Tuesday, 30 August 2016

પીનેવાલો કો પીનેકા બહાના ચાહીએ.

પીનેવાલો કો પીનેકા બહાના ચાહીએ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પત્ની: પેલા ટેબલ પર જે માણસ ડ્રીંક લઇ રહ્યો છે, એને મેં લગ્ન માટે રીજેક્ટ કર્યો હતો.
પતિ: ખરું કહેવાય, આટલા વર્ષો પછી આજે પણ એ ખુશીના પ્રસંગને હજી સેલીબ્રેટ કરી રહ્યો છે.

કહેવાય છે કે હિન્દી ફિલ્મોના મહાન ગાયક મર્હુમ શ્રી સાયગલ સાહેબ હંમેશા ગાતા પહેલા દારુથી પોતાનું ગળું ભીનું કરી લેતા. ગળામાંથી સંગીતના અદભુત ‘સુર’ રેલાવવા એમને ‘સુરા’ ની જરૂરત પડતી. સુરા એમના ગાળામાં જઈને અંદર રહેલા સૂરોને ધક્કો મારીને બહાર મોકલતી હશે?

આમ તો સુરા એ દેવલોકોનું પીણું ગણાય છે. પરંતુ માનવ જાતિને પણ એ એટલું જ પ્રિય છે. કેટલાક માણસો આ પીણું પીને અકાળે દેવલોક થઇ ગયાના દાખલા મૌજુદ છે, એમાં ફિલ્મી સિતારાઓનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ ‘દેવદાસ’ માં શાહરૂખ ખાને દારુડીયાની એક્ટિંગ કરવા દારુ પીને કામ કર્યું હતું. આ જોઇને એક સ્માર્ટ હિરોઈને સંભળાવ્યું, ‘શાહરૂખે મરવાની એક્ટિંગ કરવાની આવશે તો શું કરશે?’

ગાંધીજીના રાજ્ય ગુજરાતમાં વર્ષોથી ‘દારૂબંધી’ નો અમલ થાય છે. આ રાજ્યમાં લગભગ ચાલીસેક હજાર લોકો એવા છે, કે જેમની તબિયત દારુ પીધા વિના સારી નથી રહેતી. એમનું  આરોગ્ય જળવાઈ રહે તે માટે સરકારે એમને દારુ પીવાની પરમીટ આપેલી છે. સરકાર પોતાના પ્રજાજનોની કેટલી દરકાર કરે છે, નહિ? આ હિસાબે દારૂમાં આરોગ્ય જાળવવાના ગુણધર્મો હોવા જોઈએ, એવું સાબિત થાય છે.

પ્રોફેસર: (પ્રયોગ શાળામાં), વિધાર્થીઓ, આ એક ગ્લાસમાં પાણી છે અને બીજામાં આલ્કોહોલ છે. હવે હું પાણીમાં થોડા જીવડા નાખું છું, અને થોડા જીવડા આલ્કોહોલમાં નાખું છું.  જુવો, પાણીમા જીવડા જીવે છે અને આલ્કોહોલમા જીવડા મરી જાય છે, આ ઉપરથી શું સાબિત થાય છે?
વિધાર્થીઓ: સર, આ ઉપરથી સાબિત થાય છે કે આલ્કોહોલ આપણા આરોગ્ય માટે સારો છે, આપણે નિયમિત પણે આલ્કોહોલ પીવો જોઈએ, એનાથી પેટમાના જીવડા નાશ પામે છે.

ઘણી દવાઓમાં કદાચ આ જ કારણસર આલ્કોહોલ થોડી અથવા ઘણી માત્રામાં હોય છે. અને આપણે તો  બોલવામાં પણ ‘દવા –દારુ’ જેવો પ્રયોગ કરીએ છીએ. શાયર શ્રી મનહર દીલદારે દારુ માગવાની બાબતે શરમાળ લોકો માટે એક મજાની પંક્તિ લખી છે, ‘હું બાકી છું, હું બાકી છું હવે બોલ્યા ભલા માણસ? સુરા વહેંચાઇ રહી હતી ત્યારે બોલવું જોઈએ’ એક બીજા શાયરે સુરા માટે એવું પણ લખ્યું છે કે – ‘બોટલમાં હતી ત્યારે કેટલી શાંત હતી, ગળાની નીચે ઉતરી અને આગ થઇ ગઈ’ 
  
સારું છે કે ગુજરાતમાં વર્ષોથી તમાકુ – ચરસ – ગાંજો અને દારૂ ની બંધી હોવા છતાં જાણીતા કવિ શ્રી વેણીભાઈ પુરોહિતની  ‘તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો’ ગાવા બદલ સરકારે ક્યારેય ધરપકડ કરી નહિ. કવિ – લેખકોને પાગલ અને બંધાણી થવાની છૂટ છે (ભલે મનમાં) એટલું સારું છે. જોકે અહી ‘દારૂબંધી’ નો અર્થ ‘જાહેરમાં દારુ વેચવો કે પીવો નહિ, એમ કરો તો પકડાવું નહિ, પકડાઓ તો ઓળખાણ કે પૈસા આપી છૂટી જતા આવડવું જોઈએ’ એવો થાય છે. બાકી તો  ગુજરાતમાં દારુ છૂટથી મળે છે.

પત્ની : (દારૂડીયા પતિને) એક ડોલમાં પાણી મુક્યું હતું અને એક ડોલમાં દારુ. ગધેડો  પાણી પી ગયો અને દારુ સામે જોયું પણ નહિ, એનો અર્થ શું થયો જાણો છો?
પતિ: એનો અર્થ એ કે દારુ ન પીએ તે ગધેડો કહેવાય.

