Sunday 1 May 2016

લૂંટાયા.

લૂંટાયા.        પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

કહેવાય છે કે મુસીબત આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે પોતાની ઘણી બધી બહેનપણીઓને લઈને આવે છે. પરંતુ મારી એક બહેનપણી હમેશાં એકલી આવે છે અને સાથે હજારો મુસીબતોને લઈને આવે છે.

એક દિવસ મારા ઘરનું કામકાજ આટોપીને હું હાથમાં છાપું લઈને, ટીવી. પરના બપોરના કાર્યક્રમો જોતી આરામથી સોફા પર બેઠી કમ સૂતી હતી.  ટીવી. પર વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ બનાવવાનો કંઈક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ભૂતકાળમાં જ્યારે પણ મેં આવા કાર્યક્રમો જોઇને, એમાંથી પ્રેરણા લઈને કંઈ બનાવવાન પ્રયત્નો કરેલાં, ત્યારે પરિણામ બેસ્ટ આવવાને બદલે ડબલવેસ્ટ જ આવ્યું હતું. તેથી ટી.વી. પરના પ્રોગ્રામ જોવા કરતાં છાપું વાંચવામાં મારું વિશેષ ધ્યાન હતું. ત્યાં જ મુસીબત એટલે કે મારી ખાસ  ફ્રેન્ડ વાવાઝોડાની જેમ ટપકી પડી.

-અરે, હજી તું આમ જ બેઠી છે?
-હું ઘરમાં એકલી હોઉં છું અને ફ્રી હોઉં  છું, ત્યારે આમ જ બેસુ છું, તું પણ બેસ.
- ઊઠ  ઊઠ હવે,  ઊભી થા.
-જો આ બે  સોફાચેર  ખાલી પડી છે, તને ફાવે એમાં બેસ.
-બેસવાનો ટાઈમ નથી, અને તું પણ તૈયાર થા.
-તૈયાર શું કામ થાઉં? ઘરમાં તો આમ જ ચાલે.
-બહાર જવાનું છે, તને કહેવડાવ્યું તો હતું.
-કોની સાથે કહેવડાવેલું?
-અં... યાદ નથી આવતું, પણ એ જાણીને તારે શું કામ છે?
-ત્યારે હું બેસું કે સૂઈ જાઉં, તારે શું કામ છે?
-બહુ સ્માર્ટ ન થા અને વાઈડાઈ ન કર. ઘરમાં બેસીને ટી.વી. પર આવા કચરા જેવા પ્રોગ્રામ જોયા કરે એના કરતાં થોડી આરોગ્યની સંભાળ લેતી થા.
-મારું આરોગ્ય સારું જ છે. મને કોઈ પણ પ્રકારની શારિરીક તકલીફ નથી. અને તું નહોતી આવી ત્યાં સુધી કોઈ પણ જાતની માનસિક તકલીફ પણ નહોતી.
-તકલીફ કંઈ કહીને નથી આવતી, સમજી?
-હા, એટલે જ તું કાયમ કહ્યા વિના જ આવે છે.
-મારી વાત જુદી છે, તું જલદી તૈયાર થઈ જા.
-પણ જવાનું ક્યાં છે, એ તો કહે. મને કેવા કપડા પહેરવા તે ખ્યાલ આવે.
-તું કોઈ પણ કપડાં પહેર, પણ જલદી તૈયાર થઈને આવ. સાથે થોડા પૈસા વધારે રાખજે.
-થોડા રાખું કે વધારે રાખું?
-જાને ભાઈ હવે, મોડું થાય છે.

હું તૈયાર થઈને, મારું પર્સ લઈને આવી એટલે એણે મારી સામે મારા સ્કુટરની ચાવી ધરી. મેં સ્કુટર સ્ટાર્ટ કર્યું એટલે એણે મારી પાછળની સીટ પર બેસીને, અહીંથી સીધું લે, હવે જમણી બાજુ વાળ, જરા ધીરેથીચલાવ – સ્કુટર છે કંઈ પ્લેન નથી, અરે, બ્રેક માર – જો જો –સામેથી સાઈકલ આવે છે,  હોર્ન તો માર, મંદિરેથી  ડાબી બાજુ લઈ લે, આ સામે રોંગ સાઈડમાં થોડું જવા દે, બસ, બસ.ધીમું કર,  પેલા લીમડાના ઝાડ નીચે ઊભું રાખ. જેવી નોનસ્ટોપ સૂચનાઓ આપે રાખી.
લીમડાના ઝાડ નીચે મેં સ્કુટર ઊભું રાખ્યું, મેં આજુબાજુ જોયું તો ત્યાં દાંતનું દવાખાનું  એવું બૉર્ડ વંચાયું, પણ એ સિવાય કોઈ સાડીની દુકાન, જ્વેલરીની દુકાન કે કોઈ મૉલ મને દેખાયો નહીં. 

