Tuesday, 14 June 2016

અપના ઘર.

અપના ઘર.     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

પુરાણ કાળમાં મહમ્મદ તઘલખે ભારતની રાજધાની માટે જેમ, ‘દિલ્હીથી દોલતાબાદ’ કરેલું,  એમ અમે મારા પતિદેવની નોકરી અર્થે ‘અમદાવાદ થી અતુલ’ અને ફરીથી  ‘અતુલથી અમદાવાદ’ કર્યું. દિલ્હીથી દોલતાબાદ કરવામાં જેમ અનેક ઘરડા માણસો ઉપર સિધાવી ગયા હતા, એમ અમારા અતુલથી અમદાવાદના કાર્યક્રમમાં ઘણા જુના ફર્નિચરના હાજાં ગગડી ગયા.

વેચવા કાઢ્યું તો લોકોએ મફતના ભાવે માગ્યું. અને રીપેર કરવા ધાર્યું તો સુથારોએ સ્પેશીયાલીસ્ટની કન્સલ્ટીંગ ફી જેવો ધરખમ ચાર્જ માંગ્યો. છેવટે  એ ફર્નિચરને ‘માથે પડેલા ઘર જમાઈ’ ની જેમ ઘરના સ્ટોર રૂમના એક ખૂણામાં નાખી, એના પર જૂની ચાદર ઓઢાડી દીધી. ‘દેખવું ય નહિ ને દાઝવું ય નહિ’ 
 
ભુતકાળમાં અમદાવાદમાં જ અમે ભાડાના પાંચ ઘર બદલ્યા હતા. ‘માણસ આજે સજ્જન લાગે છે, પણ આવતી કાલે એ જ ગુંડો ન થઇ જાય એની શી ખાતરી?’ એમ વિચારીને મકાન માલિકો ૧૧ મહિનાનો દસ્તાવેજ કરીને જ ઘર ભાડે આપતા. ‘અલક ચલાણી, પેલે ઘેર ધાણી’ ની રમત રમતા રમતા અમે ખુબ કંટાળી ગયા હતા. ‘કાશ! હમારા અપના એક ઘર હોતા, છોટા હી સહી પર અપના હોતા’ એ સ્વપ્ન હતું.

લગ્નની દસમી વર્ષગાંઠ પર સવાર સવારમાં પતિદેવે મને એક કીચેન ભેટ આપી.

-આને હું શું કરું?  મે મૂળભૂત સવાલ કર્યો.
-એમાં ચાવીઓ ભેરવજે. એમણે પ્રેમથી કહ્યું.
-ચાવીઓ? શેની ચાવીઓ?  
-ઘરની ચાવીઓ, આપણા ઘરની ચાવીઓ.
-હેં? તમે ઘર લીધું? આપણું ઘર? ક્યારે? ક્યાં? મે એકસામટા સવાલોની ઝડી વરસાવી.
એમણે મને ઘરની ચાવીઓની સાથે સાથે ઘરની ડીટેલ્સ પણ આપી. પછી તો અમારા પડોશીઓ, સગા વહાલાઓ, ઓફીસના લોકો અને મિત્રોએ અમારા નવા ઘરની વાત જાણી. બધાએ અમને વધાઈ આપી અને સવાલો પુછવા લાગ્યા. 
-હેં? તમે નવું ઘર લીધું? ક્યાં લીધું? કેટલામાં લીધું? ક્યારે રહેવા જવાના?
-બસ, પઝેશન મળે કે તરત.
-પઝેશન ક્યારે મળવાનું?
-અમે બધા પૈસા ચૂકવી દઈએ કે તરત.
-લગભગ ક્યારે રહેવા જશો?
-નક્કી નથી.

છેવટે બધા પૈસા ભરાઈ ગયા, પઝેશન મળી ગયું, એટલે  એક દિવસ નક્કી થઇ ગયું કે નવા ઘરમાં ક્યારે રહેવા જવું. મેં અમારો સામાન પેક કરવા માંડ્યો. જ્યારે પેક થયેલો સામાન ટ્રકમાં ચઢાવ્યો ત્યારે થયું, ‘અધધધ! આટલો બધો સામાન? અને તે પણ આટલા નાનકડા ઘરમાં હતો? અને આટલો સામાન હતો તો અમે આ ઘરમાં કેવી રીતે સમાયા? વળી મહેમાનો શી રીતે સમાયા?

