Sunday, 14 February 2016

વેલેન્ટાઈન’સ ડે.

વેલેન્ટાઈનસ ડે.   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

આજે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ નો વેલેન્ટાઈનસ ડે પાછો રવિવારે આવ્યો છે. ૧૯૯૯ ના વર્ષમાં પણ વેલેન્ટાઈનસ ડે  રવિવારે જ હતો. મેં આગલા દિવસે એટલે કે શનિવારે મારી પડોશમાં રહેતી એક કોલેજીયન યુવતીને પૂછ્યું:
-રોમા, કાલે તો વેલેન્ટાઈનસ ડે, તમારા જુવાનિયાઓ માટે આનંદનો દિવસ છે, નહિ?
-વેલેન્ટાઈનસ ડે રવિવારે આવવો જ ન જોઈએ, આન્ટી. એ વિષાદ પૂર્વક બોલી.કેમ કે કોલેજમાં હોઈએ તો ફ્રેન્ડને ફ્રીલી મળી શકાય, કોલેજમાંથી બંક કરીને મૂવી જોવા જઈ શકાય, ફાસ્ટ-ફુડ ખાવા જઈ શકાય, લોંગ ડ્રાઈવ પર જઈ શકાય, અને... બીજું ઘણુ બધું કરી શકાય.
-હા, તારી એ વાત સાચી. હવે?
-હવે શું. કંઈ બહાનું કરીને મમ્મી પપ્પાને પટાવીને જવું પડશે. અને મેળ નહીં પડે તો પછી ફ્રેન્ડને ફક્ત ફોન કરીને સંતોષ માનવો પડશે.
મને લાગે છે કે આપણી સરકારે કોલેજીયનોના, પ્રેમી પંખીડાઓ ના હિતને ધ્યાનમાં લઈને રવિવારે આવતો વેલેન્ટાઈનસ ડે,  શનિવારે અથવા સોમવારે ઉજવવાનું ડિક્લેર કરવું જોઈએ. અને જો એ શક્ય ન હોય તો વેલેન્ટાઈનસ ડે ના દિવસે બધી સ્કુલ, કોલેજ, કચેરીઓ ચાલુ રાખવી જોઈએ જેથી પ્રેમી પંખીડાઓને એકબીજાને મળવાનું આસાન બને.
ચૌદમી ફેબ્રુઆરી,  એટલે વેલેન્ટાઈનસ ડે. એટલે કે પ્રેમીઓનો દિવસ. આમ જુઓ તો પ્રેમીઓનો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી. એમને માટે તો હર દિવસ, હર કલાક, હર મિનિટ, હર સેકન્ડ પોતાની જ હોય છે. એટલે જ તો સાચો પ્રેમી ગાય છે, પલ પલ દિલ કે પાસ.....તુમ રહેતી હો. પણ આપણા પ્રેમથી અજાણ એવા, આપણા પ્રિય પાત્રને આપણા પ્રેમની ખબર પડે એ હેતુસર, પશ્ચિમના દેશો પાસેથી શીખીને આપણે વેલેન્ટાઈનસ ડે ઊજવતા થયા છીએ.

