Monday, 28 August 2017

રાઈટ ટુ પ્રાયવસી.

રાઈટ ટુ પ્રાયવસી.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.  

-હલ્લો, તમારા નામે કુરિયરમાં એક કવર આવ્યું છે, એના પર ‘પ્રાયવેટ’ એવું લખેલું છે.  પત્નીએ પતિને ઓફિસે ફોન કરીને જણાવ્યું.
-અચ્છા ! કવરની અંદરના લેટરમાં શું લખેલું છે ? પતિએ પૂછ્યું.
‘રાઈટ ટુ પ્રાયવસી’, એટલે કે ‘દરેક નાગરિકને એની પ્રાયવસી જાળવવાનો અધિકાર છે’, (પરણેલા પુરુષને આમાં અપવાદરૂપ ગણવો) એવો સીમાચિન્હરૂપ ચુકાદો, ૯ જજોની બનેલી બંધારણીય બેન્ચે, સર્વાનુમતે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જે.એસ. ખેહરની લીડરશીપમાં, સ્વાતંત્ર્યદિવસ (૧૫ મી ઓગષ્ટ) ના દસ દિવસ પછી એટલે કે ૨૫ મી ઓગષ્ટ, ૨૦૧૭ ના રોજ આપ્યો.  
આ ચુકાદાથી ઉત્સાહમાં આવી ગયેલા એક પતિએ પત્નીને કહ્યું,
-જો હવે તો સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે, લોકોને શું પહેરવું, શું ખાવું એવું બધું સરકારે નક્કી કરવાની જરૂર નથી, લોકો પોતાની જાતે જ એ નક્કી કરશે.
-સમજી ગઈ. ‘શું પહેરવું ?’ એમાં  તો તમને મારી મદદ વિના ચાલતું નથી, કેમ કે તમે એ જાતે નક્કી કરી શકતા નથી. પણ હા જમવામાં તમને પસંદગીનો અવકાશ છે. બોલો, આજે સાંજે જમવામાં  તમારે શું ખાવું છે ?
-આજે તો તું મસ્ત મજાની ચટપટી ભાજી પાઉં બનાવ, ઘણા વખતથી ખાધી નથી.
-તમને પાઉં તો માફક આવતા નથી, જ્યારે ખાવ છો ત્યારે પેટમાં દુખે છે.
-ઓહ ! એવું છે ? તો પછી છોલે પૂરી બનાવી દે.
-એમ ‘રાજા બોલ્યા ને દાઢી હાલી’ ની જેમ બોલો એટલે તરત તે થઇ જાય એવું થોડું હોય ? છોલેને પાંચ કલાક પાણીમાં પલાળવા પડે.
-તો પછી પુલાવ –કઢી તો બની શકે ને ?
-આ વરસાદની મૌસમમા દહીં ક્યાં બરાબર જામે જ છે ? સવારનું મેળવ્યું છે, તો પણ હજી નથી મેળવાયું.
-તો પછી તું જ બોલ, તારે શું બનાવવું છે ?
-હું તો કહું, પણ પછી તમારી પસંદગીનું શું ? સુપ્રીમ કોર્ટના ચુકાદાનું શું ?
-આપણા ઘરમાં તો સુપ્રીમ કોર્ટ તું જ છે ને ?
- ભલે, તો પછી હું તમને બે ઓપ્શન આપું છું, ખીચડી – શાક બનાવું છું.
- અને બીજું ઓપ્શન ?
-આપ્યા તો ખરા બે ઓપ્શન, ‘ખાઓ’ અથવા ‘ન ખાઓ.’
કોઈકે સાચું જ કહ્યું છે, ‘In a Marriage, one person is always Right and the other is Husband’  એટલે કાયદા ના ફતવા સાંભળીને પતિઓએ બહેકી જવું નહિ.
આ કાયદો આવ્યો એના બીજા દિવસે જ વડોદરા શહેરમાં બહેકી ગયેલા એક પતિનો કિસ્સો બહાર આવ્યો છે. ત્રણ મહિના પહેલાં જ જેમના લગ્ન થયા હતા એવા, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતાં એક  એન્જીનીયર દંપતીની આ વાત છે.
ગણેશ ઉત્સવ હોવાને કારણે પતિ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે મોડી રાત સુધી ઉત્સવની મજા માણતો રહ્યો, પત્ની એને સતત ફોન કરતી રહી, પણ ‘રાઈટ ટુ પ્રાયવસી’ની રાઈ પતિના મગજમાં ભરાઈ ગઈ હોવાથી એણે ફોન ઉપાડવાની કે સામેથી પત્નીને ફોન કરવાની દરકાર કરી નહીં.
