Sunday 6 March 2016

મહાશિવરાત્રી.

મહાશિવરાત્રી.         પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-પલ્લવીબહેન.....
-શું છે, વીણાબહેન?
-આ વઘારનો અવાજ ક્યાંથી આવ્યો?
-મારા રસોડામાંથી.
-અને હિંગની સુગંધ?
-એ પણ મારા ઘરમાંથી જ, નામદેવ હિંગ,  ટિંગ ડિંગ ટિંગ ડિંગ..
હિંગનો વઘાર? શેમાં કર્યો?
-તુવેરની દાળમાં સ્તો વળી. હું રોજ દાળમાં હિંગનો જ વઘાર કરું છું.
-પણ આજે રોજ નથી.
-તો શું છે આજે, રોજા?’
-હા, રોજા જ, પણ આપણા હિંદુઓના રોજા.
-સમજી ગઈ, વીણાબહેન. તમે મહાશિવરાત્રીના ઉપવાસની વાત કરો છો ને?
-હા, પણ તમે ક્યાં ધર્મ કે ભગવાનમાં માનો છો?
-અરે! એવું વળી તમને કોણે કહ્યું? હું તો પરમકૃપાળુ પરમેશ્વરમાં અપાર શ્રધ્ધા ધરાવું છું.
-તો પછી એક્કેય ઉપવાસ કેમ કરતાં નથી?
-ઘણીવાર કરી જોયાં, પણ મને તે માફક નથી આવતાં. સાબુદાણા-બટાકા મને વાયડા પડે છે. રાજગરો-શિંગોડા મને ભાવતાં નથી. આમ તો મને મીઠાઈ ખુબ જ ભાવે છે,પણ ઉપવાસના દિવસે મને મીઠાઈ જોવી પણ ગમતી નથી. અને મીઠા (નમક) વગર મને ખાવાની મજા આવતી નથી. રોજ તો ભગવાનની પ્રાર્થના સારી રીતે થાય છે, પણ ઉપવાસના દિવસે મારું ધ્યાન પ્રાર્થના કરતાં ભુખ અને ખાવાનું તરફ વધારે રહે છે. બીજાને ખાતાં જોઈને મને ઇર્ષ્યાની લાગણી થાય છે. એટલું જ નહીં, ક્યારેક તો એમનું ભર્યું ભાણું ખૂંચવી લઈને મને ખાઈ લેવાની ઈચ્છા થાય છે.
હવે તમે જ કહો વીણાબહેન, કે સામાન્ય સંજોગોમાં સારા ગુણો ધરાવતી હું ઉપવાસના દિવસેઆવા, ઈર્ષ્યા , ચોરી, લુંટફાટના ગુણો ધરાવતી થઈ જાઉં તો મને ઉપવાસ ફાયદાકારક થાય કે નુકસાનકારક?
-ઉપવાસ કંઈ મજા માટે થોડા જકરવાના હોય? એમાં તો જેટલું કષ્ટ વેઠો એટલું પુણ્ય મળે.
-કષ્ટ વેઠવાથી પુણ્ય મળે?
-સો એ સો ટકા મળે.
-તો પછી તમે તમારા માંદા સાસુજીની સેવાનું કષ્ટ વેઠવાને બદલે એમને તમારા દિયરને ત્યાં કેમ મોકલી આપ્યાં?
-તમે તો કંઈ સમજતાં જ નથી પલ્લવીબહેન, સાસુનું કષ્ટ ભોગવવાથી  કંઈ પુણ્ય થોડું જ મળે?
-કષ્ટ એટલે કષ્ટ. પછી તે સાસુનું હોય કે ઉપવાસનું, બન્ને સરખાં જ.
-જવા દો ને, તમે નાસ્તિક છો, એટલે તમારી સાથે ધર્મની ચર્ચા કરવી નકામી છે.
-ઓહ!  હા. તમે ઠીક યાદ કરાવ્યું, આજે મારે ચર્ચા નથી કરવાની.
-કેમ, આજે વળી શું છે?
-આજે શિવરાત્રી છે ને? એટલે મેં  વાણીનો અલ્પાહાર કરવાનું વિચાર્યું છે.
-વાણીનો અલ્પાહાર?’ કંઈ સમજાય તેવું તો બોલો.
-જુવો વીણાબહેન, આપણે બોલવા બેસીએ છીએ  ત્યારે કોઈ જાતની લિમિટ રાખતાં નથી. અને અનલિમિટેડ બોલવામાં આપણાથી કોઈની નિંદા થઈ જાય તેની આપણને ખબર રહેતી નથી.
-તો શું થઈ ગયું? બીજા લોક આપણી નિંદા નથી કરતાં શું?
-હવે તમે સમજતાં નથી વીણાબહેન, શિવરાત્રીના દિવસે આપણે કોઈની નિંદા કરીએ તો ડબલ પાપ લાગે, એટલે આજે મેં ઓછું બોલવાનું નક્કી કર્યું છે.
-તમે તો આમ પણ ઓછું જ બોલો છો, પલ્લવીબહેન.
-હા, તો પણ ટેલિફોનનું બિલ બહુ આવે છે.
-ટેલિફોનનું બિલ? એ આમાં વચ્ચે ક્યાંથી આવી ગયું?
