Tuesday, 4 October 2016

અખિયાં.

અખિયાં.       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.              

સામાન્ય રીતે એક વ્યક્તિનું એક જ નામ હોય છે. જો એક વ્યક્તિના અનેક નામો હોય તો ઘણી ગરબડ થવાનો સંભવ રહે છે. આપણી પાસે પૈસા ઉધાર લઇ ગયો હોય દીપક, અને એ વસુલ કરવા જઈએ ત્યારે ખબર પડે કે વાસ્તવમાં દીપક નહીં પણ પંકજ ઉર્ફે પ્રદીપ ઉર્ફે પ્રકાશ પૈસા લઇ ગયો હતો. જો આવું થાય તો આપણે નામો જ ગણતા રહીએ અને પૈસા વસુલ કરવાના રહી જ જાય.

અમિત સાથે પ્રેમમાં પડેલી આશાની કંકોત્રીમાં મુરતિયા તરીકે અશોકનું નામ જોઇને આપણને દુઃખ થાય, પણ પછી ખબર પડે કે અશોક એ જ અમિત છે ત્યારે આપણને ‘જેને જે જોઈએ તે મળી રહ્યું’ નો આનંદ થાય. આમ એક વ્યક્તિના વિવિધ નામો ગોટાળા કરાવે છે, પણ એ જ વ્યક્તિના શરીરના અંગોના વિવિધ નામો મનોરંજન કરાવે છે.
દાખલા તરીકે –

આંખ. એને અખિયાં, નયન, નેત્ર, ચક્ષુ, લોચન.. વગેરે વિવિધ નામો આપ્યા છે. કવિ શ્રી વેણીભાઈ પુરોહિતે આંખ પર સરસ મજાની પંક્તિઓ લખી છે, ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો...’ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કવિશ્રીની ધરપકડ ‘નશાબંધી’ ધારા હેઠળ કરવામાં આવી નહોતી.

ઘણા કવિઓને સ્ત્રીઓની આંખોમાં ‘ઝીલ સી  ગહેરાઈ’ જોવા મળે છે. ‘તેરી ઝીલસી ગહેરી આંખોમે  કુછ દેખ હમને, ક્યા દેખા?’  બિચારા કવિને ખબર નથી પડતી કે એણે  શું જોયું એટલે  પ્રેમિકા એને મદદ કરીને કહે છે, ‘મેં સમજ ગઈ રે દીવાને, તુ ને રાત કોઈ સપના દેખા.’ ઘણા પ્રેમી વર્ષો સુધી આવી ઝીલમાં ડૂબકીઓ માર્યા કરે છે, ઘણા ઓછાને એમાંથી તરીને કિનારે નીકળતા આવડે છે.

રૂપની પ્રશસ્તિ ના આલમમાં પુરુષોને પહેલેથી જ અન્યાય થતો આવ્યો છે. આથી એમની પ્રશસ્તિના બે બોલ ભાગ્યે જ આપણા કાને પડે છે, કે આપણી આંખે ચઢે છે. એનો અર્થ હરગીજ એવો નથી કે પુરુષોની આંખો પાણીદાર નથી હોતી. હા, એ વાત સાચી છે કે પુરુષોને પોતાની આંખોની સુંદરતા બતાવવા કોઈ માધ્યમ ની જરૂર પડતી નથી, જ્યારે સ્ત્રીઓ આંખોમાં કાજળ લગાવી એને વધુ ધારદાર કરે છે અને પછી પુરુષોના દિલને એનાથી ઘાયલ કરે છે. વિધિની વક્રતા એ છે કે ખુદ પુરુષો પોતે જ આવી તેજ નજરથી ઘાયલ થવા આતુર હોય છે, તેથી આવા સંજોગોમાં એમના બચાવ માટે કોઈ નક્કર પગલા શી રીતે લઇ શકાય તે સમજી શકાતું નથી.

દરેક આંખોને પોત પોતાનો રંગ હોય છે. કાળી કાળી આંખો ઉપરાંત લીલી, પીળી , ભૂરી કે તપખીરી આંખો પણ હોય છે. કેટલીક આંખોમાં એક જુદો જ -  પ્રેમનો રંગ જોવા મળે છે, અને પ્રેમ પરાકાષ્ટા એ હોય ત્યારે એમાં મેઘ ધનુષી રંગો  પણ જોવા મળે છે.

મનના વાતાવરણ પ્રમાણે આંખોનો રંગ, આંખોનું ઉષ્ણતામાન બદલાતું રહે છે,  અને એ મુજબ ઋતુ પણ બદલાય છે. યુવાન કમાઉ દીકરો મા-બાપની આજ્ઞામાં રહે કે દીકરીના સાસરીયા સાથે સરળ સંબંધ ચાલતો રહે , ત્યારે આંખોમાં ખુબ ઠંડક હોય છે, એ આંખોનો શિયાળો છે.

‘બાપ માર્યાનું વેર’ હોય એવી બે વ્યક્તિઓ સામ સામે મળે છે અને આંખો પરસ્પર ટકરાય છે ત્યારે આંખોમાંથી તણખા ઝરે છે, અને એનું ઉષ્ણતામાન વધી જાય છે, એ આંખોનો ઉનાળો છે. દીકરી સાસરે જાય ત્યારે અથવા કોઈ આત્મીય જન અવસાન પામે ત્યારે આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વહે છે, એ આંખોનું ચોમાસું છે. સામાન્ય રીતે બાળકોની આંખોમાં શિયાળો, સ્રીઓની આંખોમાં ચોમાસું અને પુરુષોની આંખોમાં ઉનાળો વધુ જોવા મળે છે.

