સેવકરામ ની સેવા. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
‘સેવા કાર્યાલય’
માં બેઠેલા ‘નિસ્વાર્થ (?) સેવા’ ની પ્રતિજ્ઞા લેનાર સેવકરામ, પોતાની કેબીનમાં
ટેબલની સામે બેઠેલા આગંતુક બંને વ્યક્તિ ઉપર કાળઝાળ થઇ ઊઠ્યા. એમનો ગુસ્સો ‘સાતમા
આસમાને’ પહોંચી ગયો. ઘણા લોકો ગુસ્સાને ‘સાતમા પાતાળે’ પંહોચી ગયો એવું પણ કહે છે.
પણ એ એટલા માટે સાચું નથી, કેમ કે – વિજ્ઞાનના નિયમ મુજબ વસ્તુ જેમ ગરમ થાય તેમ
વજનમાં હલકી થાય, અને હલકી થયેલી વસ્તુ ઉપર જ જાય, દાખલા તરીકે હવા.
ગુસ્સો પણ ગરમ હોય
(સામાને દઝાડે) તેથી એ ‘સાતમા આસમાને ગયો’ એમ જ કહેવાય. ભગવાન શિવ ગુસ્સે થાય
ત્યારે તાંડવનૃત્ય કરે, ત્રીજું લોચન ખોલે કે બાળ ગણેશજીનું માથું વાઢી નાખે, સેવકરામ
ગુસ્સે થાય ત્યારે આંખમાંથી અગ્નિ પ્રગટે, હાથની મુઠ્ઠી ટેબલ પર પછાડે, અને
મોમાંથી સળગતા અંગારા જેવા જલદ શબ્દો કાઢે.
આજે પણ એમ જ
બન્યું,, તેઓ બોલ્યા, ‘તમે સૂતરની આંટીથી મારું સ્વાગત કરવાનું કહ્યું, શું હું
સૂતરની એક આંટીથી ખરીદાઈ જાઉં એવો તમને લાગુ છું ? તમારી આવી હિંમત થઇ જ શી રીતે ?
આ સેવકરામની નિસ્વાર્થ સેવાનું કાર્યાલય
છે, સમજ્યા ? આજે તો તમને (જીવતાં) જવા દઉં છું, પણ ફરીવાર આવી હિંમત કરી છે તો
મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી, હા.’
સેવકરામનું આ
છેલ્લું વાક્ય સાવ સાચું છે, એવું પેલા બંનેને લાગ્યું, પણ એ વાત ન સમજાઈ કે એમના
પ્રસ્તાવમાં ગુસ્સે થઇ જવા જેવી શી વાત છે ? બંનેની નજર સામેના બોર્ડ ‘અહિંસા પરમો
ધર્મ’ પર પડી, અને બંનેને પોતાના
જીવ સલામત લાગ્યા. શેઠે એક બટન દબાવ્યું અને બારણે પટાવાળો પ્રગટ થયો. શેઠ બોલ્યા,
‘આમને મિસ પંડિત પાસે લઇ જા.’
‘ભલે સાહેબ’
પટાવાળાએ સેવકરામને કહ્યું અને પછી, બંનેને ‘આવો સાહેબ’ કહીને આવકાર્યા, અને મિસ
પંડિતની કેબીનમાં લઇ ગયો. મિસ પંડિત યુવાન, સુંદર અને હસમુખી હતી. તેણે હસીને
બંનેને આવકાર્યા અને સામેની ખુરશીમાં બેસવા કહ્યું, અને પછી પટાવાળા પાસે એમને
માટે પાણી મંગાવ્યું. ‘બોલો, કેમ આવવું થયું ?’ મિસ પંડિતે બત્રીસી બતાવતા
પૂછ્યું. આ પ્રશ્ન સાથે જ ‘કહેવું કે ન કહેવું ?’ ની દ્વિધામાં બંને જણ પોતાની
ખુરસીમાં સંકોચાયા. ‘સંકોચ શીદને કરો છો, જે કહેવું હોય તે ખુશીથી કહો.’ મિસ પંડિત
બોલી.
બંનેએ જોયું કે
આમને વાત કહેવામાં કોઈ જોખમ નથી એટલે બંને બોલ્યા, ‘ગાંધીજીની જન્મજયંતી, એટલે કે બીજી ઓક્ટોબરના
દિવસે, અમારા ગામના પુસ્તકાલયનો ઉદઘાટન વિધિ રાખ્યો છે. આ પ્રસંગે અતિથી વિશેષ
તરીકે સેવકરામને બોલાવવા એવી બધાની મરજી
છે. સેવકરામજી ગાંધીજીના આદર્શો વિષે કશુક કહે તો લોકોનું જીવન સુધરે એવો અમારો ઉદ્દેશ છે.’ ‘તમારો ઉદ્દેશ તો સરસ
છે, આમાં વાંધો ક્યાં નડ્યો ?’ મિસ પંડિત બોલી.
