તું બકરા જેવો લાગે છે, જરા સારો તૈયાર થાય
તો માણસ જેવો તો લાગે.
-તો ઠીક, હું તો
એવો ઘભરાઈ ગયેલો, મને થયું કે તું મને
‘બલિનો બકરો’ બનાવવા માંગે છે.
હવે તો ખબર પડી ને
કે ‘બલિનો બકરો’ તારે નહીં મારે થવાનું છે ?
-હા, ચાલ જાઉં,
કાલે આવીશ.
બીજે દિવસે એની
સાથે હું ‘સાહસ ખેડવા’ એટલે કે લગ્ન માટે કન્યાને જોવા નીકળી પડ્યો.
-અલ્યા, છોકરીનું
ઘર ક્યા આવ્યું તે તો જોયું છે ને ? એણે મને પૂછ્યું.
-હા, જોયું છે. પારુલે
એડ્રેસ પણ આપ્યું છે.
-અચ્છા, કેવી છે
છોકરી?
-પારુલ કહેતી હતી,
‘છોકરી ખુબ સુંદર છે, ખાસ કરીને એની આંખો. ભાઈ તમે એની આંખો જોશો તો તમને ગીત યાદ
આવશે, હમ કો તો જાનસે પ્યારી હૈ તુમ્હારી આંખે, હાય કાજલભરી....’
એણે મારો હાથ
પકડીને સાઈડમાં ખેંચી લીધો ન હોત, તો છોકરીના ખ્યાલમાં ખોવાયેલો હું રસ્તામાં ભેંસ
સાથે અથડાઈ પડત.
-હા, બોલ હવે,
પારુલ શું કહેતી હતી એ છોકરીની બાબતમાં?
-પારુલે કહ્યું કે - ભાઈ, તમે છોકરીને જોશો તો એનું નામ ‘અલ્પના’
બદલીને ‘ઐશ્વર્યા’ રાખી લેશો એવી સુંદર છે. અલ્પના, કેટલું
સરસ નામ છે, નહીં?
-પેલો કોણ... ?
નેપોલિયન જ ને ? એ કહી ગયો છે, ‘વોટ્સ ધેર ઇન અ નેમ?’
-અલ્યા, નેપોલિયન
નહીં, એ વાત શેક્સપીયર કહી ગયો છે.
-જ્યારે નામનું જ
મહત્વ નથી, ત્યારે એ નેપોલિયન કહી ગયો હોય કે શેક્સપીયર, શું ફરક પડે છે ?
-એ વાતેય સાચી. એની
ચર્ચા આપણે પછી કરીશું, લાગે છે કે એનું ઘર આવી ગયું છે.
અમે ઘરના ઓટલા પર
ઉભેલા આધેડ વયના સન્નારીને એડ્રેસ પૂછવાનો વિચાર જ કરતા હતા, ત્યાં ખુબ જ ઉમળકાભેર
અમને આવકારતા એમણે કહ્યું, ‘અરે, તમે લોકો આવી ગયા ? આવો આવો. અમે તમારી જ રાહ
જોતાં હતા. અમને લાગ્યું કે અમે બરાબર ઠેકાણે જ પહોચી ગયા. જરા સંકોચવશ અમે
ઘરપ્રવેશ કર્યો.
ત્યાં બે ભાઈઓ અને
એક બહેન બેઠા હતા, બધાને હાથ જોડીને પ્રણામ કરીને અમે સોફામાં બેઠા. પેલા ઓટલાવાલા
આધેડ નારીએ રસોડા તરફ જોઇને બૂમ પાડી, ‘ટીનુ, બેટા. મહેમાનો આવી ગયા છે, ચા –
નાસ્તો લાવજે તો જરા.’