-એય, આપણે આ દાંતના દવાખાનામાં અંદર જવાનું છે?
-નહીંતર શું તું એમ માને છે કે  ડૉક્ટર એમની ખુરશી અહીં બહાર લાવીને તારી ટ્રીટમેન્ટ કરશે?
-પણ મને તો દાંતનો કોઈ જ પ્રોબ્લેમ નથી.તને ખબર છે, હું નાની હતી ત્યારે મારા એકસરખા દાંત મારા ક્લાસમાં બધાંને બહુ ગમતાં. મારા ક્લાસ ટીચર તો મને ખીસકોલી કહીને જ બોલાવતાં.
-તેં ખીસકોલીના દાંત કોઈ દિવસ જોયાં છે ખરાં?
-ના જોયાં તો નથી, પણ..
-બસ ત્યારે, બહુ ભૂતકાળમાં ગયા વિના પાછી ફર અને વર્તમાનની વાત કર.
- વર્તમાન કોણ? આપણો કોઈ કોમન ફ્રેન્ડ છે?
-બહુ ડાહી ન થા, છેલ્લે તેં ક્યારે દાંત સાફ કરાવેલાં?
-વર્ષો પહેલાં મમ્મી મને દાંત સાફ કરી આપતી, પણ પછી તો એણે , હવે તું મોટી થઈ, તારી જાતે બ્રશ કર એવું કહ્યું ત્યારથી મારી મરજી હોય કે ન હોય હું જાતે જ દાંત સાફ કરું છું, રોજ રાત્રે અને સવારે, આજે સવારે મેં છેલ્લા દાંત સાફ કર્યા છે.
-અરે, એમ નહીં. તેં દાંતના ડૉક્ટર પાસે ક્યારે દાંત સાફ કરાવેલા?
-અરે, વાહ ! દાંતના ડૉક્ટર દાંત સાફ પણ કરી આપે?
-હા કરી આપે, પણ એ માટે એ ચાર્જ લે.
-રોજનું બંધાવીએ તો કંઈ રીઝનેબલ કરી આપે કે નહીં?
-તારી સાથે તો વાત કરવી જ નકામી છે.  આજના છાપામાં તેં મોતી જેવા દાંત લેખ વાંચ્યો?
-ના, હોટલ કર્ણાવતીમાં મોતીના દાગીનાનું પ્રદર્શન છે. એ વાત વાંચી.ચાલ જવું છે ત્યાં જોવા?
-તને પણ શું વાંચવું અને શું ન વાંચવું કંઈ ખબર પડતી નથી. કંઈ વાંધો નહીં, એ તને હું પછી સમજાવીશ. અત્યારે તો તું દવાખાનામાં ચાલ.
-હું અહીં લીમડાના છાંયે સ્કુટર પર બેઠી છું, તું જઈ આવ.
-સાવ ડરપોક બીકણ સસલી છે તું. ચાલ સીધી રીતે અંદર.
એ મને પરાણે અંદર ઢસડી ગઈ. અમે વેઈટીંગ રૂમમાં બેઠા. બાજુવાળા બહેને મને પૂછ્યું,
-     આ ડ્રેસ ક્યાંથી લીધો?
-     સેલમાંથી
-     કેટલાનો આવ્યો?
-     બારસો રૂપિયાનો.
-     લૂંટાયા. અમારા એરિયામાં આઠસોમાં મળે છે, કહો એટલા લાવી આપું.
-     એકમાંના એક થી વધુ ડ્રેસહું ખરીદતી નથી.
-     તમને બાર્ગેઈન આવડતું નથી લાગતું. ડ્રેસ પર લખી હોય એનાથી અર્ધી કિંમતે માંગવાનો.
અમારી વાતચીત હજી લંબાઈ હોત પણ એમનો વારો આવ્યો એટલે એ અંદર ગયાં, ટ્રીટમેંટ પતાવીને એ બહાર આવ્યાં. મેં એમને પૂછ્યું,
-થઈ ગયું કામ?
-હા, નીચેની ત્રણ દાઢમાંચાંદી પૂરાવી, જુઓ.