નવા ઘરમાં મજુરોએ ટ્રકમાંથી ધડાધડ સામાન ઉતારવા માંડ્યો. મે કહ્યું,’જરા ધીમેથી, સંભાળીને - સાચવીને સામાન ઉતારો.’ તો મજુરો કહે, ‘કોઈ ચિંતા ન કરો, બેન. તમારા સામાનને કઈ નહિ થાય.’ જેમ કોઈ બાળક માં થી વિખૂટું પડી જાય એમ અમારા ફ્રિજનું ઉપરનું બારણું ફ્રીઝથી છુટું પડી ગયું. લાકડાના કબાટના બારણાનાં મિજાગરા છુટા પડી ગયા.સ્ટીલની પવાલી (મોટી ઉંચી તપેલી) માં મોટો ગોબો પડી ગયો.

ટીવી ની બે સ્વીચ મરડાઈ ગઈ. કાચના ત્રણ ગ્લાસ શહીદ થઈ ગયા. સ્ટીલની મોટી તિજોરીએ  પોતાની ભારેખમ કાયાને લઈને દાદર ચઢવાની નાં પાડી દીધી. એને દોરડેથી બાંધી ઉપરના રૂમની બાલ્કનીમાંથી ઉપર ખેંચી. આ ક્રિયા એને અરુચિકર લાગતા રિસાઈને એણે પોતાના અરીસાના સેંકડો ભાગ કરી, એ ભાગો  વેરવિખેર  કરી નાખીને રીસ પ્રગટ કરી. ગેલેરીની રેલીંગ તિજોરીનો ભાર ખામી ન શકી એટલે એક જગ્યાએથી બેવડ વળી ગઈ. મજુરોના કહેવા પ્રમાણે – ‘બસ, આટલું જ થયું, બીજું કઈ નો થ્યું.’

ફટાફટ સામાન ઉતરાવી, પૈસા લઇ ટ્રક વાળો મજુરો સાથે વિદાય થયો. પતિદેવ પણ સમય થતા ઓફિસે સિધાવ્યા. અને ‘કોઈ મહારાણી પોતાના ભૂતકાળના વૈભવી પરંતુ વર્તમાન કાળના ખંડિત સામ્રાજ્યના ખંડહરમાં બેસીને નિસાસા નાખે,’  એવી હું મારા ઘરના અવ્યવસ્થિત એવા સામાનના ઢગલા પર બેસી, ‘ક્યાંથી શરું કરું?’ એવું વિચારતી હતી. ત્યાંજ યાદ આવ્યું કે ફ્રીજ અને કબાટોની ચાવીઓ તો પતિદેવ ઓફીસ લઇ ગયા એ બેગમાં જ રહી ગઈ હતી. હવે?

મેં ઓફિસે એમને ફોન કર્યો તો એમને મને કહ્યું, ‘તું સામાન છૂટો પાડવા માંડ, હું કલાકેક માં આવું છું.’ મેં  સામાન છૂટો પાડવા માંડ્યો. ત્રણ કલાક પછી તેઓ આવ્યા. અને મને ઘરના સામાનના ઢગલા વચ્ચે બેઠેલી જોઇને હેબતાઈ ગયા.

-અ...આ... આ... બધું શું છે? માંડ માંડ એ અવાજ કાઢી શક્યા.
-આ આપણા ઘરનો સામાન છે.  મેં નિર્દોષતા પૂર્વક કહ્યું.
-એ તો મને પણ દેખાય છે, પણ એ બધો ફેલાવ્યો છે કેમ?
-લો, તમે જ તો ફોન પર કહ્યું હતું કે સામાન કાઢતી થા, હું આવું છું.
-માય ગોડ, આટલો બધો સામાન ક્યારે ગોઠવાશે? એમ કર, તું નીચે રસોડામાં સામાન ગોઠવતી થા, હું ઉપર બેડરુમનો સામાન ગોઠવી નાખું, બરાબર?  

મેં નીચે રસોડામાં સામાન ગોઠવવા માંડ્યો. પાડોશી આવીને જમવાનું આપી ગયા. હું એમને ‘હવે આપણે જમી લઈએ?’ એમ કહેવા ઉપર ગઈ. જઈને જોયું તો પતિદેવ ગાદલાના ઢગલા ઉપર ઘસઘસાટ ઊંઘતા હતા.
     


No comments:

Post a Comment