મોડેથી ઘરે પહોંચેલા પતિને પત્નીએ ગુસ્સામાં આવીને ‘અત્યાર સુધી તુ ક્યાં હતો?’ એમ પુછતા પતિએ કહ્યું,  ‘હું શું કરું છું, ક્યાં જાઉં છું, મારે તને બધી વાત જણાવવાની  જરૂર નથી.’ અ જવાબ સાંભળી પત્ની એવી વિફરી કે પતિએ જેમની સાથે એ ગણપતિ જોવા ગયો હતો, એ તમામ મિત્રોને ઘરે બોલાવવા પડ્યા.
સદભાગ્યે એ મિત્રોમાં બે વકીલો હતા, એમણે ગેરમાર્ગે દોરવાયેલા પોતાના આ મિત્રને સમજાવ્યો કે – ‘રાઈટ ટુ પ્રાયવસી’ નો અધિકાર પારીવારિક જીવનમાં માન્ય નથી. આ સાંભળીને પતિ બિચારો ‘મિયાંની મીંદડી’ જેવો ગરીબડો બનીને બેસી ગયો.  એક વાત ધ્યાન રાકવાની જરૂર છે કે ૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિ આ કાયદાનો કોઈ રીતે ઉપયોગ નથી કરી શકતી. આ ઉપરાંત પરિવારમાં, શાળામાં, કોલેજોમાં આ કાયદાનો ઉપયોગ આંશિક રીતે જ થઇ શકે છે.
જ્યાં ‘અધિકાર’ની વાત આવે, ત્યાં ‘અંકુશ’ જરૂરી છે, હક્ક અને ફરજ એ સિક્કાની બે બાજુ છે. અને એટલે જ ભારતની કેન્દ્ર સરકારે સુપ્રીમના આ ચુકાદાને આવકારતા કહ્યું કે આ અધિકાર કેટલાક વ્યાજબી (વ્યાજબી એટલે સરકારને ઠીક લાગે એવા) અંકુશો સાથે આપવો જોઈએ. કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે,  ‘દરેક નાગરીકને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે, પરંતુ તેથી કંઈ  રાષ્ટ્રપતિભવન આગળ કપડા કાઢીને પ્રદર્શન કરી શકાય નહિ.’  આમ  વાણીસ્વાતંત્ર્યને પણ મર્યાદા હોય છે.
સુપ્રીમ કહે છે ‘ડીજીટલ યુગમાં બાળકોની પ્રાયવસી પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે, કેમ  કે તેઓ  સતત ૨૪ x ૮ ઓનલાઈન ચેટીંગ અને સોશિયલ સાઈટ્સ પર બીઝી રહે છે, અને જાણ્યે અજાણ્યે અંગત માહિતી જાહેર કરી દેતા હોય છે,  જોકે સોશિયલ સાઈટ્સ પર ન રહેનારા બાળકો પણ આવું કરી શકે છે.
-મિહિર, આખી બપોર ઘરની બહાર હતો, ક્યાં હતો તું ?
-મમ્મી. અમે પોસ્ટમેન – પોસ્ટમેન રમતા હતા.
-એ વળી કઈ રમત, નવી આવી છે કે ?
-હા મમ્મી, અમે સોસાયટીના ઘરે ઘરે જઈને બધાને પોસ્ટ આપી આવ્યા.
-એટલી બધી પોસ્ટ તમે લોકો લાવ્યા ક્યાંથી ?
-મમ્મી, તારા કબાટમાં હતું ને એક બંડલ, ગુલાબી કવરોનું, જેના પર ‘પ્રાયવેટ’ લખેલું  હતું, બસ એ જ મેં લીધું હતું.  
૪૪ પાનાના ચુકાદા ‘રાઈટ ટુ પ્રાયવસી’  મા બીજા અનેક મુદ્દાઓ સાંકળી લેવાયા છે. એમાં મહિલાઓને અધિકાર છે કે એણે માતા બનવું કે નહિ તે એ નક્કી કરે. વ્યક્તિએ પોતાનું એચઆઈવી સ્ટેટસ જાહેર કરવું કે નહિ તે એ નક્કી કરે. એમાં અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિને પોતાનું જીવન ટૂંકાવવાનો અધિકાર પણ આવી જાય છે. જો કે સુપ્રીમ કોર્ટ સમક્ષ નિર્ણય માટે એ હજી પડતર છે.   
એક કેદી બે વર્ષની જેલ ભોગવીને છૂટીને ઘરે આવ્યો. જેવો ઘરમાં પગ મુક્યો કે -
-ટીવીવાળા કહે છે તમને ૧૨ વાગ્યે જેલમાંથી છોડ્યા, બે વાગવા આવ્યા છે, બે કલાક ક્યાં રખડી આવ્યા ?
-આના કરતા તો જેલમાં વધારે સ્વતંત્રતા હતી.
-તો શું કામ ઘરે આવ્યા, ત્યાં  જ રહેવું’તું ને ?

