પ્રોસેસ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ધેન પ્રોડક્ટ. પલ્લવી
જિતેન્દ્ર મિસ્ત્રી.
પ્રાણીશાસ્ત્ર નાં પ્રખર અભ્યાસુ એવા એક વિદ્વાન મનુષ્યે કહ્યું છે,
‘પ્રાણીઓ સવારથી સાંજ સુધી કામ કરે છે, અને તેઓ શારીરિક થાક અનુભવે છે, ત્યારે જ આરામ કરે છે.’ પરંતુ ઘણા બધાં પ્રાણીઓનું નિરીક્ષણ કર્યા બાદ મને
જણાયું છે કે –‘મોટેભાગે ના પ્રાણીઓ દિવસનો (અને કદાચ રાત નો પણ) મોટો ભાગ આરામમાં
ગાળે છે, અને કોઈ (આ કોઈ એટલે મનુષ્ય અથવા ભૂખ) એમની પાસે પરાણે કામ ન કરાવે,
ત્યાં સુધી તેઓ કામમાં પ્રવૃત્ત થતાં નથી.’
આ વાત હું એમ ને એમ નથી કહેતી, પરંતુ એના
અનેક ઉદાહરણો આપીને કહું છું.
અમારે ત્યાં બિલાડી નું એક બચ્ચું છે. એને રોટલી બતાવીએ તો પણ એ જલદીથી
ઊઠીને રોટલી ખાવા આવતું નથી. હા, એ બેઠું હોય ત્યાં રોટલીનો ટુકડો મૂકીએ તો
થોડીવાર રોટલી ની સામે જોઈ રહે, પછી જરા આળસ મરડે, અને પછી જાણે આપણા પર ઉપકાર
કરતુ હોય એમ રોટલી ખાય. દિવસનો મોટો ભાગ એ ઊંઘ્યા કરે છે. કોઈ રસોડામાં જાય તો
‘મ્યાઉ – મ્યાઉં’ કરીને ખાવાનું માંગે. આખા દિવસની પ્રવૃત્તિ માં ફક્ત ક્યારેક
ક્યારેક પોતાના શરીરને ચાટીને ચોખ્ખું કરવાનું કામ કરે, બસ.અમારા પડોશીનો કૂતરો પણ ભસવા કે પૂંછડી પટપટાવવા સિવાય ખાસ કશું કામ કરતો નથી. અમારા દૂધવાળા
રબારીની ભેંસ પણ ખાવા અને વાગોળવા સિવાય કશું કામ કરતી નથી. મે જોયું છે કે –
ગધેડાઓ પણ ડફણા નો માર પડે તો જ કામ કરવા તૈયાર થાય છે.
આ બધા ઉદાહરણો જોતાં, ઉપરનું વિદ્વતા પૂર્ણ વિધાન, ‘પ્રાણીઓ સવારથી સાંજ
સુધી કામ કરે છે, અને તેઓ શારીરિક થાક
અનુભવે છે, ત્યારે જ આરામ કરે છે.’ એ સાચું જણાતું નથી. માણસને વારંવાર આ વિધાન
કહીને, પ્રાણીઓના ખોટા દાખલા આપીને, એને કામ કરવા પ્રેરિત કરવાનું, કોઈ વિદ્વાન
માણસનું આ કાવતરું હોય એવું મને તો જણાય છે.
બાકી સ્વાનુભવે મને તો જણાયું છે કે, - મનુષ્ય જ એક એવું પ્રાણી છે, જે
સવારથી સાંજ સુધી કામ કરે છે, એટલું જ નહિ પરંતુ ક્યારેક તો રાત્રે પણ કામ કરે
છે. અરે, દિવસો ના દિવસો સુધી અને રાતોની
રાતો સુધી એ કામ કરે છે. ઘણીવાર તો શારીરિક થાક અનુભવે છતાં આરામ કરતો નથી, તો પછી
માનસિક થાક તો ગણતરીમાં લેવાનો સવાલ જ ઊઠતો નથી. આપણા લાડીલા નેતા જવાહરલાલ નહેરુ
જ આપણને સૂત્ર આપતા ગયા છે, ‘આરામ હરામ હૈ.’ જ્યારે મનુષ્ય સિવાયના પ્રાણીઓ ‘આરામ
હમારા રામ હૈ’ નું સૂત્ર પાળી રહ્યા છે.
