Wednesday 7 February 2018

આ અન્ડરવર્લ્ડ ક્યાં આવ્યું?


આ અન્ડરવર્લ્ડ ક્યાં આવ્યું?      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ઘણા વર્ષો પહેલાં ગામના બજારમાંથી ખાંડ અદ્રશ્ય થઈ ગઈ હતી અને કાળા બજારમાં ડબલ ભાવે વેચાતી હતી.  ત્યારે મારા ઘરે કામ કરતી મારી કામવાળી ચંપાએ મને ઉત્સુકતાથી  પૂછ્યું હતું,
-ભાભી, આ કાળાબજાર કંઈ કણે (ક્યાં)  આયું?
-કેમ, તને વળી એનું શું કામ પડ્યું?
-ઘરમાં ખાંડ ખલાસ થેઇ ગેઇ સે ને ગામના બજારમાં તો ખાંડ મલતી નહીં. લોક કે સે (કહે છે) કે કાળાબજારમાં ખાંડ મલે સે. તે મીં કું (મેં કહ્યું) તંઈ કણે (ત્યાં) જઈને થોડીક ખાંડ લેતી આવું. અમે બે માણા (માણસ)  તો હું (શું) કે ગોરવારી(ગોળવાળી)  ચા હો પી લીયે પણ મારાં સોકરાંવ ને ગરે (ગળે) એ ઉતરતી નથ.
ત્યારે તો મેં એને મારી પાસે હતી એમાંથી થોડી ખાંડ આપી. એ ખુશ થઈ ગઈ ને કાળાબજારમાં જવાનું માંડી વાળ્યું. . થોડા દિવસ પછી એણે મને પૂછ્યું,
-ભાભી, આ અંડરવરલડ (અન્ડરવર્લ્ડ) કંઈ કણે આયું?
-કેમ ચંપા, તારે વળી એનું શું કામ પડ્યું?
-લોક કે સે કે તંઈ કણે નોકરી હારી મલે સે. તંઈ નોકરી કરનારને પટારો ભરીને બઉ બધા રુપિયા  મલે સે.
-અચ્છા? તે તારે કોને નોકરી અપાવવી છે?
-મારો રમલો મેટરિક પાસ થયેલો સે ને કેટલું ભટઈકો તો હો કાંક હારી નોકરી નહીં મલતી તે અતારે તો ઘેર જ બેઠેલો સે, ને એને કારણે એનું મગસ ખરાબ થેઈ ગીયું સે.ઘરમાં બધા પર ગુસ્સો કરે સે. તે મીં કું ઇને અંડરવરલડમાં મોકલી આલીયે તો કેમ?
-અત્યારે તો  અમારી અને સોસાયટીમાં બીજા બે જણની ગાડી ધોવાની નોકરી છે, એને ફાવે તો મોકલજે.  નહીતર તું થોડા દિવસ રાહ જો. આપણે એને ક્યાંક સારી નોકરી અપાવી દઈશું.
ખેર! એક મહિનો અમારી સોસાયટીમાં કામ કર્યા પછી ચંપાના દિકરા રમેશને તો પછી ગામની સ્કુલમાં સફાઈકામની નોકરી મળી ગઈ, પણ...
વર્ષો પહેલાં એક કહેવત પ્રચલિત થઈ હતી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નફ્ફટ નોકરી જેમાં ખેતીને ઘરના મોટા કમાતા-ધમાતા દિકરાની વહુની જેમ ઘણું માન અપાતુ  હતું. જ્યારે વેપારને વચેટ વહુની જેમ નહીં માન કે નહીં અપમાન જેવું (ફિફ્ટી-ફિફ્ટી) હતું. જ્યારે નોકરીને તો નાના નકામા-રખડુ છોકરાની અપમાનિત વહુની જેમ નફ્ફટ નું બિરૂદ અપાતુ હતું. પછી સમયની સાથે સાથે માણસો બદલાતા ગયા, મૂલ્યો બદલાતા ગયા, અને એ મુજબ કહેવતો પણ બદલાતી ગઈ.
