બેસ્ટ ઓફ લક ટુ ધેમ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
આ સૃષ્ટી ઉપર પર્વત, ઝરણાં, ફૂલો, છોડ, વાદળો, સાગર વગેરે અનેક સર્જનો
કર્યા પછી ઈશ્વરે આદમ નામના પ્રાણીનું સર્જન કર્યું. એમને લાગ્યું કે ‘આ મારું
શ્રેષ્ઠ સર્જન છે’ (ઈશ્વરને પણ ક્યારેક ભ્રમ થઇ જતો હશે? - રામ જાણે) અમરત્વનું
વરદાનધારી આદમ આનંદ પૂર્વક પૃથ્વી ઉપર વિહરતો હતો, અને ઈચ્છા થાય ત્યારે સ્વર્ગમાં
આંટો મારી આવતો હતો.
એ વખતે કુહાડીની શોધ નહોતી થઇ, છતાંય ‘પોતાના પગ પર કુહાડી મારવી’ એવો
સ્વભાવ એ વખતથી જ મનુષ્યને વારસામાં મળ્યો હતો, એ વાત આદમના
વર્તનથી ફલિત થાય છે. એકલો એકલો રઝળપાટ કરીને આદમ થાક્યો અને કંટાળ્યો હતો. તે
વખતે ટેલીફોન કે મોબાઈલ ની શોધ નહોતી થઇ, એટલે એણે પોતાના બે હાથ એન્ટેનાની જેમ
ઊંચા કરીને ઈશ્વરને પોકાર્યા.
ઈશ્વર કોઈ રાજકારણી નેતા ન હોવાને કારણે એમણે આદમનો અવાજ તરત જ સાંભળ્યો. એટલું જ નહિ એનો
જવાબ પણ વાળ્યો, જે આદમે સાંભળ્યો. આજે તો ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ એવી એક પણ
એન્ટેનાડીશ આપણી પાસે નથી. અરે! ઈશ્વરના અવાજની વાત તો છોડો, એ તો ઘણો દુર છે (એવું આપણે માનીએ
છીએ), પણ આપણી સાવ નજીક છે, એવા આત્માના
અવાજને પણ આપણે ક્યાં સાંભળીએ છીએ?
આદમે ઈશ્વરને પોતાની એકલતાનો ઉપાય કરવા વિનંતી કરી. ઈશ્વરને લાગ્યું હશે
કે હવે આને સલાહ આપવાનો કોઈ અર્થ નથી. (વાળ્યો ન વળે એ હાર્યો વળે) એથી ઈશ્વરે એક
સુંદર સ્ત્રી ‘આવા’ એટલે કે ‘ઈવ’ નું સર્જન કર્યું. આદમ ઈવને જોઇને ખુબ પ્રસન્ન
થયો. માન્યું કે આદમને તો ‘આવનાર ઉપાધી’ ની જાણ નહોતી એટલે એ ખુશ થાય એ સ્વાભાવિક
છે. પણ મને નવાઈ એ વાતની લાગે છે કે આજે
પણ (આટલા વર્ષોના અનુભવ પછી) પુરુષો સુંદર સ્ત્રીને જોઇને ખુશ જ થાય છે.
ઈશ્વરે આદમને આદેશ આપ્યો કે, ‘મારા માથા સહિત તારે જે ખાવું હોય તે ખાજે
પણ જ્ઞાનવૃક્ષનું ફળ ખાઈશ નહી. આદમે ઈવને પણ ઈશ્વરનો આદેશ સંભળાવ્યો. પુરુષો તો
પહેલેથી જ આજ્ઞાંકિત રહ્યા છે, અને સ્ત્રીઓ પહેલેથી જ એને જે કામ કરવાની ના પાડી
હોય તે પહેલા કરે – એમ કરતી આવી છે. ઇવે એ
ફળ ખાધું, એટલું જ નહી પણ આદમને પણ એ ફળ ખાવા મજબુર કર્યો. આજે પણ સ્ત્રીઓ પ્રેમથી
પુરુષને મજબુર કરીને કઈ રીતે પોતાની વાત મનાવવી એ કળા સારી રીતે જાણે છે.
‘જ્ઞાન જ બધી તકલીફોનું મૂળ છે’ , ‘Ignorance is Bliss’ વગેરે કહેવતો આદમ
કે ઇવે સાંભળી નહોતી. પહેલીવાર બંનેને પોતાની જાત વિશે જ્ઞાન થયું, અને વિજ્ઞાનનો
પાયો નખાયો. અને ત્યારથી કપડાં પહેરવાની (માણસના દંભીપણાની) શરૂઆત થઇ. ઈશ્વરે
નારાજ થઈને આદમને ‘હવે દરેક નિર્ણય પુરુષે જાતે જ કરવા’ એવો આદેશ આપ્યો. ત્યારથી
પુરુષ દરેક નિર્ણય પોતાની જાતે જ (પત્નીને પૂછીને) કરતો આવ્યો છે.