કેટલાંક પ્રાણીવીદ તો એમ પણ કહે છે, ‘ પ્રાણીઓ ક્યારે ય થાક કે કંટાળો
અનુભવતાં નથી.’ પણ મને તો લાગે છે કે, પ્રાણીઓ જ વધુમાં વધુ થાક કે કંટાળો અનુભવે
છે. તેથી જ સ્તો તેઓ દિવસનો મોટો ભાગ નિષ્ક્રિય થઈને પડી રહે છે. નથી તો તેઓ ગઈકાલ
નો વિચાર (અફસોસ) કરતાં કે નથી તો તેઓ આવતી કાલનો વિચાર ( ચિંતા) કરતાં. વિદ્વાનો
કહે છે કે, ‘માણસો થાકીને કે કંટાળીને કામ
કરવાનું છોડી દે છે જ્યારે પ્રાણીઓ તેમ નથી કરતાં.’ તો તેનું એક કારણ એવું ય છે
કે, પ્રાણીઓ કામ જ નથી કરતા.
આ વાત પેલી જોક જેવી છે:
જજ : (વકીલને) તમારા અસીલના છુટાછેડા લેવા પાછળનું કારણ શું છે?
વકીલ: ‘લગ્ન’ નામદાર.
જે માણસે લગ્ન કર્યા હોય એને જ છુટાછેડાની લમણાઝીંક કરાવી પડે, વાંઢાને
વળી આવી બધી શી પંચાત? અને એટલે જ જે પ્રાણી ( એટલે કે માણસ) કામ કરે એને થાક પણ
લાગે જ અને કંટાળો પણ આવે જ.
પ્રાણીશાસ્ત્ર નાં અભ્યાસનું એક તારણ એવું ય છે કે – ‘પ્રાણીઓ રાત્રે
આરામથી ઊંઘી જાય છે, જ્યારે માણસને રાત્રે ઊંઘ આવતી નથી અને સવારે ઊંઘમાંથી
જાગવાનું મન થતું નથી.’ આ તારણ માત્ર એક જ હકીકત નું બયાન કરે છે, કે – પ્રાણીઓને
કોઈ ચોઈસ – બોઈસ જેવું કંઈ છે નહીં. ‘રાત પડી, અંધારું થયું, સુઈ જાવ. સવાર થઇ,
અજવાળું થયું, જાગી જાવ’
જ્યારે માણસની સામે તો રમણીય રાત્રીના કેટકેટલાં આકર્ષણો પડેલાં છે.
રાત્રે નાઈટ ક્લબ માં જઈને ડ્રીંક, ડીનર અને ડાન્સ કરવાનું, બમ્પર ઇનામો વાળી
હાઉસી અને તીનપત્તી રમવી, જોવા જેવી (કે પછી ન જોવા જેવી) લેઇટ નાઈટ ફિલ્મો જોવી,
બે નંબરના અઢળક નાણા ગણીને (કે ગણ્યા વિના)
સુટકેસમાં ભરી એને માળીયે ચઢાવવી. રાત્રે ૧૨ થી ૮ દરમ્યાન ફ્રી મળતા
ઈન્ટરનેટ નાં કલાકો વાપરવા, મિત્રો સાથે ગપ્પા મારવા, અને બીજું ઘણું બધું.
આવા અગણિત આકર્ષણો જેની સામે
બાહો ફેલાવીને પડ્યા હોય, તે રાત્રે વહેલો સુઈ જ શી રીતે શકે? અને જે રાત્રે વહેલો
સુઈ ન શકે એ સવારે વહેલો ઊઠી શી રીતે શકે? ‘રાત્રે વહેલો સુઈ જે વહેલો ઊઠે વીર, બળ
બુધ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર.’ એ પંક્તિ પણ કોઈ પ્રાણીવીદે
પ્રાણીઓની ફેવર કરીને જ લખી છે, મનુષ્યને ભલા એની સાથે શી લેવા દેવા?
પશુ પક્ષકારો કહે છે કે –‘કુદરતે પોતાનો ખજાનો જે પ્રાણીઓ સામે ખુલ્લો
મૂક્યો છે, તે જ ખજાનો મનુષ્ય સામે પણ ખુલ્લો મૂક્યો છે. રંગ બેરંગી ફૂલો, ખળ ખળ
વહેતી નદીઓ, ઘટાઓ. રમણીય પર્વતો, વગેરે વગેરે.. પણ પ્રાણીઓ આ ખજાના નો ભરપૂર આનંદ
માણે છે, જ્યારે મનુષ્ય એનો જોઈએ તેટલો આંનદ માની શકતો નથી.’
આની પાછળનું કારણ વિચારતા મને લાગે છે કે, મનુષ્ય વિચારશીલ પ્રાણી છે. એ
નજીકના અને દૂરના ભવિષ્ય વિશે વિચારી શકે છે. (માત્ર લગ્ન કરતી વખતે જ આ વિચાર
શક્તિ કુંઠિત થઇ જાય છે) એને ખબર છે કે, રંગ બેરંગી ફૂલો મૂરઝાઇ જવાના છે, ખળ ખળ
વહેતી નદી સૂકાઈ જવાની છે, ઘટાઓ વિખેરાઈ જવાની છે, અને ડુંગરા તો દુરથી જ રળિયામણા
છે.
