Tuesday, 29 November 2016

ઉઠમણું.

ઉઠમણું.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સામાન્ય રીતે ઘરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે એનું ઉઠમણું રાખવામાં આવે છે, આને બેસણું પણ કહેવાય છે. બે માંથી કયો શબ્દ વધુ યોગ્ય છે, એ સિધ્ધ કરવા એકવાર બે ભાષા શાસ્ત્રીઓ લડી પડ્યા. ઝઘડો વધીને વાકયુદ્ધ પરથી હાથોહાથની મારામારી પર આવી ગયો, અંતે..  બેમાંથી જે ઉઠમણા ની ફેવર કરતા હતા એનું ઉઠમણું અને જે બેસણાં ની ફેવર કરતા હતા એનું બેસણું રાખવામાં આવ્યું.
‘ચાહે રામ કહો યા રહીમ અલ્લાહ એક હૈ,’  ની જેમ બેસણું કહો કે ઉઠમણું, પ્રસંગ એક જ છે. ખુશીના પ્રસંગે આવે કે ન આવે,  આ પ્રસંગે તો અડોશી પડોશીઓ અને સગા સંબંધીઓ અચૂક આવે જ છે. અને મરનારના સ્વજનોને આશ્વાસન આપે છે.
*ભગવાનને જે ગમ્યું એ ખરું, તમે જનારનો શોક ન કરશો.
*અહીની જેમ ભગવાનના ઘરે પણ સારા માણસોની ખોટ જ હોય છે.
*ધીરજ રાખો, આમ હિંમત હારી જશો તો કેમ ચાલશે?
*કઈ પણ કામકાજ હોય તો કહેજો, સંકોચ ન કરશો.
*તમે જ જો આમ કરશો તો બિચારા છોકરાં ક્યા જશે?
  (છોકરાંઓ તો ક્યારના થીયેટરમાં ફિલ્મ જોવા ગયાં)
સામાન્ય રીતે ‘મરનારનું બેસણું અમુક દિવસે અમુક સમયે અમુક જગ્યાએ રાખવામાં આવ્યું છે,’ એવી જાહેર ખબર  ન્યુઝપેપરમાં આપવામાં આવે છે. ઘણા તો સાથે સાથે પોતાની ડીગ્રીની કે પોતાના ધંધાની જાહેરાત પણ કરી દેતા હોય છે.
એક મરનારની વિધવાએ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી:
‘મારા પતિના મૃત્યુ પ્રસંગે હાજર રહેનાર, તેમ જ શોક સંદેશ પાઠવનાર તમામ વ્યક્તિઓનો હું આભાર માનું છું.’ લિખિતંગ: રેશમા, ઉમર વર્ષ ૪૨, ગોરો વાન, ૫’૮’’ હાઈટ, 3BHK ફ્લેટની માલિક અને મરનારની એક માત્ર વારસદાર’ 
જોકે શુભ પ્રસંગે જોવાય છે, એમ બેસણું રાખવામાં મુહુર્ત કે ચોઘડિયું જોવાતું નથી. પહેલાના વખતમાં તો પોસ્ટ કાર્ડ પર ‘લૂગડાં ઉતારીને વાંચવું’  એમ લખીને કે ઉપરના છેડે ‘અશુભ’  લખીને એની નીચે લાલ લીટી દોરીને સગા વહાલાઓને મોકલવામાં આવતું. હવે તો ટેલીફોન અને મોબાઈલ આવી ગયા પછી તો ડાયરેક્ટ ફોન જ કરી દેવામાં આવે છે. થોડા દિવસો મા સગા વહાલાઓ આવીને ખરખરો કરી જાય અને બારમાં તેરમાની વિધિઓ પતી જાય એટલે ઘરના લોકો છુટ્ટા.
જેના ઘરમાં ઉઠમણું રાખ્યું હોય એના ઘરમાં ડ્રોઈંગ રૂમમાંથી ફર્નીચર ખસેડીને, જગ્યા હોય તો બાજુની રૂમમાં અને નહીતર પાડોશીઓને ત્યાં મૂકી દેવામાં આવે છે, આખી રૂમમાં શેતરંજી પાથરી દેવામાં આવે છે, પુરુષ સભ્યો સફેદ કફની પાયજામો અને સ્ત્રી વર્ગ સફેદ સાડી કે ડ્રેસ પહેરે છે, એક ટીપોઈ પર મરનારનો ફોટો મુકીને, ફૂલોની માળા કે સુખડનો હાર લગાવવામાં આવે છે. ત્યાં છુટા ફૂલો મુક્યા હોય છે, દીવો સળગાવવામાં આવે છે, અને અગરબત્તી કરવામાં આવે છે.