આદમ અને ઈવને ઘરે પ્રથમ સંતાન નો જન્મ થયો અને ત્યાર પછી પૃથ્વી ઉપરનો
ભાર ઉત્તરોત્તર વધતો જ ગયો. આદમ અને ઇવે પોતાના પ્રથમ સંતાનનું નામ ‘કેન’ અને બીજા
સંતાનનું નામ ‘એબલ’ રાખ્યું. આ ઉપરથી મને લાગે છે કે પૃથ્વી ઉપર અંગ્રેજી ભાષાનું
પ્રભુત્વ પહેલેથી જ રહ્યું છે. આદમ અને ઇવે સંતાનોના બદલામાં પ્રભુને અનાજની આહુતિ
આપી. આપણે આજે પણ આપણા સંતાનોના બદલામાં નર્સિંગ હોમના ડોકટરોને રૂપિયાની આહુતિ
આપવી પડે છે. એટલું જ નહી, સ્કૂલો કે કોલેજોમાં એડમીશનના બદલામાં ડોનેશનના રૂપમાં
રૂપિયાની આહુતિ આપવી પડે છે.
એબલના આવ્યા પછી કેનને પોતાનું મહત્વ ઓછું થઇ ગયું હોય એવું લાગ્યું. એથી એ ‘એબલનો કાંકરો કાઢી નાખવા’ તત્પર થયો. આજે પણ ઘણા ભાઈઓ પિતાના વારસા માટે
સગા ભાઈનું કાટલું કાઢી નાખતા અચકાતા નથી. એબલ બકરાં ચરાવતો હતો તેથી એણે એકવાર
ઈશ્વરને બકરાની આહુતિ આપી. ‘બલીનો બકરો’ કહેવત એ પરથી શરુ થઇ હશે એવું મને લાગે
છે.
આ તરફ કેને પોતાની નામરજીથી ઈશ્વરને અનાજની આહુતિ આપી તો ઈશ્વરે એ
સ્વીકારી નહિ અને કેનને ભગાડી મુક્યો. આજે પણ આપણે આપણું કામ કઢાવવા લાગતા વળગતા
ઓફિસરોને આપણી નામરજીથી રૂપિયાની આહુતિ (લાંચ) આપીએ છીએ. અધિકારીઓ આ આહુતિ હોંશે
હોંશે સ્વીકારી લે છે. (પછી આપણું કામ કરે ન કરે એ એમની મરજી પર આધારિત છે)
એક દિવસ લાગ મળતા કેન એબલને માથા પર હાડકાનો ફટકો મારીને મારી નાખે છે.
આજે પણ એ શિરસ્તો ચાલ્યો આવે છે અને ભાઈ ભાઈની હત્યા કરે છે. બસ હાડકાનું સ્થાન
ખંજર કે સ્ટેનગને લીધું છે.
એબલના મૃત્યુ પર એની માતા ઈવ કરુણ રુદન કરે છે. આજે પણ ધરતી માતા પોતાના
પુત્રો (હિંદુ – મુસ્લિમ – શીખ – ઈસાઈ) કે પછી (ભારતીય – પાકિસ્તાની) ના અકાળ
અવસાન પર લોહીના આંસુ સારે છે. આપણને રુદન સંભળાય છે ખરું, પણ એની અસર થતી નથી કેમ
કે આપણે એ અવાજથી હવે ટેવાઈ ગયા છીએ.
આપણા વૈજ્ઞાનિકો હવે ‘આંસુમાંથી
એટમ બોમ્બ’ બનાવવાની થીયરી પર રીસર્ચ કરી રહ્યા છે, ‘BEST LUCK TO THEM’
ઘણી જ સુંદર રજૂઆત પલ્લવીબેન.
ReplyDeleteઇશ્વરે ઇવનું સર્જન,આદમની એક પાંસળી કાઢીને કર્યુ હતું.અદક પાંસળી એ શબ્દ પ્રયોગ એને કારણે અમલમાં આવ્યો હશે.આધુનિક સમસ્યાને સરસ રીતે વણી લીધી છે.લેખ બદલ અભિનંદન છે.
ReplyDelete-મનહર શુકલ (સિડની)
ઇશ્વરે ઇવનું સર્જન,આદમની એક પાંસળી કાઢીને કર્યુ હતું.અદક પાંસળી એ શબ્દ પ્રયોગ એને કારણે અમલમાં આવ્યો હશે.આધુનિક સમસ્યાને સરસ રીતે વણી લીધી છે.લેખ બદલ અભિનંદન છે.
ReplyDelete-મનહર શુકલ (સિડની)