આબરુ. પલ્લવી જીતેંદ્ર
મિસ્ત્રી.
દ્રશ્ય :૧
-પિનલ બેટા, હાથ-મોં ધોઈ લે, વાળ ઓળી લે અને
ફ્રોક બદલી નાંખ.
-કેમ મમ્મી, કોણ આવવાનું છે?
-અમી આન્ટી અને અનિલ અંકલ આવવાના છે.
-ઓકે મમ્મી, કયું ફ્રોક પહેરું?
-કોઈ પણ પહેર, પણ જરા સારામાંનું
પહેરજે.
-મમ્મી, મીકી માઉસવાળું
પિંક ફ્રોક પહેરું?
-મીકી વાળું પિંક ફ્રોક? ગાંડી થઈ છે કંઈ?
-કેમ મમ્મી, એ ફ્રોક ન પહેરાય? એ કેવું સરસ ફ્રોક
છે.
-બેબી, એ પાર્ટીમાં
પહેરવાનું ફ્રોક છે, ઘરમાં ન પહેરાય. તને ખબર છે એ થ્રી થાઉસન્ડ રૂપીસનું આવ્યું છે?
-તો પેલું બ્રાઉન કલરનું વ્હાઈટ લેસવાળું થ્રી
હંડ્રેડ રૂપીસવાળું ફ્રોક પહેરું? મને એ પણ ગમે છે.
-છી, એ તે કંઈ
ફ્રોક છે? કોઈ આવવાનું હોય ત્યારે એવું ફ્રોક પહેરાય કે બેબી?
-કેમ ન પહેરાય મમ્મી? રીના આન્ટી અને રોમેશ અંકલ આવ્યા ત્યારે તેં મને એ જ ફ્રોક પહેરાવ્યું
હતું ને?
-રીના આન્ટી આવે ત્યારની વાત જુદી છે, બેબી.
- મને સમજાયું નહીં. કહેને વાત જુદી કઈ રીતે મમ્મી?
-તેં
નહોતું જોયું, રીના આન્ટીએ કેવી સાડી પહેરી હતી તે?
-કેવી સાડી પહેરી હતી, મમ્મી? મને તો સારી જ લાગી હતી.
-અરે, ધૂળ સારી, સાવ ચીંથરા જેવી હતી. હું તો એવી સાડી મસોતાં તરીકે પણ ન વાપરું, સમજી?
-તારી વાત મને સમજાતી નથી, મમ્મી. આ મસોતું શું હોય?
-મસોતું એટલે પોતું મારવાનું કપડું. પણ તું જા
હવે. કોઈ સારું ફ્રોક પહેરીને તૈયાર થા.
-ગ્રીન કલરનું ફ્રોક પહેરું? વન થાઉસંડ રૂપીસવાળું?
-હા, એ ઠીક રહેશે, અમી આન્ટી અને અનિલ અંકલ આગળ જરા રૂઆબ પડશે આપણો. એમને
પણ ખબર તો પડે કે સમાજમાં આપણી આબરૂ કેવી છે.
- આપણી આબરૂ કેવી છે, મમ્મી ?
-સવાલ કર્યા વગર તું જા હવે, કપડા બદલ.
દ્રશ્ય :૨
-સુધીર, આજે ઓફિસે
જતી વખતે આપણા ગોર મહારાજ ને કહેતા જજો કે ઘરે આવી જાય.
-ગોર મહારાજ નું તને વળી અત્યારે શું કામ
પડ્યું?
-સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની છે, તે માટે દિવસ નક્કી કરવા.
-કથા? તેં કથાની
માનતા માની હતી?
-માનતા માન્યા વગર કથા ન કરાવાય?
-કરાવાય, પણ હજી હમણા
ચાર મહિના પહેલાં જ તો તેં કથા કરાવી હતી ને? અને એના બે
મહિના પહેલાં પણ કંઇ પૂજા કરાવેલી.
-તો શું થયું?
બાજુવાળા દક્ષાબેન તો દર બે મહિને કથા કરાવે છે. અને તમે જોયું નહીં કે એના ઘરમાં
દર બે મહિને નવી નવી વસ્તુઓ આવે છે. અને પેલી
શીલાડી તો દર પૂનમે કથા કરાવે છે, એની શેફાલીને કેવો સરસ રૂડો-રૂપાળો મહિને બે લાખ રૂપિયા કમાતો વર મળ્યો છે. પેલી
સ્નેહા તો કોઇની પણ વર્ષગાંઠ હોય કથા કરાવે અને કરાવે જ. અને
સોના-ચાંદી-હીરા-મોતીનાં દાગીના વસાવે છે. તમને ભલે ન હોય,
પણ મને તો ભગવાન પર પહેલેથી જ ઘણી શ્રધ્ધા!
-અચ્છા, તારી પાસેથી
શ્રદ્ધા માટેની આ મેં નવી થીયરી જાણી, ભગવાનની કથા, ભક્તિ માટે નહીં, પણ
વસ્તુઓ વસાવવા માટે અને અવનવી માંગણીઓ પૂરી કરાવવા માટે ભગવાનને લાંચ આપવા માટે
કરાવવામાં આવે છે, અને એને તું શ્રધ્ધા કહે છે.
