Wednesday, 17 January 2018

ઊંઘ.

ઊંઘ.               પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મીનાબેન, તમે બુક, મનની શક્તિ અપાર વાંચતાં હતાં તે વંચાઇ ગઇ?
-ના, પલ્લવીબેન. થોડા પાના વાંચ્યા છે.
-મેં તમને થોડા દિવસ પહેલાં પૂછ્યું હતું ત્યારે પણ તમે આ જ જવાબ આપ્યો હતો.
-અને થોડા દિવસ પછી તમે પૂછશો તો પણ હું એ જ જવાબ આપીશ.
-કેમ, એમ?  શ્રી દોલતભાઇ દેસાઇની એ બુક તો ખુબ જ સરસ છે. તમને એ બોરીંગ લાગી?
-ના, ના. એવું નથી. એ  બુક તો ઇન્ટરેસ્ટિંગ જ છે.
-અચ્છા! સમજી. થોડા સમયથી તમારા ઘરે વારંવાર અને ઘણા મહેમાનો આવ્યા હશે  એટલે તમે બુક નહીં વાંચી શક્યા હોવ, હેં ને?
-ના રે, જ્વલની પરીક્ષા છે એટલે  હમણાંના તો મહેમાનો પણ ખાસ આવ્યા નથી.
-તમારી તબિયત નરમ ગરમ ચાલે છે કે પછી ઘરમાં કોઈ સાજુ માંદુ છે?
-અરે નહીં પલ્લવીબેન, ભગવાનની દયાથી હમણાં તો ઘરમાં બધાની તબિયત એકદમ ઓલરાઈટ છે.
-હં હં. તો તો પછી ચોક્કસ તમને ઓફિસ અને ઘરના કામકાજમાંથી સમય નથી મળતો એટલે બુક નથી વંચાતી, બરાબર ને?
-પલ્લવીબેન, સાચું કહું તો - હું ધારું તો આખા દિવસમાં  મને એટલીસ્ટ એકાદ કલાક જેટલો સમય તો  બુક વાંચવા માટે મળી જ રહે. પણ થાય છે શું કે - હું માંડ બે-ત્રણ પાના વાંચું એટલે મને ઊંઘ આવવા માંડે છે. માત્ર આ જ બુક નહીં, કોઇ પણ બુક વાંચું ત્યારે આવું જ થાય છે. ઓફિસનું કે ઘરનું કામકાજ હું વહેલી સવારથી મોડી રાત સુધી કરું તો પણ હું થાકું નહીં. પણ જેવું કંઇ વાંચવાની શરુઆત કરું કે મને તરત જ ઊંઘ આવવા માંડે છે.
સામાન્ય રીતે કોઇ કંટાળાજનક પ્રવૃતિ કરતાં હોઇએ ત્યારે આપણને  બગાસાં અને ઊંઘ આવે છે. કોઇ સી ગ્રેડની હિંદી ફિલ્મ જોતાં, કોઇ સભામાં નેતાઓના ભાષણ  સાંભળતાં,  ક્લાસમાં પ્રોફેસરોના લેક્ચરો સાંભળતાં કે ટી.વી. પર કોઇ મેલોડ્રામેટિક હિંદી સીરીયલો જોતાં આપણી આંખ મીંચાવા લાગે છે. ઘણાંને નિદ્રાદેવીનું વરદાન હોય છે, એમને પથારીમાં પડતાં વેંત ઊંઘ આવી જાય છે. તો ઘણાંને ઉંઘ લાવવાના પ્રયત્નમાં જ સવાર પડી જાય છે.
-વિશુ, શુ કરે છે, આરોહી?  એકવાર મેં મારી ભત્રીજાવહુને એની દોઢ વર્ષની દિકરી વિશે ફોન પર પૂછ્યું.
