અન્યથા શરણમ નાસ્તિ. પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી
-હલ્લો અનુભાઈ, આવું કે?
-શાના માટે?
-રૂપિયા લેવા માટે.
-રૂપિયા લેવા માટે? શાના રૂપિયા?
-લ્યો એટલામાં ભૂલી ગયા? તમે મને આપવાના હતા તે રૂપિયા.
-હું તમને આપવાનો હતો? પણ મેં તમારી પાસે ક્યારેય રૂપિયા ઉધાર લીધા
હોવાનું મને યાદ નથી.
-ભલા માણસ, જેની પાસે પૈસા લીધા હોય તેને જ પૈસા આપી શકાય એવો નિયમ થોડો
જ છે? જેની પાસે પૈસા ન લીધા હોય, છતાં એને પૈસાની ખુબ જરૂર હોય, એને પણ પૈસા આપી
શકાય ને?
-આપી શકાતા હશે, પણ તમને આપવા માટે મારી પાસે હાલ પૈસાની સગવડ નથી.
-પણ તમે જ તો કહ્યું હતું, કે થોડા દિવસોમાં તમે પૈસાની સગવડ કરી દેશો.
-મેં કહ્યું હતું? પૈસાની સગવડ કરવાનું? તમને? ક્યારે?
-ભૂલી ગયા? યાદ કરો યાદ કરો રાજ્જા.
-જુઓ મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી. હું સખત કામમાં છું.
-ભલે, તો કલાક પછી આવું?
-તમે સમજતા કેમ નથી? તમને કહ્યું ને કે પૈસાની સગવડ થાય એમ નથી.
-એવું તે કંઈ ચાલતું હશે ? દર વખતે તો
તમે પૈસાની સગવડ કરી આપો છો.
-એટલે આ વખતે પણ મારે જ સગવડ કરી આપવી જોઈએ, એવું ક્યાંક લખી આપેલું છે?
-લખી નથી આપ્યું તો શું થયું? તમે થોડા દિવસનો વાયદો તો કર્યો જ હતો ને?
માણસની જબાનની પણ કોઈ કિંમત હોય કે નહીં?
-હું પણ તમને એ જ વાત કહું છું. દર વખતે તમે રૂપિયા લેવા આવો ત્યારે, ‘પંદર દિવાસમાં આપી જઈશ ‘ એમ કહીને પાંચ મહીને રૂપિયા આપો છો અને તે પણ ટુકડે ટુકડે .
-પાંચ મહીને તો પાંચ મહીને, પણ રૂપિયા પાછા તો આપુ છું ને?
-આભાર તમારો.
-એમાં આભાર શાનો? એકબીજાની સગવડ
સાચવવી એ તો દરેક મનુષ્યની ફરજ છે.
-સાચી વાત છે, તમારી.
-તો પછી હું આવી જાઉં?
-તમે પણ ખરા ‘ચીટકુ’ છો, એકવાર ના તો પાડી તમને.
-પણ તો પછી હવે આ છેલ્લી ઘડીએ હું કોની પાસે પૈસા માંગવા જાઉં?
-એ તમારે નક્કી કરવાનું, તમારે
કોની પાસે પૈસા માંગવા એ પણ મારે કહેવાનું?
-તમે પૈસા ન આપો તો કમ સે કમ એ તો કહો કે હું કોની પાસે પૈસા માંગવા
જાઉં?
-મેં કઈ તમને ઠેકો નથી આપ્યો કે દર વખતે મારે જ તમને રૂપિયાની સગવડ કરી
આપવી.
-એવું હોય તો વ્યવહારે જે થતું હોય, તે વ્યાજ ગણી લેજો, બસ?
-તમારી પાસે તો મારે તો મુદ્દલ પાછું મેળવતાં પણ દમ નીકળી જાય છે, ત્યાં
વ્યાજ? ઈમ્પોસીબલ.
-આ દુનિયામાં ઈમ્પોસીબલ કશું જ નથી.
-એમ? તો પછી મારા સિવાય કોઈ બીજા પાસે વારંવાર રૂપિયા ઉધાર લઈને બતાવો
ને.
