Friday 19 February 2016

કુશળ ગૃહિણી.

કુશળ ગૃહિણી.   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-હે એ એ એ એ મિતા, જો જો ચા ઊભરાઈ જશે.
-નહીં ઊભરાઈ જાય, મિતેષ, ડોન્ટ વરી.
-અરે ! આ તો ખરેખર નહિ ઊભરાઈ,  એવુ શી રીતે બન્યું?
-મેં ચાને નહીં ઊભરાવાનું કહી રાખ્યું હતું.
-અમને કહી રાખે છે એ પ્રકારનું?
-એટલે?
-એટલે એમ જ કે – જો ઊભરાઈ છે તો તારી ખેર નથી.
-હા. એવું જ કંઈ. બોલો, હવે બીજુ કંઈ પૂછવું  છે તમારે મને?
હા.
-શું?
-એ જ કે –હું જ્યારે ચા બનાવું છું ત્યારે -  કદાચ નહીં ઊભરાય એવું લાગે છે, છતાંય ચા ઊભરાઈ જાય છે. જ્યારે તું ચા બનાવે છે ત્યારે - હમણાં ઊભરાઈ જશે એવું લાગે છે, છતાંય ચા નથી ઊભરાતી, એનું કારણ શું છે?
-એ જ તો છે ને અમારા ગૃહિણીના હાથોની કમાલ.
-હં, કમાલ બમાલ કશું નહિ, મને તો વાતમાં જ કંઈ માલ નથી લાગતો.
-અચ્છા? તો પછી પૂછો છો શા માટે?
-જાણવાની જિજ્ઞાસા થઈ એટલે પૂછ્યું.
-તો પછી જિજ્ઞાસુ ની જેમ પૂછો ને, બૉસની જેમ શું કામ પૂછો છો?
-ભલે હે રસોડાની રાણી ! કૃપા કરીને અમને ચા ઊભરાવા અને નહીં ઊભરાવા વિશે કશું કહો.
-હે રસોડા સિવાયના ઘરના રાજા ! સાંભળો, ચાના ઊભરાવા કે નહીં ઊભરાવા પાછળ અનેક ફેક્ટર્સ - એટલે કે તત્વો જવાબદાર છે. ચાની ક્વોન્ટીટીના પ્રમાણમાં તપેલી નાની હોય તો ચા ઊભરાઈ જાય, ગેસની જ્યોત જોઈએ તે કરતાં વધુ પ્રમાણમાં પ્રજ્વલિત હોય તો પણ ચા ઉભરાઈ જાય, દૂધ અને પાણીના સમભાગ મિશ્ચણના બદલે દૂધનું પ્રમાણ વધુ હોય તો પણ ચા ઉભરાઈ જાય અથવા તો દૂધ વધુ ફેટનું હોય તો પણ ચા ઉભરાઈ જાય, સમજ્યાં?
-ઓહોહોહો ! મને લાગે છે કે ચાની બાબતમાં જો તું થોડુંક વધુ સંશોધન કરે અને થીસીસ લખે તો તને પીએચડી.ની ડિગ્રી મળે.
-મને પીએચડી. ની ડિગ્રી કરતા કુશળ ગૃહિણી ની ડિગ્રી મળે તો વધુ આનંદ થાય.
-એ  ડિગ્રી તો તને મળેલી જ છે ને?  
-ક્યારે? કોણે આપી?
-નથી આપી? તો આજે જ અને અત્યારે જ, હું અને આપણા બન્ને બાળકો સર્વાનુમતે તને કુશળ ગૃહિણી જાહેર કરીએ છીએ.
-આભાર તમારો સૌનો ! મોડે મોડેથી પણ તમે લોકોએ એક કુશળ ગૃહિણીને ઓળખી અને એની કદર કરી ખરી.
-મને લાગે છે કે અમે તારી કદર કરવામાં મોડા પડ્યા છીએ. પણ Late is better than never. તારી કુશળતાની કદર કરીએ છીએ. તું જ્યારે બહારગામ જાય છે ત્યારે ઘર ઘણું જ અવ્યવસ્થિત થઈ જાય છે. જ્યાં ત્યાં ધૂળના થર જામી જાય છે,  નહિ જોઈતી ચીજો વારંવાર મળી આવે છે અને  જોઈતી ચીજો વારંવાર શોધવા છતાં મળતી નથી.
