Tuesday, 6 September 2016

શ્રદ્ધાંજલિ – સત્યાંજલિ.

શ્રદ્ધાંજલિ – સત્યાંજલિ.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સત્યવાદી કલબની મારી વહાલી બહેનો,

આપણી કલબના સીનીયર-મોસ્ટ (ઓફકોર્સ ઉમરની દ્રષ્ટિ એ જ) ગણાતા મોંઘીબેનના અવસાન પ્રસંગે એમને શ્રધ્ધાંજલિ આપવા માટે આજે આપણે અહીં એકત્ર થયા છીએ. એમના અકાળ(?) અવસાનથી આપણી ક્લબને ન પુરાય એવી ખોટ પડી છે, પણ ભગવાનને જે ગમ્યું તે ખરું.સત્યવાદી કલબના તમામ સભ્યોએ સાચું જ બોલવાના શપથ લીધા છે, એટલે એમની શ્રધ્ધાંજલિ ના કાર્યક્રમમાં પણ આપણે સાચું જ બોલીશું, અંતે મોંઘીબેન ના આત્માની શાંતિ અર્થે આપણે પ્રાર્થના કરીને છુટા પડીશું.

આપણી જેમ મોંઘીબેન પણ ‘અપ્રિય’ કે ‘અળખામણા’ થવાનો ડર રાખ્યા વગર હંમેશા સાચું જ બોલતા. પણ આ જગતના લોકો સાચા માણસને સહન કરી શકતાં નથી, કે તેમની કદર કરી શકતાં નથી, પણ આપણે આજે આ કમીને પૂરી કરીશું. આ શ્રધ્ધાંજલિ કે સત્યાંજલિ નો કાર્યક્રમ પૂરો થયા બાદ આપણે એમને મરણોત્તર ‘સત્યવાદી રાણી - મોંઘીવતી‘ નો એવોર્ડ એનાયત કરીશું. એમના કોઈ સગા કે  વહાલાં (?) આવ્યા હોય તો એમને વિનંતી છે કે તેઓ કાર્યક્રમના અંતે આ એવોર્ડ લઇ જવાની કૃપા કરશો.

કહેવાય છે કે - ‘સત્યં વદ, અપ્રિયમ વદ’ ની નીતિને ચુસ્ત પણે વળગી રહેનારા મોંઘીબેનના કડવા બોલની સામે ‘કારેલા’ કે ‘કરિયાતું’ ની કડવાશ ફિક્કી પડે. ‘બોલ અમોલખ બોલ હૈ, બોલ શકે તો બોલ, પહેલે ભીતર તોલ લે, બાદ મેં મુખડા ખોલ’ આ પંક્તિને અવગણીને ‘આપણે તો મનમાં આવે એ બોલી નાખીએ, બાકી આપણા મનમાં કોઈ પાપ નહિ હોં’  એવું હંમેશા એ કહેતા. ‘કોઈને ખોટું લાગે તો મારે કેટલા ટકા?’ એવી ગીતામાં પણ જોવા ન મળે તેવી  સ્થિતપ્રજ્ઞતા એમણે કેળવી હતી, એ બદલ તેઓ સાચા અભિનંદન ના અધિકારી છે. હજી તો મારે એમના વિશે ઘણું બોલવું છે, પરંતુ પ્રમુખ શ્રીનો ઈશારો (‘બેસી જાવ’) સમજીને હું બેસી જાવ છું.        
                                        *
પ્યારી સત્યવચની બહેનો,

નીલાબેને મોંઘીબેનના પ્રશસ્તિના જે પુષ્પો ખીલવ્યા, એનાથી એમનો આત્મા જરૂર પ્રસન્ન થયો હશે. હવે હું મારા વક્તવ્ય દ્વારા એમના આત્માને વધુ પ્રસન્ન કરવાના સનિષ્ઠ પ્રયત્નો કરીશ.

નારીમાં ઉદારતા, ક્ષમા અને સહાનુભુતિ નો ત્રિવેણી સંગમ હોય છે. નારી સ્નેહ, મમતા, કર્તવ્ય પરાયણતા અને સદભાવની મૂર્તિ હોય છે. એ તકરાર ના ‘ત’ થી અને અભિમાનના ‘અ’ થી સો ગજ દુર ભાગે છે, વગેરે વગેરે.. નારીના શોષણ કાજે પુરુષોએ ઘડેલા આવા ખોટા નિયમોને મોંઘીબેને સદા માટે ફગાવી દીધા હતા. મોંઘીબેન ખાવા-પીવા ના અત્યંત શોખીન હતાં, પરંતુ કંજૂસ અને અરસિક પતિ મહાશયની કચકચ ના કારણે એમના આ શોખ પોષાયા નહોતા. એનો અસંતોષ મોંઘીબેન ને જીવનભર રહ્યો હતો.