પશ્ચિમના દેશોની વાત આવી એટલે શ્રી સ્વામી અનુભવાનંદજીએ કહેલ એક વાત યાદ આવી. એમણે એમના એક વ્યાખ્યાન દરમ્યાન કહ્યું હતું, જાણો છો કે લોકો પોતાના પેટ્સ [બિલાડી, કૂતરા, વગેરે) ના નામ ઇંગ્લીશમાં કેમ રાખે છે? (સ્વીટી, વ્હાઈટી, બ્રાઊની, ટાઈગર, બ્રૂનો વગેરે) ઘણા વર્ષો સુધી બ્રિટીશરોએ આપણને ગુલામ તરીકે રાખ્યા, આપણી પાસે ન કરવાના કામો કરાવ્યા. એટલે હવે સ્વતંત્ર થયા બાદ આપણે પેટ્સના નામ અંગ્રેજીમાં રાખીને એમની પાસે આપણું ધાર્યું કામ કરાવીને( ટોમી, ગો એન્ડ બ્રીન્ગ ન્યૂઝ્પેપર, ટોમી, ડોન્ટ બાર્ક, વ્હાઈટી, યુ શટ અપ, બ્રાઊની, સીટ ડાઉન,) ને એમ કંઈક અંશે બદલો લીધાનો સંતોષ અનુભવીએ છીએ. 
 આપણા દેશમાં સ્કુલોમાં વિધાર્થીઓને એટલું બધું ભણાવી દેવામાં આવે છે કે એમના માટે પછી કોલેજોમાં ભણવા લાયક કશું રહેતું નથી. એટલે ટાઈમ-પાસ કરવા માટે કંઈ પ્રવૃત્તિ તો એને જોઈએ ને? એ ખાતર કોલેજમાં વિધાર્થીઓ રોઝ-ડે’, બલુન-ડે’, ટ્રેડિશનલ-ડે’, ટેડી-ડે’, પ્રોમિસ-ડે’, મીસ મેચ-ડે’, ફ્રેન્ડશીપ-ડે જેવા અનેક ડેઝ ઉજવે છે.  આપણે વડીલોએ પોતાની રગશીઆ ગાડા જેવી જિંદગીમાં, આ જુવાનીઆઓ પાસે આવી વિવિધતા શીખવાની ખાસ જરૂર છે. જો એ લોકો આપણી પાસે સાડી કે ધોતિયું પહેરતાં શીખે તો આપણે શા માટે એમની પાસે આનંદ ઓઢતાં ન શીખીએ?
હા, તો આ વિવિધ દિવસોમાં સૌથી વધુ મહત્વનો દિવસ છે,વેલેન્ટાઈનસ ડે એટલે કે પ્રેમીઓનો દિવસ.  પહેલાં તો મને લાગ્યું હતું કે- આ વેલેન્ટાઇન, રોમિયો કે ફરહાદ જેવા કોઈ મહાન પ્રેમી હશે,  અને એમણે એમની પ્રેમિકા માટે કોઈ યાદગાર કાર્ય કે અભૂતપૂર્વ ત્યાગ કર્યો હશે. જેથી પ્રેમીઓ આજે પણ એમને યાદ કરીને એમની યાદમાં વેલેન્ટાઈનસ ડે ઉજવતા હશે.
પણ મને પછીથી ખબર પડી કે વેલેન્ટાઇન કોઈ મહાન પ્રેમી નહિ, પણ એક મોટા સંત હતાં. ચૌદમાં સૈકામાં ઇટાલીના રોમન સામ્રાજ્યના પતન કાળ વખતે તેઓ ત્યાં હતા. એમની સૂચનાથી ગામના ચૌટે એક ખાલી પીપ મૂકવામાં આવતું. જેમાં ગામની કુંવારી યુવાન છોકરીઓ પોતાના નામની ચિઠ્ઠી મૂકી આવતી. કુંવારા યુવાન આ ચીઠ્ઠી ઉપાડતા અને જે છોકરીનું નામ નીકળે તે એક વર્ષ પૂરતી એની પ્રેમિકા બનતી. બીજે વર્ષે ચીઠ્ઠી પ્રમાણે પ્રેમિકા બદલાતી. કમનસીબ છોકરાને કોઈવાર એ ની એ જ પ્રેમિકા લમણે લખાતી હશે ને? ( આ માહિતી પ્રસિધ્ધ હાસ્યલેખક પદ્મશ્રી તારક મહેતાના પુસ્તક, હસે તેનું ઘર વસે ના લેખ પ્રેમ આંધળો નથી હોતો માંથી લીધી છે.) 
આજના જમાનામાં જો આવી રોમન શૈલીની લોટરી સીસ્ટમ શરૂ કરવામાં આવે તો આજનો યુવક એનો વિરોધ કર્યા વિના રહે નહીં –અમારે આખ્ખું વર્ષ એક ની એક પ્રેમિકાથી ચલાવવાનું? ઈમ્પોસીબલ ! આ ડ્રૉ  રોજ કરો જેથી અમને અઠવાડિયામાં રોજ નવી પ્રેમિકા મળે. એમની વાત વ્યાજબી એટલા માટે લાગે છે કે – આખરે આપણે જીવનમાં વિવિધતા લાવવા માટે જ તો આ બધું કરીએ છીએ ને? ‘Variety is the Spice of Life.’ 
વેલેન્ટાઈનસ ડે ઉજવવાની રીત સૌની અલગ અલગ હોય છે. કોઈ પ્રેમી પોતાનો પ્રેમ સંદેશ SMS દ્વારા, કોઈ ટેલિફોન દ્વારા, કોઈ રૂબરુ મળીને, કોઈ e mail દ્વારા, કોઈ What’s app દ્વારા આપે છે. કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને ફુલોનો ગુચ્છ આપે, કોઈ કાર્ડ આપે, કોઈ ગીફ્ટ આપે, કોઈ રેસ્ટોરન્ટમાં પાર્ટી આપીને પ્રેમનો એકરાર કરે છે.
મારી એક ખાસ ફ્રેન્ડની કોલેજીયન દીકરી, વેલેન્ટાઈનસ ડે  ના થોડા દિવસ પહેલાં એટલે કે  ૧૧ મી ફેબ્રુઆરીએ મારા ઘરે આવી હતી. મેં એને પેપ્સી નું નાનું કેનઆપ્યું. એ પેપ્સી પીતા પીતા બોલી, થેંક્યૂ આન્ટી, આજે કેટલા બધા દિવસો બાદ મને મારી પ્રિય પેપ્સી પીવા મળી. મેં એને પૂછ્યું, કેમ,એવું?  હર્ષા તો કહેતી હતી કે સોનાલી કોલેજમાં જાય ત્યારે રોજ જ પેપ્સી પીએ છે. એણે કહ્યું, મમ્મીની વાત સાચી છે આન્ટી, પણ આ ચૌદમીએ વેલેન્ટાઈનસ ડે છે, એટલે મારા ફ્રેન્ડને ગીફ્ટ આપવા માટે હું પૈસા બચાવું છું. એ મને રેસ્ટોરન્ટમાં પાર્ટી આપશે તો મારે પણ એને કોઈ ગીફ્ટ તો આપવી પડશે ને? અને એટલે જ મેં છેલ્લા  ઘણા દિવસોથી પેપ્સી નથી પીધી. વેલેન્ટાઈન જેવા સંત આપણા જુવાનિયાઓને આવી કરકસર શીખવાડી શકે એ આનંદની વાત કહેવાય.

