Sunday, 28 February 2016

તમારી જાતને કામથી મુક્ત કરો.

તમારી જાતને  કામથી મુક્ત કરો.       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

એક ઘટાદાર ઝાડ નીચે મજાથી આરામ ફરમાવી રહેલ એક વ્યક્તિને ત્યાંથી પસાર થતાં મુસાફરે પૂછ્યું:
-શું કરો છો, ભાઈ?
-જોતા નથી, આરામ કરુ છું.
-પણ એ કરતા કોઈ કામ કરતા હોવ તો?
-મારે શા માટે કામ કરવું જોએ?
-કામ કરવાથી પૈસા મળે, પૈસામાંથી, કપડાં, ખાવાનું, મકાન બધું આવે. અને પૈસા વધે એની બચત કરવાની.
-બચત શાના માટે કરવાની?
-બચત કરવાથી પાછલી જિંદગીમાં આરામથી જીવી શકાય ને?
-એ તો હું અત્યારે પણ ક્યાં આરામથી નથી જીવતો?   

આમ આવા આરામ કરતા એટલે કે કામ નહીં કરતા લોકોની ઈર્ષ્યા તો અજાણ્યા લોકોને પણ થાય છે. એટલું જ નહીં પરંતુ કામ કરનારા લોકો,  કામ નહીં કરનારા લોકોને સલાહ આપે છે.
આપણા ભારત દેશમાં અને વિદેશોમાં પણ કામ કરવાની કળા ઉપર અનેક પુસ્તકો લખાયાં છે, વખણાયાં છે, વેચાયાં છે, અને બેસ્ટ સેલર પણ પૂરવાર થયાં છે. એટલે આ પૃથ્વી ઉપર કામ કરનારા કે કામ કરવાની ઇચ્છા ધરાવનારા લોકો મોટી સંખ્યામાં છે, એની ના પાડી શકાય નહીં. પરંતુ એનો અર્થ એવો નથી કે કામ ન કરનારા લઘુમતી સંખ્યાના લોકો વિશે કોઈ કંઈ વિચારે જ નહીં. એમને માટે લેખકોએ કામ ન કરવાની કળા અથવા તમારી જાતને કામથી મુક્ત કરો જેવાં પુસ્તકો લખવાં જોઈએ.
મેં જ્યારે આ વાત મારા મિત્ર મંડળમા  કરી ત્યારે એ લોકોએ મને કહ્યું, તું પોતે તો લેખિકા છે, તો આવુ એકાદુ પુસ્તક કેમ લખતી નથી?’ મિત્રો તરફથી મળેલુ આવું પ્રોત્સાહજનક સૂચન મને ભાવ વિભોર કરી ગયુ. પરંતુ જાતને કામથી મુક્ત કરવાની કળા માત્ર મારા વિચાર કે વર્તનમાં જ નહીં, મારા દિલો- દિમાગમાં અને રગેરગમાં પ્રવર્તમાન હતી. એટલે હું લાખ પ્રોત્સાહન છતાં આવું કોઈપુસ્તક લખું એવી કોઈ શક્યતા જ નહોતી.
પુરાણી દંતકથામા જેમ મહર્ષિ વેદવ્યાસજી બોલે અને પ્રભુ ગણપતિજી લખે તેમ હું બોલું અને તમારામાથી કોઈ લખે એવો મજાનો પ્રસ્તાવ  મેં મારા મિત્રો આગળ મૂક્યો. પણ આખરે તો તેઓ મારા જ મિત્રમંડળનાં સભ્યો હતાં. જાતને કામથી મુક્ત કરવાની કળા  તેઓને કદાચ મારા કરતાં પણ વધારે આત્મસાત હતી. એથી મારી વાત કોઈ સ્વીકારવા તૈયાર ન થયું. એટલે છેવટે મેં ફૂલ નહીં તો ફૂલની પાંદડી ની જેમ આખું પુસ્તક નહીં તો એકાદ લેખ લખવાનું વિચારીને આત્મસંતોષ મેળવ્યો. વાચકોમાંથી જેમને વાંચવાની આળસ ન હોય તેઓ આ લેખ વાંચી શકે છે.