મિત્રો, હવે તમે જ કહો, ‘રાઈટ ટુ પ્રાયવસી’ આમાં કોને કેટલો કામ લાગી શકે ? 

Wednesday, 23 August 2017

સેવકરામ ની સેવા.

સેવકરામ ની સેવા.                                પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘સેવા કાર્યાલય’ માં બેઠેલા ‘નિસ્વાર્થ (?) સેવા’ ની પ્રતિજ્ઞા લેનાર સેવકરામ, પોતાની કેબીનમાં ટેબલની સામે બેઠેલા આગંતુક બંને વ્યક્તિ ઉપર કાળઝાળ થઇ ઊઠ્યા. એમનો ગુસ્સો ‘સાતમા આસમાને’ પહોંચી ગયો. ઘણા લોકો ગુસ્સાને ‘સાતમા પાતાળે’ પંહોચી ગયો એવું પણ કહે છે. પણ એ એટલા માટે સાચું નથી, કેમ કે – વિજ્ઞાનના નિયમ મુજબ વસ્તુ જેમ ગરમ થાય તેમ વજનમાં હલકી થાય, અને હલકી થયેલી વસ્તુ ઉપર જ જાય, દાખલા તરીકે હવા.
ગુસ્સો પણ ગરમ હોય (સામાને દઝાડે) તેથી એ ‘સાતમા આસમાને ગયો’ એમ જ કહેવાય. ભગવાન શિવ ગુસ્સે થાય ત્યારે તાંડવનૃત્ય કરે, ત્રીજું લોચન ખોલે કે બાળ ગણેશજીનું માથું વાઢી નાખે, સેવકરામ ગુસ્સે થાય ત્યારે આંખમાંથી અગ્નિ પ્રગટે, હાથની મુઠ્ઠી ટેબલ પર પછાડે, અને મોમાંથી સળગતા અંગારા જેવા જલદ શબ્દો કાઢે.
આજે પણ એમ જ બન્યું,, તેઓ બોલ્યા, ‘તમે સૂતરની આંટીથી મારું સ્વાગત કરવાનું કહ્યું, શું હું સૂતરની એક આંટીથી ખરીદાઈ જાઉં એવો તમને લાગુ છું ? તમારી આવી હિંમત થઇ જ શી રીતે ? આ સેવકરામની  નિસ્વાર્થ સેવાનું કાર્યાલય છે, સમજ્યા ? આજે તો તમને (જીવતાં) જવા દઉં છું, પણ ફરીવાર આવી હિંમત કરી છે તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી, હા.’
સેવકરામનું આ છેલ્લું વાક્ય સાવ સાચું છે, એવું પેલા બંનેને લાગ્યું, પણ એ વાત ન સમજાઈ કે એમના પ્રસ્તાવમાં ગુસ્સે થઇ જવા જેવી શી વાત છે ? બંનેની નજર સામેના બોર્ડ ‘અહિંસા પરમો ધર્મ’ પર પડી, અને બંનેને પોતાના જીવ સલામત લાગ્યા. શેઠે એક બટન દબાવ્યું અને બારણે પટાવાળો પ્રગટ થયો. શેઠ બોલ્યા, ‘આમને મિસ પંડિત પાસે લઇ જા.’
‘ભલે સાહેબ’ પટાવાળાએ સેવકરામને કહ્યું અને પછી, બંનેને ‘આવો સાહેબ’ કહીને આવકાર્યા, અને મિસ પંડિતની કેબીનમાં લઇ ગયો. મિસ પંડિત યુવાન, સુંદર અને હસમુખી હતી. તેણે હસીને બંનેને આવકાર્યા અને સામેની ખુરશીમાં બેસવા કહ્યું, અને પછી પટાવાળા પાસે એમને માટે પાણી મંગાવ્યું. ‘બોલો, કેમ આવવું થયું ?’ મિસ પંડિતે બત્રીસી બતાવતા પૂછ્યું. આ પ્રશ્ન સાથે જ ‘કહેવું કે ન કહેવું ?’ ની દ્વિધામાં બંને જણ પોતાની ખુરસીમાં સંકોચાયા. ‘સંકોચ શીદને કરો છો, જે કહેવું હોય તે ખુશીથી કહો.’ મિસ પંડિત બોલી.
બંનેએ જોયું કે આમને વાત કહેવામાં કોઈ જોખમ નથી એટલે બંને બોલ્યા, ‘ગાંધીજીની જન્મજયંતી, એટલે કે  બીજી  ઓક્ટોબરના દિવસે, અમારા ગામના પુસ્તકાલયનો ઉદઘાટન વિધિ રાખ્યો છે. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે સેવકરામને  બોલાવવા એવી બધાની મરજી છે. સેવકરામજી ગાંધીજીના આદર્શો વિષે કશુક કહે તો લોકોનું જીવન સુધરે  એવો અમારો ઉદ્દેશ છે.’ ‘તમારો ઉદ્દેશ તો સરસ છે, આમાં વાંધો ક્યાં નડ્યો ?’ મિસ પંડિત બોલી.