આવી સમજની પ્રતીતિ જ એના આનંદ ને ઉડાડી મૂકે છે. પ્રાણીઓ નહાય છે, ખાય
છે, પીએ છે ત્યારે બધી પ્રક્રિયાઓ એમને આનંદ આપનારી છે, જ્યારે માણસ ખાતી વખતે
વિચારે છે, ‘આજે ઉઘરાણીના રૂપિયા ન આવ્યા તો ઝેર ખાવાનો વખત આવશે.’ અથવા ‘આજે
કામવાળી ન આવી તો વાસણ જાતે ઘસવા પડશે’
પાણી પીતી વખતે માણસ વિચારે છે, ‘આ વખતે પાણીનો બોર ઊંડો કરાવવા ખર્ચની જોગવાઈ
કરવી પડશે’ માણસ નહાતી વખતે વિચારે છે, ‘સાલું, જ્યારથી ગીઝર મૂકાવ્યું છે,
ત્યારથી લાઈટ બીલ જાલિમ આવે છે, ઈલેક્ટ્રીસીટી વાળા બેફામ ટેક્સ લઈને વગર પાણીએ
નવડાવી નાખે છે’
આવા આવા વિચારોને લીધે જ માણસ પ્રક્રિયાનો આંનદ લઇ શકતો નથી. માણસે જ
કહેવત કરી છે કે – Process
is more Important than Product.’ અન્ય
કહેવતોની જેમ આ કહેવત પણ એણે માત્ર કહેવા
માટે જ કરી છે, અનુસરવા માટે નહી. એ જે
હોય તે, પણ એક વાત અહીં નિર્વિવાદ સાબિત થાય છે કે – ‘પ્રભુએ માણસને વિચારશક્તિ
આપીને ભારે અન્યાય કર્યો છે.’
મારી એક ફ્રેન્ડ આ સાંભળીને કહે છે, ‘ભગવાને માણસને હસવાનું વરદાન આપ્યું
છે, જ્યારે પ્રાણીઓ હસી શકતા નથી.’ વાત એની એક રીતે સાચી છે, પરંતુ હસવાની તક મળે
ત્યારે પણ માણસ વિચારમાં પડે છે, ‘હું હસું? કે નાં હસું? હસવાથી મને શું ફાયદો
થશે?’ અને માણસ આવું વિચારવામાં હસવાનું પણ ચૂકી જાય છે.
અમે ‘હાસ્યલેખો’ લખી લખીને માણસને હસવાનું યાદ કરાવીએ છીએ, એ વાંચીને પણ એને હસવું
ન આવે તો તો પછી- ‘જેવા જેના નસીબ’
માણસ સિગારેટ, તમાકુ, દારુ જેવા વ્યસનોનું સેવન કરે છે. નાટક – ચેટક કે ફિલ્મો જોવા જાય છે.
નાચ – ગાનનો જલસો ગોઠવે છે. તે કઈ આનંદ મેળવવા માટે નથી કરતો, પરંતુ થાક અને કંટાળો દૂર કરવા માટે કરે છે, અને
એમાં ક્યારેક સફળ પણ થાય છે. જેમણે ‘વીજળીના બલ્બ’ ની શોધ કરી, એ પ્રસિદ્ધ
વૈજ્ઞાનિક ‘થોમસ આલ્વા એડીશન’ જેવા કેટલાક કામને જ આનંદ ગણતાં અને કામમાં પોતાની
જાતને પણ ભૂલી જતા મનુષ્યો ની વાત જુદી છે. એકવાર એમની પત્નીને તેઓ ફરવા લઇ જવા
તૈયાર થયા. પત્નીએ ભૂલથી એમને કહ્યું, ‘તમારી મનપસંદ જગ્યાએ ફરવા લઇ જાવ’ તો એડીશન
પત્નીને પોતાની સદા પ્રિય એવી જગ્યા
પ્રયોગ શાળામાં ફરવા લઇ ગયા.
એડીશન જેવા મહાન માણસો કામથી થાક કે કંટાળો ન અનુભવે તે વાત જુદી છે.
પરંતુ બધા માણસો કંઈ થોમસ આલ્વા એડીશન નથી હોતાં.
સરસ લેખ, હાસ્યલેખો છે છતાં વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડી જાય છે. 'આરામ હમારા રામ હૈ' ને 'આરામ હી રામ હૈ' લખીએ તો ફક્ત હ નો હી જ કરવો પડે.
ReplyDelete