‘એ તો અમને પણ ખબર
ન પડી, અમે તો સાવ સીધો સાદો પ્રસ્તાવ જ મૂક્યો હતો, ( ‘અમને
તો સાવ સીધો સાદો સવાલ લાગે છે, કિન્તુ આમાં પણ તમને તો દાવ લાગે છે‘ - આવા મતલબની
એક પંક્તિ મેં ક્યાંક વાંચી હતી ખરી.) જે સાંભળીને સેવકરામનું સ્મિત અદ્રશ્ય થઇ ગયું,
ભવાં ધનુષ્યની પણછની જેમ ખેંચાયા અને ભઠ્ઠીમાંથી ધાણી ફૂટે એમ મોમાંથી શબ્દો ફૂટવા
લાગ્યા.’ બંને બોલ્યા.
મિસ પંડિત આ
સાંભળીને રૂપાની ઘંટડીના રણકાર જેવું મજાનું હસી પડી, પટાવાળાને બોલાવી બંને માટે ચા – નાસ્તો મંગાવ્યા, બંને એ આનાકાની કરી તો
એમને ‘ગાંધીજીના સોગન’ આપ્યા, ઘભરાઈને બંને જણ ચાના ઘૂંટ ગળા નીચે ઉતારી ગયા. મિસ
પંડિતે ઇન્ટરકોમ પર સેવકરામ સાથે વાત કરી અને બંનેને કહ્યું, ‘સેવકરામ ઉદઘાટનમાં
આવશે, તમે કહો એ મુજબ ભાષણ પણ કરશે.’
પેલા બંને તો
આશ્ચર્યથી અવાચક થઇ ગયા.’હમણા ઘડીભર પહેલાં તો પોતાના પ્રસ્તાવથી સેવકરામ અત્યંત
ગુસ્સે થઇ ગયેલા, પોતાને ‘પાણીથી પણ પાતળા’ કરી નાખેલા, તે હવે કેવી રીતે આવવા
તૈયાર થઇ ગયા હશે ? ‘હશે, મોટા માણસની મોટી વાતો’ એમ સમજીને બંને ચુપ રહ્યા, અને
હાથ જોડીને કહ્યું, ‘અમે તો આશા જ મૂકી દીધી હતી, આપનો ઘણો આભાર.’
‘એમાં આભાર શાનો ?
મેં તો મારી ફરજ બજાવી, હવે તમારો વારો, તમે તમારી ફરજ બજાવો.’ મિસ પંડિત બોલી.
‘મતલબ ?’ બંને એની સામું તાકી રહ્યા. ‘મતલબ, સેવકરામ જેવા મોટા માણસ કંઈ એમ ને એમ
તમારે ત્યાં ભાષણ કરવા થોડા જ આવે ? તમારે પ્રસાદીરૂપ કંઇક તો આપવું પડે ને ?’ પહેલા તો બંનેને સમજતા વાર લાગી પણ પછી - ‘કેટલા
આપવાના ?’ એમ પૂછીને બંને એ ચોખવટ કરી જ લીધી.
‘વધારે નહીં, માત્ર
પાંચ હજાર રૂપિયા અને એમને લાવવા લઇ જવા કાર, શાલ ઓઢાડીને સન્માન,’ ‘પાંચ હજાર રૂપિયા ?’ ‘હા, રેંટીયાવાળા ગ્રુપ તો છ હજાર અને
દારૂબંધીવાળા ગ્રુપ તો સાત હજાર સુધી આપે છે’ ‘ભલે વિચારીને જણાવીશું’ કહીને બંને ઊઠીને
ત્યાંથી ચાલતા થયા. ત્યાર પછી સેવકરામ
રોજે રોજ સેક્રેટરીને પૂછવા લાગ્યા, ‘મિસ પંડિત, પેલા બંનેનું શું થયું પછી, કંઈ
ફોનબોન આવ્યો કે નહીં ?’ મિસ પંડિતે માથું ધુણાવીને ના કહી તો સેવકરામ એના પર
ખીજવાઈ ગયા. ‘સેક્રેટરી તરીકે તને રાખી શું કામ ? માણસ જોઇને માપ કાઢવું જોઈએ ને ?
કેસ આપણા હાથમાંથી સરકી જાય જ કેમ ?’
મિસ પંડિત બોલી,
‘મને તો લાગ્યું કે લોકો પાસેથી ફાળો ઉઘરાવશે તો સહેજે પાંચ હજાર તો એ લોકો ભેગા
કરી જ લેશે, મને શું ખબર કે એ લોકો પાછા
આવશે જ નહીં’ ‘પેલા રેંટીયાવાળા અને દારૂબંધીવાળા નું શું થયું ?’ ‘એ લોકો પહેલાં
તો ફોન પર કહેતા હતા કે થોડા દિવસમાં કહીએ, પણ હવે તો ફોન પણ ઉપાડતા નથી,
પટાવાળાને મોકલું પૂછવા ?’મિસ પંડિતે ડરતા ડરતા સેવકરામ ને પૂછ્યું.
‘ના, રહેવા દે. મને
લાગે છે કે મારે જ હવે કંઇક કરવું પડશે, ભાવ ઘટાડવા પડશે. આ બધા તો તદ્દન મુફલીસ,
કડકાબાલૂસ, ભીખારી જેવા થઇ ગયા છે.’ એમ
બબડતા બબડતા સેવકરામ ‘નિસ્વાર્થ સેવા’ કાર્યાલયની પોતાની કેબીનમાં જતા રહ્યા.
સરસ. સેવકરામને પ્રણામ.
ReplyDelete