આશ્વાસન. પલ્લવી
જિતેન્દ્ર મિસ્ત્રી.
‘ઈદમ તૃતીયમ’ વાળા જાણીતા
હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ ના પ્રથમ પત્ની કૈલાસબેનનું અવસાન થયું ત્યારની આ વાત
છે. એમનું બેસણું અમુક દિવસે, અમુક સમયે એમના ઘરે રાખવામાં આવ્યું છે, એવી જાહેર
ખબર (અવસાન નોંધ) લોકોએ છાપામાં વાંચી.
ફોન પર આ વાતની પાકી ખાતરી કરી લીધા પછી, ઓળખીતાઓ એ અને સ્વજનો એ
શિષ્ટાચાર ખાતર વિનોદ ભટ્ટ ને આશ્વાસન આપવા જવાનું નક્કી કર્યું. ઘણા ખરા તો ‘ન
જઈએ તો ખોટું લાગે’ એમ વિચારીને ગયા. અને ઘણા ખરા ‘આપણે ન જઈએ તો પછી આપણા ઘરે પણ
કોણ આવે?’ એવું વિચારીને ગયા.
-તમારે વિનોદભાઈ ના ઘરે બેસણામાં જવાનું છે કે નહિ?
‘બુધવારની બપોરે’ અને ‘એનકાઉન્ટર’ વાળા જાણીતા હાસ્યલેખક શ્રી અશોક દવે
ને એમના પત્ની હકીભાભી એ પૂછ્યું.
-હું શા માટે જાઉં? તેઓ કદી મારે ત્યાં આ રીતે આવ્યા છે? અશોક દવે એ રીસ પ્રગટ કરી.
-તેં કદી એમને એવો ચાન્સ જ ક્યાં આપ્યો છે કે એ આવે? અશોક દવે નાં
પિતાશ્રી ચંદુભાઈ એ પુત્ર ને કહ્યું.
-જુઓ બાપુજી, તમે એમને ચઢાઓ નહિ.
હકીભાભી એ કહ્યું.
- આ જાડી ( અશોકભાઈ હકીભાભી ને આવા હુલામણા નામથી બોલાવે છે.) સાથ આપે તો
ને? અશોક દવે એ મુશ્કેલી રજૂ કરી.
-ધીરજ ધર, બેટા. ઉતાવળે આંબા ન પાકે. પિતાજી એ કહ્યું.
-એ જાડી, કયા પેન્ટ શર્ટ પહેરીને જાઉં તો સારું લાગે?
-તે તમે ત્યાં સારું લગાડવા જાઓ છો?
-કહેતી હોય તો હવે કહે ને સીધી રીતે.
-નથી કહેવાની જાઓ. કહીને હકીભાભી રસોડામાં ચાલી ગયા.
-બેટા, કફની પાયજામો પહેરીને જા. અશોકભાઈના માતુશ્રી એમની મદદે આવ્યા.
-હવે એ ન પુછતા કે કયા રંગના કફની પાયજામાં સારા લાગે. હકીભાભીએ રસોડામાં
થી ડોકિયું કરીને દાઢમાં કહ્યું.
-તને કોણ પૂછે છે, વાયડી થા મા.
અશોક દવે એ આ કહેવા ખાતર પત્નીને કહ્યું. પણ ખરેખર તો એ પુછવા માંગતા હતા
કે- કફની પાયજામાં ઓફ વ્હાઈટ પહેરું કે લાઈટ ગ્રીન કલરનાં પહેરું? કોટન પહેરું કે ટેરીકોટન પહેરું? પણ
અત્યારે જાડી સીધી રીતે જવાબ નહિ જ આપે એવી ખાતરી હોવાથી, ‘સાલું, આ તે કેવું,
પત્ની હોવા છતાં બધા ડીસીઝન્સ જાતે જ લેવાના?’ એમ બબડતા બબડતા અશોક દવે તૈયાર થવા ગયા.
-એ જાડી મારે ત્યાં જઈને શું કહેવાનું?
અશોક દવે એ એમને મૂંઝવતો સવાલ આખરે હકીભાભીને પૂછી જ લીધો.
-રસ પૂરી અને ખમણ ઢોકળા ખાઈને આવ્યો છું, એવું ન કહેતા, એ સિવાય જે
કહેવું હોય તે કહેજો.
મનોમન શબ્દો ગોઠવતા ગોઠવતા અશોક દવે વિનોદભાઈ ના ઘરે પહોંચ્યા. આગલી
રૂમમાં વિનોદભાઈ શેતરંજી પર નીચી નજર કરીને બેઠા હતા. આજુબાજુ ૭ – ૮ જણ ગંભીર
વદને બેઠા હતા. અશોકભાઈ જેવા વિનોદભાઈની
સામે જઈને બેઠા કે વિનોદભાઈ ચોધાર આંસુએ રડી પડ્યા. અશોકભાઈ ને તરત તો શું બોલવું
તે સૂઝ્યું નહિ. એમણે વિનોદભાઈને બરડે હાથ ફેરવતા ફેરવતા ગળગળા સાદે કહ્યું,
‘આટલા દુખી ક્યાં થાવ છો,
વિનોદભાઈ. તમારા ઘરમાં તો બીજા (
વિનોદભાઈના બીજા પત્ની – નલિનીબેન) જીવતા જાગતા બેઠા છે ને?
-આ એ જ વિચારે તો રડવું આવે છે ને? કે - એ (કૈલાસ) તો ગઈ, પણ હજી આ
(નલિની) તો રહી ને? વિનોદભાઈ અશોક દવેના
કાનમાં ગણગણ્યા.
’એન્જોયગ્રાફી’ વાળા પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર બધા જતા
રહ્યા પછી મોડા મોડા આવ્યા.
-માફ કરજો, વિનોદભાઈ. હું જરા મોડો પડ્યો છું. એમણે કહ્યું.
-કશો વાંધો નહિ રતિલાલભાઈ, બીજી વાર સમયસર આવી જજો. વિનોદભાઈ એ ધીમેથી
એમને કહ્યું.
(પ્રિય વાચકો, હાસ્યલેખકો બધા ‘જીંદાદિલ’ હોય એમ નથી લાગતું?)
વાહ, જોરદાર..
ReplyDeleteહાસ્યલેખકો બધા ‘જીંદાદિલ’ હોય એમ નથી લાગતું?
ReplyDeleteપલ્લવીબેન, એક હાસ્ય લેખિકા તરીકે આ લેખ લખીને તમે એનો જવાબ આપી જ દીધો છે !