‘એ તો અમને પણ ખબર ન પડી, અમે તો સાવ સીધો સાદો પ્રસ્તાવ જ મૂક્યો હતો,  ( ‘અમને તો સાવ સીધો સાદો સવાલ લાગે છે, કિન્તુ આમાં પણ તમને તો દાવ લાગે છે‘ - આવા મતલબની એક પંક્તિ મેં ક્યાંક વાંચી હતી ખરી.) જે સાંભળીને સેવકરામનું સ્મિત અદ્રશ્ય થઇ ગયું, ભવાં ધનુષ્યની પણછની જેમ ખેંચાયા અને ભઠ્ઠીમાંથી ધાણી ફૂટે એમ મોમાંથી શબ્દો ફૂટવા લાગ્યા.’ બંને બોલ્યા.
મિસ પંડિત આ સાંભળીને રૂપાની ઘંટડીના રણકાર જેવું મજાનું હસી પડી, પટાવાળાને બોલાવી બંને માટે  ચા – નાસ્તો મંગાવ્યા, બંને એ આનાકાની કરી તો એમને ‘ગાંધીજીના સોગન’ આપ્યા, ઘભરાઈને બંને જણ ચાના ઘૂંટ ગળા નીચે ઉતારી ગયા. મિસ પંડિતે ઇન્ટરકોમ પર સેવકરામ સાથે વાત કરી અને બંનેને કહ્યું, ‘સેવકરામ ઉદઘાટનમાં આવશે, તમે કહો એ મુજબ ભાષણ પણ કરશે.’
પેલા બંને તો આશ્ચર્યથી અવાચક થઇ ગયા.’હમણા ઘડીભર પહેલાં તો પોતાના પ્રસ્તાવથી સેવકરામ અત્યંત ગુસ્સે થઇ ગયેલા, પોતાને ‘પાણીથી પણ પાતળા’ કરી નાખેલા, તે હવે કેવી રીતે આવવા તૈયાર થઇ ગયા હશે ? ‘હશે, મોટા માણસની મોટી વાતો’ એમ સમજીને બંને ચુપ રહ્યા, અને હાથ જોડીને કહ્યું, ‘અમે તો આશા જ મૂકી દીધી હતી, આપનો ઘણો આભાર.’
‘એમાં આભાર શાનો ? મેં તો મારી ફરજ બજાવી, હવે તમારો વારો, તમે તમારી ફરજ બજાવો.’ મિસ પંડિત બોલી. ‘મતલબ ?’ બંને એની સામું તાકી રહ્યા. ‘મતલબ, સેવકરામ જેવા મોટા માણસ કંઈ એમ ને એમ તમારે ત્યાં ભાષણ કરવા થોડા જ આવે ? તમારે પ્રસાદીરૂપ કંઇક તો આપવું પડે ને ?’  પહેલા તો બંનેને સમજતા વાર લાગી પણ પછી - ‘કેટલા આપવાના ?’ એમ પૂછીને બંને એ ચોખવટ કરી જ લીધી.
‘વધારે નહીં, માત્ર પાંચ હજાર રૂપિયા અને એમને લાવવા લઇ જવા કાર, શાલ ઓઢાડીને સન્માન,’  ‘પાંચ હજાર રૂપિયા ?’  ‘હા, રેંટીયાવાળા ગ્રુપ તો છ હજાર અને દારૂબંધીવાળા ગ્રુપ તો સાત હજાર સુધી આપે છે’  ‘ભલે વિચારીને જણાવીશું’ કહીને બંને ઊઠીને ત્યાંથી ચાલતા થયા. ત્યાર પછી   સેવકરામ રોજે રોજ સેક્રેટરીને પૂછવા લાગ્યા, ‘મિસ પંડિત, પેલા બંનેનું શું થયું પછી, કંઈ ફોનબોન આવ્યો કે નહીં ?’ મિસ પંડિતે માથું ધુણાવીને ના કહી તો સેવકરામ એના પર ખીજવાઈ ગયા. ‘સેક્રેટરી તરીકે તને રાખી શું કામ ? માણસ જોઇને માપ કાઢવું જોઈએ ને ? કેસ આપણા હાથમાંથી સરકી જાય જ કેમ ?’     
મિસ પંડિત બોલી, ‘મને તો લાગ્યું કે લોકો પાસેથી ફાળો ઉઘરાવશે તો સહેજે પાંચ હજાર તો એ લોકો ભેગા કરી જ લેશે, મને શું ખબર  કે એ લોકો પાછા આવશે જ નહીં’ ‘પેલા રેંટીયાવાળા અને દારૂબંધીવાળા નું શું થયું ?’ ‘એ લોકો પહેલાં તો ફોન પર કહેતા હતા કે થોડા દિવસમાં કહીએ, પણ હવે તો ફોન પણ ઉપાડતા નથી, પટાવાળાને મોકલું પૂછવા ?’મિસ પંડિતે ડરતા ડરતા સેવકરામ ને પૂછ્યું.
‘ના, રહેવા દે. મને લાગે છે કે મારે જ હવે કંઇક કરવું પડશે, ભાવ ઘટાડવા પડશે. આ બધા તો તદ્દન મુફલીસ, કડકાબાલૂસ, ભીખારી  જેવા થઇ ગયા છે.’ એમ બબડતા બબડતા સેવકરામ ‘નિસ્વાર્થ સેવા’ કાર્યાલયની પોતાની કેબીનમાં જતા રહ્યા.   

