Sunday 7 February 2016

બેગર્સ હેવ એ ચોઈસ.

બેગર્સ હેવ એ ચોઈસ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ભિખારી (બસસ્ટોપ પર ઊભેલા એક માણસને) : સાહેબ આ ગરીબ ભિખારીને એક રૂપિયો આપો, તમને ભગવાન સ્વર્ગમાં જગ્યા આપશે.
પ્રવાસી (ખિજાઈને) : અહીં બસમાં તો જગ્યા મળતી નથી, ત્યાં સ્વર્ગમાં શું ખાક જગ્યા મળશે?
હકીકત એ છે કે ભારત દેશની વસ્તી એટલી હદે વધી ગઈ છે કે મેટ્રો સિટીઝમાં માણસને બસમાં જગ્યા મળતી નથી. વસ્તી વધારો જો આ જ ઝડપે થતો રહેશે તો માણસને બસમાં તો શું, ક્યાંય પણ ( જંગલમાં પણ) જગ્યા મળશે નહીં.
પણ હાલમાં આપણે ચર્ચા વસ્તી વધારા પર નથી કરવાની.(એ વાત હું  મારા બીજા લેખમાં જણાવીશ) આપણે ચર્ચા ભિખારીઓ, એમનો સ્વભાવ, એમની રહેણી- કરણી  અને માંગણીઓ પર કરવાની છે. લેખ ગંભીર પ્રકારનો ન થઇ જાય એટલે હળવી શૈલીમાં ભરપૂર રમૂજો દ્વારા આ ચર્ચા પ્રસ્તુત કરું છું.
ભિખારી : સાહેબ, પચાસ પૈસા આપતા જાઓ.
સદગૃહસ્થ:અલ્યા, પચાસ પૈસામાં તારું શું થશે?
ભિખારી: તમારી વાત સાચી છે અને તે હું જાણું છું અને માનું પણ છું. પણ હું માણસની હેસિયત જોઈને પૈસા માંગું છું.
તારીખ ૯ જુલાઈ, ૨૦૦૯ અને ગુરુવારના ગુજરાત સમચાર નામના અખબારમાં પહેલા પાના પર સમાચાર છપાયા હતા, ઓછામાં ઓછા એક રૂપિયાના દાનની ભિખારી સંઘની અપીલ તામિલનાડુના ઈરોડ ખાતે ભિખારી સંગઠન  એટલે કે બેગર્સ એસોશીયેશન ના સભ્યોએ લઘુતમ ભીખ માટેની અરજી કરી હતી. અને એમાં એમણે જાહેર જનતાને અપીલ કરી છે કે ભિખારીઓને હવે પછી ભીખમાં ઓછામાં ઓછો એક રૂપિયો  આપવો..
અહીં ભગવાન બુદ્ધ અને એમના પ્રિય શિષ્ય પૂર્ણની વાત યાદ કરીએ તો એમ કહી શકાય કે – ભિખારીઓ કેટલા દયાળુ છે કે એમણે લોકો પાસે માત્ર એક રૂપિયો માગ્યો, સો રૂપિયા નહીં. મારો એક પ્રશ્ન છે કે - દરેક વ્યવસાયમાં કામદારો માટે સરકારે લઘુતમ વેતન નક્કી કર્યા છે. તો ભિખારીઓના વ્યવસાયમાં કેમ નહીં?
આ ભિખારીઓ માત્ર દયાળુ જ નહીં, ફ્લેક્સીબલ પણ કેટલા હોય છે, તે નીચેની રમૂજ વાંચશો એટલે ખ્યાલ આવશે.
ગૃહિણી: આજે માત્ર રોટલી વધી છે, ચાલશે?
ભિખારી: ચાલશે બા, કાલે તમે દાળ આપી હતી તે ફ્રીઝમાં મૂકી રાખી છે, એની સાથે ખાઈ લઈશ.
ઘણા પતિદેવો ઓફિસેથી ઘરે આવવા નીકળતી વખતે પત્નીને ફોન કરીને પૂછી લેતા હોય છે કે આજના ડીનરમાં શું રાંધ્યું છે,  જેથી એમને નિર્ણય લેતાં ફાવે  કે પહેલાં ડાયરેક્ટ ઘરે જવું કે પછી રેસ્ટોરન્ટમાં ખાઈને જવું.
