Wednesday, 14 February 2018

રેલયાત્રા સારી કે જેલયાત્રા?


રેલયાત્રા સારી કે જેલયાત્રા?        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

મારા પતિને બહારગામ જવાનું હોવાથી, એમને અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને મૂકીને પાછા વળતાં,  મારી કારથી આગળ જતી એક કારને, એક હવાલદારે દંડો બતાવીને રોકવાની કોશિશ કરી, પણ કાર ચલાવનાર યુવાને હવાલદારને અવગણીને કાર ભગાવી મૂકી. હવાલદારે વ્હીસલ વગાડી તો પણ યુવાને કાર ન રોકી, તેથી અપમાનિત થયેલાં હવાલદારે પાછળથી આવતી મારી કારને રોકી. અકળાયેલા  હવાલદારે મારી કાર રોકીને, મારી પાસે લાયસન્સ જોવા માંગ્યુ. મેં તે આપ્યું. લાયસંસ બરાબર નીકળ્યું એટલે ભોંઠા પડેલા હવાલદારે મારી ગાડીના પેપર્સ જોવા માંગ્યા. રજીસ્ટ્રેશન બુક, ઇન્સ્યોરન્સ પેપર્સ બરાબર હતાં. હવાલદાર વધારે ભોંઠો પડ્યો. ડૂબતાં ને તરણાનો સહારો’,  એમ છેલ્લા ઉપાય તરીકે એણે મારી પાસે કારનું પીયુસી (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) માંગ્યુ.  એ પણ બરાબર હતું, એટલે એ નિરાશ થયો, અને બબડ્યો, કોણ જાણે સવારે કોનું મોઢું જોઈને ઊઠ્યો હોઈશ, તે દિવસ જ ખરાબ ગયો.
અરીસામાં મોઢું જોઈને ઊઠ્યા હશો, ભાઈ’,  એમ કહેવાનો મને વિચાર આવ્યો, પણ એનો કરડો ચહેરો અને હાથમાં દંડો જોતાં એ વિચાર મેં માંડી વાળ્યો. મારે તો એને સલાહ આપવી હતી કે- ભાઈ, હવેથી તું રોજ સવારે તારા હાથની બે હથેળી ભેગી કરીને, કરાગ્રે  વસતુ લક્ષ્મી, કરમૂલે તુ  સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ આમ બોલી તારા હાથમાં પ્રભુને સ્મરીને જાગજે, તારા બધાં દિવસો શુભ જશે. પણ પછી વિચાર આવ્યો કે- હું એને આટલું સમજાવવા જઈશ, ત્યાં સુધીમાં એના હાથમાંથી બીજા ચાર-પાંચ શિકાર છટકી જશે, તો એની કમાન પણ છટકશે, અને એનો દિવસ વધારે ખરાબ જશે.તેથી મેં ત્યાંથી કાર લઈને ચાલી નીકળવાનું વધુ મુનાસિબ માન્યું.  જો કે ત્યાં આડેધડ પાર્ક થયેલી ગાડીઓ, મુસાફરો પાસે મનફાવે એવો ભાવ માંગતા રીક્ષાવાળાઓ કે પછી પ્રવાસીઓને ચાલવાની અગવડ વધારતાં,  રેલ્વે પ્લેટફોર્મને બેડરૂમ સમજીને સૂતેલા  માણસોને આ હવાલદાર કે પોલીસ કેમ કંઈ કહેતી નહીં હોય?
રેલયાત્રાની વાત નીકળી છે તો યાદ આવ્યું કે- અમારી સોસાયટીમાં રહેતાં એક ભાઈ થોડા દિવસ પહેલાં જ મુંબઈથી અમદાવાદ આવતા હતાં, ત્યારે ટ્રેનમાં એમની  બેગ ચોરાઇ ગઈ. એમને જરા ઝોકું આવ્યું,  એમાં કોક મોરલો કળા કરી ગયો.  એ બેગમાં એમની બેંકની ચેકબુક, પોતાનું ક્રેડિટ કાર્ડ, થોડાંક અગત્યના પેપર્સ, છોકરાંઓ માટે લીધેલી મીઠાઇનું બોક્સ અને પત્નીની વર્ષગાંઠ પર આપવા ખરીદેલાં સાચા હીરાનાં બુટિયાં હતાં. એક તો બેગ ગઈ અને ઉપરથી પત્નીની ડાંટ પડી, તમે તો છે જ સાવ ગાલાવેલા, એક બેગ ન સાચવી શક્યા?’ ભાઈના મોઢે આવી ગયું, આટલા વર્ષોથી તને સાચવી રહ્યો છું તે કંઇ કમ છે કે?’    જિંદગીના એ સાચુકલા નાટકમાં પછી આગળ શું થયું, તે ખબર નથી, પણ જે થયું તે કરુણ જ હશે.