ફોટાની એક બાજુ સ્ત્રી વર્ગ અને બીજી બાજુ પુરુષ વર્ગ બેસી જાય છે. ‘મગજ કેટલો બનાવડાવવાનો છે, કોને કોને ત્યાં અને કેટલો મોકલવાનો છે?’ વગેરે ચર્ચા ચાલતી હોય છે. જેવું કોઈ બહારથી આવતું લાગે કે આ ચર્ચા બંધ થઇ જાય છે, બધાના મો ગરીબડા બની જાય છે, પાંપણો ભીની થઇ જાય છે. જુના લોકો તો પોક(મોટેથી રડવું અને બોલવું) પણ મુકે છે, ‘ઓ મારા વાલીડા રે..અમને મુકીને તમે ક્યા જતા રહ્યા રે..તમને અમારી જરાય દયા ન આવી રે..’ મરનારનો જીવ જો ભૂલેચૂકે ત્યાં આસપાસ ભટકતો હોય, તો આ મરણ ચીસ સાંભળીને ઘભરાઈ ને ભાગી જ જાય.
ઉઠમણામા આવનાર પણ શેતરંજી પર નીચા મોઢે બેસી જાય, પછી ઘરના સભ્યો સાથે નજર મળે તો બંને પક્ષે કઈ ખોટું કર્યું હોય તેમ નજર ઝુકાવી દે, આમ ને આમ પાંચ – સાત મિનીટ બધા  ગૂંગળાઈ મરે. ફરીવાર નજરો મળે  એટલે ‘નમસ્તે’ ની મુદ્રામાં હાથ જોડીને આવનાર ઉભા થઇ બહાર નીકળી જાય, અને ખુલી હવામાં એકાદ બે ઊંડા શ્વાસ ખેંચી લે.
ઉઠમણામા  આવનાર વ્યક્તિ જો બોલકી હોય તો ઘરનાને પૂછે, ‘આમ કેમ કરતા થયું?’ બસ, પછી તો જોઈએ જ શું? ઘરની વ્યક્તિ પોતે આ ઘટનામાં તદ્દન નિર્દોષ છે, એ પુરવાર કરવા મચી પડે. રૂમાલથી કોરી આંખોના આંસુ લુછી, નાક નસીકી કહે: ‘કાલ સુધી તો મારા સસરા સાવ સાજા સમા હતા, નખમાં ય રોગ નહોતો, મને બાસુંદી બનાવવાનું કહ્યું તો મેં તરત જ બનાવી આપી,  એમણે બે વાડકા બાસુંદી ખાધી, અને આજે સવારે અચાનક ..ઓ બાપુજી રે...’  ડુસકા..
બહાર આવીએ ત્યારે ગલીના નાકે, એની પાડોશણ મળે તે કહે, ‘સાવ જૂઠ્ઠાડી છે એ તો, સસરાએ બાસુંદી બનાવવાનું કહ્યું તો એમને ધરાર ના પાડતા બાઈએ કહ્યું કે, પચતું તો છે નહિ અને ખાવાના ધખારા થાય છે, ઝાડા થઇ ગયા તો સાફ કોણ કરશે?’
ખરખરો કરવા કોણ આવ્યું અને કોણ નહિ એની ઘરના માણસો નોંધ રાખતા હોય છે. અને જે ન આવ્યા હોય એના ઘરે બેસણામાં ન જવું એવું નક્કી કરવામાં આવે છે. મરનાર જો ઘરડી વ્યક્તિ હોય તો, સ્મશાનમાં મગજ કે લાડુ અને ગાંઠીયા નો નાસ્તો વહેંચવામાં આવે છે, ખાસ કરીને સુરતીઓ આ બાબતમાં ખુબ ખેલદિલ છે.
મરનાર બાઈનો પતિ યુવાન હોય અને સ્મશાને ન આવે, તો એ ફરી પરણશે એવી અટકળ થાય છે, અને કન્યાના મા બાપ આ વાત ધ્યાનમાં રાખે છે. ઘણીવાર તો સગાઓ દ્વારા ત્યાં જ માગાં પણ નખાઇ જાય છે. એક બહેનની સાસુનું બેસણું હતું અને એ ખુબ રડતી હતી, કોઈના થી ય કેમેય કરીને છાની જ નહોતી રહેતી. આખરે એની એક બહેનપણીને બોલાવવામાં આવી.
મન્ગુ: અલી ચંપા, તારી હાહુ તો હાવ વઢકણી ઉતી, તો એના નામનું આટલું બધુ તુ કાં રડે?
ચંપા: તો હું થયું? આખરે તો એ મારી હાહુ ઉતી કે ની?
મન્ગુ : હોવે, પણ હાંભળ્યું સ કે ઈ તને હખે ધાન હો ખાવા ની દેતી ઉતી?
ચંપા: હાવ હાચી વાત સે, બુન.
મન્ગુ: તો પસી આમ આભ ફાઇટુ ઓય ઈમ રોવે સે કાં?
ચંપા: આ ઈ જ વાતનું તો દુઃખ સે ને, જાં હુધી મારી હાહુ મને કે’ નઈ કે તારા બાપને તાંથી લાવી સે કે આમ ઝાપટે રાખશ? તાં હુધી મને ધાનનો એક કોળીયો ય ગળે નઈ ઉતરે, ઓ મારી હાહુ રે..

