Sunday, 22 May 2016

શેઠાણીની રામાયણ.

શેઠાણીની  રામાયણ.       પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

બે કામવાળી સોસાયટીના નાકે રસ્તા વચ્ચે મળી જાય છે.
-અલી મણી, ચ્યમ દેખાતી નથી?  કિમ ચાલે  સે કામકાજ?
-જીમ ચાલતું તું ઈમ જ સ્તો મારી બુન. કામકાજમાંથી નવરી જ નથી પડતી ને.
-હાંભળ્યું  સે કે આ સોસીટી(સોસાયટી‌) માં તેં નવું કામ બાંઈધુ સે. આ તારી નવી હેઠાણી ચેવી સે?
-હેઠાણી તે વરી કેવી ઓય? બીજી બધી હેઠાણી જેવી સ્તો.
-તારી હારે કચકચ તો નથી કરતી ને?
-લે કઈર વાત, તંયે કચકચ ન કરે તો ઈ હેઠાણી હાની (શાની)?
-હં, તારે ઈમ કેને કે ઈ બધી યું એક જ જાતની.
-નંઈ તારે, આ જો ને કાલે મને હવારમાં સાએબ (સાહેબ) નો બુશકોટ બતાઈને કે – જો મણી, કાલે તેં શરટ (શર્ટ) ધોયું તે બાંયુ ને કોલર તો એવાંને એવાં જ મેલાં સે.
-હાય હાય. ઈવડી ઈ આવું બોલી તને? પણ પસી તેં હું કીધું?
-ઉં હું કેવાની ઊતી વરી? મેં કીધું કે – બુન, કાલે મારી સોડી (છોકરી) બૌ રોતી તી, તે મારું ધીયાન (ધ્યાન) ઈનામાં ઊતું. શરટ મેલું રઈ ગીયું ઓય (હોય) તો મેલી દીયો, પાસું (પાછું)  ધોઈ દઉં.
-તું ય ખરી સે ને મણી, હાવ નરમ ડિલની (દિલની.) તંયે જ તારી હેઠાણી તારી પાહે ડબલ કાલ લિયે સે ને?
-ડબલ કામ કરે મારી બલારાત. સાએબનું ઈ શરટ પાસું ધોયું, પણ હેઠાણીનો ચણિયો ધરાર ધોકાઈને હૂકવી મેઇલો.
-હં તીયારે તું ઊશીયાર (હોંશિયાર) ખરી હોં મણી. આવા માણા (માણસ) ની હાથે (સાથે) તો આવું જ કરવું જોવે, તંઈ જ ઈમને  ખબર પડે.
- ભેંસના હીંગડા (શીંગડા) ભેંસને ભારી, આપણે હું? છોડ ઈ બધી વાતો, તારે કીમ હાલે સે?
-મારી હેઠાણીની તો તું વાત જ ના પૂસ. (પૂછ) મહા કંજૂસડી. ચમચી જેવી ચમચી હો ગઈણા કરે. પરમ દિ મને પૂસે –મંજુ એક ચમચી કીમ ઓસી (ઓછી)  સે?’
-લે કઈર વાત. આપણે હું જાણીએ કે ચમચી કાં ગઈ?
-હાસ્તો, આપણે તો રીયા દેહી (દેશી) માણહ.  આપણે થોડા ચમચીથી ખાઈએ? ને ચમચીમાં વરી હું ચોરવાનું? હું તો ઈવી (એવી) નાની ચીજને હાથ હો નીં લગાડું. હા, થારી (થાળી) , વાડકો કે તપેલી હોય તો વરી વાત જુદી. આ હેઠાણીયું બધી ભણેલી ખરી પણ ગણેલી નીં મલે.
-કીમ ઈમ કીયે સે અલી?
- જોને, મને મારી હેઠાણીએ જુના કપડાં વેસવા આલેલાં. તે બે – તઈણ જોડ, બે – તઈણ જોડ, કરી કરીને હું લાવતી ગઈ  ને પસી કટકે કટકે પૈહા આલતી ગઈ. એને તો યાદ હેનું રહે કે ચેટલા કપડા આલેલા ને ચેટલાના પૈહા આઈવા.
-ઈમ મંજુ, ખરી ઉશિયાર તું તો. ચેટલા પૈહા કમાઈ લીધા?
-જવા દે ને મણી. ઈટલામાં હું આપણી કંઈ મેડીયું (બંગલા)  બંધાવાની સે?
-નહીં સ્તો વરી. પણ આ હેઠાણીની જાત – પૂસો નંઈ. ઈવડીઈ મહારાણી તો રોજ બની ઠનીને માલવા (મહાલવા) જાય ને આપણે કાંઈ કેથે જવું હોય તો કે  કે પેલ્લેથી કઈ (કહી) ને જવાનું.
-હં, ને પેલ્લેથી કઈએ એટલે ઈમ કીયે કે કામ પતાવીને જાને.
-મેમાન આઈવા ઓય તીયારે વાહણ ઘહવા તો હારી બોલાવે ને ખાવાનું આલે તીયારે બે તઈણ પૂરી ને ચપટીક હાક (શાક), કોળીયો દાળ –ભાત ને મીઠાઈને નામે તો અલ્લાયો જ, ભાળી છે જ કુણે ભા?
-તે મીઠાઈ કદાચ બનાવતા જ નીં ઓય.
-અરે નીં હાની બનાવે? વાહણ ઉટકતાં આપણને ખબર નોં પડે કે ખીર બનાઈતી કે હીખણ (શ્રીખંડ) લાયા તા.
-મારી હેઠાણી તો હાવ એવી નીં મલે. મને તો બધુંય આલે હોં. જીનું ખાયે ઈનું ખોદે તો પાપ લાગે. ખાવાનું આલવામાં મારી હેઠાણી જરાય ડીલ નીં ચોરે.
-તીયારે  તો તું  નસીબદાર કેવાય મણી.
-હા હોં. પણ મંજુ, આ હેઠાણીની રામાયણ માંડીને બેહી હું (બેસીશું) તો હવારની હાંજ પડહે તો હો પાર નીં આવહે. પસી કામ કુણ કરહે, મારો ભા? (ભાઈ)
-અરે, આ તો જરી મલીએ ને બે વાત થાય તો આપણું મન હલકું (હળવું) થાય. હું કીયે સે મણી?
-હા હોં, વાત તો તારી ખરી, મંજુ. લે હાલ,  પસી પાસા મલહું, અમણા તો જાઉં,  મારી તો સોકરી રોતી ઓહે(હશે)

હા, તું તારે જા, બેન, વાતો તો તો પસી હો  થતી રેહે, આવજે બુન. 

No comments:

Post a Comment