વાત છે એકવીસમી સદીની. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
દ્રશ્ય- ૧ :
અમદાવાદ શહેરના આશ્રમરોડ પરની બન્ને ફુટપાથ પર ગલ્લાઓની હારમાળા આવેલી છે. ગિરીશ કોલ્ડ્રિંકથી ગણતાં ૧૦ નંબરના ગલ્લાનું ઉદઘાટન પ્રધાનશ્રીના હસ્તે આજે સવારે જ કરવામાં આવ્યું. આ પ્રધાનશ્રીના હસ્તે ઉદઘાટન પામનાર ગલ્લાઓમાં આ ગલ્લાનો નંબર ૨૫૧ મો હતો. આ પ્રધાનશ્રી ગલ્લઓનું ઉદઘાટન કરવાના સ્પેશિયાલીસ્ટ હોઈ એમને લોકો ગઉપ્ર (ગલ્લા ઉદઘાટક પ્રધાન) તરીકે ઓળખે છે.
હપ્તાખાઉ ઇન્સ્પેક્ટરો પણ ગઉપ્રને ખુબ માન આપે છે. ગઉપ્ર અને ઈન્સ્પેક્ટરને ‘પતંગ’ (રિવોલ્વીંગ) હોટલમાં ડીનર આપીને રીઝવીને ગલ્લાનો માલિક હમણાં જ ગલ્લા ઉપર આવ્યો હતો. એ ગલ્લા ઉપર બેઠો અને એક બકરો એટલે કે ગ્રાહક દુકાન પર આવ્યો.
ગ્રાહક: મારા જમણા હાથમાં દુ:ખાવો થાય છે, જુઓને શું ખામી છે?
ગલ્લાનો માલિક એટલે કે મિકેનિક પોતાના બધા સાધનોથી ગ્રાહકનો (દર્દીનો) હાથ ચેક કરે છે.
ગ્રાહક: (ચિંતાથી) શું લાગે છે, હાથ રિપેર થશે કે નહીં?
મિકેનિક: ના તો કેમ થાય? આવા તો કેટકેટલા હાથ મેં રિપેર કરી નાંખ્યા. અરે હાથની શું વાત કરો છે. મેં તો કાન, નાક, ગળું, પગ...ઘણું ય રિપેર કર્યું છે.
ગ્રાહક: (અહોભાવથી) અચ્છા! રિપેરિંગ ચાર્જ શું થશે?
મિકેનિક: ઓર્ડિનરી પાર્ટ્સ નખાવશો તો ૬૦ હજાર અને સારામાંનો ઇમ્પોર્ટેડ પાર્ટ્સ નખાવશો તો ૭૦ હજાર.
ગ્રાહક: તમારો ચાર્જ ઘણો વધારે છે. બાબુભાઈ તો ૫૦ હજારમાં કરી આપે છે.
મિકેનિક:ચાર્જ લઉં છું તો એની સામે માલ પણ તો એવો આપું છું ને. પૂરા એક વર્ષની ગેરન્ટી છે એની. વળી ટેમ્પરરી હાથ આપીશ એના તો પૈસા પણ હું નથી લેતો.
ગ્રાહક: ટેમ્પરરી હાથ?
મિકેનિક: હા, ટેમ્પરરી હાથ. તમારો આ હાથ રિપેર કરતાં ૩ થી ૪ દિવસ થશે. ત્યાં સુધી તમને કંઈ ઓછા જ હાથ વિનાના રખાશે? એટલે હું તમને મારી દુકાનમાંથી એક ટેમ્પરરી હાથ નાખી આપીશ. એ ગુણીયા,,,(નોકરને) સા’બને માટે એક ૯૦ ની સાઈઝ નો રાઈટ હેન્ડ લાવજે.
ગુણિયો: એ લાવ્યો શેઠ, લો.
મિકેનિક: (નોકરને) અબે ઓ ઉલ્લુકે પઠ્ઠે, મેં તારી પાસે જમણો હાથ માંગ્યો અને તું ડાબો હાથ ઉઠાવી લાવ્યો? ડોબા, ધ્યાન ક્યાં છે તારું? જલ્દી જઈને સા’બને માટે જમણો હાથ લઈ આવ, એમને મોડું થાય છે.
મિકેનિક ઘડીના છઠ્ઠા ભાગમાં (આ તો એવું કહેવાય) સાહેબને હાથ બેસાડી આપે છે. સાહેબ પોતાના હેલિકોપ્ટરમાં બેસીને ઓફિસ જવા રવાના થાય છે.
દ્રશ્ય-૨:
અમિત: અરે બકુલ, નાકે રૂમાલ કેમ દબાવી રાખ્યો છે?
બકુલ: કંઈ નહીં યાર, એ તો જરા નવું નાક ફીટ કરાવ્યું છે.