                                                                  



Tuesday, 22 November 2016

સુરત તારી મૂરત.

સુરત તારી મૂરત.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સુરત શહેર એની બે મુખ્ય પૈદાઇશ માટે પ્રખ્યાત છે. એક તો ઘારી (મીઠાઈ) અને બીજી ગાળ. એમ તો ત્યાં નો પોંક, જીરાળુ, ભૂસું (ચવાણું), ઊંધિયું વગેરે પણ વખણાય છે. પણ ઘારી અને ગાળની બાબતમાં એની કોઈ બરાબરી ન કરી શકે. સુરતીઓના મોંએથી જેવી ગાળો સાંભળી છે, એવી મૌલિક ગાળ બીજે ક્યાંય સાંભળવા નથી મળી.
સુરતીઓ માટે એક જાણીતી પંક્તિ છે:
મોજ શોખને ખાણી પીણી સુરતીલાલા સહેલાણી,
વાડી, ગાડી, લાડી માટે કરી જિંદગી ધૂળધાણી.
અમદાવાદી વેપારી વહેલો ઊઠી નહાઈ-ધોઈને દુકાને જઈ ભગવાનના ફોટાને અગરબત્તીના રાઉન્ડ લગાવતો હોય, ત્યારે સુરતી વેપારી નિરાંતે ઓટલે બેસી દાતણ ચાવતો હોય. અમદાવાદમાં સવારે છ વાગ્યે સ્કુટર લઈને નીકળો તો ગલીના કૂતરાં ભસતાં-ભસતાં દોડતાં આવીને તમને છેક ગલીના નાકા સુધી વળાવી જાય. જ્યારે સુરતનાં કૂતરાં પણ આઠ વાગ્યા વગર ઊઠતાં નથી.
સુતની તો સેલ્સમેનશીપ પણ જબરી, વેપારીને ગ્રાહકની તસુભાર પણ તમા નહીં. અમદાવાદનો વેપારી ગ્રાહકને દ્કાનમા આવતો જુએ તો ચવાણાનું પડીકું અને ચાનો કપ બાજુએ મૂકી, ‘આવો આવો’ કહેતા ઊભો થઇ જાય જ્યારે સુરતીલાલો પોતાની ગાદી પરથી જરાય ચસકે પણ નહીં. ગ્રાહકને ગરજ હોય તો આફૂડો આવે નહીતર જાય તેલ લેવા, આપણને કેટલા ટકા?
સુરતનાં હીરાના ઘસનારા કારીગરો  લાલ, પીળા, લીલા એવા કલરફૂલ અને ઘણીવાર તો ચમકતા કપડાં પહેરે,  મોજા વગર ચમચમતા બૂટ પહેરે. હીરાના વેપારીઓ ખરીદી કરવા જાય ત્યારે ભાવ પૂછ્યા વિના અને બીલનું ટોટલ ચેક કર્યા વિના ખરીદી કરે. અમદાવાદી તો રેસ્ટોરાં માં પણ બીલ ચેક કરીને પૈસા આપે.
સુરતમાં શાકવાળાનું પણ એવું રાજાશાહી ખાતું, અહી અમદાવાદની માફક શાક સાથે મસાલો (કોથમીર-મરચાં)  મફતમાં ન મળે. શાકાવાળીનો મિજાજ પણ સાતમા આસમાને-
-ગુવારશીંગ કેમ આપી બેન?
-તીહ  રુપિયે હેર. (ત્રીસ રૂપિયે શેર/૫૦૦ ગ્રામ)
-આપવાનો ભાવ બોલ ને.
-તે આ આપ્પાનો જ ભાવ સે, લેવાનો ની, હમજી?
-હા સમજી, પેલી સામે વાળી તો પચ્ચીસ રૂપિયે આપે છે.
-તે એની પાંહેથી જ લેની બાઈ, આંઈ હું કામ આવી?
-મારે જેની પાસેથી લેવી હોય એની પાસે લઉં મારી મરજી.
-આવે જા જા મરજીવારી ના જોઈ ઓય તો.
આમ મિજાજ  પરથી શાકવાળી કોણ ને શેઠાણી કોણ  તે સમજવું અઘરું.
સુરત શહેર ની પ્રકૃતિ અને પ્રવૃત્તિ પ્રમાણે જે થોડાં-ઘણાં છોકરાં-છોકરીઓ ભણે છે, એમને બાદ કરતાં બાકીના સોળ વરસે પ્રેમમાં પડે છે. મા-બાપ એમને અઢાર-વીસે  પરણાવી દે છે, અને એ લોકો  બાવીસ ચોવીસના થાય એટલે મા બાપ બની જાય છે.
અહી રજાના દિવસે હોટલો,  દરિયાકાંઠો અને થીયેટરો માણસોથી ઉભરાઈ જાય છે.  રસ્તાઓ પર વાહનો પાર્ક કરીને પ્રેમીઓ પ્રેમાલાપ કરે છે અને ફેમીલી વાળા ભોજનની જયાફત ઉડાવે છે. અહી સીટીબસની સીટો પર ગાદીઓ ટકતી નથી.  સુરતમાં માનવ વસ્તી જે રીતે વધી રહી છે, તે જોતાં લાગે છે કે આગામી થોડા વર્ષોમાં સુરત ‘મીનીચીન’ બની જશે. ત્યાં હાઈરાઈઝ બિલ્ડીંગ જે રીતે બની રહ્યા છે, તે જોતા પણ લાગે છે કે એક દિવસ એ લોકો ડુમ્મસનો દરિયો પૂરીને ત્યાં પણ મકાનો બનાવી દેશે.
સુરતનો ટ્રાફિક પણ માતેલા સાંઢની માફક વકર્યો છે. અહી લોકો ટ્રાફિકના નિયમો જાણતા નથી, જે લોકો જાણે છે તે માનતા નથી. અહી કોઈ પણ વાહન કોઈ પણ દિશામાં ચાલી શકે છે, અને કોઈ પણ સાઈડથી સિગ્નલ બતાવ્યા વિના ઓવરટેક કરી શકે છે. કહે છે કે સુરતમાં જેણે વાહન સફળતાથી  ડ્રાઈવ કર્યું હોય તે આખા ભારત દેશમાં કોઈ પણ સ્થળે વાહન સહેલાઈથી ચલાવી શકે છે.
એક સદગૃહસ્થ ની કારનો એક અભણ સાઈકલ સવાર સાથે એક્સીડન્ટ થાય ત્યારે-
-અલ્યા આંધળો મૂવો છે કે મારી સાઈકલમાં ગાડી અથડાવે છે?
-જુઓ મિસ્ટર, એક તો તમે રોંગ સાઈડે સાઈકલ ચલાઓ છો.
-મારે જાં ચલાવી ઓય તાં ચલાવું, રસ્તો તારા બાપનો છે?
 -એક તો  સિગ્નલ બતાવ્યા વિના વળી જાઓ છો અને ઉપરથી ગાળ બોલો છો?
-આખેઆખી સાઈકલ ને એની પર બેઠેલો ઊં ની દેખાયો તો સિગ્નલ હું દેખાવાનું ઉતું?
અહી ઘણી રીક્ષાના મીટર બંધ હોય છે, એ જે માંગે તે ભાડું પ્રવાસીએ આપી દેવાનું અથવા રકઝક કરવાની. તમે કહેલા ભાડામાં એને ન આવવું હોય તો ના પાડવા પણ ઉભો નહિ રહે, રિસાયેલી પત્નીની જેમ ચાલતી પકડશે. અહીંની સીટી બસ પણ નિયત સ્ટોપ પર જ ઊભી રહેશે એવું નક્કી નહીં. એને સ્થળ-કાળના બંધનો નડતાં નથી.
મારું તો પિયર જ સુરત છે, અને કહેવાય છે કે પિયરનાં તો કૂતરાં પણ વહાલા લાગે. મને પણ સુરત ખુબ પ્રિય છે. કવિ નર્મદ સુરતનાં છે અને આ હાસ્યલેખિકા પલ્લવી મિસ્ત્રી પણ સુરતની જ છે. તેથી પણ સુરત ગણનાપાત્ર શહેર ગણાય.  હવે તો સ્વચ્છતાની દ્રષ્ટિ એ પણ સુરત અગ્રક્રમે છે.
એકવાર અમે વેકેશન ગાળવા સુરત ગયેલા અને ત્યાંથી બે દિવસ માટે નવસારી ગયા હતા. પણ રાજીવ ગાંધીના મૃત્યુના સમાચારથી નવસારીથી તરત પાછા સુરત આવી ગયા. પડોશી અમને મળવા આવ્યા.
-કાં પટેલ (જમાઈરાજ) નહારી ફરી અઈવા? તમે તાં ગીયા ને આંઈ આપણા વડા પરધાન રાજીવ ગાંધી ‘રામ બોલો ભાઈ રામ’ થેઈ ગિયા. (મરી ગયા)
-હા, એટલે તોફાનો થશે એવા ડરથી અમે જલ્દી પાછા આવી ગયા, જમવા પણ ન રોકાયા.
-જમવામાં હું ઉતું?
-રસ-પૂરી-ઢોકળા-ને દાળ-ભાત.
-અરરરર. બહુ ખરાબ થયું નહિ?
-હા, પ્રાઈમ મિનિસ્ટરનું મર્ડર થાય એ તો...
-હું એનું નથી કે’તો. આટલું હારું ખાવાનું મુકીને આવતા રે’વું પઈ’ડું તે કેઉ છું.  
-હેં????