-થાય, એવું પણ થઈ શકે. પણ મુળમાં વાત એવી છે કે – તમારા શુકનવન્તા રૂપિયા
મને ફળે છે ખૂબ.
-તો પછી એનું વ્યાજ કેમ નથી આપતાં?
-હું તો આપવા તૈયાર જ છું, પણ આપણા સંબંધો ને ધ્યાનમાં લઈએ, તો તમને જ એ
સારું નહિ લાગે ને?
-મને તો તમે ફોન પર આ રીતે મારો સમય અને તમારા પૈસા બગાડો છો તે પણ સારું
નથી લાગતું.
-ફોનના પૈસાની તમે ચિંતા ન કરો રાજ્જા, મેં મારા ઘરેથી નહી, પણ મારી ઓફિસેથી
જ ફોન કર્યો છે.
-ઓફિસમાંથી નકામા ફોન કરીને સમય બગાડો છો એના કરતાં કામ કરો ને.
-કામ તો થયા કરશે, એ ક્યાં નાસી જવાનું છે, નથી તો હું નાસી જવાનો, તો
બોલો રાજ્જા, ક્યારે આવું?
-હું કોઈ રાજા નથી, હું તો સીધો સાદો પ્રજાજન છું. માટે કોઈ બીજા બકરાને
આઈ મીન બીજા દેણદારને શોધો તમે.
-જુઓ અનુભાઈ, તમે સીધા સાદા વ્યક્તિ છો એટલે જ મને બીજા પાસે જવા કરતાં
તમારી પાસે આવવું વધારે ગમે છે. તમે પેલો સંસ્કૃત શ્લોક તો સાંભળ્યો જ હશે, ‘અન્યથા શરણમ
નાસ્તિ, ત્વમેવ શરણમ મમ’ અર્થાત ‘હું
કોઈ અન્યને નહીં, તમારે શરણે જ છું.’
-મારી તમને એક સલાહ છે, કે...
-મારે તમારી પાસે સલાહ નહીં, પૈસા જોઈએ છે.
-મારી પાસે જે કઈ છે તે તમને આપી રહ્યો છું. તમારે આમ વારંવાર ઉધાર
માંગ્યા કરવું પડે છે, એના કરતાં તમારા
ખર્ચા થોડા ઓછા કરો ને.
-આ બૈરાં લોક સમજે તો ને, એમને લીધે ધારીએ તો પણ ખર્ચા ઓછા થતા નથી. એમને
કહેવા જઈએ તો કહે છે કે - ‘આ
મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, ખરચા કેમના ઓછા કરીએ?’ એમની વાત પણ સાચી છે. અને ઉપરથી આ મારો કંજૂસ – મખ્ખીચૂસ શેઠિયો પગાર વધારવાનું
નામ નથી લેતો.
-તમે ઓફીસ ટાઈમમાં કામ કરવાને બદલે આ ફોનના ચકરડા ઘુમાવીને લાંબી લાંબી
વાતો કરો અને કામ ઓછું કરો પછી શેઠિયો પગાર વધારે
ક્યાંથી? જાણો છો ને કે પગાર વધારો પરફોર્મન્સ પર આધાર રાખે છે?
-ભલે, તમારી આ સલાહ હું ધ્યાનમાં રાખીશ. બસ, આટલી છેલ્લી વખત મારું કામ કરી આપો, પૈસાની ક્યાંકથી
સગવડ કરી આપો.
-તમે દર વખતે ‘આટલી છેલ્લી વખત’ કહો છો, હું પણ તમને આ છેલ્લી વખત કહું
છું કે મારી પાસે પૈસા નથી.
-નથી? ખરેખર નથી?
- ના. નથી, નથી અને નથી. હવે
મારું માથું ન ખાઓ.
-તો એક કામ કરો અનુભાઈ, તમેય મારી ભેગા ચાલો. આપણે બે મળીને કો’ક પૈસાદાર
આસામીને ફાંસીએ. અને રૂપિયા ઉધાર લઇ આવીએ.
-હેં?????
પૈસાને બદલે મગજ કાઢવાની તૈયારી!
ReplyDeleteસરસ લેખ.