    

Wednesday, 16 August 2017

છાપાનો છબરડો.

છાપાનો છબરડો.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

અમદાવાદને હેરીટેજ શહેર જાહેર કર્યું, તે જાણીને ઘણો આનંદ થયું
‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા મારવાનો પ્રયાસ.’

આજકાલ છાપાના છાપકામમાં આવા આવા છબરડાઓ શરુ થયા છે, તે જોઇને મને એક જુના પ્રસંગની યાદ આવે છે.
આમ તો ઘણા વર્ષો પહેલાની આ વાત છે, પણ મને આજે પણ બરાબર યાદ છે.
-લે, આ ટચુકડી જાહેરખબર વાંચ.
મારી ખાસમ ખાસ દોસ્ત હંસાએ એક ન્યુઝપેપરનું ‘ટચુકડી જાહેરખબર’ વાળું પાનું મારી તરફ લંબાવતા કહ્યું. એની ચોવીસ વર્ષીય લગ્નોત્સુક  કન્યા રન્ના માટે જાહેરખબર  જોવા અમે બેઠા હતા. જો કે સાચું કહું તો ‘વર’ કે ‘કન્યા’ કરતા એના માતા પિતા અને સગા વહાલાઓ જ એના લગ્ન અંગે વધારે ઉત્સુક હોય છે.
અહીં મને એક જોક યાદ આવે છે:
-અલ્યા મનીષ, તું ૨૮ વર્ષનો તો થયો, હવે લગ્ન ક્યારે કરે છે ?
-કેમ રમેશ, તારાથી મારું સુખ દેખી નથી ખમાતું કે ?
આ તો એક આડવાત થઇ, પાછા મૂળ વાત પર આવીએ. મેં ‘ટચુકડી જાહેરખબર’ વાળું પાનું હાથમાં લઈને એણે ટીક કરેલી ખબરો પૈકીની એક ખબર મેં મોટેથી વાંચવાનું શરુ કર્યું.
-જોઈએ છે...એક સ્માર્ટ ...ઔદીચ્યસહસ્ત્ર બ્રાહ્મણ...૨૮ વર્ષીય.. લગ્નોત્સુક ...કુંવારા......કુંવારા...કુંવારા...
-અરે, તારા ગ્રામોફોનની રેકર્ડ કુંવારા પર આવીને કેમ અટકી ગઈ ? આગળ વાંચ, એણે મને ટપારી.
-આગળનું મેં મનમાં વાંચી લીધું, મેં કહ્યું. (મોટેથી કહેવાય એવું નથી, એવું મેં મનમાં કહ્યું.) 
-ઠીક છે, હું વિચારું છું કે આપણે આને મળીયે, આપણી રન્ના માટે આ પાત્ર યોગ્ય લાગે છે.
-એવું ન વિચારાય. મળવાનું તો ઠીક, હું તો એના વિષે  વિચારવાનું પણ ના કહું છું.
-કેમ, તું મુરતિયાને ઓળખે છે ?
-ના, નથી ઓળખતી.
-તો પછી  ના પાડવાનું કારણ ?
-કારણ એટલું જ કે એ ‘દિગંબર’ સાધુ સાથે આપણી રન્નાને ન પરણાવાય.
-દિગંબર સાધુ ? તારું ખસી ગયું છે ?
-ના, મારું ખસી નથી ગયું, ઠેકાણે જ છે.
- સાધુઓ કોઈ દિવસ ‘લગ્નવિષયક’ જાહેરાત છાપામાં આપે કે ?
-આજના જમાનામાં કોઈના વિષે કંઈ પણ કહી ન શકાય, જો એ સાધુ નહીં હોય તો એ બેશરમ તો છે જ. 
-પણ એવું માની લેવાનું શું કારણ ?
-કારણ તો આ જાહેર ખબરમાં જ સ્પષ્ટ લખ્યું છે.
-હવે બહુ થયું, વાતમાં મોણ નાખ્યા વિના જલ્દીથી જણાવ, મારી ધીરજ ખૂટતી જાય છે.
-જો ધ્યાનથી સાંભળ, આમાં લખ્યું છે -  જોઈએ છે...એક સ્માર્ટ ...ઔદીચ્યસહસ્ત્ર બ્રાહ્મણ...૨૮ વર્ષીય.. લગ્નોત્સુક ...કુંવારા..નીર્વસની યુવકને લાયક કન્યા...
-તો આમાં તને વાંધાજનક શું લાગ્યું, એના બધા ગુણ વિષે જ તો લખ્યું છે ને ?
-બધા ગુણોને ઢાંકી દેતો અવગુણ કે શોખ જે કહો તે – એ નીર્વસની છે.