Tuesday, 15 November 2016

પ્રભુના પયગમ્બરો.

પ્રભુના  પયગમ્બરો.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જે વ્યક્તિ પૈગામ (સાચો શબ્દ છે પયામ) એટલે કે સંદેશ (કોઈ ન્યુઝપેપર કે બંગાળી મીઠાઈ નહિ) લઈને આવે છે એને પયગમ્બર તરીકે ઓળખવામાં આવે છે. જેઓ પ્રભુનો પૈગામ લાવે છે, એ પ્રભુના પયગમ્બરો છે.

દાખલા તરીકે – હજરત ઉમર સાહેબ, સંત કબીર, મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરે. ઈંગ્લીશમાં એમને ‘Angel’ અને ગુજરાતીમાં ‘દેવદૂત’ કહેવાય છે. તો પછી સવાલ એ થાય કે જે વ્યક્તિ આપણા મિત્રો કે સગા વહાલાઓના પૈગામ (પત્રો) લઈને આવે છે, એને ‘ટપાલી’ કેમ કહેવામાં આવે છે?

આ સવાલનો જવાબ એ છે કે – પૈગામ લાવવાનું અને આપવાનું કામ જેઓ વિના મુલ્યે કરે છે, એમને જ ‘પયગમ્બર’ નું માનદ  બિરુદ આપી શકાય. જ્યારે ટપાલી તો ટપાલખાતા પાસે પગાર મેળવે છે, ઉપરાંત પ્રસંગોપાત આપણી પાસે બક્ષીસ પણ મેળવે છે, એટલે એને ટપાલી જ કહેવાય, પયગમ્બર નહિ.

કેટલાક લેખકોએ નાના બાળકોને પ્રભુના પયગમ્બરો કહ્યા છે, હું આ વાત સાથે સંપૂર્ણ સંમત નથી. જો બાળકો પ્રભુના પયગમ્બરો હોય, તો એમને આ પૃથ્વી પર મોકલવાનો અધિકાર ફક્ત પ્રભુના હસ્તક જ હોવો જોઈએ, માણસોના નહિ. જ્યારે અહી તો એમને પૃથ્વી પર લાવવાનો અધિકાર માણસના હસ્તક છે, એટલું જ નહિ, એ પયગમ્બર જો ‘બાળકી’ ના સ્વરૂપે હોય તો માણસ ઘણીવાર એને પ્રભુના દરબારમાં ‘સાભાર પરત’ પણ કરી દે છે, એ વાત મને યોગ્ય જણાતી નથી.

