Sunday 31 January 2016

હું ભાડુઆત શી રીતે બન્યો?

હું ભાડુઆત શી રીતે બન્યો?   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ભાડુઆત માંથી મકાન માલિક બનો,  આવો આજે જ અમારા ગ્રાહક બનો.

ઉપર પ્રમાણેનુ બૉર્ડ વાંચી , હું એ નાનકડી ઓફિસમાં દાખલ થયો. ત્યાંના કર્મચારીએ મને ઉમળકાથી આવકાર્યો.
-આવો, આવો, બેસો, બોલો સાહેબ, શું મુશ્કેલી છે તમને? શું સેવા કરું?
-તમે બહાર જે બૉર્ડ લગાવ્યું છે, ભાડુઆતમાંથી મકાન માલિક બનો...
-તમે મકાન માલિક છો કે ભાડુઆત?
-વર્ષો પહેલાં હું મકાન માલિક હતો, આજે હવે હું માત્ર ભાડુઆત છું.
-ઘણું સરસ, આવતી કાલે તમે ફરીથી મકાન માલિક બનશો.
-તમે જ્યોતિષ વિધા જાણો છો?
-હા. થોડા સમય પહેલાં ક્યાંક તમારું પોતાનું ઘર હતું, હતું ને?
-હા, પણ તમે એ શી રીતે જાણ્યું?
-તમે એ ઘર લાંબા સમય માટે એક જ વ્યક્તિને ભાડે આપવાની ભુલ કરી, કરી ને?
-હા, એ વાત તો સાચી, પણ...
-પછી ભાડુઆતે એ ઘર ખાલી જ ન કર્યું, ન કર્યું ને?  
-ઓહ! તમે તો જ્યોતિષ વિધાના પ્રખર પંડિત લાગો છો.
-ના, અમે તો માત્ર સલાહકાર છીએ. તમે કયા એરિયામાં રહો છો?
-સેટેલાઈટ એરિયામાં. નીચે મકાન માલિક અને ઉપરના માળે અમે રહીએ છીએ.
-અચ્છા! મકાન માલિક બનવા માટે સેટેલાઈટ એરિયા અમદાવાદમાં ઉત્તમ એરિયા ગણાય.
-પણ મારી પાસે હાલ મકાન ખરીદવા જેટલા પૈસા નથી.
-એક હજાર રૂપિયા તો છે ને? લાવો.
-એક હજાર રૂપિયામાં મકાન માલિક થવાય? તો તો ઘણું જ સરસ.
-આ તો અમારી ફી ના એડવાન્સ રુપિયા થયા.
-તમારી કુલ ફી કેટલી થશે?
-પાંચ હજાર રૂપિયા.
-વાહ! સેટેલાઈટ એરિયામાં મકાન માલિક બનવાના પાંચ હજાર રૂપિયા વધારે ન કહેવાય.
-હવેથી તમે અમારા ક્લાયન્ટ છો. અમે કહીએ  એ મુજબ તમારે કરવાનું.
-તેમ કરું તો હું મકાન માલિક બની જઈશ?
-ચોક્કસ. તમે  જે મકાનમાં રહો છો એનું ભાડું આપો છો?
-એકદમ નિયમિત. દરેક મહિનાની પહેલી કે બીજી તારીખે જ.
-હવેથી તમારે ભાડું નહીં આપવાનું.
-અરે એમ તે હોય? ભાડું આપ્યા વિના તો પોલીસ ફુટપાથ પર પણ ન રહેવા દે.
-હવે તમે અમારા ક્લાયન્ટ છો, અમે કહીએ એમ જ તમારે કરવાનું. ભાડું નહિં આપવાનું એટલે નહીં જ આપવાનું.
-અરે, પણ મકાન માલિક મારા મિત્રના સગા છે, મારા મિત્રની ઓળખાણથી જ તો એ ઘર ભાડે રહેવા મળ્યું હતું.