ઉત્તમ ગણાતી ખેતીમાં વરસાદ વીલનગીરી કરવા માંડ્યો. જરૂર હોય ત્યારે આવે નહીં અને પાક બાળી નાંખે, અને જરૂર ન હોય ત્યારે ધોધમાર વરસીને ઊભો પાક તાણી જાય.બધું સમુ સૂતરું ચાલે ત્યારે,  ખેડુતો અને ખરીદારોની વચ્ચે વચેટીયાઓ નફો તાણી જાય.  અણધારી આફત આવે ત્યારે સરકાર રાહત-ફાળો મોકલે તો પણ પેલા વાંદરો-બિલાડીની વાર્તામાં ન્યાય તોળવાને બહાને વાંદરો આખે આખો રોટલો ખાઈ જાય એની જેમ વચેટીયાઓ મોટેભાગેની રાહત ઘર ભેગી કરી દે અને ખેડુત તાકતો રહી જાય.જ્યારે રાજીવ ગાંધી હયાત હતા ત્યારે એમણે તો સાફ સાફ કહ્યું હતું કે, રૂપિયો મોકલીએ તો લોકોને ૧૫ પૈસા મળે છે.”  એટલે નેતાઓ પણ આ વાત જાણે છે,  પણ આંખ આડા કાન કરી મૂકે, આખરે તો વટ  નહીં,  પણ  વોટ નો સવાલ છે ને?
મધ્યમ  વેપાર એવું કહેવતમાં કહેવાયું છે, પણ ડુંગર દૂરથી રળિયામણા એ મુજબ વેપારીઓને સ્પર્ધા સતાવે અને ઉઘરાણી અકળાવે  સ્પર્ધામાં ટકી રહેવા માટે વેપારીઓએ જાતજાતના નુસખાઓ અજમાવવા પડે છે. વર્ષમાં ઓછામાં ઓછું એક્વાર અને પછી તો મરજી પડે એટલી વાર દુકાનમાં ડિસ્કાઉન્ટ સેલ  ના પાટિયા લટકાવવા પડે છે, છાપામાં જાહેરાતો આપવી પડે છે. કેટલાક વેપારીઓને ત્યાં તો બારેમાસ સેલ ના પાટિયા લટકતા હોય છે. ભાતભાતની સ્કીમ મૂકીને ગ્રાહકને દુકાનમાં આવવા લલચાવવા પડે છે.
ઉધાર આપતા વેપારીઓને પછી ઉઘરાણીના પૈસા પાછા લેતા નાકે દમ આવી જાય છે. ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ  એ વાત સાચવવામાં ગ્રાહકને સંતોષ તો મળતાં મળે પણ વેપારીને મુદ્રાઓ મુશ્કેલીથી મળે છે એ વાત નક્કી. ખાતર પર દિવેલ’,  ની જેમ ક્યારેક બાકી રહેતી ઉઘરાણી કરવા પગાર ચૂકવીને માણસ રાખવો પડે છે.  એમાં અંડરવર્લ્ડની ધમકી ને ક્યારેક અપરવર્લ્ડ એટલે કે ઈન્કમટેક્ષ વાળાની રેડ.કચવાતા જીવે  ક્યારેક પોલીસ લોકોને હપ્તા કે મફતનો માલ આપવો પડે.  બહુ ઓછા વેપારીઓ ટેન્શન  વગર પૈસા કમાય છે, બાકીતો નાણાની સાથેસાથે એમના ભાગે અનિદ્રા અને અલ્સર તો નક્કી જ છે.
નફ્ફટ ગણાતી નોકરીને આજકાલ ઘણા નવયુવાનો પ્રેમથી અપનાવી રહ્યા છે. નોકરીમાં નિરાંતની વાત એ છે, કે નોકરીના સમય દરમ્યાન ઓફિસમાં હાજર રહેવાનું અને બોસની હાજરી દરમ્યાન ઓફિસમાં કામ કરવાનું અથવા એવો દેખાવ કરવાનો. પગાર લઈને ઉંઘવાનું અને પરમેનન્ટ થઈ ગયા પછી દાદાગીરી કરવાની. રિટાયર્ડ થયા પછી પેંશન મેળવવાનું ને જલસાથી જીવવાનું. જો કે હવેની નોકરીઓમાં જંગી પગારની  સાથે સાથે કમરતોડ કામ અને મગજતોડ જવાબદારી પણ રહે છે, એ ખરું. પણ આજકાલ ઊચ્ચ શૈક્ષણિક ડીગ્રી ધરાવતા વિધાર્થીઓને આપણું મગજ કામ ન કરે(ગણતાં ન ફાવે એવા)  વાર્ષિક પગારે નેશનલ અને મલ્ટિનેશનલ  કંપનીઓ નોકરીમાં રાખવા લાગી છે.