-અલી, એ ગુણ ગણાય કે અવગુણ ?
-જરા સમજ હંસા, આજકાલ આપણે ૪ -૫ વર્ષ ની નીચેના બાળકોને પણ નવડાવવા લઇ જઈએ તે સિવાય, નીર્વસની એટલે કપડાં (વસન) વિનાના નથી રાખતા. તો આ ૨૮ વર્ષનો યુવાન બેધડક લખે છે કે એ  ‘નીર્વસની’ છે,  તો તું જ કહે આપણે આવા બેશરમ યુવાનને આપણી દીકરી પરણાવીશું ?
-ઓહ ! તને હવે મારે શું કહેવું ?
-મારું નામ પલ્લવી છે, એ જ કહેને.
-ના, એના કરતા ‘બુધ્ધુરામ’ વધુ યોગ્ય રહેશે. આ તો ભૂલથી ‘નિર્વ્યસની’ ના બદલે ‘નીર્વસની’ છપાઈ ગયું હશે.
-તો સારું. બાકી આજના યુવાનોની ઘેલછાએ મઝા મૂકી છે. લાંબા વાળ રાખે છે, ચોટલી પણ વાળે છે, કાનમાં અને હવે તો નાકમાં પણ બુટ્ટી – રીંગ – વાળી પહેરે છે, છોકરીઓ જેવા કપડા પહેરે છે. તને ખબર છે એકવાર હું ‘લેડીગ્રેસ’ નામની દુકાનમાં કોસ્મેટીક્સ ખરીદવા ગઈ હતી, ત્યાં મારાથી એક કસ્ટમરને ધક્કો વાગી ગયો, મેં કહ્યું, ‘સોરી બહેન, મારાથી ભૂલમાં તમને ધક્કો વાગી ગયો.’ તો એણે કહ્યું, ‘હું બહેન નથી ભાઈ છું, સમજ્યા ?’ મેં છોભીલી પડી જઈને કહ્યું, ‘સોરી, આ તો મેં તમને તમારી મમ્મી સાથે બુટ્ટી અને હેરબેન્ડ ખરીદતા જોયા એટલે...’ તો એણે છણકો કરીને કહ્યું, ‘એ મારી મમ્મી નથી, પપ્પા છે, અન્ડરસ્ટેન્ડ ?’ ને પછી એ ધીમેથી, ‘સ્ટુપીડ’ એવું બબડી, એટલે કે બબડ્યો.
હંસા હસી પડી અને બોલી, - તારી વાત તો સાચી છે. મેં પણ સાંભળ્યું છે કે હવે છોકરાઓ પણ ફેસિયલ, આઇબ્રો,  બ્લીચીંગ, વેક્સિંગ,  હેરસ્ટાઈલ,  વગેરે કરાવવા માંડ્યા છે. આપણા ફિલ્મસ્ટારો ગોવિન્દા, શાહરૂખ, ચંકી, કમલા હસન..વગેરે પણ છોકરીઓના રોલ કરી ચુક્યા છે. આજના  યુવાનો એમના પરથી પ્રેરણા  લે છે, બીજું શું ?
-હા, સલમાનને વહેમ છે કે એ ‘ટોપલેસ’ રહે તો બહુ હેન્ડસમ લાગે છે, આજના યુવક યુવતીઓ એને એ રીતે પસંદ પણ કરે છે. ફોરેન કન્ટ્રીમાં તો વિરોધ કરવા લોકોએ ‘સાઈકલ સરઘસ’ પણ ‘બર્થસુટ’ એટલે કે તદ્દન નિર્વસ્ત્ર થઈને કાઢ્યું હતું. હવે આની ફેશન આવી હોય અને આ યુવક પણ એવી ઘેલછાનો શિકાર હોય તો ? મેં ચિંતા વ્યક્ત કરી.
-તારી વાત તો વિચારવા લાયક છે.
-તો વિચાર અને તપાસ કરીને કન્ફર્મ કર કે આ ફક્ત ‘છાપાનો છબરડો’ જ છે ને ?
બીજે દિવસે અમે ‘સુધારીને વાંચવું’ વિભાગમાં જોયું તો એ માત્ર ‘છાપાનો છબરડો’ જ હતો, જેણે  ‘નિર્વ્યસની’ યુવકને ‘નીર્વસની’ યુવક બનાવ્યો હતો. રન્નાને તો પછી એક સરસ મૂરતિયો મળી ગયો, લગ્ન પણ થયા, એક મઝાનો દીકરો પણ થયો.
પણ દુખની વાત એ છે કે - એક અકળ રોગને લીધે રન્ના અકાળે અવસાન પામી. અમારી વહાલી રન્ના હવે અમારી વચ્ચે નથી રહી, રહી છે માત્ર એની યાદો.   ત્યારે એની યાદમાં આ નાનકડો  લેખ અર્પણ કરતા કહું છું કે ‘રન્નાનો આત્મા જ્યાં  હોય ત્યાં સુખી રહે – પ્રસન્ન રહે.’
 