-તે ક્યાંથી મળે? હું તમને લોકોને વારંવાર કહું છું કે તમારી દરેક ચીજોને એના ઠેકાણે મૂકો, પણ તમે લોકો સાંભળો તો ને. મારી વાતને એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢી નાંખો છો.
-શું થાય? ભગવાને બે કાન જો સામસામે આપ્યા છે.
-તે અમને ગૃહિણીને પણ બે કાન સામસામે નથી આપ્યા શું?
-આપ્યા તો છે, પણ તમને બહેનોને શું કે તમારા બે કાનની વચ્ચે મોં આપ્યું છે ને, તે વારંવાર ખોલ ખોલ કરો છો, એટલે કાનેથી સાંભળેલી વાતો મોં વાટેથી બહાર નીકળી જાય છે.
-એટલે તમે શું અમને ચુગલીખોર કહો છો?
-હોવ તો પણ મારાથી એવું કેમ કહેવાય?
-રહેવા દો રહેવા દો હવે, તમે પુરુષો કેવા અને કેટલા મીંઢા હોવ છો તેની અમને બધી બરાબર ખબર હોય છે. પણ તમે લોકો ભલેને અમારાથી ગમે તેટલી વાતો છુપાવો અમને ક્યાંક અને ક્યાંકથી ખબર તો પડી જ જાય છે. લાખ છુપાવો છુપ ના શકેગા રાઝ યે ઈતના ગહેરા...
-અચ્છા ! તો તમારા જાસૂસો બહુ પાવરફુલ હોય છે નહિ?
-અમારી સ્ત્રીઓની તો સિક્સ્થસેન્સ જ એટલી પાવરફુલ હોય કે અમને જાસૂસોની જરૂર જ ન પડે.
-એવો તમને લોકો ને ભ્રમ હોય છે.
-ભ્રમ શાનો?  તમારા ફ્રેન્ડ રમેશભાઈ માટે મેં નહોતું કહ્યું કે આ માણસ મને બરાબર નથી લાગતો છતાં ય તમે મારી વાત ન માની અને એની સાથે પાર્ટનરશીપમાં બીઝનેસ કર્યો અને પછી...
-હશે, જવા દે વાત.
-ઓકે. જવા દો. પણ આ બૂટ-મોજાં કેમ રસ્તામાં નાંખ્યા છે?
-રસ્તામાં ક્યાં છે, ઘરમાં જ તો છે.
-અને આ ન્યૂઝપેપર્સ કેવા ફેલાવીને રાખ્યા છે.
-એ મારે હજી વાંચવાના બાકી છે, તું પાછી અંદર કબાટમાં ન મૂકી દેતી. 
-અને આ ઇસ્ત્રી થઈને આવેલાં પેન્ટ-શર્ટ પણ કબાટમાં નથી મૂક્યા. હે ભગવાન ! થાકી હું તો તમારા લોકોથી.
-આ બધા કામો અમે કરી લઈશું તો પછી તું શું કરીશ, પ્રિયે?
-હું જઈશ ને બહાર, ફરવા અને નોકરી કરવા.
-અત્યારે તું ફક્ત ઘરની વ્યવસ્થા જાળવવામાં જ થાકી જાય છે, તો પછી તારાથી નોકરી અને ઘર, બન્ને કેવી રીતે સંભાળાશે?
-કેમ, ઘર તો પછી તમે લોકો સંભાળશો ને?
-એમાં એવું છે ને મિતા, કે તારો હાથ ફરે છે અને ઘર, ઘર જેવું બની જાય છે.
-અને તમારા ત્રણેના હાથ ફરે છે અને ઘર, ધરમશાળા જેવું બની જાય છે.
-એટલે જ તો કહું છું ને કે – ગૃહિણી ગૃહમ ઉચ્ચતે ઘર તો તારા જેવી કુશળ ગૃહિણી થી જ દીપી ઊઠે છે.



No comments:

Post a Comment