અસંતોષની આગમાં બળતા મોંઘીબેનને પતિ સાથે ‘બારમો ચંદ્રમાં’ જેવો સંબંધ હતો. તેઓ ‘સાત જનમના સાથી’ નહિ, પરંતુ ‘સાત જનમના દુશ્મન’ હતા. બંને એક બીજાને માટે ‘આ જનમમાં તો ભલે મળ્યા, પણ હવે પછી સાત જનમમાં કદી ન મળજો’ એવી પ્રાર્થના કરતા. એમના પતિ કહેતા, ‘તને સ્મશાને વળાવ્યા વગર હું મરવાનો નથી’ અને મોંઘીબેન વાણીનો વળતો પ્રહાર કરતા કહેતા, ‘તમારા બારમાના લાડુ ખાધા વિના હું મરીશ નહિ’

આમ મોંઘીબેનના દામ્પત્ય રથનું એક પૈંડું સ્કુટરનું અને બીજું પૈંડું ટ્રેક્ટરનું હોવાથી રથ હંમેશા ખોડંગાતો. મોંઘીબેન વિશેની પ્રાપ્ત થયેલી બધી માહિતી  જો પ્રગટ કરવામાં આવે, તો એક મહાનિબંધ રચાય, અને રચયિતાને પીએચડી ની ડીગ્રી પણ મળે. પરંતુ હજી બીજી બે બહેનો બોલનાર છે, તેથી મોંઘીબેન ના આત્માની શાંતિ માટેની પ્રાર્થના કરી હું બેસી જવાની રજા લઉં છું.
                                              *
પ્રિય સત્ય શોધક સભાની મહિલાઓ,

હું ગીતા ઉપર (પુસ્તક હાજર નથી એટલે આ ગીતાબેન પર) હાથ મુકીને કહું છું કે – હું મોંઘીબેન વિશે જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ. મેં મોંઘીબેન વિશે જાતે તપાસ કરી છે, એ માટે મેં એમના પડોશીઓ અને સોસાયટી વાળાઓ ની સહાય લઈને માહિતી એકત્ર કરી છે, જે તમારી સમક્ષ પ્રગટ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. ‘જો મને આજે માઈક નહિ મળે, તો હું કલબમાંથી રાજીનામું આપી દઈશ’ એવી મારી રીક્વેસ્ટ(?)  ધ્યાનમાં લઈને મને માઈક આપવા બદલ હું પ્રમુખ રીટાબેનનો  આભાર માનું છું. 

‘પોતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે કરતા બીજાએ શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ’ એ વાત પ્રત્યે મોંઘીબેન વધુ સભાન હતા. ‘શ્રવણે એના મા બાપને જાત્રા કરાવી તો મારો પુત્ર મને(અમને નહિ)  જાત્રા ન કરાવે?’ એવો એમનો આગ્રહ હતો. પણ એમના પુત્રની દલીલ હતી કે – ‘શ્રવણના માં-બાપ તો આંધળા હતા’ એની સામે મોંઘીબેન ની શું દલીલ હતી તે જાણવા મળ્યું નથી.

પૈસાની બાબતે મોંઘીબેન ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાની દાસી’ ની નીતિ ને અનુસરતા. પુરતા પૈસા હોવા છતાં જીવન જરૂરીયાતની ચીજો અને દવા તેઓ જીવ બાળી ને લાવતા, અને કરકસર કરીને વાપરતા. સાચું કહું તો તેઓ પૈસો ખર્ચવાને બદલે સાચવી રાખવામાં માનતા. બહારની ચટાકેદાર  વાનગી ખાવાના શોખીન મોંઘીબેન કોઈ એવી વાનગી ખવડાવે તો હોંશભેર ખાતા,પણ જાતે એમાં પૈસા ખર્ચતા નહિ. આવા અનન્ય રત્ન સમા મોંઘીબેનને ભાવભરી અંજલી અર્પીને હું રીટાબેનેને બોલવા વિનંતી કરું છું.
                                                    *
પરમ પ્રિય સત્યવાદી બહેનો,

સૌ પ્રથમ તો નીલાબેન, શીલાબેન અને રસીલાબેને જાત તપાસ દ્વારા એકત્ર કરેલી માહિતી દ્વારા મોંઘીબેન ને જે ભાવભીની હૃદયાન્જલી આપી છે, તે બદલ હું આપણા સૌ વતી એમનો આભાર માનું છું. મોંઘીબેન માટે એમણે જે એવોર્ડનું સુચન કર્યું એ વધાવી લઉં છું, અને સત્યાંજલીનો  આ કાર્યક્રમ આગળ વધારું છું. સ્વર્ગવાસી(કે નાર્ક્વાસી?)  મોંઘીબેન નું સમગ્ર રેખાચિત્ર દોરવું અત્યંત કઠીન કાર્ય છે. પણ ‘કાર્ય કઠીન હૈ ઈસ લીયે વો કરને યોગ્ય હૈ’ એવું કંઈ ઇન્દિરા ગાંધી કહી ગયેલા એટલે એ માટે હું પ્રયત્ન કરું છું.

