Tuesday, 13 September 2016

નસીબ અપના અપના.

નસીબ અપના અપના.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મનુષ્ય સાથે સંકળાયેલ અજીબો ગરીબ ચીજોમાં નસીબનો પણ સમાવેશ થાય છે. નસીબ જેવું કંઈ હોય છે, એ વાત માનવા આજના ભણેલા ગણેલા અને પુરુષાર્થમાં માનતા લોકો તૈયાર નથી હોતા. પણ ક્યારેક નસીબમાં માનવાનું મન થઇ જાય એવા કિસ્સા બનતા હોય છે ખરા. આજે તમને એવો જ એક કિસ્સો કહું છું.

અમારી રો-હાઉસ સોસાયટીના એક મકાનમાં એક પ્રોઢ યુગલ વર્ષોથી રહે છે. ઘરનું કામકાજ કરવા તેઓ કામવાળી રાખે છે. કામવાળીઓ બે ત્રણ વર્ષે બદલાતી રહે છે, બંનેનો સ્વભાવ સારો છે, પણ કામવાળી જૂની થતાં આડાઈ કરવા માંડે છે,  એમને કામ ઓછું અને દામ વધુ જોઈએ છે,  ટીવી જોવાની અને ફ્રિઝનું ઠંડુ પાણી પીવાની ડીમાન્ડ રાખે છે. મન થાય ત્યારે જણાવ્યા વિના રજા પાડી દે છે.

છેલ્લે મુળી નામની કામવાળી આવી, એ બોલતી ઓછું અને કામ વધુ કરતી, ઘરને ચોખ્ખું ચણાક રાખતી. એક દિવસ ઘરના કબાટની ચાવી કબાટમાં જ રહી ગઈ તો એણે કબાટને પણ અંદરથી સાફ કરી નાખ્યું. રૂપિયા અને ઘરેણા મળીને દોઢેક લાખ જેટલી માલમતા   એ લઇ ગઈ, સાથે શેઠના ડ્રાઈવરને પણ લઇ ગઈ. શેઠનું નસીબ થોડું સારું કે ડ્રાઈવર પોતાની સાથે શેઠની કાર ન લઇ ગયો.

શેઠે પોલીસ ચોકીમાં ફરિયાદ નોધાવી તો પોલીસે શેઠને જ ધમકાવ્યા, ‘અજાણી બાઈને કામે શું કામ રાખી? રાખી તો એનું સરનામું કેમ ન નોધ્યું? એનો ફોટો કેમ ન પાડ્યો? કબાટ લોક કેમ ન રાખ્યું? કામવાળી અને ડ્રાઈવર પર ચાંપતી નજર કેમ ન રાખી? તમે ધ્યાન ન રાખો અને પછી ફરિયાદ કરવા દોડી આવો તો અમે કંઈ જાદુગર છીએ કે ચોરને ચપટી વગાડતામાં પકડી લાવીએ?’ પોલીસના પ્રશ્નો ના મારાથી થાકેલા શેઠે મનોમન ‘આજ પછી ક્યારેય પોલીસની મદદ ન લેવી’ એવું નક્કી કર્યું.

થોડા સમય બાદ એમણે સોસાયટીમાં કામ કરતા લક્ષ્મણની ઓળખાણ થી ડુંગરપુરના બાર-તેર વર્ષના છોકરા શંકરને કામે રાખ્યો, એનું નામ સરનામું નોધ્યું, એનો ફોટો પાડ્યો, પછી શેઠને નિરાંત થઇ. પણ શેઠનું નસીબ કંઈ એમ એમને નિરાંતે બેસવા દે? ડુંગરપુરીયાનું ધ્યાન કામ કરતા, રમત તરફ વધારે રહેતું. જેમ તેમ કામ પતાવીને એ ભાઈબંધો સાથે રમવા ઉપડી જતો. શેઠાણી એને ધમકાવતા અને ડુંગરપુર પાછો મોકલી આપવાની ધમકી પણ આપતા. પણ શંકર તો શંકર હતો, શેઠાણીની શિખામણ  જાણે ‘પથ્થર પર પાણી’
ચોમાસાના દિવસો હતા, બાથરુમોના બારણા ચુટણીમાં જીતેલા નેતાઓની છાતીની માફક ફૂલી ગયા હતા.જેમ નેતાના કોટના બટનો ન ભીડાય, એમ બારણાની કડીઓ વસાતી નહોતી. શેઠાણી રસોડામાં શાક સમારતા હતા, શેઠ ઉપરના રૂમની બાથરુમમાં  નહાતા હતા. શંકરને ક્રિકેટ રમવા જવાની ઉતાવળ હતી, પણ શેઠાણીએ કહ્યું, ‘ઉપરની બંને બાથરુમો ધોઈને તારે જ્યાં જવું હોય ત્યાં (જોઈએ તો  જહન્નમ માં) જા.