આ જ નિયમ ભિખારીઓને પણ લાગુ પડી શકે છે, દાખલા તરીકે –
શેઠાણી ; જો તું મને આટલાં વાસણ ઘસી આપશે તો હું તને ભરપેટ જમાડીશ.
ભિખારી: પહેલાં તમે મને એ કહો કે – આજે તમે શું રાંધ્યું છે?
આમ પહેલાંની કહેવત – બેગર્સ હેવ નો ચોઈસ બદલાઈને કંઈક આમ બની છે – બેગર્સ હેવ અ ચોઈસ. ભિખારીઓ પણ આપણી જેમ માણસો જ છે. એમને પણ આપણી જેમ પસ્દગીના હક્કો હોવા જ જોઈએ. આપણે એમના પ્રત્યે સૌજન્ય દાખવીને એમને જોઈતી મદદ પૂરી પાડવી જ જોઈએ.
ભિખારી: શેઠ, સો રૂપિયા આપો તો હું વિખૂટી પડી ગયેલી મારી પત્ની ભેગો થઈશ.
દયાળુ શેઠ: લે આ સો રૂપિયા. અને હવે કહે તારી પત્ની ક્યાં ચાલી ગઈ છે?
ભિખારી: એને મળેલી ભીખની રકમ ઉડાવવા એ સામેની રેસ્ટોરન્ટમાં ગઈ છે.
આપણે એક વાત સમજવાની જરૂર છે કે – દરેક ભિખારીઓ કંઈ પોતાના શોખથી ભિખારી નથી બન્યા હોતા. કેટલાકની તો કહાણી ખુબ દર્દનાક હોય છે.  તો કેટલાક બિચારા કિસ્મતના માર્યા ભિખારી બન્યા હોય છે.
ભિખારી: શેઠ, ૨૦ રુપિયા આપોને, કોફી પીવી છે.
અમદાવાદી શેઠ: અલ્યા, મને ઉલ્લુ બનાવે છે? કોફી તો દસ રૂપિયાની આવે છે.
ભિખારી: તમારી વાત સાચી છે કે કોફી દસ રુપિયાની આવે છે. પણ મારી સાથે મારી ગર્લફ્રેન્ડ પણ છે.
શેઠ: ઓહો! ભિખારી થઈને ગર્લફ્રેન્ડ પણ રાખી છે ને કંઈ?
ભિખારી: ના શેઠ, ગર્લફ્રેન્ડે મને ભિખારી બનાવ્યો છે.
એટલે ઘણા ભિખારીઓ આવા પ્રમાણિક અને સાચાબોલા પણ હોય છે. એમના પ્રત્યે આપણે ઉદાર દિલ રાખવું જોઈએ, અને થાય એટલી મદદ પણ કરવી જોઈએ.
પુત્રવધૂ: બા, આ ભિખારીને કશું જ ન આપતાં.
સાસુ: કેમ બેટા?
પુત્રવધૂ: એ સાવ જુઠ્ઠો છે. ભગવાનને નામે માંગે છે, અને ખાય છે એ પોતે જ.
અરે બાબા! ભગવાનને નામે માંગવું એ તો ભિખારીઓના વ્યવસાયનો એક પ્રકાર જ છે. એ જુઠ્ઠો નથી એવું આ નિર્દોષ પુત્રવધૂને કોણ સમજાવશે? એક વાત સમજો કે ભિખારીઓની પોતાની પણ કોઈ લાચારી હોય છે.
ભિખારી: બહુ લાચાર છું શેઠ, કંઈ રુપિયા પૈસા આપતા જાઓ ને.
શેઠ: આટલો તંદુરસ્ત તો દેખાઈ રહ્યો છે, તને વળી શું લાચારી છે?
ભિખારી: આદતથી લાચાર છું, શેઠ.
ભિખારીઓ માત્ર આદતને વશ થઈને લાચારીથી ભીખ માંગે છે, એ વાત પણ પાછી સાવ સાચી નથી. એ લોકોને પણ એમના સમાજમાં રહેવાનું હોય છે, એટલે સામાજીક  રિવાજો -  નિયમો પણ  પાળવા પડે છે.
ધર્માત્મા શેઠ: અલ્યા, તું તો વર્ષોથી શિવમંદિર આગળ બેસતો હતો ને? આજે હવે અહીં રામમંદિર આગળ કેમ બેઠો છે?