-ઘણું સરસ. તમારા એ મિત્રને ફરિયાદ કરો કે તમારા મકાન માલિક તમને ખુબ જ હેરાન કરે છે.
-હેં ! ઉલટા ચોર કોટવાલ કો ડાંટે?
-હા, તમારા ઘરે કચરાપેટી છે?
-એ તો દરેકના ઘરે હોય જ ને?
-હવેથી એ નહીં રાખવાની. ઘરે જઈને કચરાપેટી બહાર ફેંકી દેજો.
-તો પછી અમારે કચરો ક્યાં ફેંકવાનો?
-કેમ, મકાન માલિકનો ઓટલો, કમ્પાઉન્ડ નથી?
-ઓહ માય ગોડ!
-ભગવાનને પછી યાદ કરજો, પહેલાં અમારી સૂચનાઓ યાદ કરી લો. તમારે છોકરાંઓ છે?
-કેમ.. કેમ? છોકરાંઓ પણ નહીં રાખવાના? કમ્પાઉન્ડમાં ફેંકી દેવાના?
-મૂર્ખ ન બનો,  છોકરાંઓને સવાર સાંજ અને રજાના દિવસે આખો દિવસ મકાન માલિકના ઘરે રમવા મોકલો.
-પણ મારા છોકરાંઓ શરમાળ છે. કોઈને ત્યાં રમવા જાય એવાં નથી.
-તો છોકરાંઓને સ્માર્ટ બનાવો. મકાન માલિકના ઘરે જઈને ટી. વી. ચાલુ કરવાનું, સોફા પર કૂદવાનું, બૉલ ઉછાળીને કાચ તોડવાનું, નાસ્તો માંગવાનું વગેરે વગેરે શીખવાડો.
-બાપ રે!
-હા, અને એમના બાપને એટલે કે તમને – તમારી જાતને પણ ટ્રેઈન કરો. રોજ છાપું વાંચવા ત્યાં જ જાવ, ચા માંગો.
-મને આવું બધું કરવાનું ન ફાવે.
-જુઓ, મકાન માલિક કંઈ એમ ને એમ ન થવાય. તમારી પત્નીને મકાન માલિકણ પાસે ચા, ગોળ, ખાંડ, દૂધ, ઘી, મિક્સર, ઈસ્ત્રી વગેરે વગેરે કંઈ કંઈ માંગવા વારંવાર મોકલો.
-પણ અમારે ઘરે આ બધું જ છે.
-હશે, હું ક્યાં ના પાડું છું? પણ બીજું આવશે તો કંઈ બગડી જવાનું નથી.
-અમારા પડોશી આવું જ બધું કરે છે, એમને તમે જ શીખવેલું?
-અમે કોઈને મફતમાં કશી સલાહ આપતાં નથી.
-તમારી સલાહ માનું તો હું મકાન માલિક થઈશ ખરો?
-હન્ડ્રેડ પરસેન્ટ. તમને વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ લીસ્ટ. આ બધા જ મહાનુભાવો અમારી સલાહથી જ  ભાડુઆત માંથી મકાન માલિક બન્યા છે. કેટલાકના તો ફોટા અને મકાનના ફોટાઓ પણ આમાં છે. અમે તમારો અને તમારા મકાનનો ફોટો પણ છાપીશું.
હું ભાડુઆતમાંથી મકાન માલિક બનેલાં મહારથીઓની યાદી પર નજર ફેરવતો હતો, ત્યાં જ એક પરિચિત નામ મારી નજરે પડ્યું: અમૃતલાલ ગોકળદાસ પટેલ. અરે! આ તો અમારા જ ભાડુઆત હતા. આંબાવાડીનું ટેનામેન્ટ એમણે જ ભાડે રાખેલું. અને પછી તેઓ પરાણે એ મકાનના માલિક બની બેઠા. ઉપર મુજબની ટ્રીક્સ વાપરીને. હવે મને સમજાયું –
હું ભાડુઆત શી રીતે બન્યો.’







1 comment:

  1. વાહ સરસ. અમારે પણ મકાનમાલિક બનવું છે. આભાર.

    ReplyDelete