એટલે ડુંગરપુરીયો  તો ધડાધડ દાદરા ચઢીને ઉપર ગયો. પાંચ મીનીટમાં પાછલા રૂમની બાથરૂમ ધોઈને આગલા રૂમની બાથરૂમ તરફ વળ્યો, અને બારણાને બહારથી ધક્કો માર્યો. અંદર શરીર લુછી રહેલા શેઠ ચમક્યા, અને એમને બારણાને અંદરથી  ધક્કો માર્યો.  શંકરની ચારેય આંગળીઓ બારણામાં ચગદાઈ ગઈ અને એણે જોરથી ચીસ પાડી. ચીસ સાંભળીને ચમકેલા શેઠાણીની આંગળીમાં શાક સમારવાનું ચપ્પુ ઘુસી ગયું અને લોહીની ધાર થઇ, એ સાથે જ શેઠાણીની ચીસ સંભળાઇ. બંને ચીસોથી ચમકેલા શેઠ ફટાફટ કપડાં પહેરીને બહાર આવ્યા, પરિસ્થિતિ જોઇને ડોક્ટરને ફોન કરી બોલાવ્યા. માંડમાંડ અઠવાડિયે બંને જણ સાજા થયા.

ઉત્તરાયણ ને હજી મહિનાની વાર હતી. તો ય શંકરીયો રોજ ધાબે કપાયેલી પતંગો પકડવા રઘવાયો થઈને ચઢી જતો. શેઠાણીએ એને ચેતવણી આપી રાખી હતી કે – ‘વાંદરા, ધાબેથી પડ્યો છે તો તારી ખેર નથી, એવો ઝૂડી નાખીશ ને’  પણ શંકરીયો તો નર્યો સંત માફક હતો, ચેતવણીઓ થી તદ્દન  નિર્લેપ. નસીબજોગે એક દિવસ કપાયેલી પતંગ પકડવા જતા શંકર ખરેખર ધાબેથી નીચે પટકાયો.

શેઠાણી ન તો એને ધમકાવી શક્યા કે ન તો એને ઝૂડી શક્યા, કેમ કે પડતાની સાથે શંકરના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને એ  બેભાન થઇ ગયો. શેઠે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને એને હોસ્પિટલ પહોચાડ્યો, જ્યાં એને ઇન્ટેન્સીવ કે યુનિટ ( ICU) માં દાખલ કરવો પડ્યો. ડોકટરે કહ્યું, ‘સાજો તો થઇ જશે, પણ મેમરી લોસ થવાની શક્યતા ખરી.’  પોલીસે શેઠની એવી પૂછપરછ કરી, જાણે  શેઠે જ એને ઉઠાવીને ધાબેથી નીચે ન નાખ્યો હોય. પણ નસીબ આગળ શેઠ લાચાર હતા.
શંકરના સગાઓ ગામડેથી દોડી આવ્યા, એમણે રડારોળ  અને કાગારોળ મચાવી મૂકી. શેઠે બધાને શાંત પાડ્યા અને એમની રહેવા જમવાની સગવડ કરી આપી. આ કેસમાં પુરુષાર્થ શંકરનો અને નસીબ શેઠ શેઠાણીનું. 

જો કે દુખ બંને એ ભોગવવાનું છે, જીવતો રહ્યો તો ડુંગરપુરીયાએ અને મરી ગયો તો શેઠ શેઠાણીએ. નસીબ અપના અપના, બીજું શું?


2 comments:

  1. ચૂંટણીમાં જીતેલા નેતાની છાતીની માફક ફૂલી ગયા હતા.જેમ નેતાના કોટના બટન ન સવાર એમ.....બહુ ઉત્તમ ઉપમા આપી.હાસ્ય વાર્તાનું આ સ્વરુપ છે.લેખ કરતાં વાર્તા અઘરી પડે પણ પલ્લવી બેન માટે સહજ છે.પ્રવાહ સારી રીતે વહેતો રહ્યો છે. મજા આવી.

    ReplyDelete
  2. ચૂંટણીમાં જીતેલા નેતાની છાતીની માફક ફૂલી ગયા હતા.જેમ નેતાના કોટના બટન ન સવાર એમ.....બહુ ઉત્તમ ઉપમા આપી.હાસ્ય વાર્તાનું આ સ્વરુપ છે.લેખ કરતાં વાર્તા અઘરી પડે પણ પલ્લવી બેન માટે સહજ છે.પ્રવાહ સારી રીતે વહેતો રહ્યો છે. મજા આવી.

    ReplyDelete