ખરું જોતા વેલેન્ટાઈનસ ડે માત્ર પ્રેમી – પ્રેમિકાઓનો  દિવસજ નથી. આપણા કોઈ પણ પ્રિય પાત્ર કાકા – મામા – માસી – ફોઈ – ઈવન આપણા સ્પાઉસ (જો તે પ્રિય હોય તો) ને આપણે આ દિવસે પ્રીતી સંદેશ કે ભેટ આપી શકીએ. વિનોદ નામના એક પતિએ પોતાની પત્નીને ૫૩૪ પોસ્ટકાર્ડની સાઈઝનો પત્ર વેલેન્ટાઈનસ ડે ના દિવસે  લખીને એક વિનોદી ઉદાહરણ પૂરું પાડ્યું છે. બસ્સો સોળ ફૂટ લાંબા આ પત્રમાં ૨૮ હજાર શબ્દો છે, જેમાં ૭૦ હજાર અક્ષરો છે.
કદાચ લગ્ન બાદ આ પતિ મહાશય નામે વિનોદને કશું પણ બોલવાની તક પત્નીએ નહીં આપી હોય. અને તેથી કરીને વિનોદભાઈને આવો લાંબો લચક પત્ર પત્ની ( અને તે પણ પોતાની ) ને  લખવાની ફરજ પડી હશે. શું લખ્યું હશે આ પત્ર માં?’ એ તો જાણ નથી, પણ આપણે કલ્પના કરીએ તો – કદાચ આવું (નીચે મુજબનું) લખ્યું હશે?
 
*પ્રિયે, ગયા શનિવારે હું ઘરે મોડો આવ્યો, ત્યારે તેં એનું કારણ પૂછ્યું હતું, મેં ઓફિસમાં ઓવર ટાઈમનું બહાનું બતાવ્યું હતું, તારી આગળ ખોટું બોલવા બદલ સૉરી, પણ હું મારા દોસ્તો સાથે ફિલ્મ જોવા ગયેલો.
*વહાલી, એક દિવસ જ્યારે તેં કારેલાનું શાક બનાવેલું, ત્યારે ખરાબ તબિયતના કારણે હું એ શાક ખાઈ નહોતો શક્યો અને ડૉક્ટરને દવાખાને ગયેલો. પણ હકીકતમાં તો હું દવાખાને નહીં પણ રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલો.
*સ્વીટહાર્ટ, મારી તને એક રીક્વેસ્ટ છે. હવેથી મારી બહેન મળવા આવે તું હસતું મોં રાખજે, તોબરો ન ચઢાવીશ. તારો ભાઈ મળવા આવે છે, તે મને નથી ગમતું છતાં હું સોબરલી વાત કરું જ છું ને?
આમ ઘરમાં કદાચ મનની વાત નહીં કરી શકતા વિનોદભાઈએ પત્ર દ્વારા તેમની વ્યથા વ્યક્ત કરી હશે. ભવિષ્યમાં તેઓ આનાથી પણ લાંબો પત્ર ( ૧૨૦૦ફૂટ) પોતાની પત્નીને લખવાના છે એવી માહિતી (ધમકી) એમણે આપી છે.મને એમના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, અને આજે વેલેન્ટાઈનસ ડે નિમિત્તે હું શુભેચ્છા વ્યક્તકરું છું કે એમને ઘરમાં બોલવાની તક મળે.
એક કાર્યક્રમમાં પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રીવિનોદ ભટ્ટ વક્તા હતા.પણ સંચાલન કોક જાણીતા(ખરેખર તો ન જાણીતા) સંચાલકને સોંપાયું હતું. સંચાલક દોઢ કલાક બોલ્યા અને છેલ્લી ત્રણ મિનિટ બાકી હતી ત્યારે વિનોદભાઈને બોલવા માટે માઈક આપ્યું. ઠીક છે, વિનોદભાઈ જેવા સમર્થ વક્તા માટે તો ત્રણ મિનિટ પણ કાફી હતી. પણ કાર્યક્રમ પત્યા પછી પેલા સંચાલકે વિનોદભાઈને કહ્યુ, યાર, મારે તો હજી ઘણું કહેવું હતું પણ રહી ગયું. વિનોદભાઈએ કહ્યું. પહેલા કહેવું હતું ને દોસ્ત,  હું ત્રણ મિનિટ ઓછું બોલત.


પ્રિય વાચકો !  આ વેલેન્ટાઈનસ ડે  ના દિવસે તમે તમારા પ્રિયજનને તમારે જે કંઈ પણ કહેવું હોય તે બેધડક કહી શકો એવી મારા દિલની હાર્દિક  શુભેચ્છા! તમને સૌને હેપ્પી વેલેન્ટાઈનસ  ડે

No comments:

Post a Comment