ગુજરાતના પગલે બિહારમાં પણ થોડા સમય પહેલા જ દારૂબંધી લાગુ પડાઈ છે. પણ લોકોની વર્ષો જૂની આદત એમ રાતોરાત જતી રહે? છતાં ફરજીયાત દારૂબંધીના અમલથી ત્યાં ના પુરુષો અકળાયા છે અને સ્ત્રીઓ પર અકળામણ કાઢી રહ્યા છે. ‘આ ઘર કેમ આટલું ગંદુ રાખ્યું છે?’,  ‘મુન્નાના માર્ક્સ કેમ આ વખતે આટલા બધા ઓછા આવ્યા છે?’ ‘શાકમાં મીઠું કેમ વધારે નાખ્યું છે?’ વગેરે વગેરે કહીને તેઓ પોતાની અકળામણ કાઢતાં હશે? અને એમની પત્ની  કહેતી હશે, ‘ક્યાંક થી લાવીને બે પેગ લગાવી દો, બધું બરાબર થઇ જશે.’

જે રાજ્યોમાં દારૂબંધી છે, ત્યાં દર વર્ષે લાખો – કરોડો રૂપિયાનો દારુ પકડાય છે, બુલડોઝર ફેરવીને એ બોટલોનો નાશ કરાય છે. એના બદલે એ દારૂની બીજા રાજ્યમાં અથવા બીજા દેશમાં નિકાસ કરવામાં આવે તો એ રાજ્યને અથવા ભારતને કેટલો ફાયદો થાય અને સમૃધ્ધિ પણ આવે. જો કે ગુણવત્તા ના હિસાબે એ સવાલ ઉભો થાય ખરો કે ભારતનો દારુ ખરીદે કોણ? એ કરતા ગુજરાત કે બિહારમાંથી દારૂબંધી જ ઉઠાવી લેવામાં આવે તો?

એક વર્ષે અમારા પાડોશી અમિતભાઈ એ પહેલી અપ્રીલની સવારે મારા પતિને કહ્યું:
-આવી ક્રૂર મશ્કરી તે કરાતી હશે?
-મેં તમારી કોઈ મશ્કરી કરી હોય એવું મને યાદ નથી, હું તો હજી હમણા જ ઉઠ્યો છું.
-હું તમારી વાત નથી કરતો, આ છાપાવાળાઓ ની વાત કરું છું.
-ઓહ! શું કર્યું એમણે?
-જુવોને છાપાવાળાએ આજ ના પેપરમાં છાપ્યું છે કે ગુજરાતમાંથી આજ થી દારૂબંધી ઉઠાવી લેવામાં આવે છે.
-તો શું થયું, તમારે માટે તો સારું જ છે ને? આ તો તમારા માટે ખુશીના સમાચાર કહેવાય.

મારા પતિ જાણતા હતા કે અમિતભાઈ ને પીવાનો અને પીવડાવવાનો બહુ શોખ છે. એમને બહાર ગામના કેટલાક ક્લાયન્ટ માટે અવાર નવાર ડ્રીન્ક્સની વ્યવસ્થા ગોઠવવી પડતી અને ક્યારેક એ માટે મો માગ્યા દામ પણ ચુકવવા પડતા. અને પકડાઈ ન જવાય એ માટે  પોલીસને પણ ક્યારેક હપ્તા આપવા પડતા.

-ખુશીના સમાચાર ચોક્કસ હોત પણ જો એ સમાચાર સાચા હોત. આ તો છાપાવાળાએ આપણને ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા.
-અચ્છા! એમ વાત છે?
-હા. તમને નથી લાગતું કે છાપાવાળાઓ એ આવી ક્રૂર મશ્કરી ન કરવી જોઈએ?
-આપણને તો ઘણું બધું લાગે, પણ એ બધું સાચું થોડું જ થાય?

સરકાર તો મોંઘવારી અને અવનવા કરવેરા દ્વારા દર વર્ષે પ્રજાની મશ્કરી કરતી જ આવી છે, ભલે ને એક દિવસ છાપાવાળાને પણ ચાન્સ મળતો.  મને અહી ‘ઉમરાવજાન’ ની રેખા યાદ આવે છે. એ મારકણી આંખોની અદા થી કહે છે:
‘સિર્ફ હમ હી હૈ, જો મય કો આંખોસે પિલાતે હૈ, કહેનેકો તો દુનિયામે મયખાને હજારો હૈ.’

સારું છે કે ગુજરાત સરકારને હજી આ વાતની ખબર પડી નથી કે દારુ ફક્ત સુરાહીથી નહિ પણ આંખોથી પણ પીવડાવી શકાય છે. મને ખાતરી છે કે આ વાતની ખબર ગુજરાત સરકારને પડી જાય તો એ આના ઉપર પણ ‘બંધી’ કે ‘પાબંદી’ લાવ્યા વગર રહે નહિ. 

3 comments:

  1. સરસ લેખ. પીવા માટે બહાનાંઓની ક્યાં ખોટ છે?

    ReplyDelete
  2. Pallaviben....dagtari karta karta pan tamne khara subjects mali jay chhe....hasya thi bharpur sunder lekh.

    Harsha / Toronto

    ReplyDelete
  3. દારુ ફક્ત સુરાહીથી નહિ પણ આંખોથી પણ પીવડાવી શકાય છે!!! Wah Wah !!! Saras Article!

    ReplyDelete