-એ ધમાલ કરે છે, ફોઇ. આખો દિવસ મને એની પાછળ ફેરવે છે. ઘડીભર એનાં રમકડાંથી રમે, ઘડીકમાં ટી.વી. કે એ.સી.ના રીમોટથી રમે,  ઘડીકમાં સોફા, હિંચકા કે ટીપોઇ પર ચઢી જાય અને ઉતરતાં ન ફાવે તો ગબડી પડે,  ક્યારેક કીચનમાં જઈ ડ્રોઅર્સ ખોલીને વાસણો કાઢે, ક્યારેક લાઇટ કે પંખાની સ્વીચ ઓફ-ઓન કરે. એ સુઇ જાય પછી જ હું કંઇ કામ કરી શકું. સાંજની રસોઇ પણ એ બપોરે સુતી હોય ત્યારે જ કરવી પડે છે.  હું અને પાર્થ એની પાછળ એટલા તો થાકી જઈએ કે રાત્રે એ જેવી સુઇ જાય કે તરત અમે પણ બધાં જ કામો બાજુ પર મુકીને ઊંઘી જઈએ.
 સિંહ તો સૂતેલો જ સારો  એવી કહેવત ભલે સાચી હોય, પણ નાનાં બાળકોના માતા-પિતાને એમનું બાળક ઊંઘતું હોય એ સ્થિતિ પરમ રાહતમય લાગે છે. ગમે તેવો ઉત્પાતિયો કે ધમાલિયો માણસ પણ ઊંઘતો હોય ત્યારે કેવો શાંત અને નિર્દોષ લાગે છે. હું તમને મારો જ અનુભવ કહું. મારો મોટો દિકરો જિગર નાનો એટલે કે આરોહીની ઉમરનો હતો ત્યારે એટલો  ધમાલિયો હતો કે એણે એકવાર રસોડામાં જઈને લોટ ભરેલો ડબ્બો ઉથલાવી નાંખ્યો હતો. એકવાર ટીપોય પર ચઢીને કુદકો મારતાં હાથમાં હાડવૈધનો પાટો આવ્યો હતો.એ એટલો તો ચંચળ હતો કે એનું નામ મેં પારો (મરક્યુરી) પાડ્યું હતું.
મારો નાનો દિકરો સાકેત પણ નાનો હતો ત્યારે એવો જ ધમાલિયો હતો. એકવાર અમારા  મિત્રના ઘરે ક્યાંકથી બર્નોલ (દાઝ્યા પર લગાડવાનો મલમ) ની ટ્યુબ એના હાથમાં આવી જતાં અમારી સૌની નજર ચુકાવીને એણે મલમ એના હાથે-પગે લગાવી દીધો હતો. રમત ગમતમાં એ એટલો તો મશગુલ થઈ જતો કે એને પોતાને જ ઇજા થઈ જાય એની ખબર એને નહીં રહેતી. પરિણામે એને વારંવાર પાટાપીંડી કરવા પડતા. અને અમારા મિત્રો એને વીર પટ્ટીવાળો ના નામે ઓળખતાં. તેથી એને ઊંઘાડવા હું અનેક પ્રયત્નો કરતી.  મને પણ એ ઉંઘતો હોય ત્યારે વિશેષ વહાલો લાગતો.   
ટુંકમાં કહું તો નાના બાળકોને ઊંઘાડવા મા-બાપ ખાસ પ્રયત્નો કરતાં હોય છે. એમાં એક પ્રયત્ન હાલરડું ગાવાનો પણ છે. પણ મા નો અવાજ કર્કશ હોય તો બાળક તો ઊંઘતાં ઊંઘે, પણ ઘરમાં બાકી બધાંની ઊંઘ ઊડી જાય છે. હવેનાં મા-બાપ તો બાળકોને ઊંઘાડવા નર્સરી રાઇમ્સ (પોએમ્સ) બા બા બ્લેક્શીપ... એ બી સી ડી ઇ એફ જી, ટ્વીંકલ ટ્વીંકલ લીટલ સ્ટાર’,   વગેરે સંભળાવે છે. મારા મોટા પૌત્ર કવીશને  વાર્તા સાંભળતાં અને નાના પૌત્ર આયાંશ ને છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટોસો મેરો મદન ગોપાલ સાંભળતાં ઊંઘ આવી જાય  છે. નાના બાળકો ઘોડિયામાં આરામથી સૂઇ જાય છે, અને લાંબો સમય સૂઇ રહે છે. પણ મોડર્ન મમ્મી-પપ્પા પછી એને ઘોડિયાની ટેવ પડી જાય. એવું વિચારીને  એમાં સુવડાવતાં નથી. પરિણામે બાળક અને મમ્મી-પપ્પા બન્નેની ઊંઘ બગડે છે.