-અમારા કહે છે કે- આપણે ટેલિફોન પર વાતચીત કરવાની રીતભાત શીખવી જોઈએ. ટેલિફોન જોડતાં પહેલાં જે વાત કરવાની હોય તેના પોઈન્ટ્સ યાદ રાખવા જોઈએ અથવા લખી રાખવા જોઈએ. જેથી ટૂંકમાં મુદ્દાસર વાત થઈ શકે. આપણે તો STD કોલ કરતાં હોઈએ તો પણ લોકલ કોલની જેમ આરામથી વાતો કરીએ છીએ. અને લોકલ કોલ કરતી વખતે..? એ તો ટેલિફોનનું બિલ આવે ત્યારે જ ખબર પડે. અને વાતો પણ કેવી? અર્ધો કલાક વાતો કરીને ટેલિફોન મૂકીએ પછી યાદ આવે કે, અગત્યની વાત કરવાની તો રહી જ ગઈ. એટલે મેં નક્કી કર્યું છે કે હવે ઓવરઓલ વાતચીત જ ઓછી કરી નાંખું.
-અરરરર! એવું ના કરશો. જુઓને, આ બાજુવાળા મીનાબહેન તો સર્વિસે જાય છે એટલે વાતચીતમાં તો એ કામનાં જ નહીં. હવે તમે પણ જો વાતચીત કરવાની બંધ કરો તો પછી મારે વાતચીત કરવા ક્યાં જવું?
-તમારી વાત વિચારવા લાયક તો છે વીણાબહેન. પડોશી હોવાને નાતે મારે તમને એમ નોંધારાં ન છોડવાં જોઈએ, પણ હવે હું જાઉં? મારે હજી ન્યૂઝપેપર વાંચવાના પણ બાકી છે.
-છાપામાં  લખ્યું હોય છે વળી શું? લ્યો, આજની જ વાત તમને કહું, આજના મહાશિવરાત્રીના પર્વે નવસારીમાં નંદીએ દૂધ પીધું.
-હંબગ...ફેંકાફેંક..ગપગોળા. પથ્થરનો નંદી તે વળી દૂધ પીતો હશે?
-મને હતું જ કે તમે આ વાત માનશો નહીં. પણ સીંધી સોસાયટીમાં રહેતી મારી ફ્રેંડે નજરે જોયું, એટલું જ નહીં, એણે જાતે દૂધ પાયું પણ ખરું. તમને યાદ છે, થોડા વર્ષો પૂર્વે ગણેશજીની મૂર્તિએ આપણા અમદાવાદમાં પણ દૂધ પીધું હતું?
-હા, સાંભળ્યું હતું, પણ એ બધી તો અંધશ્રધ્ધા.
-તમે ભલે નહીં માનો, પણ જેને શ્રધ્ધા છે તે તો માને જ છે. મારાં બા ઉપવાસ કરે છે ત્યારે લૉ બ્લડપ્રેશર થઈ જાય છે ને ડૉક્ટરને ત્યાં લઈ જવાં પડે છે, છતાંય ઉપવાસ કરે જ છે ને?
-અરે હા રે હા. મહાશિવરાત્રીના દિવસે તો ઘણા કહેવાતા ભક્તો ભાંગ પણ પીએ છે. ગઈ શિવરાત્રીએ અમારાં એક સંબંધીએ હાઈવે પરનાં એક મિલિટરી કેમ્પમાંભાંગ પીધી હતી. ભાંગ પીને   ઘરે આવતાં એમની કારને અકસ્માત થયો, પગ ભાંગ્યો અને ત્રણ મહિના પાટો રહ્યો.
-અરરર!
-શિવજી  તો ભગવાન હતાં, ભાંગ શું તેઓએ તો ઝેર પણ પચાવી જાણ્યું હતું, પણ સામાન્ય માણસનું એ ગજું નહીં. આપણા અમદાવાદના અમરાઈવાડીનો એક પુણ્યશાળી જીવ તો ભાંગ પીને સ્વર્ગે સિધાવ્યો. બીજો એક જીવ  હોસ્પિટલમાં જઈને સાજો થઈને તો આવ્યો, પણ હજીય મહાશિવરાત્રીના દિવસે કોઈવાર એના પર ગાંડપણનો હુમલો આવી જાય છે ખરો.
-અરરર! આપણા જેવા સામાન્ય મનુષ્યોને ભાંગ-બાંગ પીવાની પોસાય નહીં, ખરું ને?
-હાસ્તો, આપણા માટે તો તુવેરની દાળ જ બરાબર. અરે, મારી દાળ?
-કેમ, તમારી દાળને શું થયું?
-ગેસ પર ઉકાળવા મૂકી હતી, તમારી સાથે વાતો કરવામાં યાદ જ ન રહ્યું.ઉકળી ઉકળીને હવે તો એ અડધી થઈ ગઈ હશે.
-કહેવત છે ને કે- દાળ બગડી એનો દિવસ બગડ્યો. તમે ઉપવાસ ન કરો તેનું આ પરિણામ.

-અચ્છા! તો દિવસ સુધારવા હવે મારે કંઈ કરવું પડશે, ચાલો ત્યારે હું જાઉં, બાય બાય! 

1 comment:

  1. ઉપવાસ ન કર્યો તેનું ફળ મળ્યું ને? દાળ બગડીને જ રહી.

    ReplyDelete