આંખોની પોતાની એક આગવી અને અસરકારક ભાષા હોય છે, જેને ‘નજરો કી જુબાં’ કહેવાય છે, આ ભાષા દિલ સારી રીતે સમજી શકે છે. ‘દિલ કી નજરસે નજરોકી દિલ સે એ બાત ક્યા હૈ એ રાઝ ક્યા હૈ કોઈ હમે બતાયેં’ કોઈ હમે બતાયે કી ન બતાયે, પણ દિલ જેવી નાજુક ચીજની અદલા બદલી આ નજરકી જુબાં સે હો જાતી હૈ. બે બળવાન વ્યક્તિ લડે તો કોઈ વાર ‘હાડકાનું ફ્રેકચર’ થાય છે, પણ જો બે વ્યક્તિ ની નજર લડે તો ‘પ્રેમ’ ઉત્પન્ન થાય છે.

દબાયેલી યુવાન વ્યક્તિ જ્યારે હિમ્મત પૂર્વક કોઈ સત્ય વાત વડીલને કહે ત્યારે વડીલ કહેશે, ‘લો, આ તો માંકડને આંખો આવી’ આમ તો આપણને જન્મ વખતે જ આંખો મળી ગઈ હોય છે, પણ કોઈ વાર મોટપણે ‘આંખો આવવી’ એવો રોગ થાય છે, ત્યારે બધા જ રોગીથી ‘આંખો ચોરવા’ માંડે છે. સામાન્ય સંજોગોમાં બાળકોને ‘આંખો કાઢીને’ ચુપ કરાવી શકાય છે. પણ મહેમાનોની હાજરીમાં બાળકો વડીલોએ કાઢેલી આંખો સામે ‘આંખ આડા કાન’ કરીને પોતાના તોફાનો જારી રાખે છે.

આમ તો આંખોને પગ ન હોવાથી એ ચાલી શકાતી નથી, પણ ‘મોતિયાના ઓપરેશનમાં દાદાજીની આંખો ચાલી ગઈ’ એવું સાંભળવા મળે છે ખરું. પ્રિય વ્યક્તિને ‘આંખોની જ્યોતિ’ કે ‘આંખનું રતન’ કહેવામાં આવે છે. જ્યારે અપ્રિય વ્યક્તિને ‘આંખના કણા’ સાથે સરખાવવામાં આવે છે. કેટલાક ન ગમતા કામો કોઈની ‘આંખોની શરમે’ કરવા પડે છે.

કેટલાક તોફાની સંતાનો પોતાના મા બાપની ‘આંખોમાં પાણી’ લાવી દે તેવી માંગણીઓ કરે છે, અને માંગણી પૂરી થતા ‘આંખોથી ઓઝલ’ થઇ જાય છે. બાળકોના લાડમાં કેટલાક મા બાપની ’આંખો પર પડદો’ પડી ગયો હોય છે, તેઓ સંતાનોની કુટેવો સામે ‘આંખ મીચામણા’ કરે છે.
 
ઘણા ચિત્રો એટલા સુંદર હોય છે કે ‘ઉડીને આંખે વળગે’ છે. ઘણી યુવતીઓ મન મોહક હોવાથી ‘આંખમાં વસી જાય’ છે. (એમાંથી કેટલીક તો મેળ પડે તો યુવકના ઘરમાં પણ વસી જાય છે) કેટલીક કુટિલ વ્યક્તિની ‘આંખોમાં સાપોલિયા રમતા’  હોય છે. ‘જીવનસે ભરી તેરી આંખે, મજબુર કરે જીનેકે લિયે’ એવી કોઈની આંખો જીવનરસ થી સભર હોય છે.


કેટલીક વ્યક્તિની આંખો એટલી નિર્મળ અને નિર્દોષ હોય છે કે એની સામે કલાકો સુધી જોતા બેસી રહેવાનું મન થાય છે. અને કેટલાક લેખો એવા હોય છે કે એ વાંચનાર ની તો ઠીક, પણ લખનારની આંખો પણ ઘેરાવા લાગે છે. 

3 comments:

 1. તમારા આ લેખ અંગે અમે આંખ આડા કાન નહીં કરી શકીએ.મારા બે ચર્મ ચક્ષુ અને "જગતનું કાચનું યંત્ર" એમ ચારે ય આંખ તમારા લેખથી ઠરી છે.(જો જો પાછા ચોરને ચાર આંખો છે તેમ ન કહેતાં)

  ReplyDelete
 2. તમારા આ લેખ અંગે અમે આંખ આડા કાન નહીં કરી શકીએ.મારા બે ચર્મ ચક્ષુ અને "જગતનું કાચનું યંત્ર" એમ ચારે ય આંખ તમારા લેખથી ઠરી છે.(જો જો પાછા ચોરને ચાર આંખો છે તેમ ન કહેતાં)

  ReplyDelete
 3. સામાન્ય રીતે એક વ્યક્તિનું એક જ નામ હોય છે. જો એક વ્યક્તિના અનેક નામો હોય તો ઘણી ગરબડ થવાનો સંભવ રહે છે.
  -----------
  'હરિ'એ સૌથી મોટ્ટી ગરબડ કરી છે !
  હરિ તારા નામ છે હજાર
  કયા નામે લખવી કંકોતરી.

  અને એટલે જ એમને ૧૬,૦૦૦ રાણીઓ !

  ReplyDelete