Tuesday 5 July 2016

આ બધાને થયું છે શું?

આ બધાને થયું છે શું?      પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

લાખ વાના કર્યા તો ય... છેલ્લા કેટલાય કલાકોથી, અરે કલાકોથી શું, કેટલાય દિવસોથી કોઈની સાથે સંતોષ કારક રીતે ઝઘડો થયો નથી. ઝઘડા વગર લાઈફમાં થ્રિલ ન આવે, અને થ્રિલ વગર જીવવામાં મઝા ન આવે. એક સરખી, તદ્દન મોનોટોનસ લાઈફમાં જીવવાનું ય શું? સાવ આવું તે કેમ ચાલે? લાવ, હું જ સામેથી કંઈ પ્રયત્ન કરું, એમ વિચારી વહેલી સવારે મે દૂધ વાળા થી શરૂઆત કરી.
-અલ્યા, આજ કાલ મ્યુનિસિપાલીટી વાળા તારે ઘેર છૂટથી પાણી આપે છે કે?
-કેમ બેન, આવું પૂછો છો? એણે ભોળે ભાવે પૂછ્યું.
-આવું નહી તો કેવું પૂછું? તું તે દૂધ લાવે છે કે પાણી?
-મા જગદંબાના સોગન ! બેન, જો હું દૂધમાં પાણીનું એક ટીપું પણ  ભેળવતો હોઉં તો.
-તો પાણીમાં દૂધ ભેળવતા હશો.  બધું એક નું એક જ ને?
-આ સોસાયટીમાં બીજા દસ જણા મારી પાસેથી દૂધ લે છે. એમને પૂછી જોજો, બેન.  આજ સુધી એક પણ ફરિયાદ નથી આવી.
-એટલે મારે પણ તમને કશું નહી કહેવાનું? એમાં  જ તો તમને ફાવતું પડી ગયું છે ને?
ગમે એમ ન બોલો બેન.
-તો શું ‘ન ગમે એમ બોલું?’ પણ આવું જ દૂધ આપવું હોય તો બહેતર છે કે કાલથી દૂધ જ ન આપશો, અમે નળેથી પાણી ભરી લઈને ચલાવી લઈશું.
-જેવી તમારી મરજી, બેન. પછી એ પાણીની જ ચા બનાવીને પીજો. 
અને એ ચાલતો થયો. પત્યું, મારા ઝઘડવાના મૂડ પર પાણી ફેરવીને એ તો જતો રહ્યો. મારી સવાર બગાડી. પણ કંઈ વાંધો નહી, છોકરાઓ હમણા જ ઊઠ્યા છે, લાવ એમને પકડું.
-અલ્યાઓ! બન્ને જણ ક્યારના રૂમમાં શું કરો છો?
-મમ્મી, અમે ટાઈમ ટેબલ ગોઠવીએ છીએ.
-અત્યારે ટાઈમ ટેબલ ગોઠવવાનો ટાઈમ છે કે?
-અત્યારે નહી તો પછી ક્યારે ગોઠવીએ મમ્મી?
-રાત્રે ટાઈમ ટેબલ ગોઠવતા શું થતું હતું?
-રાત્રે તો તારો ડ્રેસ લેવા તેં અમને તારા દરજી ને ત્યાં મોકલ્યા હતા.
-તે દરજીને ત્યાં રાત થોડાં જ રોકાયા હતા, આવીને શું કર્યું  હતું?
-આવતા મોડું થયેલું તેથી તેં જ તો કહ્યું હતું – ‘ચાલો, હવે સુઈ જાવ, સવારે વહેલું ઊઠવાનું છે. ટાઈમ ટેબલ સવારે ગોઠવજો.’
-એમ પાછા મારું કહ્યું માની જાવ એવા ડાહ્યા ડમરા તમે ખરા ને?
-ચાલ મમ્મી, અમને સ્કુલે જવાનું મોડું થાય છે, બાય બાય.
