Sunday, 24 April 2016

વિજ્ઞાનની પ્રગતિ, વૃક્ષોની વાચા.

વિજ્ઞાનની પ્રગતિ, વૃક્ષોની વાચા.  પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.


“એ ઈ... શીશ – શીશ... એ ઈ..”
બપોરના સમયે ઘરના કામકાજથી પરવારીને, આરામ કરવાના આશયથી હું સોફામાં બેસી, ટિપોય પર પગ લંબાવી, એક પગ પર બીજો પગ ચઢાવીને, મોંમા વરિયાળી મમળાવતી, આરામથી આજનું છાપું લઈ, એમાં વાસી  સમાચાર ( સમાચારો માટેના ફાસ્ટ માધ્યમ – મોબાઈલ, રેડિયો, ટીવી. ઈન્ટરનેટ વગેરે આવી ગયા પછી છાપાના સમાચારો વાસી લાગે છે,  પૂર્તિઓ અને જાહેરખબરોના લીધે છાપાઓનું અસ્તિત્વ ટકી રહ્યું છે.) શું છે તે જાણવા બેઠી કમ સૂતી હતી, ત્યાં જ મારા કાને ઉપર મુજબનો અવાજ સંભળાયો.

અવાજ સાંભળીને મેં આમતેમ જોયું તો મારા ઘરની બારીની જાળી પર એક કાગડો બેઠો હતો. મને નવાઈ લાગી, કાગડાઓ ક્યારથી મણસના જેવી (તોછડી) ભાષા બોલતા થઈ ગયા?’ મેં ધ્યાનથી જોયું તો એ શાંત બેઠો હતો, મતલબ કે કશું બોલતો નહોતો. શું એ પણ માણસની જેમ અવળચંડાઈ કરી,  “એ ઈ... શીશ – શીશ... એ ઈ..” બોલીને, પોતે તો જાણે કશું બોલ્યો જ નથી કે કશું જાણતો જ નથી, એવો ડોળ કરી, પોતાનું મોં (ચાંચ) બંધ કરી ડાહ્યો ડમરો થઈને બેસી ગયો હશે?
કહેવાય છે કે શ્રાધ્ધના દિવસે આપણા પૂર્વજો કાગડાના રૂપમાં ભોજન ખાવા આવે છે.  તેઓ કાગડાના રૂપમાં જ શા માટે આવે છે તે મને ખબર નથી, કદાચ આપણે ભલમાનસાઈથી ખાવાનુ ન આપીએ તો આંચકીને લઈ જઈ શકે એ માટે? રામ જાણે. હું વિચારતી હતી કે, શું મારી બારીએ આવેલો આ કાગડો અમારા કોઈ પૂર્વજ હશે? પણ અમારા કોઈ પૂર્વજે મને કોઈ દિવસ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, આવી તોછડાઈથી બોલાવી નહોતી.

