ઓ સાથી રે..તેરે બીના ભી ક્યા જીના? પલ્લવી જીતેંદ્ર
મિસ્ત્રી.
મહેશ: તારી પત્નીના
મૃત્યુ પછી, તને આનાથી ઘણી
સારી સારી છોકરીઓ જીવનસાથી તરીકે મળતી હતી. છતાં તેં તારી કુરુપ સાળી સાથે જ બીજા
લગ્ન કરવાનું કેમ વિચાર્યું?
રમેશ: કેમ કે હું
બીજી અજાણી ‘સાસુ’ નું
રીસ્ક લેવા માંગતો નહોતો. તેં સાંભળ્યું તો હશે જ કે, ‘અજાણ્યા દોસ્ત કરતાં, જાણીતો દુશ્મન સારો.’
આપણા ગુજરાતી
સમાજમાં ‘સાસુ’ નામનું વિચિત્ર પ્રાણી, વહુ કે જમાઈ માટે ખતરારૂપ છે. સાસુ-વહુ કે
સાસુ-જમાઈના સંબંધો, ભારત-પાકિસ્તાનના
સંબંધો જેવા છે. એક તરફ જમાઈ ઘરે આવે તો, ‘ઓહોહો! આવો, આવો,
જમાઈરાજા. ભલે પધાર્યા. આપ પધાર્યા તો ધનભાગ્ય અમારા’ એવા ઉપર
ઉપરથી ઠાલા આવકારના ઉદગારો છે, અને બીજી તરફ, ‘જમાઈ એટલે દસમો
ગ્રહ’ એવી કહેવત પ્રચલિત છે.
સસરા-જમાઈના સંબંધો
પણ કંઈ ઉત્સાહ પ્રગટાવે એવા તો નથી જ હોતા. જમાઈને થાય
કે, ‘સસરાની દીકરી વહેતી સરિતા
જેવી સુંદર છે, પણ સસરો મારો
હિમાલય જેવો અડગ ને ખડકાળ છે.’ તો સસરાને થાય, ‘મારી
ફૂલ જેવી કોમળ દીકરીને આ જમડો પટાવીને લઈ ગયો, કાગડો દહીંથરું લઈ ગયો.’
સાસુ-વહુના
સંબંધોની તો વાત જ શી કરવી? એક પ્રખ્યાત
લોકગીત છે, ‘મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં દીવો મેલ, મેં ભોળીએ
એમ જાણ્યું કે સોડમાં(સાસુની) દીવો મેલ.’ વહુથી જાણીજોઈને તો સાસુને કંઈ કહેવાય નહીં કે
સાસુ સાથે ‘પંગા’ લેવાય
નહીં, તેથી ભોળપણનાં બહાને જે કંઈ કરી શકાતું
હોય તે કરી છૂટે છે બિચારી. અને સાસુમા? મોટે
ભાગે સાસુ-વહુના સંબધો તો ‘તૂ તૂ મૈં મૈં ‘ ના જ હોય. એ કેવા હોય તે જાણવું હોય તો કોઈ પણ મેલોડ્રામેટીક હિંદી ટીવી સીરીયલ જોઈ લેવી
કદાચ કોઈ સાસુ-વહુના સંબંધો મા-દીકરીના સંબંધો જેવા મીઠાં
હોય, કે કોઈ સસરા-જમાઈના સંબંધો બાપ-દિકરા
જેવા સરસ હોય પણ ખરાં. પણ લોકોને તો શંકા જ થાય, ‘ભાઈ, આ તો હાથીના દાંત છે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા.’ મેં આ
બધાંથી અલગ જ હોય એવા એક કિસ્સાના સમાચાર ન્યૂઝ પેપરમાં થોડા સમય પહેલાં વાંચ્યા.
“સાસરિયાના ત્રાસથી કંટાળીને પતિએ કરેલી આત્મહત્યા- દહેજમાં પતિનો ભોગ લેવાયાનો બનેલો અજીબો ગરીબ
કિસ્સો.”
બનાવની વિગત એવી
હતી કે, સાબરકાંઠા
જિલ્લામાં રહેતાં, એસ-ટી. બુથમાં કામ
કરતાં, બાબુભાઈએ મધુ નામની પ્રાથમિક શાળામાં
શિક્ષિકા તરીકે કામ કરતી છોકરી સાથે લગ્ન કર્યા હતાં. બન્નેનું લગ્નજીવન ઠીક-ઠાક
ચાલતું હતું. બન્ને સુખી અને સંતોષી હતાં.
પણ જેમ દિવસ પછી
રાત આવે છે, એમ સુખ પછી દુ:ખ
આવે છે. આ બન્નેના જીવનમાં પણ એવું જ બન્યું. મધુના પિતા એટલે કે બાબુભાઈના સસરા આ
બન્નેના જીવનમાં વંટોળ બનીને આવ્યાં અને બધું છિન્ન-ભિન્ન કરી નાંખ્યું. ‘જે ઝાડ વાવે, એનો અધિકાર એ ઝાડના ફળ પર હોય’, એવું આત્મજ્ઞાન લાધવાથી સસરાએ જમાઈને કહ્યું કે, ‘મધુના પગાર પર અમારો હક્ક છે’ એમણે એ પગાર લેવા
મધુના ભાઈને એટલે કે પોતાના દિકરા હિતેશને બાબુભાઈ પાસે મોકલી આપ્યો.