બે આળસુ જણ ધાબળાઓઢીને સૂતાહતા. એક ચોર એમના ધાબળા ચોરીને ભાગ્યો. એક જણે સૂતા સૂતા બૂમ પાડી, પકડો- પકડો, ચોર – ચોર બીજા જણે કહ્યું, અત્યારે બૂમ શા માટે પાડે છે? ચોર તકિયા લેવા આવે ત્યારે બૂમ પાડજે, લોકો ચોરને પકડી લેશે.
એવું કહેવાય છે કે, ‘Those  who cannot laugh at themselves, leave job to others.’ (જેઓ પોતે પોતાના પર હસતા નથી, તેઓ એ કામ-હસવાનું  બીજાના પર છોડે છે) એ જ રીતે કેટલાક લોકો પોતે પોતાનું કામ નથી કરતા તેઓ એ કામ બીજાની ઉપર છોડે છે. કામ  કરનારા લોકો, બીજા પર કામ છોડનારા લોકોને આળસુ કહીને ઉતારી પાડે છે. આળસ વિરોધી લોકો તો આળસ બૂરી બલા એવું પણ કહે છે. પણ આખરે આ આળસ એટલે કે ‘Laziness”  છે શું? ‘Laziness is nothing more than the habit of resting before you get tired.’  આમ આળસ એ બીજું કંઈ નહીં પણ આપણી થાક્યા પહેલાં આરામ કરવાની ટેવ માત્ર છે.
સામાન્ય માણસ થાકે ત્યારે આરામ કરે, જ્યારે આળસુ માણસ થાક્યા પહેલા, માત્ર કામ કરવાના વિચાર માત્રથી થાકીને આરામ કરે એટલો જ ફરક છે. આથી આળસુને બદનામ કરવાને બદલે એના દૂરંદેશીપણા માટે એને શાબાશી કે ઈનામ આપવું જોઈએ. 
એક મુસાફરે ઝાડ નીચે સૂતેલા ૪ -૫ જણને પૂછ્યું, તમારામાંથી આળસુ કોણ છે?’ એક જણ સિવાય બધાએ આંગળી ઊંચી કરી. મુસાફરે આંગળી ઊંચી ન કરનારને પૂછ્યું, શું તું આળસુ નથી?’ પેલાએ કહ્યું, છું ને, પણ મને તો આંગળી ઊંચી કરવાની આળસ આવી મુસાફરે કહ્યું, તું મહાન આળસુ છે, હું તને દસ રૂપિયા ઈનામમાં આપવા માંગું છું આળસુએ સૂતા સૂતા જ બગાસું ખાઈને કહ્યું, દસ રૂપિયા મારા શર્ટના ખીસ્સામાં મૂકી દો. એક કહેવત છે કે, લક્ષ્મી દેખી મુનિવર ચળે.’ પણ લક્ષ્મીને દેખીને પણ નહીં ચળનારા, મુનિવરથી પણ શ્રેષ્ઠ એવા, આ મહાન આળસુ જણને પરમ આળસવીર ચક્ર થી નવાજવો જોઈએ, એમ તમને નથી લાગતું?
એક વેજ્ઞાનિક તારણ છે કે, રવિવાર કે રજાના દિવસે લોકો RELAX હળવા – તણાવ મુક્ત હોય છે. અને રજા પૂરી થયે કામ પર જવાના દિવસે તેઓ ખુબ TENSE એટલે કે તનાવગ્રસ્ત હોય છે. પરદેશમાં આને MMS એટલે કે  Monday Morning Sickness કહે છે. કેટલાકને તો આ સમયે હાર્ટએટેક પણ આવી જાય છે. Delhi Times નામના ન્યૂઝપેપરમાં  Public Opinion માં ૮૦% લોકોએ ડેટિંગના સ્ટ્રેસ કરતાં પણ ઓફિસવર્ક ના સ્ટ્રેસને વધુ ખતરનાક ગણાવ્યો છે. મને તો કામના સ્ટ્રેસનો બાળપણથી જ જાત અનુભવ છે. હમેશા સ્કુલમાં જવાના સમયે જ મને પેટમાં  દુખતું.
પપ્પા: બેટા તને તારી સ્કુલ ગમે છે, ખરીને?
મુન્નો: હા, પપ્પા, પણ એ બંધ હોય છે ત્યારે જ.