તેથી આ મારા પૂર્વજ તો નથી જ એમ નક્કી કરીને,  અરે,તારી ભલી થાય, ચલ ભાગ અહીંથી કહીને મેં બેઠા બેઠા એને ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પણ ક્લાસમાં કોઈ તોફાની બારકસ વિધાર્થીએ ટીચરને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એમ એ કાગડો બેઠો હતો ત્યાંથી જરા પણ  હઠ્યો નહીં. પરિણામે એને ભગાડવા મારે જ પરાણે ઊભા થવું પડ્યું. મેં એની નજીક જઈને છાપાથી એને મારવાની એક્ટિંગ કરી, ત્યારે એ જાણે લુચ્ચું સ્માઈલ કરતો હોય એમ કૂદકા મારી મારીને દૂર જતાં જતાં છેલ્લે ઊડી ગયો.
કવિઓ, શાયરો અને સંવેદનશીલ  લેખકોએ પોતાના સર્જનમાં સવારના શાંત અને રળિયામણા પહોરમાં, પંખીઓના મધુર કલરવ સાંભળવાની વાતો કરી છે. પણ અહીં અમદાવાદમાં તો કાગડાઓના કર્કશ ધ્વનિ કા..કા..કા.. અને કબૂતરોનું અવિરત કંટાળાજનક ઘૂ... ઘૂ...ઘૂ... સાંભળવા મળે છે. નાજુક અને નમણી ચકલીઓ તો જાણે અદ્રશ્ય જ થઈ ગઈ છે.  હા, વાંદરાઓ અવાર નવાર સોસાયટીમાં આવીને ઉત્પાત મચાવે છે.  અધૂરામાં પૂરું માથા ઉપરથી આવન જાવન કરતાં વિમાનો અને હેલિકોપ્ટરોના  કાન ફાડી નાંખે એવા અવાજો.
જો કે મને લુચ્ચા કાગડાઓ કરતાં પણ ઘૂસણખોર કબૂતરો જરાય ગમતાં નથી. જરાક ચાન્સ મળ્યો નથી કે બારી વાટે ઘરમાં ઘૂસ્યા નથી, જાણે આપણા બાપ દાદા આ ઘર એમના નામે ન કરી ગયા હોય. ખાય એનું જ ખોદે એ કહેવતની જેમ  કબૂતરો બેસે ત્યાં જ ગંદુ કરે.  આખો દિવસ મહેનત કરી કરીને  સાફ રાખેલું આપણું ઘર એ જાણે એમનું સુલભ સૌચાલય. હોય એવો એનો ઉપયોગ કરે. ગુસ્સો તો એવો આવે કે – થાય કે -  એમને પકડી પકડીને એક્કે એકને ડાયપર પહેરાવવા જોઈએ. માણસને, જ્યાં સૌચ ત્યાં સૌચાલય એમ સમજાવતા વિધા બાલન કબૂતરોને આ વાત સમજાવી શકે ખરાં? રામ જાણે.
અહીં તો સવારના વહેલા ઊઠી, ઝટ્પટ તૈયાર થઇ નોકરીએ જતાં સ્ત્રી પુરુષોને ઓફિસ પહોંચવાની ઉતાવળ હોય, ત્યાં પંખીઓનો કલરવ શું સાંભળે? વળી ગૃહિણીઓએ નોકરી પર જતાં સદસ્યો માટે ચા – પાણી – ટિફિન  તૈયાર કરવાનું હોય એટલે એમની પાસે પણ સવાર સવારમાં તો નિરાંતે શ્વાસ ખાવાનો ટાઈમ પણ નહીં હોય, ત્યાંપંખીઓનો કલરવશું સાંભળે?  જો કે હવે તો બધા લોકો આ પરિસ્થિતિથી ટેવાઈ ગયા હોય.

