Tuesday, 21 June 2016

આપણે જીવીએ છીએ શાના માટે?

આપણે જીવીએ છીએ શાના માટે?   પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

પતિ: હજી સુધી જમવાનું તૈયાર નથી થયું? હવે રહેવા દે, હું બહાર જમી લઈશ.
પત્ની: પાંચ મિનિટ રાહ જુવો.
પતિ: કેમ, પાંચ મિનિટ માં જમવાનું તૈયાર થઇ જશે?
પત્ની: ના, પાંચ મિનિટમા હું તૈયાર થઇ જઈશ. હું પણ આજે તમારી સાથે હોટલમાં જ જમી લઈશ.

પતિ પત્ની વચ્ચેનો આ સંવાદ બતાવે છે કે હોટલના એટલે કે રેસ્ટોરાં ના ખાણાની મજા જ કંઈ અનેરી હોય છે. બાળકો પણ ‘આજે તો હોટલમાં ખાવા જવાનું છે’ એમ સાભળે તો અતિ આનંદ માં આવી જાય છે. પત્ની કલાક બે કલાક ની મહેનત બાદ રસોઈ તૈયાર કરે છે, અને પતિ ઓફીસ જવાની હાય વોય મા પાંચ કે દસ મિનિટ મા રસોઈ ઝાપટીને ઊભો થઇ જાય છે.  જો કે એ જ ગૃહસ્થ કોઈ  હોટલમાં જમવા જાય છે ત્યારે ખુબ જ શાંતિ પૂર્વક અર્ધો કલાક કે એક કલાક જમવામાં ગાળે છે.

ઘરમાં પત્નીને રસોઈ બનાવતા પાંચ દસ મિનિટ મોડું થઇ જાય તો પગ પછાડતો, સ્વસ્તિવચનો  સંભળાવતો કે જમ્યા વિના ઓફેસે જતા રહેવાની ધમકી આપતો પતિ , રજાના દિવસોમાં હોટલની લાંબી લાઈનમાં ઊભા રહી,  કે કલાક વેઈટીગ રૂમમાં બેસીને વારો આવવાની રાહ જોતો, શાંતિથી જમવા તૈયાર થાય છે. આના પરથી પણ અનુમાન કરી શકાય છે કે ઘરનાં   ખાવાનાં   કરતા હોટલનું ખાવાનું કેટલું સ્વાદિષ્ટ, ચટાકેદાર અને લિજ્જતદાર  હોય છે. આમ હોટલ જ એક એવી સંસ્થા છે કે જે એક ‘ગૃહસ્થ’ ને  ‘સદ ગૃહસ્થ’ બનાવે છે
.
ઘરમાં તો પત્ની એ જે દિવસે, જે વેળાએ, જે કંઈ બનાવ્યું હોય તે ખાવું પડે છે, એમાં પસંદગીને કોઈ અવકાશ નથી. જ્યારે હોટલમાં મેનુ માથી મનપસંદ વાનગીઓ મંગાવવાનો અવકાશ હોય છે. એનાથી  સ્વાદેન્દ્રિય વધુ તીવ્ર થાય છે અને  પાચેન્દ્રીય વધુ કાર્યરત થાય છે. વાનગીઓમાં જરા પણ  કંઈ ગરબડ લાગી તો પૂરા વટથી એને બદલાવી શકાય છે. જ્યારે ઘરમાં? વધુ પડતા નમક કે મરચાની વાત કરી તો શ્રીમતીજી ને મરચા લાગી જાય છે, અને એ એકતરફી ચર્ચા થી  શ્રીમાનના આંખમાં પાણી લાવીને જ જંપે છે. પછી તો પતિ પણ આવા સ્વાદભર્યા (??) ભોજનથી ટેવાઈ જાય છે,  અને ‘આ તો રોજ નું થયું’ એમ મનમાં બબડી ચુપચાપ જમીને ઊભો થઇ જાય છે.

