Sunday 10 January 2016

નવવધૂ .

નવવધૂ .            પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

It is myth  that  “when son   gets married and a new daughter- in- law arrives in the family, every thing changes.”  The new Wife [progressive Indian woman] was being welcomed at the husband’s home in a traditional manner.  As expected she gave a speech, ‘My dear family, I thank you for welcoming me in my new home and family.  Firstly, my being here does not mean that I would want to change your way of life- your routine. No, I will never do that, never in a million years.”
“What do you mean, my child?”  asked  the father- in- law.  “what  I mean dad is [looking at her in laws] those who used to wash the dishes, must carry on washing them. Those who used to do laundry, must carry on doing it. Those who cooked, should not stop at my account. And those who used to clean, should continue cleaning.”  “And what are you here for Bahurani?”  enquired the mother-in-law. “ As for me, I am here just to entertain your son.” Daughter-in-law replied.

ઉપરનો સંદેશ ઇન્ટરનેટ પર e-mail  દ્વારા મારા વાંચવામાં આવ્યો. સાદી ગુજરાતી ભાષામાં એનું સરળ રૂપાંતર કરું તો-
પુત્રનાં લગ્ન થાય અને નવી પુત્રવધૂ ઘરમાં કે કુટુંમ્બમાં આવે એટલે બધું બદલાય.” એ માન્યતા ભૂલભરેલી છે.  નવી પુત્રવધૂ કે જે “વિકાસશીલ ભારતીય નારી” છે, તેનું પતિનાં ઘરમાં રૂઢિગત રીતે સ્વાગત કરવામાં આવ્યું, અને એણે અપેક્ષા મુજબ પોતાનું વક્તવ્ય પ્રગટ કર્યું.
“મારાં પ્રિય કુટુંબીજનો, આ ઘરમાં મારું સ્વાગત કરવા બદલ હું આપ સૌની આભારી છું. સૌ પ્રથમ તો આપ સૌને એ જણાવી દઉં કે મારાં આગમનથી  આપ સૌનું જીવન-રૂટિન બદલાઇ જશે, એવું માનશો નહીં. હું દસ લાખ વર્ષોમાં પણ એવું કરીશ નહીં.” તું કહેવા શું માંગે છે, દિકરા?”  સસરાજીએ પૂછ્યું.   “હું જે કહેવા માંગું છું પિતાજી, તે [એના સાસરિયા તરફ જોઇને] એ કે જેઓ પહેલાં વાસણ ધોવાનું કામ કરતાં હતાં તે ચાલુ રાખી શકે છે. જેઓ પહેલાં કપડાં ધોતાં હતાં,  તેઓ પણ પોતાનું કામ ચાલું રાખી શકે છે. જેઓ રાંધવાનું કામ કરતાં હતાં, તેમણે મારાં આવવાથી અટકવાની જરુર નથી. સાફસફાઇનું કામ જેઓ કરતાં હતાં તેઓ પણ તેમનું કામ ચાલુ રાખી શકે છે.”
“અને વહુરાણી, તમે અહીં શાના માટે છો?” સાસુમાએ પૂછ્યું. હું અહીં ફક્ત તમારા પુત્રનું મનોરંજન કરવા માટે છું.” નવવધૂએ કહ્યું. 
ઉપરનો ઇન્ટરનેટ સંદેશ જ્યારે અમે બધાંએ વાંચ્યો, ત્યારે મારી ઘણી બધી નેટ ફ્રેંડ્સ કે જેઓ સાસુ બનવાની તૈયારી કરી ચૂકી હતી તેઓ ગુસ્સાથી લાલ-પીળી થઈ ગઇ. “અરે! આ તે કેવી જાતની વહુ?”  “તદ્દન બેશરમ બૈરી.” આવી  વહુ આપણા ઘરમાં શું કામની?” “હું તો ક્યારેય આવી છોકરીને મારી પુત્રવધૂ તરીકે પસંદ ના કરું.”  “ છે કંઇ લાજ-શરમ આજકાલની છોકરીઓને?”  “તદ્દન નફ્ફટ,”  “ હાય હાય! આવી છોકરી આપણા ઘરમાં વહુ બનીને આવી જાય તો આપણું તો આવી જ બને ને?” જો મારી દિકરી આવું બોલે તો હું એને સીધી દોર જ કરી નાખું.”