 હું ઊંઘવા માટે જેવી પથારીમાં પડું કે જાણે એ જ ક્ષણની રાહ જોતાં હોય એમ  હજારો વિચારો મને ઘેરી વળે છે. ક્યાંતો આખા દિવસ દરમ્યાન બની ગયેલા બનાવો એક પછી એક યાદ આવવા માંડે અથવા આવતી કાલે ઘરના કે બહારના શું શું કામો કરવાના બાકી છે તે યાદ આવવા માંડે.એનાથી મન થાકે ત્યારે માંડ માંડ ઊંઘ આવે. ક્યારેક કોઇ પંક્તિઓ યાદ આવે અથવા હાસ્યલેખના મુદ્દા યાદ આવે, પછી ભૂલી જઈશ એમ વિચારીને એ કાગળ પર ટપકાવી લઉં ત્યારે  માંડમાંડ નિદ્રાદેવી મારા પર પ્રસન્ન થાય. ક્યારેક ટી.વી. પર જોયેલી સીરીયલોના પાત્રો યાદ આવે અને હવે આગળ ઉપર એમની સાથે શું થશે?’ એની ચિંતામાં ઊંઘ ઊડી જાય. મિંયા દૂબલે ક્યું? તો સારે ગાંવકી ફિકર. જેવું મારું ઊંઘની બાબતમાં છે.
અને મારા પતિદેવ  જીતેંદ્ર! એમને એમની ઉંઘ બહુ વહાલી. બાબુ મોશાય, જિંદગી બડી હોની ચાહિયે, લંબી નહી. એવો ડાયલોગ રાજેશખન્ના, આનંદ ફિલ્મમાં અમિતાભની સામે બોલે છે.  મને પણ એ સાચું લાગે છે. પણ મારા પતિદેવ માને છે, કે ઊંઘ જેટલા વધુ કલાકો મળે એટલી સારી. મને એમની આ માન્યતા સામે કોઇ વાંધો નથી. પણ એમને મારી ઓછી ઊંઘ સામે સખત વાંધો છે. એમનું કહેવું એવું છે કે એ ઊંઘતાં હોય અને હું જાગતી હોઉં (પ્રવૃતિશીલ હોઉં)  ત્યારે એમની ઊંઘ અવાજને કારણે ડીસ્ટર્બ થાય છે. મને એક કવિની પંક્તિ યાદ આવે છે. સૌને ચાહવાને મેં લીધો હતો જનમ, વચ્ચે તમે જરા વધારે ગમી ગયા.  આમ તો મારા પતિદેવ રોજ સવારે ૭ વાગ્યે જાગી જાય છે, પણ જે દિવસે સવારે ૮ વાગ્યે જાગે છે, તે દિવસે હું કહું છું, આમ તો તમે ઊંઘવાને જ લીધો તો જનમ, પણ આજે તમે જરા વધારે ઊંઘી રહ્યા.’
કેટલાક આદર્શવાદી શિક્ષકો સાથે આવું થાય છે:
શિક્ષક: (વર્ગમાં ઊંઘતાં વિધાર્થીને જગાડીને) પણ તું મારા વર્ગમાં ઊંઘી જ શી રીતે શકે?
વિધાર્થી: સાહેબ, એવું કંઈ નથી, તમે જરા ધીમેથી બોલો તો હું ચોક્કસ ઊંઘી શકું.
No comments:

Post a Comment