અમિત: અરે વાહ! તો એમાં આમ શરમાઈને સંતાડે છે શું કામ? બતાવ તો ખરો.
બકુલ: જવા દે ને અમિત યાર, પૂરા ૭૫ હજાર ખર્ચીને નવું નાક કરાવ્યું. પણ બરાબર શેપ ન કર્યો. સાવ હજામ જેવો...
અમિત: કોણ?
બકુલ: સુલેમાન. ત્રણ દરવાજા પાસે બેસે છે ને, તે.
અમિત: સુલેમાન તો નાક બનાવવાનો એક્ષપર્ટ કારીગર છે. મારા પપ્પાને પણ ત્યાં જ નાક બેસાડ્યું. સરસ બનાવ્યું છે. ખબર નહીં તારું જ નાક આવું ઘુવડ જેવું કેમ બનાવ્યું?
બકુલ: જેવાં મારાં નસીબ. ચાલ આવજે, મારે ઓફિસ જવાનું મોડુંથાય છે.
દ્રશ્ય- ૩:
મિતેશ: પપ્પા, પ્રીતિ તમને જમવા બોલાવવા માટે બૂમ પાડી રહી છે અને તમે અહીં તમારી રૂમમાં ક્યારના શું શોધ્યા કરો છો?
રમણકાકા: બેટા, મારી આંખ નથી જડતી.
મિતેશ: પપ્પા, તમે સાવ કેરલેસ છો. તમને કેટલી વાર કહ્યું છે કે તમારી આંખ જ્યાં ત્યાં ન મૂકો.
રમણકાકા: બેટા, આંખમાં કળતું હતું તે કીકી કાઢીને અહીં ટેબલ પર ડબ્બીમાં જ મૂકીને હમણાં જ તો આંખ ધોવા બાથરૂમમાં ગયો હતો. પાછો આવ્યો ત્યારે જોયું તો ડબ્બીમાંથી આંખ ગુમ થઇ ગઈ.
મિતેશ: તો તો નક્કી આ ટપુડાનું જ કામ.ટપુડા, એ ય ટપુડા...
ટપુડો: પપ્પા, તમે મને બોલાવ્યો?
મિતેશ: ટપુડા, તેં દાદાજીની આંખ ટેબલ પરની ડબ્બીમાંથી લીધી?
ટપુડો: ના, પપ્પા. મેં તો એને જોઈ પણ નથી.
મિતેશ: ટપુડા, સાચું બોલી દે, નહીતર...
ટપુડો: પપ્પા, તમે મને મારશો તો નહીં ને?
મિતેશ: જુઠું બોલ્યોછે તો તારી ખેર નથી.
ટપુડો: પપ્પા, દાદાજીની આંખ તો ગટરમાં પડી ગઈ.
મિતેશ: હેં? તને ખબર છે ૮૦ હજાર રૂપિયાની આંખ હતી? બોલ, તેં દાદાજીની આંખ લીધી જ શા માટે?
ટપુડો: પપ્પા, છે ને તે... છે ને તે...મારી લખોટી નહોતી મળતી એટલે મેં દાદાજીની આંખ લીધી હતી.
ભરપૂર શક્યતા ! વિગ ને ચોકઠું શોધતાં લોકો આંખ ને કાન શોધતાં થઈ જવાનાં.
ReplyDeleteસરસ.
એમ પણ બને!
ReplyDeleteઅને આમ પણ બને.....
https://dhavalrajgeera.wordpress.com/2016/01/05/gutter/
હાસ્ય લેખમાં જે કલ્પના રી છે એ મજાની છે.
ReplyDeleteઆશ્રમ રોડના આ ગલ્લાઓ પરથી અમારો એક ખાસ ચાના ગલ્લા વાળો યાદ આવી ગયો. અમારી ઓફીસ આશ્રમ રોડ ઉપર દિપાલી સિનેમાની બાજુના બિલ્ડીંગ નાનાલાલ ચેમ્બર્સમાં હતી.ઓફિસમાં સ્ટાફ માટે પટાવાળો ત્યાંથી ચા લઇ આવતો.કોઈવાર એના ગલ્લાની બેંચ ઉપર બેસીને એની સાથે ગપ્પાં મારતાં મારતાં ચા પણ પીધી છે.આ ચા વાળાની ચા પીવા માટે ટોળા જામતાં.કોણ જાણે એની પાસે શી રેસીપી હશે !
ચા માં પોસદોડા (નશીલી ચીજ) નાંખતા હશે.
Deleteહાસ્ય ઠીક ઠીક ના પલ્લવ્યું .............
ReplyDeleteઆભાર,
ReplyDeleteસુરેશભાઈ, કલ્પનાબેન, વિનોદભાઈ અને સુમંતભાઈ.
પલ્લવી.