 વગેરે વગેરે અભિપ્રાય-રિએક્શન મને સાંભળવાં મળ્યાં. તાત્કાલિક તો મને પણ આ બધી બહેનોની વાત સાચી લાગી. પણ પછી એકાંતમાં અને શાંતચિત્તે વિચારતાં લાગ્યું તે મારી વાત આપ સૌને જણાવી રહી છું.
સ્વીટી- વાત સમજવામાં સરળ પડે તે ખાતર ઉપરનાં e- mail  ની મુખ્ય નાયિકાને આપણે સ્વીટી તરીકે ઓળખશું. સ્વીટી વિકાસશીલ ભારતીય નારી  હોવા છતાં એણે આવતાવેંત સર્વ કુટુંબીજનોનો પોતાના સ્વાગત બદલ આભાર માન્યો, એ ઉપરથી એ કેટલી નમ્ર છે તે જણાઇ આવે છે. આવી વિનમ્ર વહુ મળવી તે કુટુંબીજનોનું અહોભાગ્ય ગણાય, સ્વીટીનો બીજો સદગુણ મને સ્પર્શી ગયો તે સ્પષ્ટવક્તા” તરીકેનો. જે કંઇ પણ એ વિચારે છે તે જ એ બોલે છે. મતલબ કે એ “મીંઢી” નથી પણ “નિખાલસ” છે. આવી સરળ, સ્પષ્ટ અને નિખાલસ પુત્રવધૂ કોના નસીબમાં?
બાકી અમારા સમયમાં તો પુત્રવધૂઓ દિલની વાત કહેતાં અચકાતી. ડગલે ને પગલે એણે સાસરિયાઓનાં દિલ ન દુભાય તેની કાળજી કરવી પડતી. ત્યારે તો “કમ ખાના ઔર ગમ ખાના.”  મતલબ કે ઓછું ખાવું”  અને સહન કરી લેવું” એ ઉક્તિ પુત્રવધૂઓ માટે પ્રચલિત હતી. જો કે મને “કમ ખાના. એવું શા માટે કહેવાયું હશે તે નહોતું સમજાતું. કેમ કે તે વખતે, “ચ્યવનપ્રાશ સે ખુદ ભી તો હ્રષ્ટપુષ્ટ હો ગઈ હો. એવી જાહેરાત આવતી અને ભરાવદાર શરીર સમૃધ્ધિની  નિશાની ગણાતી. વળી તે વખતની કોઇ હીરોઇને આજની હીરોઇન કરીના કપૂરની જેમ ઝીરો ફિગરની હિમાયત પણ નહોતી કરી. ખેર! જવા દો એ વાત. પણ ગમ ખાના” એટલે કે સહી લેવું એ વાત તો ત્યારની પ્રત્યેક મમ્મીઓ પોતાની પરણવાલાયક દીકરીઓને સમજાવતી જ.
તે વખતની મમ્મીઓ પોતાની દીકરીઓને કહેતી, “ બેટા, લગ્ન એ માત્ર બે શરીર, બે દિલ કે બે આત્માઓનું જ મિલન નથી, પરંતુ એ બે કુટુંબોનું મિલન છે. તું આ બન્ને કુટુંબને તારી લાગણી,  પ્રેમ અને સેવાથી એક તાંતણે બાંધજે. સાસરિયાઓની પ્રીતિ સંપાદન કરવા તું થોડું (એટલે કે ઘણું) સહન કરતાં શીખજે. વડીલોની સાથે વાદ-વિવાદમાં ઊતરીશ નહીં. અર્વાચીન વિકાસશીલ નારી ન હોવા છતાં મેં પુસ્તકમાં વાંચેલું,Arguments win the situations, but lose the people/relationship.”
તે જમાનામાં પુત્રવધૂઓ નરમ, અબળા, સહનશીલ હોવાને લીધે એમની સાચવણી લગ્ન સમયે સીતામાતાને સોંપાતી અને એ મુજબ લગ્ન ટાણે ગીત ગવાતું, “તને સાચવે પાર્વતી, તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી..”  પણ આજની આધુનિક પુત્રવધૂ સાસરીમાં પણ પોતાને સાચવી શકે એવી સક્ષમ હોવાથી એમનાં લગ્ન ટાણે ગીત ગવાય છે, “તારો સાચો સગો છે પતિ, અખંડ સૌભાગ્યવતી..” જે પંક્તિઓ આજની પુત્રવધૂઓએ બરાબર આત્મસાત કરી છે. અને એટલે જ e-mail ની નાયિકા સ્વીટી કહે છે,  I am here just to entertain your son.”
પતિ નામનું પ્રાણી, મતલબ કે વ્યક્તિ કે જે તદ્દન અલગ સ્વભાવની, અલગ ઉછેર પામેલી, અલગ રહેણી-કરણી વાળી –એનું મનોરંજન કરવું એ કંઇ સહેલી વાત છે? થોડા સમયમાં જ આંટા આવી જાય”. એવું અઘરું કામ છે. આવા સંજોગોમાં પતિ ઉપરાંત સાસુ, સસરા, દિયર, નણંદ વગેરે બધાંને સાચવવા એવી અપેક્ષા નવીસવી આવેલી પુત્રવધૂ  પાસે રખાય તે વધુ પડતું નથી?