 

  

Wednesday, 9 August 2017

એક સીંગતેલ કે ડીબ્બેકા સવાલ હૈ માઈ.

એક સીંગતેલ કે ડીબ્બેકા સવાલ હૈ માઈ.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ભિખારી: કુછ દે દે માઈ.
બબલી: ટમાટર ખાઓ.
ભિખારી: ટમાટર સૌ  રૂપિયા કિલો હો ગયે હૈ, કૈસે ખાયે? અલ્લા કે નામ પે કુછ દે દે માઈ.
બબલી: ટમાટર ખાઓ.
ભિખારી: (ગુસ્સે થઈને) પગલા ગઈ હૈ ક્યા? અચ્છા ચલ, તેરે પાસ ટમાટર હૈ તો વહી દે દે.
બબલીની મા : આપ જાઓ બાબા, યે તોતલી હૈ, બોલ રહી હૈ, કમાકર ખાઓ.
હાલમાં ટામેટાના ભાવ અચાનક આસમાને પહોંચી ગયા પછી, એના  પરના અનેક જોક પ્રચલિત થયા .’હલવાઈઓ  હલવા ઉપર હવે બદામના બદલે ટામેટાની કતરણ લગાવશે’, ‘ટામેટા ભરેલી ટ્રક પર ત્રાટક્યા ધાડપાડુઓ’, ‘ફ્રીઝ માંથી કાજુ –બદામ જે ખાવું હોય તે ખાજે, પણ ખબરદાર,  ટામેટાને હાથ પણ ન લગાવીશ’ 
થોડા સમય પહેલા ડુંગળીના  ભાવોએ ગ્રાહકોની આંખમાં પાણી લાવી દીધા હતા. ત્યારે  ડુંગળીના પર જોક્સ પ્રચલિત થયા હતા. ‘ખોટું ન બોલીશ કે તું ગરીબ છે, કાલે જ મેં તારી વાઈફને ૨ કિલો ડુંગળી ખરીદતા જોઈ છે.’ ‘તું હારે તો તારે કાંદાના ભજીયા ખવડાવવાના, બોલ છે શરત મંજુર?’ મિત્રો, આપણા પર પણ કોઈ જોક કરે તો ખરાબ ન લગાડવું, સમજવું કે – ‘આપણા ભાવો ઊંચા છે.’
વર્ષો પહેલાની, ૧૯૯૮ ના સાલની  આ વાત છે. દિવાળીના તહેવારોમાં જ સીંગતેલની અછત સર્જાઈ હતી, ભાવો આસમાને પંહોચી ગયા હતા. મોમાગ્યા દામ આપવા છતાં સીંગતેલ માર્કેટમાં ઉપલબ્ધ નહોતું. એ જ અરસામાં મીતાનો સ્વયંવર યોજાયો હતો. એક થી ચઢીયાતા એક એવા અનેક મુરતિયાઓ પધાર્યા હતા. કોઈ કાપડબજારના કિંગ ગણાતા વેપારીનો પુત્ર હતો, તો કોઈ લોખંડબજારના રાજા ગણાતા વેપારીનો પુત્ર હતો,કોઈ ઇલેક્ટ્રોનિક સ્ટોરના માલિકનો પુત્ર હતો, તો કોઈ રેલ્વેપ્રધાનનો  બગડેલો બેટો હતો.
કોઈ પલભરમાં ટ્રેનની ટીકીટ લાવી આપવાની વાત કરતુ હતું, તો કોઈ હીટ ફિલ્મની ફર્સ્ટ શોની ટીકીટ લાવી આપવાનું વચન આપતું હતું, કોઈ હીરાનો સેટ વસાવી આપવાની વાત કરતુ હતું, તો કોઈ ફોરેન ટુરના સપના દેખાડતું હતું. આ સુપુત્રો એક પછી એક પોતાની લાયકાત સ્વમુખે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધાની વાત સાંભળી લીધા પછી મીતાએ પોતાની પસંદગી ઢોળી અજય ઉપર.
આ જાણીને સૌકોઈ આશ્ચર્ય ચકિત થઇ ગયા. ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલી ?’ ક્યા ભણેલી ગણેલી રૂડી રૂપાળી સ્માર્ટ મીતા અને ક્યાં કાળો કદરૂપો નોન મેટ્રિક થયેલો મૂઢ એવો અજય ! હશે, ‘રાણીને ગમ્યો તે રાજા, બીજા બધા વગાડે વાજા’ લગ્ન રંગેચંગે પતી ગયા.
મીતાની ખાસ ફ્રેન્ડ દીપાએ એક દિવસ એને પૂછી લીધું, ‘મીતુ, આ નેગેટીવ – કલર જાય તો પૈસા પાછા  એવા ડીફેકટીવ તાકાને પસંદ કરવાનું કારણ ?’ મીતાએ કહ્યું, ‘યાર, હું કંઈ મૂરખ થોડી જ છું, તે એમ વગર વિચારે પરણું?’ (બધા જ પરણનારા શરૂઆતમાં આમ જ કહેતા હોય છે, ને પછી પાંચ વર્ષ બાદ કહે છે, ‘હું મૂરખ તે તને પરણી /     પરણ્યો..) ‘અજયે મને વચન આપ્યું છે કે એ મને સીંગતેલની ક્યારેય અછત નહીં પડવા દે. એટલું જ નહીં, લગ્નની પ્રથમ ભેટ તરીકે એણે મને ડબલ ફિલ્ટર સીંગતેલના ત્રણ ડબ્બા ઓલરેડી આપી દીધા છે.’ મીતા હસીને બોલી.   
પહેલાની છોકરીઓ પાણીમાં પ્રતિબિંબ જોઇને માછલીની આંખ વીંધનારને કે શિવ ધનુષ્ય તોડનારને પરણતી, હવેની  છોકરીઓ લાઈન વીંધીને સીંગતેલના ડબ્બા લાવી આપનારને પરણે છે. એ અરસામાં ઓઇલમિલ માલિકના દીકરા દીકરીઓની કીમત લગ્ન બજારમાં વધી ગઈ હતી. ’અમારી દીકરી સુખી છે, કાયમ સીંગતેલ ખાઈ શકે એવા સધ્ધર કુટુંબમાં પરણાવી છે’ એમ માબાપ ગર્વથી કહેતા. ‘કપાસિયાનું તેલ’  ખાનાર કુટુંબમાં દીકરીઓ જવા રાજી નહોતી.
‘શક્તિમાન’ કે ‘મિસ્ટર ઇન્ડીયા’ ની જેમ ૧૯૯૮ મા તો  બજારમાંથી સીંગતેલના ડબ્બા જ અદ્રશ્ય થઇ ગયા હતા. ‘ક્યાં ગયા ‘? તો કહે ‘નિકાસ થઇ ગયા’  ‘ઘરના  છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો ?’ આ કહેવત આના પરથી જ પડી હશે ? નેતાઓ કહે, ‘નિકાસ  દ્વારા થતી અઢળક કમાણીથી દેશની આર્થિક સ્થિતિ સુધરે છે.’ સીંગતેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આપણે સીંગતેલ ઓછું જ ખાવું જોઈએ, શક્ય હોય તો ન ખાવું જોઈએ. આપણું આરોગ્ય સુધરે અને દેશની(??)  આર્થિક સ્થિતિ સુધરે એના જેવું રૂડું બીજું શું ?
શેઠ: પણ આમ અચાનક પગાર વધારો માંગવાનું કારણ ?
નોકર: શેઠજી, મારાં છોકરાઓ કાલે પાડોશીને ત્યાં તેલમાં વઘારેલું શાક ખાઈ આવ્યા, હવે જીદ કરે છે કે એવું જ શાક રોજ ખાઈશું.
આ તો થોડા વર્ષો પહેલાની વાત છે, પણ થોડા વર્ષો બાદ આપણા છોકરાના છોકરા પુછાતા હશે, ‘દાદા, દાદા. અમને સિંગતેલના ડબ્બાની વાર્તા કહોને.’ દાદા એમને ફોટામાંના સીંગતેલનો ડબ્બો બતાવીને કહેશે, ‘જુઓ, છોકરાઓ, અમારા પરદાદાઓ  આવા સીંગતેલમાં તળેલા ભજીયા ખાતા.’ પછી દાદાએ  ‘ભજીયા શું ? તે સમજાવવું પડશે.
ભિખારી: સો રૂપિયા દે દે માઈ, એક સીંગતેલકે ડિબ્બેકા સવાલ હૈ.
હું: સો રૂપિયામાં સીંગતેલનો ડબ્બો  ? ક્યાં  મળે છે ?  