ટીનુ મલપતી ચાલે ચા
નાસ્તાની ટ્રે સાથે પ્રવેશી. ટ્રે ટીપોઈ
પર મુકીને એણે મારી સામે ચાનો કપ ધર્યો અને સ્માઈલ આપ્યું. અમારી નજરો મળી,
અને હું ધ્રુજી ઉઠ્યો, કપમાંથી ચા
રકાબીમાં છલકાઈ ગઈ. મેં મિત્રની સામે જોયું, એની નજરમાં રહેલો પ્રશ્ન મેં વાંચી
લીધો.
આશ્ચર્ય અને આઘાત
પચાવી અમે જેમતેમ ચા નાસ્તાને ન્યાય આપી, રૂઢિગત વાતચીત પચાવી ફટાફટ બહાર નીકળ્યા.
રસ્તામાં મારા મિત્રે એની થનાર ભાભીને ‘લાખોમાં એક’ ગણાવી મારી ભરપુર મજાક ઉડાવી. અમે ઘરે પહોંચ્યા
એટલે મમ્મીએ પૂછ્યું,
-કેમ, બેટા. આવી
ગયા ? કેવી લાગી છોકરી?
- અરે, પૂછો છો
કેવી લાગી ? આવી મજાક તે હોતી હશે ? મેં પારુલનો ચોટલો પકડ્યો.
-પણ વાત શું છે
ભાઈ, તે તો કહો – પારુલે ચોટલો છોડાવતા કહ્યું.
-મમ્મી, આ પારુલડી
છોકરીની આંખોના એટલા બધા વખાણ કરતી હતી, જ્યારે છોકરીની આંખો ‘ઉત્તર-દક્ષિણ’
છે.
-ઉત્તર – દક્ષિણ ?
હોય નહીં. મમ્મીએ મૂંઝવણ ભર્યા અવાજે કહ્યું.
-માસી, છોકરી
‘લુકિંગ લંડન – ટોકિંગ ટોકિયો ‘ હતી. વાત આની સાથે કરતી હતી અને જોતી મારા તરફ
હતી.
-યુ મીન બાડી ? હોય
નહીં, ભાઈ. મેં અલ્પનાને બે વાર જોઈ છે, જ્ઞાતિના મેળાવડામાં એકવાર વાત પણ કરી
છે. એની આંખો એટલી સુંદર છે કે ઐશ્વર્યા યાદ આવ્યા વિના રહે જ નહીં. પારુલ બોલી.
-પણ ટીનુને જોઇને
તો અમને ઐશ્વર્યા નહીં, ટુનટુન યાદ આવી.
-ટીનુ ? પણ તમે તો
અલ્પનાને જોવા ગયેલા ને ? ટીનુના ઘરે કેવી રીતે પંહોચી ગયા ?
-કેમ, ટીનુ એ જ
અલ્પના નહીં ?
-નહીં, ટીનુ તો
અલ્પનાની કઝીન છે, બાજુ બાજુમાં જ એમના ઘર છે.
-ઓહ ! હું તો
સમજ્યો કે અલ્પના ને ઘરે બધા ટીનુ કહીને બોલાવતા હશે, એ એનું લાડકું નામ હશે. પણ
તો પછી એની મમ્મીએ અમને આવકાર્યા અને અમારું સ્વાગત કર્યું...
-બંને પક્ષે ગેરસમજ
થઇ લાગે છે, ભાઈ. આજે ટીનુને જોવા પણ એક છોકરો આવવાનો હતો એટલે આવું થયું લાગે છે.
-ઊંહ ! આ તો ‘આંધળે
બહેરું કુટાયું’ મેં કહ્યું.
-કોઈ વાધો નહિ, ભાઈ. હવે તમે પાછા ઉપાડો, મારી ભાભી અલ્પનાને
જોવા માટે. અને હા, ભાઈ. આ વખતે સાચા ઘરે જજો હોં.
નશીબદાર છે આ જમાનામાં, બાકી અમારી આંગળની પેઢીમાં તો લગ્ન પણ થઈ જાય અને પછી કન્યાનું મોં જોવાનું થાય અને આખી જીંદગી નિભાવવાનો વખત આવતો.
ReplyDelete