.બાવા બન્યા હૈ તો હિંદી બોલના પડતા હૈ. ની જેમ નોકરિયાત વર્ગોએ તો આ ઉતાવળ, ભીડભાડ અને દોડાદોડીથી ટેવાઈ જવું પડે. અને વાંદરા - કાગડાં – કબૂતરાંની  તકલીફ પણ વેઠવી પડે. પણ આ લોકો પણ જો હવે મનુષ્યની જેમ આપણને , “એ ઈ... શીશ – શીશ... એ ઈ..” કહીને બોલાવતાં થઈ જાય તો પછી તો આપણી શાંતિમાં કે એકાંતમાં પંચર જ પડી જાય ને?
કાગડાને ઉડાડીને હું પાછી મારા સોફાના સિંહાસનમાં આરૂઢ થઈને છાપું વાંચવા માંડી. હજી  થોડીવાર માંડ થઈ હશે અને મારી આંખ ઘેરાવા માંડી. ત્યાં તો ફરીથી, “એ ઈ... શીશ – શીશ... એ ઈ..” નો એ અજાણ્યો અવાજ  સંભળાયો. અને હું ચમકી. ઘરમાં તો હું એકલી જ છું પછી આ અવાજ કોનો? વાયડો ખોરાક લેવાથી મને ચિત્તભ્રમ જેવું તો નથી થઈ ગયું ને? એમ વિચારતી હતી ત્યાં જ એ જ અવાજ ફરી સંભળાયો. હું ધ્યાનથી આમતેમ જોવા લાગી અને અવાજની દિશામાં ધ્યાન કેંદ્રિત કર્યું.
આમ તેમ શું જુએ છે, મૂરખ મારી સામું જો  ખૂણામાં કૂંડામાં ઉગાડેલા મનીપ્લાન્ટમાંથી અવાજ આવ્યો. પહેલાં તો હું ઘભરાઈ ગઈ ને પછી આશ્ચર્યમાં પડી ગઈ. અરે, મનીપ્લાન્ટને વાચા ફૂટી? મનીપ્લાંટ માણસની જેમ બોલ્યું?’  આમ બાઘાની જેમ મારી સામે શું જોયા કરે છે, બેવકૂફ? ચાલ, ઊઠ, ઊભી થા. ક્યારની જોરદાર તરસ લાગી છે, પાણી તો પા. કેટલા દિવસથી મને પાણી નથી પાયું? પોતે તો દિવસમાં દસ વખત પાણી પીએ છે. ચા – કોફી –શરત – જ્યૂસ – ન જાણે કેટકેટલું પીએ છે. મને જ પાણી પાવાનું તમને લોકોને નથી સૂઝતું? કેટલા આળસુ અને સ્વાર્થી લોકો છો તમે?’ ચાલ હવે તો ઊઠ, પાણી પા મને. એ તુચ્છકારથી બોલ્યું.

અને હજી તો હું કંઈ સમજું, વિચારું કે ઊઠું તે પહેલાં તો મનીપ્લાન્ટ કૂંડા સહિત ઉછળ્યું, અને આવીને મારા કપાળે અથડાવા લાગ્યું. ઓ મા રે, મરી ગઈ હું જોરથી ચીસ પાડી ઉઠી. કપાળ આડો હાથ દીધો,  અને ત્યાં મારી આંખ ઉઘડી ગઈ. મેં જોયું તો હું છાપું વાંચતાં વાંચતાં સોફામાં જ ઊંઘી ગઈ હતી. જેમાં સમાચાર હતાં –

અમેરિકામાં વિજ્ઞાનના વિધાર્થીઓએ એવું ભાષાયંત્ર વિકસાવ્યું છે કે જેનાથી ફૂલ –છોડ પણ બોલશે અને તમને સૂચનાઓ આપશે.

હે રામ! તો પછી તો આ જોક સાચો પડશે ને?

કવિ: (બગીચામાં ટહેલતાં) હે મનોહર, ઘટાદાર, સુંદર મજાના આંબાના વૃક્ષ ! તને વાચા હોત તો તું મારી સાથે કેવો વાર્તાલાપ કરત?
વૃક્ષ: હે કવિ મહાશય! મને વાચા હોત તો હું તમને કહેત કે – હું આંબાનું નહીં, આસોપાલવનું વૃક્ષ છું. 





3 comments:

  1. કહેવતો–શબ્દપ્રયોગોનો સરસ ઉપયોગ થયો છે ! છેલ્લો ટુચકો તો ભારે મજાનો !!

    ReplyDelete
  2. સરસ લેખ. ઈચ્છીએ કે આવા કૂંડાં બધાંને માથે વાગે:)

    ReplyDelete
  3. ખુબ જ સુંદર હાસ્ય લેખ.
    લેખ વાંચવાનું શરૂ કર્યા પછી રસભંગ થયા સિવાય એકી વખતે આખોય લેખ પૂરો કર્યો એ જ એની વિશેષતા.
    રમૂજને શબ્દોમાં ઢાળવી કંઈ સહેલી નથી હોતી અને લોકોને રડાવવા ખુબ સહેલા છે, જ્યારે હસાવવા અતિ મુશ્કેલ. ખુબ ખુબ અભિનંદન

    ReplyDelete