કહેવાતા આ ‘પ્રભુના પયગમ્બરો’ નો અભ્યાસ કરતા, ઘણી રમૂજપ્રિય બાબતો મારા ધ્યાનમાં આવી છે: 

પ્રભુના આ પયગમ્બરો દુનિયામાં આવે ત્યારે રડી રડીને પોતાના આગમનની જાણ આજુબાજુના લોકોને કરે છે. આ રીતે તેઓ પૈગામ આપે છે કે – ‘રડીને અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી શકાય છે.’ રડતી વખતે તેઓ ‘ઊઆં ઊઆં’ એવો અવાજ કરીને પ્રભુને કહે છે, ‘હું અહી હું અહી’ (અને તું ત્યાં છે, અમારું ધ્યાન રાખતો રહેજે)
 
જ્યાં સુધી આ પયગમ્બરો બોલવા માટે અશક્તિમાન હોય છે, ત્યાં સુધી ટાણું કટાણું જોયા વગર ગમે ત્યારે (ભલે ને રાત્રીના બે કેમ ન વાગ્યા હોય) રડી રડીને ઘરના ને અને પાડોશીઓને પ્રભુનો પૈગામ સંભળાવવા તત્પર હોય છે. એ તો ભલું થજો એની મમ્મીનું કે એને દૂધ પીવડાવીને, કે ઘોડિયામાં સુવડાવીને શાંત કરી દે છે. આમ તેઓ પૈગામ આપે છે કે ‘માંગણીઓ સંતોષાય નહિ ત્યાં સુધી જંપીને બેસવું (કે બેસવા દેવું) નહિ.’
   
જો કે કોઈવાર રડતા પયગમ્બરો શું પૈગામ આપવા માંગે છે, તે ઘરના લોકો સમજી શકતાં નથી. ઘરના તમામ લોકો  અગત્યના કામો છોડીને એ સમજવાની કોશિશમાં લાગી જાય છે, છતાંય નિષ્ફળતા મળે, ત્યારે એમને ‘ચિલ્ડ્રન સ્પેશીયાલીસ્ટ’ ને ત્યાં લઇ જવા પડે છે. અભ્યાસુ ડોકટરો એમનો પૈગામ સમજી જાય છે, તેથી એમને દુ:ખ  શી વાતે છે તે શોધી કાઢીને, ઈલાજ કરીને એમને શાંત પાડે છે.

આ પયગમ્બરો જેમ જેમ પ્રગતિ  કરતા જાય, એમ એમ ઘરમાં એમનો ત્રાસ વધતો જાય છે. એમને ચત્તા સુવડાવ્યા  હોય ત્યારે, ઉંધા પડવાના થાય, અને પછી પાછા ચત્તા ન થઇ શકે ત્યારે મોટે મોટેથી રડીને બીજાની મદદ માંગે.  આ રીતે તેઓ આપણને શીખવે છે કે – ‘કોઈ કામ આવડતું ન હોય તો પણ એમાં કુદી પડવું અને પછી બીજાની મદદ માંગવી.’

ચાલતાં શીખી જાય એટલે આ લોકો વારંવાર ઘરની બહાર નીકળી જાય છે. એ દ્વારા પ્રભુનો પૈગામ આપે છે કે, ‘આ દુનિયાના મોહ માયા ત્યજીને ચાલી નીકળ’  મોટાઓ એમને અનુસરી શકતાં નથી, એટલે ઇર્ષ્યાવશ તેઓ બાળકોને પણ તેમ કરતા રોકે છે, અને એમને અંદર લઈને દરવાજો બંધ કરી દે છે.

પ્રભુના પયાગમ્બરોને સમયાંતરે ખાવાનું આપવામાં આવે છે, છતાં તેઓ આજન્મ ભૂખ્યા હોય તેમ ચોક, ચૂનો, માટી, રેતી વગેરે જે હાથમાં આવે તે ચીજ મોં માં મૂકી દે છે. તેઓ આ ક્રિયા દ્વારા પૈગામ આપે છે, ‘નિ:સ્પૃહી બનીને જે મળે એ સ્વીકારી લો.’

આમ તો રસોડામાં જવાની એમને મનાઈ હોય છે, છતાં ક્યારેક આપણી નજર ચુકવીને રસોડામાં ઘુસી જઈને, એમનો હાથ પહોંચે ત્યાં સુધીની ચીજ વસ્તુઓ, જેવી કે – ગ્લાસ, વાડકીઓ, કપ –રકાબી ખેંચી પાડે છે. તેલ – ઘી ની બરણી ઉંધી વાળી દે છે, લોટના ડબ્બામાંથી લોટ વેરે છે, કબાટમાની વસ્તુઓ ખેંચી કાઢે છે, અને પછી આ અસ્ત વ્યસ્ત વાતાવરણમાં શાંતિથી બેસીને આનંદથી રમે છે. 

આ વર્તનથી તેઓ મોટાને પૈગામ આપે છે, ‘તારી આસ પાસનું જગત ગમે તેટલું અસ્ત વ્યસ્ત હોય, તું શાતિથી અને આનંદથી તારું કર્મ કર.’ આ પયગમ્બરો પહેલેથી જ જ્ઞાની હોવાને લીધે, વિદ્યાલયમાં જવા આનાકાની કરે છે, અને ન જવા માટે ‘પેટમાં દુખે’ કે ‘માથું દુખે’ જેવા અનેક બહાનાઓ શોધી નાખે છે. પણ મા બાપ એમનો આ પૈગામ ન સાંભળતા એમને પરાણે સ્કુલમાં ધકેલે છે.