મને બરાબર યાદ છે, મેં જ્યારે મોંઘીબેન ને પહેલીવાર જોયેલા ત્યારે મારા સ્મિતના બદલામાં ‘હમણાં રડી પડશે’ એવું સ્માઈલ એમણે આપેલું. સમગ્ર વિશ્વ ના ‘નિભાવ’ અને ‘સલામતી’ ની જવાબદારી કોઈકે એમના શિરે લાદી હોય, એવો ભારે ચિંતિત અને તંગ ચહેરો જોઇને ‘એમને શું ટેન્શન હશે?’ એવો વિચાર મને આવેલો. પછી કલબની વારંવાર ની એમની મુલાકાત થી મને જાણવા મળ્યું કે આવો ચહેરો એમને જન્મજાત ભેટમાં મળેલો હતો, અને ભારે જહેમતથી એમણે એ જાળવી રાખ્યો હતો.

‘જે વ્યક્તિ ખુલ્લા દિલે હસી ન શકે એનો વિશ્વાસ ન કરવો’ એવી વાત મેં સાંભળેલી, પણ મોંઘીબેન તો ખુલ્લા દિલે હસનાર પર કદી વિશ્વાસ ન કરતા. હકીકતમાં મોંઘીબેન કોઈના પર પણ વિશ્વાસ ન કરતા. કુટુંબી જનોની કોઈ પણ વાતને તેઓ ‘ક્રોસ ચેકિંગ’ દ્વારા તપાસી લેતાં. ‘કોઈ ખોટું તો નથી બોલાતું ને?’ એ વાતની ખાતરી કરવા તેઓ વારા ફરતી બધાને એક ની એક વાત પૂછી લેતાં. એમની આ ‘કુટેવ’ જાણી ગયેલા ફેમીલી મેમ્બર જે વાત મોંઘીબેન થી છુપાવવાની હોય તે – ‘આપણે આ વાતને એમની આગળ આ પ્રમાણે રજુ કરીશું’  એમ સંતલસ કરી લેતાં, જેથી ક્રોસ ચેકિંગ માં પકડાઈ જ જવાય.

પડોશમાં કોણ આવ્યું, કોણ ગયું? કોની છોકરી કોની સાથે ફરે છે? કઈ વહુને એની સાસુ સાથે નથી બનતું? કરિયાવરમાં કોણે કોને શું આપ્યું? કોણ કેટલા વાગ્યે ઉઠે છે, કેટલા વાગ્યે બ્રશ કરે છે, કેટલા વાગ્યે નહાય છે, કેટલા વાગ્યે ખાય છે...વગેરે ઝીણામાં ઝીણી બાબત જાણવાની ઇન્તેજારી મોંઘીબેન ને રહેતી. ગુસ્સો, ક્રોધ, બળાપો, હતાશા, નિરાશા, ફરિયાદ, પારકી પંચાત વગેરે એમના મુખ્ય ગુણો હતા, જેનો ભરપુર લાભ એમને ઘરના લોકોને આપ્યો હતો.

આવા અનન્ય નારીરત્ન સમા મોંઘીબેન વિશે તો કેટલું કહું અને કેટલું ન કહું? અંતે એમને ‘સત્યવાદી રાણી મોંઘીવતી’ નો એવોર્ડ એનાયત કરું છું. અને આ કાર્યક્રમને અહી જ સમાપ્ત થયેલો જાહેર કરું છું.
                                             *

(આપણામાં ક્યાંક આ મોંઘીબેન ના કોઈ ગુણો તો નથી સમાયાને? ચેક કરવું પડશે.)



3 comments:

  1. બહુ સરસ રીતે મોંઘીબેનનાં ગુણો ગવાયા છે.લેખની પ્રવાહીતા સરળ રીતે વહે છે અને કયાંય રસભંગ થતો નથી.આ લેખ સ્મિત સાથે ખડખડાટ હાસ્ય આપે છે.

    ReplyDelete
  2. બહુ સરસ રીતે મોંઘીબેનનાં ગુણો ગવાયા છે.લેખની પ્રવાહીતા સરળ રીતે વહે છે અને કયાંય રસભંગ થતો નથી.આ લેખ સ્મિત સાથે ખડખડાટ હાસ્ય આપે છે.

    ReplyDelete
  3. Pallaviben
    Monghiben na character nu bahu j sunder analysis karyu. te pan with varieties by all four ladies.....without repitiation of her 'gun-avgun'... I wonder whether you have learned psychology as well?

    And above all, last punch....was the height of the article.

    (આપણામાં ક્યાંક આ મોંઘીબેન ના કોઈ ગુણો તો નથી સમાયાને? ચેક કરવું પડશે.)

    Vanchva ni maza padi....

    Harsha - Toronto

    ReplyDelete