એવું કહેવાય છે કે, ‘વાનગી બનાવનાર અને પીરસનારના મૂડ ની અસર જમનારના પાચનતંત્ર પર થતી હોય છે. હિંગ – હળદરની વાસ અને ડાઘ વાળા કપડા પહેરેલી, અસ્ત વ્યસ્ત વાળ વાળી  અને ચઢેલા મોં અને બગડેલા મૂડ વાળી વાઈફ રોટલી  પીરસે તે કરતાં સુઘડ યુનિફોર્મ વાળો વેઈટર, સસ્મિત વદને રોટલી પીરસે તો માણસને બે રોટલી વધારે ખાવાનું મન થાય એ સમજી શકાય એવી વાત છે. (છેવટે પૈસા તો બન્ને જગ્યાએ ચૂકવવાના છે) 

ઘરમાં જમવા બેઠા હોય ત્યારે ક્યાં તો છોકરાઓ કકળાટ કરતા હોય, અથવા તો ટીવી પર કાવાદાવા વાળી કે ઢીશુમ-ઢીશુમ બ્રાંડ સીરીયલો કે મૂવી ચાલી રહ્યા હોય, યા તો પડોશમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હોય. ત્યારે તમે જ કહો ભલા, કોઈ માણસ શાંતિથી જમી જ કઈ રીતે શકે? જ્યારે હોટલમાં તો  મંદ મંદ પ્રકાશ વેરતી લાઈટ્સ હોય, ટેબલ પર ફ્લાવર વાઝમાં સરસ મજાના ફૂલો મૂક્યા હોય, સુમધુર સ્વરે સંગીત રેલાતું હોય ત્યારે? અહાહાહા! જમવાની જે લિજ્જત આવે છે તે હોટલમાં જમ્યા હોય તે જ જાણે.

ઘરમાં તો એનુ એ જ રસોડું, એ ના એ  જ ટેબલ-ખુરશી, એ ની એ જ રસોઈ, એ ના એ જ છોકરાં, એ ની એ જ વાઈફ...ઉફ! જ્યારે જુદી જુદી હોટલમાં, જુદા જુદા વાતાવરણમા અને ભાગ્યમાં હોય તો જુદી જુદી કંપનીમાં,  જમવાનું જેના નસીબમાં લખાયેલું હોય એ જ ભોગવી શકે. ન ભોગવી શકનારા ઈર્ષ્યા વશ કહે છે, ‘હોટલનું ખાણું વાસી, તળેલું અને વધુ પડતું મસાલેદાર હોઈ, આરોગ્યને નુકસાન કરે છે, ગઈ કાલના ગાંઠીયા આજ ની ચટણી હોય છે.’  તો એમને એટલું જ કહેવાનું કે ચટણી ચટાકેદાર હોય છે અને એની જ માંગ વધુ હોય છે. 

મારું તો એ કહેવું છે કે, ક્યારેય હોટલમાં નહિ ખાનારા, ફક્ત ઘરમાં જ ખાનારા ક્યારેય માંદા નથી પડતા શું?  મેં તો ‘આરો’  નું પાણી પીનારા ને જ કિડનીના રોગ નાં ભોગ બનતા વધુ જોયા છે.(આ તો માત્ર મારું અવલોકન અને મારો અભિપ્રાય છે) બાકી આ  પેટનું તો પેલી પટલાણી જેવું છે, જેમ પાળો એમ પળે.

એક સરપંચ પટેલને ત્યાં એક ખેલ કરનારો આવ્યો. એણે મોટી વજનદાર ભેંસ ને ખભા પર ઊંચકી બતાવી. પટેલે ખુશ થઈને એને એક સો એક  રૂપિયા ઇનામ આપ્યું. એ જોઈ પટલાણી બોલ્યા, ‘એમાં શું નવાઈ? આ તો કોઈ પણ કરી શકે.’ પટેલે કહ્યું, ‘તમે કરી બતાવો તો તમને પાંચ સો એક રૂપિયા આપું.’ પટલાણી એ છ મહિનાની મુદત માંગી. છ મહિના પછી પટલાણીએ પણ મોટી વજનદાર ભેંસ ઊંચકી બતાવી. પટેલે પાંચ સો એક રૂપિયા આપતા પૂછ્યું, ‘પટલાણી, આવું શી રીતે બન્યું?’ પટલાણી બોલ્યા,’ પ્રેકટીસથી, આપણી ભેંસને પાડી જન્મી તે દિવસથી મે રોજ એને ઊંચકવાની પ્રેકટીસ કરી, પાડીની ભેંસ બની ત્યા સુધી રોજ એને ઊંચકવાની પ્રેકટીસ થી ભેંસ ઊંચકી શકી.’