આ પયગમ્બરો જેમ જેમ મોટા થાય તેમ તેમ વધુ ઉસ્તાદ થતા જાય છે અને મા-બાપની મજબુરીનો ગેરલાભ (મહેમાનોની હાજરીમાં તો ખાસ) ઉઠાવવામાં જરાય અચકાતા નથી. ઘણા પયગમ્બરો તો એટલા ઉચ્ચ કોટીના (સંત?) જીવ હોય છે કે – એમના પર સામ-દામ-દંડ-ભેદ ની કોઈ અસર થતી નથી. તેઓ આપણને ‘નીડરતા’ અને ‘અલિપ્તતા’ નો પૈગામ આપે છે.
આવા પયગમ્બરોની એક વાત સારી હોય છે, તેઓ પોતાના દાદા-દાદી કે નાના-નાની પાસે એકની એક વાર્તા મૂર્ખની જેમ સાંભળ્યા કરે છે અને એવા જ સવાલો પૂછ્યા કરે છે. મોટા થઈને તેઓ પરણે છે, અને એમના ઘરે પણ પયગમ્બરો જન્મ લે છે. આ પૃથ્વી પર ભય પમાડે એ હદે પયગમ્બરો ને આવતા જોઇને કહેવાનું મન થાય છે, ‘બસ થયું હવે, ખમ્મા કરો.’




Tuesday, 8 November 2016

ચાલો ખબર કાઢવા જઈએ.

ચાલો ખબર કાઢવા જઈએ.     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

માણસ જાતમાં ઘણા વિચિત્ર રિવાજો છે. ખબર કાઢવા જવાનો રિવાજ એમાંનો એક છે. ઘણા તો કોઈની જરા સરખી બીમારીની ખબર સાંભળી નથી, કે ખબર કાઢવા દોડ્યા નથી, રખે ને પેલા હોસ્પીટલમાં જ ઢબી જાય, અને પોતે એમની ખબર કાઢવા જવાના રહી જાય તો?

ઘણા ખબર કાઢવા જાય કે ટાઈમ પાસ કરવા તે જ આપણને ખબર ન પડે, સવારે ચા-નાસ્તાની સાથે દર્દીની ખબર કાઢવા બેસે, તે સાંજે જમવાનું પણ દર્દીના સગા વહાલાઓ સાથે એના ઘરે કે હોસ્પિટલમાં પતાવીને જ આવે.

ઘણા હોસ્પિટલમાં ખબર કાઢવા જાય ત્યારે, ‘કદાચ ત્યાંથી સીધા સ્મશાને જવું પડે’ એવી મનોમન તૈયારી કરીને જાય. ઘણા ખબર કાઢનારા દર્દીને એટલા બધા સવાલો પૂછ પૂછ કરે કે, દર્દીને થાય કે આના કરતાં તો મરી ગયો હોત (હું)  તો સારું થાત, નકામા સવાલોના જવાબો આપવામાંથી તો મુક્ત થાત!

કેટલાક લોકોને ખબર કાઢવા જતા ઘણો સંકોચ અને મૂંઝવણ થતા હોય છે, એમને  ગાઇડન્સ આપવા માટે કેટલાક સૂચનો કરું છું. 

૧- દર્દી પ્રત્યે પોતાને સાચી સહાનુભૂતિ છે, એ પ્રગટ કરવા ખબર લેવા જનાર વ્યક્તિ હંમેશા ‘દીવેલિયું ડાચું’ રાખીને જાય છે. આ રીત યોગ્ય નથી, તમારું મોઢું હસતું રાખો જેથી ખબર પડે કે દર્દી કોણ છે.

૨-બીમાર વ્યક્તિના ઘરે ખબર લેવા જાઓ ત્યારે જઈને કહો, ‘ભાભી, ચા – નાસ્તો  હોય તો લાવો, તમારી હાથની ચા પીધા વિના જવાય જ નહિ,’ જેથી ભાભીનું મન અને તમારું પેટ બંને પ્રસન્ન થશે.

૩-બીમાર વ્યક્તિને તમે, તમને આવડતા હોય એટલા તાજા – વાસી જોક્સ કહી સંભળાવો. જેથી બીમાર વ્યક્તિને ખોટે ખોટું હસવાના કંટાળાને લીધે આરામથી ઊંઘ આવી જશે, અને એના સગાઓને પણ થોડો આરામ મળશે.

૪-બાળકો તો પ્રભુના પયગંબરો (?) છે, કોઈ બીમારની ખબર કાઢવા જાવ ત્યારે આવા એકાદ બે પયગમ્બરોને સાથે લેતા જાવ. ‘મોન્ટુ, ટીવી ની સ્વીચને ન અડાય બેટા, કરન્ટ લાગી જાય. પીન્કી, પલંગ પર ચઢવું હોય તો પહેલા સેન્ડલ કાઢી નાખો બેટા, બંને ઝઘડો નહિ, આન્ટી તમને બીજા બીસ્કીટ આપશે, અંકલને જરા મોટેથી બા બા બ્લેકશીપ સંભળાવો’  વગેરે વગેરે સૂચનો આપવામાં તમારું, બીમારનું અને સગા વહાલાઓનું ધ્યાન પરોવાયેલું રહેશે, અને બીમારી એટલો સમય ભુલાઈ જશે.