ભિખારી: શું કરું શેઠ, છોકરીનાં લગ્ન કર્યા એટલે શિવમંદિર વાળી જગ્યા જમાઈને દહેજમાં આપવી પડી.
ભિખારીઓને આપણે ભીખ આપીએ કે નહીં આપીએ,( એ ચલ આગળ જા) એમ કહીને એને ભગાડી મૂકીએ છીએ. પણ સલાહ આપણે સૌ કોઈને(ભિખારી સુધ્ધાને)  આપીએ છીએ. 
શેઠ:અલ્યા, ભણવાની ઉંમરે ભીખ માંગે છે? તારે તો સ્કૂલે જવું જોઈએ.
બાળ ભિખારી: ત્યાં પણ ગયોતો શેઠ. પણ કંઈ નહીં મળ્યું.
તમને થશે કે ગરીબ, લાચાર અને  અપંગ માણસો જ ભીખ માંગતા હશે, પણ એવું નથી. ઘણા તો ધનવાન ભિખારીઓ પણ ભીખ માંગે છે. અથવા તો ભીખ માંગી માંગીને તેઓ ધનવાન થયાં હોય છે. ઘણા ભણેલા ભિખારીઓ પણ ભીખ માંગતા હોય છે,  એ તમને નીચેનો કિસ્સો વાંચતાં સમજાશે.
શેઠ: આટલો તંદુરસ્ત છે છતાં ભીખ માંગે છે? ગમાર, અભણ ક્યાંયનો.
ભિખારી: હું અભણ નથી, ભણેલો ગણેલો છું, સર. બી.એ. પાસ છું.
શેઠ: તો ભીખ માંગવાને બદલે કંઈ સારું કામ કાજ – વાંચવા લખવાનુ - એવું કંઈ સૂઝતું નથી કે તને?
ભિખારી: સૂઝે છે ને સર. મેં તો પુસ્તક પણ લખ્યું છે, પૈસા કમાવાની ૧૦૧ તરકીબો
શેઠ: તો પછી ભીખ શું કામ માંગે છે?
ભિખારી: આ પણ એમાંની જ એક સરળ તરકીબ છે, સર.
સાચી વાત છે, ભીખ માંગવી એ પણ એક તરકીબ, એક કળા જ છે. એની પણ એક ટેકનિક હોય છે. ભિખારી જેટલો વધુ ગરીબ અને લાચાર દેખાય, લોકોને એટલી જ વધુ દયા આવે અને એટલી ભીખ એને વધુ મળે. એ અપંગ હોય તો ઉત્તમ વાત. નાનાં છોકરાંની માને ભીખ વધુ મળે.એટલે ઘણા ભિખારીઓ તો છોકરાં ઉછીના પણ લઈ આવે. મોટે ભાગે ભિખારીઓ રાંક સ્વભાવના હોય છે, પણ  કેટલાક ભિખારીઓ ભારે ખુમારી વાળા પણ હોય છે.
શેઠ: અહીં આમ રસ્તા ઉપર ભીખ માંગતા તને શરમ નથી આવતી?
ભિખારી: ત્યારે શું ભીખ માંગવા તમારી જેમ ઓફિસ ખોલું?
શેઠ: આટલો હટ્ટો કટ્ટો તો છે ને ઉપરથી ભીખ માંગે છે.
ભિખારી: તો શું મારે તમારા રુપિયા બે રુપિયા માટે મારા હાથ પગ તોડાવી નાંખવાના? 
આમ આવા અવનવા ભિખારીઓના વિવિધ સ્વભાવના દર્શન અહીં દર્શાવેલી રમૂજો દ્વારા બખૂબી થાય છે. કેટલાક ભિખારીઓ વખાના માર્યા ભિખારી બન્યા હોવા છતાં ખુબ જ આશાવાદી અને ચકોર હોય છે.
મારવાડી  શેઠ(ઘરમાંથી) : મુન્ની, તારા ખર્ચા એટલા બધા વધી ગયા છે કે – હવે જો તું એના પર કાપ નહીં મૂકશે તો હું તને રસ્તે જતાં કોઈ ભિખારી સાથે પરણાવી દઈશ.
ભિખારી( દસ મિનિટ પછી) : શેઠજી, હું જાઉં કે હજી રાહ જોઉં? 