સ્વીટી સાસરિયાઓને કહે છે, “ઘરમાં મારાં આવવાથી આ ઘરનું શીડ્યુલ કે તમારા લોકોનું રૂટિન બદલવાની જરુર નથી.” આ આધુનિક છોકરી કેટલી ઉદારતાથી કહે છે, “ મારાં આવવાં પહેલાં જે લોકો જે જે કામ (વાસણ ધોવાં, કપડાં ધોવાં, ઘર સાફ રાખવું,રસોઇ બનાવવી, વગેરે) કરતા હતાં તેઓ તે તે કામ ચાલુ રાખી શકે છે.” (એમણે ચાલુ રાખવાના છે એવો અર્થ અહીં લેવો.) આવું કહેવા પાછળ મને સ્વીટીના બે સારા ઉદ્દેશ જણાય છે. એક તો એ કે કોઇ વડીલને સ્વીટીના આવવાથી પોતે નકામા થઈ ગયાની લાગણી ન થાય અને બીજું નવરાં બેઠાં નખ્ખોદ વાળે. એવી પરિસ્થિતિ ન થાય.
મારાં સાસુજીને મોઢે મેં ઘણી કહેવતો સાંભળેલી. જેમાંની એક હતી, હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા.” મતલબ કે જે સાસુને એમ થયા કરતું હોય કે- કહ્યા વિના”  કે પછી કહેવા છતાં પણ”  મારી વહુ કામકાજ કરતી નથી તેથી ઘરનાં બધાં કામકાજ મારે જ કરવાં પડે છે, અને આવી લાગણી થવાને લીધે જેમનું હૈયું બળતું હોય, તો એના બદલે એમણે હાથ બાળવા સારાં. મતલબ કે પોતે કામ કરી લેવું સારું.
આમાં પણ પાછા બે ફાયદા છે. એક તો કર્મનો સિધ્ધાંત કહે છે, કોઇ પણ કર્મ પછી તે સારું હોય કે ખરાબ એળે જતું નથી. એનું ફળ મળે, મળે અને મળે જ છે. તાત્કાલિક નહીં તો વિલંબથી પણ ફળ તો મળે જ છે અને તે પણ આ જન્મમાં જ.  એટલે સાસરિયાઓએ કામકાજ માટે પુત્રવધૂ પર આધાર ન રાખતાં જાતે કામ કરી લેવું. બીજું, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. મતલબ કે બળદગાડાની નીચે ચાલતાં કૂતરાને એમ થાય કે આ બળદગાડાનો ભાર તો હું જ વેંઢારું છું, મારા લીધે જ બળદગાડું ચાલે છે. આના જેવી ભ્રામક માન્યતા દરેક કામ કરનારને થાય છે. 
“હું કામ કરું તો જ આ ઘર સારી રીતે ચાલે.” એવી ભ્રામક માન્યતા કર્મના કર્તા (સાસરિયાઓ) એ મનમાંથી દૂર કરવી. “યોગસ્થ કુરુ કર્માણિ” એવું ગીતામાં કહેવાયું છે. મતલબ કે યજ્ઞવાન બનીને કર્મ કર. સાદી ભાષામાં કહીએ તો, આ ઘર મારું છે. અને ઘરનાં લોકો પણ મારાં પોતાનાં છે, જેમના માટે હું કામ કરું છું.”  એવી મનોદશા કેળવીને કામ કરી શકો તો well and good.  તો કામનો ભાર તમને નહીં લાગશે.  અને એ પણ ના કરી શકો તો માત્ર, “હું જે કંઇ પણ કરું છું તે ભગવાન શ્રી કૃષ્ણ માટે, એમની ઇચ્છા મુજબ કરું છું.” એવો કૃષ્ણાર્પણનો ભાવ કેળવશો તો કામ કરવાનું દુ:ખ નહીં થાય, અને ખુશી થશે.

બાકી તો આધુનિક વિકાસશીલ ભારતીય નારી એવી પુત્રવધૂને તમે, કામ કર્યું તેણે કામણ કર્યું (જાદુ કર્યું),  “નમે તે સૌને ગમે” કે  પછી  કુછ પાનેકે લિયે કુછ ખોના પડતા હૈ” વગેરે વગેરે જેવી સાવ જુની કહેવત કહીને એની પાસે ધાર્યું કામ કઢાવવા જશો તો નિરાશ જ થશો.
(પુત્રવધૂ:  પુત્ર થી પણ જે વધૂ એટલે કે વિશેષ વહાલી હોય તે. પરિવારમાં પોતાના પ્રેમથી જે સંપ અને સુમેળ લાવે તે સાચી પુત્રવધૂ.)











2 comments:

  1. A REAL ACCEPTANCE OF FAMILY THIS IS THE WAY.

    ReplyDelete
  2. THIS IS THE REAL WAY OF ACCEPTANCE OF FAMILY.

    ReplyDelete