૫-દર્દીની પાસે બેસીને શેરીથી માંડીને રાજધાની સુધીની, છમકલાથી માંડીને પાણીપતની લડાઈ સુધીના સમાચાર સવિસ્તાર કહો, જેથી દર્દીનો (ખાસ કરીને તમારો) સમય સારી રીતે પસાર થશે.

૬-દર્દીને થઇ છે એવી બીમારી અગાઉ કોને કોને થયેલી, એમાંથી કેટલા ઉકલી ગયેલા અને કેટલા બચી ગયેલા તે એને કહો. તમે પોતે જે બીમારીઓ ભોગવી ચુક્યા છે તે વિશે, અને થોડી કાલ્પનિક ભયાનક બીમારીઓ વિશે પણ કહો. જેથી તમને સાજા સમા જોઇને દર્દીને આશ્વાસન લેવું હોય તો તેમ, અને અફસોસ કરવો હોય તો તે કરી શકે.

૭-બીમારી દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, કઈ કંપનીની દવા સારી અને કઈની બોગસ, કયા ડોક્ટર હોશિયાર અને કયા બુડથલ, એલોપથી ની દવા સારી, આયુર્વેદિક સારી કે હોમિયોપેથીક સારી તે એને કહો, ચર્ચાઓથી દર્દીનો જીવ અને માથું ખાઈ જાવ, જેથી એના મનમાં રહેલી દર્દને લગતી ગડમથલ દુર થઇ જાય.

૮-દર્દીના તમામ  સગા વહાલાઓ અને મિત્રોના ઘરે જઈને, અથવા ફોનથી દર્દીની ભયાનક             (કાલ્પનિક) બીમારીની ખબર પહોચાડો, જેથી તેઓ બધા પણ દર્દીની ખબર કાઢવા જઈ શકે.

૯-હોસ્પિટલ મા તમારા મિત્ર ની ખબર કાઢવા જાઓ ત્યારે, કચોરી, બફવડાં, સમોસા, પાતરા જેવી મસાલેદાર વાનગીઓ લેતાં જાવ. ત્યાં જઈને કહો, ‘ભાભી, હું બેઠો છું અહી, તમ તમારે ઘરે જઈને, જમવાનું અને  કામ કાજ પતાવીને નિરાંતે આવો.’

ભાભી ઘરે જાય, પછી ભાઈને એટલે કે તમારા મિત્રને મસાલેદાર ચીજો ખાવા આપો. રાબ-કાંજી-ખીચડી જેવા પદાર્થ ખાઈને અને કડવી દવાઓ પીને કંટાળેલો તમારો મિત્ર, અતિ ઉત્સાહ મા આવી જશે, અને તમે બીમાર પડશો ત્યારે આનો બદલો જરૂર ચુકાવી આપશે.

ભાભી જમીને પાછા આવે ત્યારે કહો, ‘ભાભી, આને હમણા જ સફરજન-મોસંબી ખવડાવ્યા છે અને નારિયેળ પાણી પાયું છે, તમે રાબ હવે સાંજે પાજો. બસ, એટલું યાદ રાખજો કે, નાસ્તાની એકેય નિશાની (પડીકાનો કાગળ –થેલી સુધ્ધા) ત્યાં રહેવી ન જોઈએ, નહીતર તમારા અંજળ પાણી એ કુટુંબ સાથે પત્યા સમજજો.

   

Tuesday, 1 November 2016

જોઈએ છે જમાઈ.