-તમે ય તે શું? બધા
કથા કરાવે અને આપણે ન કરાવીએ તો આપણી શું આબરૂ રહે? લોકો તો
આપણને નાસ્તિક જ કહે ને?
-ઓહ ! ગજબ છે તારો આ આલાપ, આબરૂ, આબરૂ, આબરૂનો.
તને ખબર છે, “સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ ?”
-મારે તમારી સાથે જીભા-જોડી નથી કરવી, બસ, તમે જતાં જતાં ગોરમહારાજ ને કહેતા જાવ એટલે વાત પતે.
-જો હુકમ મેરે આકા! મારે માટે બીજું કોઈ ઓપ્શન પણ શું છે ?
દ્રશ્ય:૩
-મમ્મીજી, તમે સ્મિતા આન્ટીના
ઘરે જાવ છો?
-હા, વહુ બેટા, કંઈ કામ છે તારે?
-આપણા ઘરે સ્મિતા આન્ટીનો આ સ્ટીલનો ડબ્બો પડ્યો છે, તે
આપતાં આવશો?
-ભલે, પણ ડબ્બામાં
શું ભર્યું છે?
-ખજૂરપાક છે, કાલે
બનાવ્યો તે.
-ખજૂરપાક? તું ય ખરી
છે ને.
-કેમ મમ્મીજી, તમે
આવું કેમ કહો છો?
-તને ખબર છે એણે ડબ્બામાં શું મોકલ્યું હતું?
-હા, મકાઈનો ચેવડો મોકલ્યો હતો.
-તું ભલે કહે એને મકાઈનો ચેવડો. બાકી હું તો
કહું છું, નર્યા મકાઈના પૌઆ તળીને ભર્યા’તા. કાજુ-દ્રાક્ષ કે
કોપરું તો સમ ખાવા પૂરતું ય નહોતું નાખ્યું. પાછી કહેતી હતી,
“ લો, મકાઈનો ચેવડો કર્યો છે, તાજો જ
છે, છોકરાંઓ ખાશે.” જાણે આપણા છોકરાં એના ચેવડા વગર ભૂખે મરી
જવાના હશે.
-પણ મમ્મીજી,
સ્મિતા આન્ટીએ ગયા રવિવારે આપણને બદામપાક નહોતો મોકલ્યો?
-મોકલ્યો હતો તો એમાં શું નવાઈ કરી? એને બદામ કોણ આપી ગયું હતું કહે તો જોઉં?
-અનિલભાઈ અમેરિકાથી લાવ્યા હતાં.
-હા, બરાબર. અને એ અનિલ સ્મિતનો કોણ થાય?
-સ્મિતા આન્ટીના કાકાનો દિકરો.
-બરાબર. એનો તો એ કાકાનો દિકરો થાય, પણ મારી તો સગી બહેનથી પણ વધારે એવી મણીનો દિકરો થાય. એ બદામ લાવ્યો અને
સ્મિતાડીએ બદામપાક કરીને મોકલ્યો તો એમાં શું નવાઈ કરી?
-ઠીક મમ્મીજી, પણ
એના પહેલાં પણ એમણે એકવાર દૂધીનો હલવો અને એકવાર શીરો મોકલ્યો હતો, તે યાદ છે ને?
-વહુ, તું મને
એટલી ભૂલકણી ન સમજતી. આજથી વીસ વર્ષ પહેલાંકોણ, ક્યારે અને
શું આપી ગયું હોય, તે બધું જ મને યાદ હોય, એટલું જ નહીં એની સામે મેં કોને, ક્યારે અને શું આપેલું તે પણ મને બરાબર યાદ હોય,
સમજી? સ્મિતાએ હલવો આપેલો તો મેં એની સામે એની દીકરીને પૂરા
એકાવન રૂપિયાની ભેટ નહોતી આપી?
-એ તો એની વર્ષગાંઠ હતી એટલે. અને તમારા
દિકરાએ તો એ વખતે બસો એકાવન આપવાના કહ્યા હતા, પણ તમે...
-એ જે હોય તે. વહુ, તું એક વાત બરાબર સમજી લે. સામેવાળા કરે તેટલું જ આપણે કરવું જોઈએ એવું કોણે
કહ્યું? આ મોંઘવારીના જમાનામાં આપણે બહુ વિચારીને ખર્ચા
કરવાના, દાબીને પગ મૂકવાનો. મનમાં આવે એમ ખર્ચા કરીએ અને
લોકોને આમ વહેંચવા બેસીએ તો કુબેરના ભંડાર પણ ખાલી થતાં વાર નહીં લાગે, સમજી કંઈ?
-ઠીક મમ્મીજી, સમજી
ગઈ, લો આ ડબ્બો.
-વહુ, આમાંથી
ખજૂરપાક કાઢી લે અને એમા મસાલાપૂરી ભરી દે. અને હા, ડબ્બો
ભરતાં પહેલા ઘસીને પછી ભરજે. ક્યાંક ખબર પડી જશે કે ખજૂરપાક કાઢીને પૂરી ભરી છે તો
આપણી આબરુ શું રહેશે?
સરસ. આબરૂ તો આવા લોકો સાચવે.👍
ReplyDelete