બાબુભાઈએ
મધુનો પગાર હિતેશને આપવાની ના પાડી, એટલે હિતેશ ધોયેલા મૂળા જેવો પાછો ગયો. પણ સસરાએ હાર ન માની. તેઓ વારંવાર
જમાઈ પાસે પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા, સસરાની ઉઘરાણીથી જમાઈ
બાબુભાઈ કંટાળી ગયો. મધુએ એને સમજાવતાં કહ્યું કે પોતે પિતાની સાથે આ બાબતમાં વાત
કરશે, અને એમને સમજાવશે. મધુના કહેવાથી આ વાત તત્પૂરતી તો ઠેકાણે પડી, સસરા થોડા શાંત પડ્યા અને
બાબુભાઈએ નિરાંતનો દમ લીધો.
ત્યાં
જ મધુને ‘સારા
દિવસો’ છે, ની જાણ થઈ. આ ‘સારા દિવસો’ બાબુભાઈ માટે ’ખરાબ
દિવસો’ પૂરવાર થયા. મધુને ડિલિવરી માટે એના પિયર મોકલવાની બાબુભાઈની
મરજી નહોતી, છતાં સમાજના
રિવાજ મુજબ ડિલિવરી માટે મધુ પિયર ગઈ.
પણ થોડા દિવસમાં જ એને ત્યાં મીસકેરેજ થઈ
ગયું. થોડા દિવસો બાદ બાબુભાઇ મધુને લેવા
સાસરે પહોંચ્યો.
સસરા:
કહો જમરાજા, આઈમીન જમાઈરાજા, શીદને પધાર્યા છો?
બાબુભાઈ:
મધુને તેડી જવા આવ્યો છું.
સસરા:
એ...મ?
તમને કોઈએ આમંત્રણ મોકલ્યું હતું કે?
બાબુભાઈ:આમંત્રણની
રાહ જોવા બેસું તો મારું મરણ આવે, પણ આમંત્રણ નહીં.
સસરો:
તમારે માટે એ જ યોગ્ય છે.
બાબુભાઈ:
મારે મધુને મળવું છે.
સસરો:
તમે એને નહીં મળી શકો.
બાબુભાઈ:
શા માટે? મધુ
મારી પત્ની છે, એને મારી સાથે લઈ જવાનો મને હક્ક છે.
સસરા:
અચ્છા! તો હવે મને કાયદો બતાવો છો? મધુ નહીં આવે, જાવ, તમારાથી
થાય તે કરી લો.
બાબુભાઈ:
હું મધુને લીધા વગર પાછો જવાનો નથી. સીધી રીતે મોકલો, નહીંતર...
સસરા:
મને ધમકી આપે છે? કહે, નહીતર શું કરી લેશે?
બાબુભાઈ:
હું...હું...હું આત્મહત્યા કરી લઈશ.
સસરો:
કાલે કરતો હોય તો આજે કર. પણ હવે તું જા. ફરીથી અહીં આવ્યો છે તો ટાંટિયા તોડી
નાંખીશ.
તનથી
અપંગ કરી નાંખવાની સસરાની ધમકી સાંભળીને, અપમાનિત બાબુભાઈ મનથી અપંગ (હતાશ) થઈને, મધુને લીધા
વિના ઘરે પાછો ફર્યો.
પત્નીના
વિરહમાં, ‘ઓ સાથી રે, તેરે બીના ભી ક્યા જીના?’ એવું લાગવાથી બાબુભાઈએ ઝેરી દવા ગટગટાવી લઈને આત્મહત્યા કરી લીધી. પત્ની
માટે આવો પ્રગાઢ પ્રેમ ધરાવતા પ્રેમી પતિને ધન્ય છે.
આમ
તો, ‘બાબુભાઈ કોર્ટમાં કેસ
દાખલ કરીને, કાયદેસર
રીતે પત્નીને મેળવી શક્યા હોત’ એવું કદાચ ભારત દેશના કાયદા ન
જાણનાર, અને કદી પણ
કોર્ટ કચેરીમાં ન જનાર વ્યક્તિ માને એમાં નવાઈ નથી. પણ ‘રામના
બાણ વાગ્યાં હોય એ જ જાણે, કોર્ટ કચેરીના ધક્કા ખાધા હોય એ જ જાણે.’
બાબુભાઈનામાં
એટલી ધીરજ અને વિશ્વાસ નહોતાં. પણ એમનું કામ કાજ ચોક્કસ હતું. હિંમતનગરના
ડી.એસ.પી. ને ઉદ્દેશીને, એમણે દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર, પોતાની
આત્મહત્યાનું કારણ લખી જણાવ્યું હતું. એ સાથે, ‘આવો બીજો કિસ્સો ન બને’ એ માટે ‘તકેદારી’ રાખવાનું
જણાવ્યું હતું.
ડી.એસ.પી.
સાહેબે પછી આ કેસમાં સસરા સામે શું પગલાં
લીધાં તે જાણવા મળ્યું નથી. પણ આવો ‘ ઓ સાથી રે... તેરા બીના ભી ક્યા જીના?’ જેવો કિસ્સો ત્યાર પછી મારા જાણવામાં આવ્યો નથી.
ધલ્લવીબેન...હાસ્યની ભરપૂર લખાયેલો સુંદર લેખ....વાંચવાની મઝા આવી..લગે રહો...
ReplyDeleteહર્ષ મહેતા - Toronto