જોઈએ છે જમાઈ.       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

-શાંતિલાલ, તમારે પાંચ દીકરીયું છે?
આ સાંભળતા જ ઓફિસની કેન્ટીનમાં બેસીને ચા પિતા શાંતિલાલના હાથમાંનો કપ ધ્રુજી ગયો અને ચા ટેબલ પર છલકાઈ.
-એલા એભલીયા, તું મારો દુશ્મન છે?
-જુઓ શાંતિલાલ, તમને કહી દઉં છું હા, મારું નામ એભલ નહિ, અમિત છે. પાંચ વરસ થઇ ગયા નામ બદલ્યે, તે છતાં એ તમારી જીભે ચડતું કેમ નથી?
-એભલ, એમ નામ બદલવાથી કઈ તકદીર બદલાઈ જતી હશે? આ તારી જ વાત કર, તેં પાંચ વર્ષથી તારું નામ તો બદલ્યું છે, પણ તારી ભાષા? અરે ખુદ તું જ ક્યારેક તને અમિત ના બદલે અમીટ બોલે છે. યાર આ દુનિયામાં કશું જ અમીટ નથી, નામ તેનો નાશ નિશ્ચિત છે, એક દિવસ બધું જ મટી જવાનું છે, પછી  શું નામ કે શું માણસ?
-તમે તો કોઈ નેતાની જેમ ભાષણ કરવા લાગી ગ્યા. પણ એ તો કહો શાંતિલાલ કે હું તમારો દશમન (દુશ્મન) કાંથી થઇ  ગ્યો?
-પહેલી વાત તો એ કે તું મારા સસરાની જેમ મને શાંતિલાલ કહીને બોલાવે છે, શાંતિભાઈ કહેતા શું તારી જીભે કાંટા વાગે છે?
-ઓહોહો ! એટલામાં આટલું બધું?
-અરે ! તું અચાનક પાછળથી આવીને પૂછે કે ‘તમારે પાંચ દીકરીયું છે?’ તો માણસનું હાર્ટફેલ ન થઇ જાય? અને ધાર કે મારે પાંચ દીકરીયું છે, તો તું એકાદ–બે ને દત્તક લેવાનો છે?
-ના રે ના, એવું તે કોઈ કરતુ હશે? અને આમ પણ મારે તો ભગવાનની દીધેલી બે રૂડી રૂપાળી દીકરીયું છે જ.
-આ ભગવાન કોણ લ્યા? પેલો જાડિયો અને બાડીયો કંદોઈ તો નહિ?
-જુઓ શાંતિલાલ, હું તમને કહી દઉં છું, મારી સાથે આવી મજાક નહિ કરવાની.
-સારું, તારી સાથે ‘આવી’ મજાક નહિ કરું, બસ? પણ પાંચ દીકરીઓની વાત તારા મગજમાં આવી શી રીતે?
-એ તો તમે છાપામાં આપેલી જાહેરખબર મેં વાંચી તેથી.
-હેં? છાપામાં એવી જાહેર ખબર આવી છે કે મારે પાંચ દીકરીઓ છે? લાવ જલદી છાપું લાવ.
-તમે ય શું શાંતિલાલ, સોરી સોરી, શાંતિભાઈ. તમે છપાવ્યું છે ને કે – ‘જોઈએ છે જમાઈ...’
--હા, તે છે કોઈ સારો છોકરો તારા ધ્યાનમાં?
-હોય તો પણ તમારા માટે નકામો, ને એક થી થાય પણ શું?
-કેમ, કેમ?
-આ જુઓ, તમે છપાવ્યું છે કે..’જોઈએ છે જમાઈ.. શુશીલ, કહ્યાગરો, એજ્યુકેટેડ, સોહામણો અને સમજુ.’ તમે જ કિયો હવે, આવા સારામાંના પાંચ જમાઈ શોધવા સહેલા છે? અને પાંચ દીકરીયું હોય તો જ કોઈ પાંચ જમાઈ માટે જાહેર ખબર આપે  ને? આ કઈ મહાભારત યુગ તો છે નહિ, કે દ્રૌપદી ની જેમ એક છોકરી  ના માટે પાંચ વર શોધે.
-અલ્યા ડફોળ, એભલીયા. જમાઈ પાંચ નહિ એક જ જોઈએ છે, જેનામાં ઉપરના પાંચે ય ગુણ હોય.
-હેં? એવું છે? મળી  રીયો  ત્યારે એવો જમાઈ તમને.  
-અરે! નહિ કેમ મળે? જરૂર મળશે.
-શાંતિલાલ, તમે વિચારો. શુશીલ, કહ્યાગરો, એજ્યુકેટેડ અને સોહામણો.. એ બધું તો ઠીક જાણે. પણ જો એ સમજુ હોય તો પરણે જ શું કામ?
-હેં?
           ***

-શાંતિભાઈ, પેંડા લાવો.
-શાના પેંડા રામભાઈ?
-સાંભળ્યું કે તમને બે લાખ રૂપિયાની લોટરી લાગી.
-ઓહ એ ? ઠીક છે મારા ભાઈ, બીજી કઈ સારી ખબર હોય તો કહો.
          ***

--એ જયંતભાઈ, પેલા શાંતિભાઈ પણ ખરા છે.
-કેમ, શું થયું?
-એમને બે લાખ રૂપિયાની લોટરી લાગી તો પણ ખુશ ન થયા.
-તે ન જ થાય ને.
-કેમ, એમને પાંચ લાખની લોટરીની આશા હતી?
-ના, એમને ‘સારો જમાઈ’ મળી જશે એવી આશા હતી.
          ***

-કહો તો આસમાન માંથી ચાંદો અને સૂરજ લાવી આપું. - યક્ષે શાંતિલાલને કહ્યું.
-મારે ઘેર લેમ્પ – લાઈટ પુરતા પ્રમાણમાં છે.
-મોટર – બંગલો, ગાડી –વાડી આપું.
-મારે એ બધું નથી જોઈતું, હવે મને તું શાંતિથી રહેવા દઈશ, ભાઈ?
-અરે! જે જોઈએ તે આપું.
-એમ? તો મારી દીકરીને સુખી રાખે એવો એક જમાઈ આપો.
-તથાસ્તુ!
           ***

-શાંતિભાઈ, ખોટું ન લગાડો તો એક વાત કહું?
-કહોને રસિકભાઈ.
-આ તમારી દીકરી સોનલ છે ને તે...
-હા, તે શું?
-અભય વચન આપો છો? તમે ગુસ્સે તો નહિ થાવ ને?
-નહિ થાઉં, વાતમાં મોંણ નાખ્યા વગર બોલો શું વાત છે મારી સોનલની?
-તમારી એ સોનલ પેલા સાહિલ સાથે ફરે છે, મેં બે ત્રણ વાર એને એની  સાથે જોઈ.
-અચ્છા? આ સાહિલ કોણ છે?
-કાપડ બજારના કિંગ સુકેતુ શેઠ ખરાને? એમનો એક નો એક દીકરો છે. ગઈ સાલ જ એન્જીનીયર થઈને આવ્યો એ. સુકેતુ શેઠને તો ઓળખતા જ હશો?
-હા, સારી રીતે. પાંચમાં પુછાય એવા માણસ છે.
-હા, એ જ. એનો દીકરો અને તમારી દીકરી બંને એક બીજાને ખુબ પસંદ કરે છે.
-એમ? અરે! સોનલની બા, ઘરમાં મીઠાઈ પડી હોય તો લાવો, ન હોય તો મંગાવો, આ રસીકભાઈનું મોં મીઠું કરાવો.
હે ભગવાન! તું કેટલો દયાળુ છે, તારા ભક્તોની વાત વહેલી મોડી પણ સાંભળે જ છે.