લો, આ ઝઘડો પણ કંઈ બરાબર જામ્યો નહી. ઝઘડો તો બરોબરિયા સાથે જ જામે. અરે હા, પતિદેવ! ઠીક યાદ આવ્યા.
-કહું છું, સાંભળો છો? કેટલી વાર ઘોર્યા કરવું છે? ઉઠો હવે.
-તું ચા મૂક, હું બ્રશ પતાવીને આવું છું.
-તમને તો બ્રશ કરતા ય ભાઈસા’બ અર્ધો કલાક થાય છે.
-કંઈ અગત્યનું કામ છે?
-હા, આજે તો બરાબર ઝઘડવું છે.
-શું?
-કંઈ નહી, અગત્યના કામો તો સવારના પહોર માં શું હોય?
તો લાવ, ચા પીતા પીતા જરા છાપું જોઈ લઉં.
-હવે મુકોને છાપું બાજુ પર, બે ઘડી જરા મન મુકીને ઝઘડો તો ખરા,  આઈ મીન બે ચાર વાતો કરો.
-બૈરા સાથે તે વળી શું વાતો કરવાની?
-એ કરતા એમ કહોને કે – ‘પોતાના બૈરા સાથે વળી શું વાતો કરવાની?’
-અરે વાહ! કાફી સમજ્દાર છે તું તો, ચાલ, હું નહાવા જાઉં.
ને ‘એ’ નહાવા જતા રહ્યા. આમ પણ આવા ‘એકતરફી’ ફીક્કાફાસ ઝઘડામાં લિજ્જત પણ શું આવે? આમ તો હું ધારું તો પાડોશી સાથે સારી એવી જામી જાય, પણ એ ય બહાર ગયા છે. કચરો લેવા આવનારી ને મે ધમકાવી જોઈ, પણ એ તો એક પણ શબ્દ બોલ્યા વિના ચુપચાપ કચરો લઈને ચાલતી થઇ.
બપોરે મારી કામવાળીને આવતી જોઇને હું ખુબ ખુશ થઇ ગઈ. હાશ! આ સારી હાથમાં આવી, હવે મઝા આવશે, આજે તો એની સાથે એવી જમાવું કે...
-પધારો, મહારાણી બા! એ પગથીયું ચડતી હતી ત્યાં મે એને સંભળાવ્યું. એણે મારી સામે જોયું અને માત્ર હસી.
-આ તે કંઈ ટાઈમ છે, કામે આવવાનો?  મે સહેજ ઊચે સાદે કહ્યું, તો પણ એ ચુપ  રહી.
-અલી એય, તને કહું છું, મોઢામાં માગ ભર્યા છે કે?
-ઘેર મે’માન આયા’તાં, બુન. એ  ધીમેથી બોલી.
-ઓહોહોહો! બહુ સ્વાગત કર્યું હશે નહી મે’માનોનું? આ જો કપડા, ધોયા છે કે ધોકાવી જ નાખ્યા છે?
-પાછા ધોઈ આપીશ.
-સાબુ મફત માં આવતો હશે, નહી?
-મારા પગારમાં થી સાબુના પૈસા કાપી લેજો, બુન.  
મેં ત્યાર પછી એને આઠ થી દસ વાક્યો ઉશ્કેરણી જનક કહ્યા, પણ એ તો ચુપ ચાપ એનું કામ કરતી રહી. હું નિરાશ થઇ ગઈ. પછી તો ધોબી, માળી, પગી, શાકવાળો વગેરે ઘણાની સાથે ઝઘડો કરવાની ટ્રાય કરી જોઈ, પણ કોઈ એ મને મચક ન આપી. મને તો ખાવાનું ય ન ભાવ્યું અને બપોરની ઊઘ પણ બરાબર ન આવી. હું વિચારતી હતી કે આખરે – ‘આ બધાને થયું છે શું?’


1 comment:

  1. નક્કી કંઈક તો થયું જ હશે તે વગર સાવ...પણ તમારો સ્વભાવ આમ તો સારો લાગે છે!
    (સરસ હોં મજા આવી.)

    ReplyDelete