  પ્રેકટીસથી  માણસ શું ન કરી શકે? પથરા પણ પચાવી શકે. અમે દર ઉનાળે શેરડીનો રસ અઠવાડિયા માં ત્રણ દિવસ પીએ છીએ. અમારા પાડોશીએ દેખાદેખીમાં એક ઉનાળે શેરડીનો રસ આખી સિઝનમાં  માત્ર ત્રણ વખત પીધો, એમાં એમને કમળો અને કમળામાં થી મીસીસ કમળો (કમળી)  થઇ ગઈ,  નસીબની બલિહારી બીજું શું?

ઘણા કહે છે કે, હોટલમાં જે વાસણોમાં રાંધવામાં આવે છે તે બરાબર સાફ નથી હોતા. ઘરમાં પણ કામવાળા ન આવે ત્યારે એવું જ હોય છે ને? કેટલાક કહે છે કે, હોટલમાં ગ્લાસમાં ગ્રાહકોએ વધારેલા એંઠા પાણીમાં જ બીજું પાણી ઉમેરીને બીજા ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. પોઝીટીવલી  વિચારીએ તો એ રીતે ‘પાણીનો બચાવ’ જ થાય છે ને? પાણીનો બચાવ કરવું કેટલું જરૂરી છે. તમે જ કહો, એઠું ખાવું બિન આરોગ્યપ્રદ હોત તો ભગવાન શ્રી રામ શબરીના એંઠા બોર ખાત ખરા?

એક હોટલમાં અમે ચા પીવા ગયા ત્યારે વેઈટરે પૂછ્યું, ‘મેમસાબ કઈ ચા લાવું? બાદશાહી કે જનતા?’ અમે પૂછ્યું, ‘એ બે માં શું ફેર છે?’ એણે કહ્યું, ‘બાદશાહી ચા પીધા પછી ગ્રાહકોએ  કપમાં વધારેલી ચા ગરમ કરીને જનતાને આપીએ એ જનતા ચા.’  બાદશાહો (નેતાઓ) અને જનતા (પ્રજા) વચ્ચેનો આવો મીઠો સંબન્ધ આજે પણ સચવાઈ રહ્યો છે.
આજકાલ આરોગ્ય ખાતાના અધિકારીઓ હોટલો પર ત્રાટકીને બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરે છે. પણ જે લોકો નિયમિત પણે હપ્તા ચૂકવે છે એમને આવી પ્રક્રિયા માંથી પસાર થવું પડતું નથી. નિયમિત હપ્તા ભરનારી હોટલોમાં તો કાયમ આરોગ્યપ્રદ ખાવાનું જ મળે છે.

સંતાત્માઓ કહે છે, ‘કેટલું ક્ષણ ભંગુર છે આપણું  જીવન!’ આવા નાનકડા જીવનમાં જે થોડી ઘણી વેળાએ હોટલમાં જમવા જઈએ ત્યારે આરોગ્ય –બિન આરોગ્ય ની કડાકૂટ માં પડ્યા વગર આનંદથી ભોજન લેવું. આખરે આપણે જીવીએ શેના માટે? (ખાવા માટે જ ને?)3 comments:

 1. વાહ સરસ મજા આવી જમવાની. અમે તો ખાધા વગર જીવી જ નથી શકતાં.

  ReplyDelete
 2. આખરે આપણે જીવીએ શેના માટે? (ખાવા માટે જ ને?)
  - સરકારી સત્ય ( પિયુનથી પ્રધાન સુધી !)

  ReplyDelete
 3. સ્ત્રીઓને હોટલ કે રેસ્ટોરંટમાં જઈને ખાવાનું ગમે છે એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં રસોઈ મોટે ભાગે પુરુષ શેફના હાથે બનતી હોય છે ! એમ મારું માનવું છે.તમે શું કયો' છો ?

  રસોઈ કરવાની આળસ પણ જવાબદાર ખરી એની નાં નહિ !

  ReplyDelete