પપ્પા: બેટા, તને તારી સ્કુલમાં સૌથી વધારે શું ગમે?
મુન્નો:પપ્પા, સાંજના છૂટવા માટે વાગતો ઘંટ.
આમ બાળપણથી જ માણસને કામ કરવાનું ( ભણવાનું પણ એક પ્રકારનું કામ જ છે ને) નથી ગમતું. કામ કરવાની સાચી રીત તો આપણે સરકારી કર્મચારીઓ પાસેથી શીખવા જેવી છે. તેઓ જ્યારે આરામ કરીને થાકે ત્યારે વચ્ચે વચ્ચે કામ કરી લે છે.
અહીં મને કોઈક કવિની લખેલી મનભાવન પંક્તિ યાદ આવે છે:
ટેબલ પર કાગળ પડ્યા, ખુરશી ઉપર તું,
ટગર ટગર જોયા કરે, ભાઈ ઉતાવળ શું?
કાગળ તું કરમાં ગ્રહી, એકાદો તો વાંચ,
શું દેખે ઘડિયાળમાં, હમણાં થાશે પાંચ.
તે વખતે સરકારી કર્મચારીઓને, ભલે તેઓ સવારે (કે બપોરે)  ઓફિસમાં ગમે તે સમયે આવ્યાં હોય, સાંજે પાંચ વાગ્યે છુટ્ટી મળી જતી. આહા! શું જાહોજલાલી ! જવા દો એ વાત, તે હિ નો દિવસા ગતા: -  એ દિવસો તો ગયા.
પણ મને લાગે છે કે – કામ કર્યું તેણે કામણ કર્યું એ કહેવત કોઈ કામ કરનારી વ્યક્તિએ પોતાની જૂઠી મહત્તા બતાવવા માટે જ ઉપજાવી કાઢી હશે.
પત્ની: તમે ઘણા આળસુ છો, ઘરના કામ કાજમાં જરા પણ મદદ નથી કરતાં.
પતિ: અરે! કોણે કહ્યું હું કામ નથી કરતો? બ્રશ કરુ છું, ચા પીઉ છું, દાઢી કરુ છું, સ્નાન કરુ છું, જમુ છું અને તૈયાર થઈને ઓફિસે પણ જાઉં છું.
પત્ની: એમાં શું ધાડ મારી? દૂધ તો હું લાવુ છું, ચા તો હું બનાવુ છું, શાક તો હું લાવુ  છું, રસોઈ તો હું બનાવુ છું, બાળકોને સ્કુલે લેવા – મૂકવા તો હું જાઉ છું.
પતિ: હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટ નો ભાર જેમ શ્વાન તાણે
જેમ બળદ ગાડાની નીચે ચાલતા કૂતરાને એમ થાય કે આ બળદ ગાડાનો ભાર હું જ ખેંચુ છું,  એમ થોડું ઘણું કામ કરનારાને થાય કે આખી દુનિયા તેઓ જ ચલાવી રહ્યા છે. આવા લોકોને કોણ સમજાવે કે - 
કામ ન કરવાથી જેટલો અનર્થ નથી થતો,  એટલો અનર્થ કામ કરવાથી થાય છે. જો તમે આ વાત નહી માનતા હોય તો વિચારો, કે જો નથુરામ ગોડસે એ ગાંધીબાપુને ગોળી મારવામાં આળસ કરી હોત, તો આમ આપણે બાપુને અનાયાસ – અકાળે- ગુમાવવા તો ન પડત ને?

સુખી થવાના બે રસ્તા કોઈ જ્ઞાની પંડિતે સૂચવ્યા છે:
1-    Free your Heart from Hatred.
         (તમારા હ્રદયને નફરતથી મુક્ત કરો.)
2-   Free your Mind from Worries.
        (તમારા મગજને ચિંતાથી મુક્ત કરો.)

હું હાસ્ય લેખિકા પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી તમને આજે સુખી થવાનો ત્રીજો આસાન અને અસરકારક રસ્તો સૂચવું છું,
3-   Free yourselves from Work.
        (તમારી જાતને કામથી મુક્ત કરો.)
No comments:

Post a Comment