શેઠ શેઠાણી માર્કેટમાં નીકળ્યાં હતાં, ત્યાં મંદિર પાસે એક અંધ ભિખારીએ શેઠાણી સામે હાથ લાંબો કરીને ખુબ જ આજીજી ભર્યા સ્વરે ભીખ માંગી.
ભિખારી: મેમસાબ, આંધળા ભિખારીને કંઈ આપતાં જાઓ, ભગવાન તમારું ભલું કરશે.
શેઠાણી: તું તો અંધ છે, તેં કઈ રીતે જાણ્યું કે હું મેમસાબ છું, સાબ નહીં?
ભિખારી: બિચારા સાહેબ લોક કયા દિવસે આટલું બધું પર્ફ્યુમ લગાવે છે?
સામાન્ય પણે આપણે ભિખારીઓને ભીખ આપીએ ત્યારે તેઓ ખુશ થઈને આપણા માટે દુવા કરે છે, પ્રાર્થના કરે છે. પણ કેટલાક ઋષિ  દુર્વાસાના  અવતાર સમા ભિખારીઓ ગુસ્સે થઈને ન બોલવાનું બોલે છે. કદાચ કોઈ સાથે ઝઘડીને આવતા હશે? કે એમને આપણી અપેક્ષા વધારે પડતી લાગતી હશે?
શેઠાણી: લે આ બે રુપિયા, ને મારા માટે દુવા કર.
ભિખારી: કારમાં તો બેઠી છે, હવે શું વિમાનમાં  બેસીને આકાશમાં ઉડવું છે?
હવે આમાં દાતા કોણ ને ભિક્ષુક કોણ તે તારવવું અઘરું છે. દરેક માણસ અમુક અંશે – અમુક સમયે ભિક્ષુક હોય જ છે. ફરક એટલો જ કે – જે માણસ વ્યવસાયે ભિખારી હોય તે માણસ પાસે માંગે, અને જે માણસ સ્વભાવે ભિખારી હોય તે ભગવાન પાસે માંગે.
તામિલનાડુના ભિખારી સંગઠને ભિખારી કલ્યાણ બૉર્ડ ની રચના કરવાની તામિલનાડુ સરકારને અપીલ કરી હતી. જેમાં એમણે  અમને હેરાન કરતાં બન્નારી મંદિરના કર્મચારીઓને વારવા જોઈએ  એમ જણાવ્યું હતું. એમણે એમના કરમની કઠણાઈ તામિલનાડુના તે વખતના મુખ્યપ્રધાન કરુણાનિધિ સમક્ષ રજુ કરવાનું પણ નક્કી કર્યું હતું. કરુણાનિધિજીનાં દિલમાં આ ભિખારીઓ પ્રત્યે કેવીક કરુણા જાગી હતી તે જાણવા મળ્યું નથી.
મારું નમ્ર નિવેદન અને આર્જવપૂર્ણ અપીલ છે કે, સરકાર ફક્ત તામિલનાડુના જ નહીં, પૂરા ભારત વર્ષના ભિક્ષુકો માટે કોઈ કલ્યાણ યોજના વિચારે, ભારતના દરેક કરદાતા પાસે એમની આવક માંથી આવકવેરો’, સંપત્તિવેરો’, શિક્ષણવેરો’, ફલાણોવેરો’,  ઢીકણોવેરો જેવા અનેકાનેક વેરાઓની સાથે સાથે ભિક્ષુકવેરો પણ દાખલ કરવો જોઈએ. ( આ બધા વેરાઓ ઉઘરાવ્યા બાદ કરદાતા ભિખારી ન બની જાય તેની કાળજી રાખીને આ વેરો ઉઘરાવવો જોઈએ એવી નમ્ર અપીલ છે.) તમારો  વાચકોનો આ બાબતે શું મત છે તે જણાવજો અને તમે ગંભીર થઈ ગયા હોય તો આ છેલ્લી રમૂજ વાંચીને પાછા હળવા ફૂલ જેવા થઈ જજો.
પત્ની: કાલે ભીખ માંગવા આવેલા ભિખારીને હું નફરત કરું છું.
પતિ: કેમ, એવું તે એણે શું કર્યું?
પત્ની: કાલે મેં એને જમવાનું આપ્યું હતું અને આજે એ મને રસોઈ કલામાં પારંગત કેમ થવું?’ નામનું પુસ્તક ભેટ આપી ગયો.








No comments:

Post a Comment