-અહીં ચાંદી જેવું તો કંઈ દેખાતું નથી, કાળું કાળું કંઈ દેખાય છે ખરું.
-દાંતમાં પૂરેલી ચાંદી એવી જ હોય.
-એમ, ડૉક્ટરે કેટલા રૂપિયા લીધા?
-એક દાઢ પૂરવાના એક હજાર રૂપિયા, ત્રણ દાઢના ત્રણ હજાર થયાં.
-એટલા બધાં? લૂંટાયા. ડૉક્ટર માંગે એનાથી અર્ધા પૈસા જ આપવાના હતાં ને? અહીં તમને બાર્ગેઈન કરતાં ન આવડ્યું?
-દાંતના ડૉક્ટરને ત્યાં એવું નહીં ચાલે. એ મોઢું બગાડીને બોલ્યાં.
દાંતના ડૉક્ટરને ત્યાં કેવું ચાલે? એ વિશે હું એમને સવિસ્તર પૂછવા માંગતી હતી, પણ મારી ફ્રેન્ડ મારો હાથ પકડીને મને કેબિનમાં લઈ ગઈ અને ટ્રીટમેન્ટ ચેરમાંબેસાડી દીધી.
-શું તકલીફ છે? ડૉક્ટરે પૂછ્યું.
-મને કોઈ જ તકલીફ નથી.  મેં કહ્યું.
-ડૉક્ટર, એના દાંત સાફ કરી આપો. મારી ફ્રેન્ડ બોલી.
ડૉક્ટરે મરું મોઢું ખોલી, લાઈટ નાંખીને, એમના ઓજારોથી બધે ખખડાવ્યું, ખોતર્યું, તપાસ્યું અને બોલ્યાં
-તમારી ચાર દાઢ સડી ગઈ છે, ચાંદી પૂરવી પડશે.
-ચાંદી ન પૂરાવું તો?  ( મને રૂપિયા ચાર હજાર નજર સામે દેખાયા)
-તો બધી દાઢ સડી જશે, પછી પડાવવી પડશે. અને આ એક દાઢ ક્યારે કઢાવેલી?
-યાદ નથી, પણ દસેક વર્ષ થયાં હશે.
-ત્યાં તમારે નવી દાઢ  અને બ્રીજ કરાવવો પડશે. નહીંતર આજુબાજુની દાઢ એની તરફ ઢળી જશે અને એની ઉપરની દાઢ  પણ નીચે આવી જશે.
-અરે, મારી દાઢ કંઈ પીસાનો મિનારો છે કે ઢળી જાય?
-તું ચૂપ રહે. ડૉક્ટર એની ચારે દાઢમાં ચાંદી પૂરી દો, અને નવી દાઢ પણ બનાવી આપો.  ફ્રેન્ડ બોલી.
-અરે, પણ નવી દાઢ બનાવવાના કેટલા રૂપિયા થશે?
-ચાર દાઢમાં ચાંદી પૂરવાના ચાર હજાર રૂપિયા અને નવી દાઢના બે હજાર તેમ જ આજુબાજુની બે કેપ(બ્રીજ) કરવાના બે હજાર રૂપિયા. ટોટલ આઠ હજાર રૂપિયા. તમે બધું કરાવશો તો તમને  ક્લીનીંગ ફ્રી કરી આપીશું.
-હેં, એટલા બધા? મારે નથી કરાવવી દાઢ.
-ઠીક છે, ડૉક્ટર સાહેબ, હમણાં  એના દાંતની સફાઈ અને ચાર દાઢમાં ચાંદી તો પૂરી દો. 

બહેનપણી અને ડૉક્ટરની  સતત  સમજાવટ પછી, મેં નવી દાઢ – બ્રીજ કરાવવા સહિત બધી જ ટ્રીટમેન્ટ પૂરી કરાવી. આજે  પણ જ્યારે હું  એ દવાખાના પાસેથી પસાર થાઉં છું,  ત્યારે મને પેલા બહેનનો એક શબ્દ બહુ યાદ આવે છે,  લૂંટાયા
 



1 comment:

  1. બહુ સરસ લેખ. તમે હેરાન થયાં હશો પણ અમને તો મજા પડી.

    ReplyDelete