આપણે તો જિંદગીના કરુણ અંકમાંથી પણ હાસ્ય શોધી કાઢવાનું છે, તો આ જોક યાદ આવે છે, એક પતિએ એની પત્નીને જન્મદિવસે હીરાના બુટિયાં ભેટ આપ્યા. પત્ની પછી એની સાથે એક મહિના સુધી બોલી નહીં. તમને થશે- શું એ બુટિયાં નકલી  હીરાના હતાં? તો જવાબ છે, ના, એ સાચા હીરાના જ હતાં, પણ શરત જ એવી હતી.
‘મીનાબહેન, જુઓને મોંઘવારી તો દિવસે દિવસે વધતી જ જાય છે, આ રેલ્વેની જ વાત કરીએ તો છાશવારે એના ભાડા વધતાં  જ જાય છે.’  ‘ગીતાબહેન, રેલ્વેના ભાડાં વધતાં જાય છે, એ વાત તમારી સાચી છે, પણ જગત અને જીવન વિશે જે જ્ઞાન રેલયાત્રા દરમ્યાન મળે છે, તે અમૂલ્ય હોય છે.’  ‘પણ ટ્રેનમાં સાંભળનારા ઓછાં અને બોલનારા ઝાઝાં હોય છે, એટલે ઘોંઘાટ પણ ખુબ હોય છે.’  ‘તમે જોયું હશે, ગીતાબહેન. કે આટલા ઘોંઘાટમાં પણ  કેટલાંક યોગી પુરુષો કેવા આરામથી ઊંઘતાં હોય છે, કેટલાક મહાત્માઓ પુસ્તકો પણ વાંચતાં હોય છે અને આટલી ભીડમાં પણ કેટલાંક પ્રેમીઓ પ્રેમાલાપ પણ કરતાં હોય છે. એટલે એક રીતે જોઈએ તો  રેલયાત્રા આપણને  સ્થિતપ્રજ્ઞતા પણ શીખવે છે.’
‘બરાબર. પણ આ અપ-ડાઉન વાળાઓનો ભારે ત્રાસ હોય છે. એ લોકો પોતાની સીટ રીઝર્વ કરાવતા નથી, અને દાદાગીરી કરીને, આપણને ખસેડીને આપણી ત્રણની સીટ પર ચાર કે કોઈવાર પાંચ જણ પણ બેસી જાય છે.’  ‘એ જ તો સૂચવે છે કે, ના કુછ તેરા ના કુછ મેરા. અને જેને આપણે આપણી સીટ કહીએ છીએ, તે પણ આપનું ઉતરવાનું સ્થાન આવે એટલે આપણે ખાલી કરીને જવું જ પડે છે.  વાત સમજીએ તો આમાં જિંદગીનો  ગહન અર્થ છુપાયો છે. તમે જોયું હશે, અપ-ડાઉન વાળા ટ્રેનની હાલક-ડોલકવાળી સ્થિતિ હોવા છતાં  કેવાં સામસામે પાટિયા પર બેસીને,  પગ પર બેગ મૂકીને મસ્તીથી પત્તા રમે છે. એ જ આપણને શીખવે છે કે વિષમ પરિસ્થિતિમાં પણ મોજથી જીવવું’.