એક સમયે તો અન્ડરવર્લ્ડમાં પણ ઉચ્ચક કામ ના બદલે નોકરીની પ્રથા શરુ થઈ હતી. અલી મારો વર તો આટલો પગાર પાડે છે, તારો વર કેટલા પાડે છે?’  એવું ભાઈલોગ ની વાઈફો પણ એકબીજીને પૂછતી હશે. અને જવાબમાં કોઈ બેકાર ભાઇલોગ ની વાઈફ કહેતી હશે, જવા દે ને વાત જ બેન, મારે તો એ- નહીં કામ ના કે નહીં કાજના, દુશ્મન મણભર અનાજના”
અંડરવર્લ્ડમાં પહેલાં હપ્તાવસૂલી કે હત્યા કરવાના બદલામાં કામ અનુસાર ઉચ્ચક પૈસા અપાતા હતા.  હવે આવા કામો માટે દર મહિને ફિક્સ પગાર મળશે. તેથી વધુ કામ - વધુ કમિશન – વધુ પૈસા એ સૂત્ર ભૂલાઈ જશે. હવે તો દર મહિને ડોન કહે એટલાને જ પતાવવાના અને એટલા હપ્તા ઉઘરાવી લાવવાના એટલે ડોન પણ છુટા અને આપણે પણ છુટા.
અંડરવર્લ્ડમાં આવી પગાર પ્રથા શરુ થવાના કારણોની તપાસ કરી તો જાણવા મળ્યું કે, કેટલાક શૂટરો પતિવ્રતા નારીની જેમ એક જુથ માટે જ કામ કરે છે. પણ કેટલાક શૂટરો ચંચળ નારીની જેમ એકથી વધુ જુથ માટે કામ કરે છે. આથી આવા બહુ - જુથવાદી શૂટરોની સેવા જોઈએ ત્યારે ઉપલબ્ધ થતી નથી. એથી અંડરવર્લ્ડના દાદા છોટા શકીલે શૂટર સાદિક કાલિયાને મહિને એક લાખ ચાલીસ હજાર રુપિયાના માનભર્યા પગારે નોકરીએ રાખ્યો અને આ પગાર પ્રથા ફેમસ થઈ.
એવું પણ કહેવાય છે કે કેટલાક લોભિયા શૂટરો વધુ પગાર મળે તે ડોનને ત્યાં નોકરી કરતાં, તો કેટલાક શૂટરો નવરાશના સમયે બીજા ધંધા કરીને આવક રળતા. કેટલાક તો વળી અપરાધની આ દુનિયાને કાયમ માટે અલવિદા કરી, અન્ડરવર્લ્ડમાંથી નીકળી આઉટરવર્લ્ડમાં કોઇ સારા ધંધે લાગી જતાં. આ બધા અવરોધોને દૂર કરવા અન્ડરવર્લ્ડમાં પગાર પ્રથા દાખલ કરવામાં આવી.
ઘણા ઉધોગપતિઓ, નેતાઓ અને અભિનેતાઓ આવા અંડરવર્લ્ડના ડોનને નિયમિત હપ્તા (પગાર) ચૂકવીને રક્ષણ મેળવે છે.  આપણા  શિક્ષિત યુવાનોને ધંધે લગાડવામાં આવા ડોનને ખાસ રસ છે, તેથી અંધકારની દુનિયામાં આપણા યુવાનોનું ભવિષ્ય ઉજળું છે. 
પણ આ અમારી ચંપા જેવી ઘણી વ્યક્તિને મૂંઝવણ એ વાતની છે, કે- આ અંડરવર્લ્ડ ક્યાં આવ્યું?’ 

1 comment:

  1. અંડરવર્લ્ડનુ તમારું કનેક્શન? ગુપ્ત માહિતી જાહેર કરવા બદલ તમને દાઉદનો ફોન આવશે. સાચવજો. કાળાબજાર ને અંડરવર્લ્ડના સવાલો ગમ્યા.

    ReplyDelete