‘ચાલો, તમારું એ લોજિક માની લઈએ. પણ તમે જોયું હશે કે લોકો,  ચા-કોફીના ખાલી ગ્લાસ, પાણીના પાઉચના પ્લાસ્ટિક્સ, ખાવાના પેકેટ્સના ખાલી રેપર, બીડી-સિગરેટનાં ઠુંઠા, પાનની પીચકારી,  વગેરે કચરો રેલ્વેના ડબ્બામાં જ્યાં-ત્યાં ફેંકીને કેવી ગંદકી ફેલાવે છે.’  ‘વાત તો તમારી સોળ આના સાચી છે, ગીતાબહેન. એટલે જ તો આપણા નેતા નરેંદ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે.’  ‘નેતાઓ તો કહેતા રહે, પણ પ્રજા અનુસરે ત્યારે ખરું. આ તમે જુઓ છો ને ઘણી ટ્રેન એના સમય કરતાં કેટલી મોડી આવે છે?  લોકોના સમયની તો જાણે એમને કંઈ કિંમત જ નથી. આવું જ હોય તો રેલ્વે વાળા સમય પત્રક બનાવે છે જ શા માટે?
‘સમય પત્રક બનાવવાથી આપણને ખ્યાલ આવે કે કઈ ટ્રેન કેટલી મિનિટ, કેટલા કલાક કે કેટલા દિવસ(??) મોડી છે. મોડી થતી ટ્રેનની  રાહ જોવામાં આપણી ધીરજ વિકસે છે, જે પછીથી આપણને આપણા જીવનના બીજા ક્ષેત્રે પણ કામ આવે છે.’  ‘અને જે ટ્રેન કેન્સલ થઇ જાય છે, તે શું શીખવે છે?   ‘એનું રીફંડ લાઈનમાં ઊભા રહીને મેળવી શકાય છે. અને જવાનું અગત્યનું જ હોય તો બીજા રસ્તા(બસ, ટેક્સી, વિમાન) દ્વારા જઈ શકાય. આમ ન આવતી ટ્રેન આપણને બીજા ઓપ્શન શોધવાનું શીખવે છે. ગીતાબહેન, તમે મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી નથી કરી. ત્યાંના લોકોને તમે જુઓ તો તમે દંગ રહી જાવ. ભારે ભીડમાં ચઢવું, પર્સ-ચંપલ-કપડાં સાચવવાં, ચાલુ ટ્રેને બેલેંસ જાળવવું, જગ્યા શોધીને બેસવું, ચાલુ ટ્રેનમાં શોપિંગ કરવું, સ્ટેશન આવે એટલે ત્વરાથી ઉતરવું....શું  એમની સતર્કતા , ધીરજ  અને સહનશક્તિ’??  ...માન ગયે જનાબ.’
હમણાં થોડા સમય પહેલાં જ એક વક્તવ્ય  વિશે વાંચ્યુ, એનો  વિષય હતો, રેલયાત્રા સારી કે જેલયાત્રા?’ આ વિશે સર્વે કર્યો તો ઘણા લોકોને લાગે  છે, કે- રેલયાત્રા અતિ વિકટ  અને જેલયાત્રા અતિ સુગમ-સરળ છે.  આના કેટલાંક કારણો પણ એમણે આપ્યાં છે કે- રેલયાત્રામાં ટિકીટનું રિઝર્વેશન કરાવવું પડે છે, જ્યારે જેલયાત્રામાં આવી કોઈ માથાકૂટ કરવાની હોતી નથી. રેલયાત્રા કરવા આપણે ઘરથી સ્ટેશન સુધી જવું પડે છે, જ્યારે જેલયાત્રામાં પોલીસની સ્પેશિયલ  ગાડી આપણને લેવા ઘર સુધી આવે છે, જેમાં બેસવા કોઇ ધક્કામુક્કી કરવી પડતી નથી, ખુબ આરામથી બેસવાની જગ્યા મળે છે.
રેલ્વેમાં તો પાકીટમાર અને લુંટારાઓથી સંભાળવું પડે છે. જ્યારે જેલયાત્રામાં તો ખુદ પોલીસ આપણી હિફાજત કરતી હોય છે. રેલયાત્રા મોંઘી છે, ખર્ચાળ છે, જ્યારે જેલયાત્રા તો મફતમાં થાય છે. સુજ્ઞ વાચકો, તમે આ વિષય પર વિચારશો તો તમને બીજા ઘણાય કારણો મળી રહેશે. તમને  તમારી મનગમતી યાત્રા મળી રહે તે માટે ખુબ ખુબ શુભકામના!No comments:

Post a Comment