ભિખારી: દોહજાર જમા કિયા હૈ, સિર્ફ સો રૂપિયા કમ હૈ, દે દે માઈ. એક સીંગતેલ કે ડીબ્બેકા સવાલ હૈ. 

Wednesday, 2 August 2017

એક અનોખી સર્વિસ.

એક અનોખી સર્વિસ.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-૧૦.૧૫ વાળી ગઈ?
લીનાએ ઉતાવળે બસસ્ટોપ પર પહોંચી ત્યાં ઊભેલી નેહાને ઘડિયાળમાં જોતાં જોતાં પૂછ્યું. નેહા એની રોજની બસની હમસફર હતી. બંનેની સોસાયટીઓ પાસપાસે આવેલી હતી, અને બંનેની ઓફિસો પણ નજીક નજીક હતી. બસસ્ટોપ પર થયેલી મુલાકાત દોસ્તીમાં પરિણમી હતી. બંને રોજ ૧૦.૧૫ વાગ્યેની બસમાં સાથે જતાં, પણ આજે બંનેની બસ મિસ થઇ ગઈ હતી.
-હા, પાંચ મિનિટ પહેલાં જ ગઈ. નેહાએ જવાબ આપ્યો.
-આ દેશમાં બીજું કોઈ સમયસર ચાલે કે ન ચાલે, આપણી બસો સમયસર ચાલે છ, અને તેય આપણે જે દિવસે મોડા હોઈએ ત્યારે તો ખાસ. 
-થોડો મેકઅપ ઓછો કરતી હોય તો બસસ્ટોપ પર સમયસર પહોંચી શકે ને? નેહાએ મશ્કરી કરતા કહ્યું.
-અચ્છા ? મારી વાત છોડ આપ મહારાણી શું ગુલ ખોલાવવા રોકાયા હતા તે તમારીય ૧૦.૧૫ વાળી બસ ગઈ?
યાર, આ મંગળવારે રક્ષાબંધન છે અને મારે મારા ભાઈને બહારગામ રાખડી મોકલવી છે, પણ રાખડી સાથે પત્ર તો લખવો જ પડે, હવે પત્ર લખવાની આદત તો મોબાઈલ અને ઈન્ટરનેટ આવ્યા પછી સાવ છૂટી જ ગઈ છે, તે પત્રમાં શું લખવું તેની વિમાસણમાં મોડું થઇ ગયું.
-સારું યાદ કરાવ્યું, મારે પણ મારા ભાઈને રાખડી મોકલવાની છે, પણ મારે તો હજી રાખડી બજારમાંથી લાવવાની પણ બાકી છે. ક્યારે સોમવારે છે ને રક્ષાબંધન?
-હા, આ વખતે સોમવારે રક્ષાબંધન છે એટલે સારું છે, રવિવારે હોત તો એક રજા શહીદ થઇ જાત.
-એકવાર તો ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધન, બંને તહેવારો એક જ દિવસે હતા, આવું થાય તો આપણી તો એક રજા ઓછી થઇ જાય ને ? બે તહેવાર એક દિવસે ન હોવા જોઈએ, શું કહે છે તું?
-સાચી વાત છે, મહિનામાં રવિવાર ઉપરાંત બીજી બે  ત્રણ રજા તો આવવી જ જોઈએ.
બસ આવી એટલે બંને બસમાં ચઢ્યા.
- મહિનામાં ચાર રવિવાર તો આવે છે, પણ એ તો ક્યાં પસાર થઇ જાય છે તે ખબર જ નથી પડતી.પેન્ડીંગ કામો જ એટલા બધા હોય છે ને, આજે પણ એમાં જ મોડું થઇ ગયું અને ૧૦.૧૫ વાળી નીકળી ગઈ. આજે તો ચોક્કસ હિટલર (બોસ) બગડવાના જ.  
-તો મારા બોસ શું મારી આરતી ઉતારશે? જવા દે એ વાત, ચાલ્યા કરે એ તો.  પણ ખબર છે, નેહા મારી પડોશણ કાલે શું વાત કરતી હતી?
-તારી પડોશણ શું કહેતી હતી તે મને કેવી રીતે ખબર પડે?
-એ એની બે દીકરીઓ સોહા અને શેફાલી વચ્ચે કમ્પેરીઝન કરતી હતી.
-એણે એવું ન કરવું જોઈએ.
-સાંભળ તો ખરી. એ કહેતી હતી કે મારી નાની દીકરી સોહા સ્માર્ટ છે, જ્યારે મોટી શેફાલી મોંની જરા મોળી છે.
-એવું કેમ?
-ગયા વર્ષની રક્ષાબંધનની વાત છે. રક્ષાબંધનના આગલા દિવસે અમુક સ્કુલોમાં રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાય છે. તે બાબતે પડોશણ કહેતી હતી કે શેફાલી દસ રૂપિયાવાળી બે રાખડી લાવી હતી, અને એણે એવા બે છોકરાઓને રાખડી બાંધી કે એને નાનકડી બે પાર્લે પીપરમીન્ટ  સિવાય કઈ મળ્યું નહિ. જ્યારે સોહા પાંચ રૂપિયાવાળી ડઝન રાખડી લાવી હતી અને એણે એવા છોકરાઓને રાખડી બાંધી કે એને ૭ મોટી કેડબરી અને ૩ મોટી ફાઈવસ્ટાર ચોકલેટ મળી.
-ઓહ ગોડ, રાખડી બાંધવાની પવિત્ર ક્રિયા પાછળ આવી ખરાબ ગણતરી? ગજબ છોકરી કહેવાય.
-છોકરીની વાત છોડ, એની મા વિશે વિચાર. મા કહેતી હતી કે એક ગરીબ છોકરાએ સોહાને રાખડી બાંધવા કહ્યું તો સોહાએ ચાલાકીથી જોઈ લીધું કે એની પાસે આપવા માટે ખાલી  પીપરમીન્ટ જ છે  તો એણે ધરાર એને રાખડી ન બાંધી, જ્યારે શેફાલીએ એને પ્રેમથી રાખડી બાંધી. 
-માય ગોડ ! લીના, આવી ગણતરીબાજ છોકરી સાસરે જશે તો પતિ અને સાસરિયાઓની હાલત શું થશે?
-આપણે સોહાની વાત વિચારીએ છીએ અને એની મમ્મીને શેફાલીની ચિંતા થાય છે, કે ‘આ છોકરીનું શું થશે?’
-હશે, જવાદે. સૌના કર્યા સૌએ ભોગવવાના છે, હમણા તો મને બોસના બબડાટની ચિંતા થાય છે. ચાલ જાઉં છું, કાલે મળીએ.
-ઓકે, બાય બાય નેહા.
લીના ઓફીસ પહોંચી કામમાં લાગી ગઈ. બપોરે કેન્ટીનમાં લંચ લેતી વખતે એની ફ્રેન્ડ કંચને પૂછ્યું,
-શું થયું લીના, કેમ ચિંતામાં લાગે છે?
-યાર, ઘર અને ઓફીસના કામમાંથી ફુરસદ મળતી નથી, અને મારે તો હજી રાખડી પણ મોકલવાની છે, એ લેવા બજાર જવાનો ટાઈમ નથી, સમયસર રાખડી પહોંચશે નહિ તો ભાભી બબડશે, ‘બહેનબાને વરસના વચલે દા’ડે પણ અમને એક પત્ર લખવાની ફુરસદ મળતી નથી.’ 
-બસ, આટલી જ વાત છે? તને એક રસ્તો બતાવું તો તારો પ્રોબ્લેમ તો ચપટી વગાડતા સોલ્વ થઈ જશે.
-સાચ્ચે? બોલ બોલ, જલ્દી બોલ.
-ઓફીસ અવર્સ પતે એટલે તૈયાર રહેજે, તને એક જગ્યાએ લઇ જઈશ.
સાંજે કંચન લીનાને રવાલિયા રોડ પર આવેલ રાવલ મેન્શનમાં બીજા માળે આવેલી એક ઓફિસમાં લઇ ગઈ.
-આવો આવો બહેન, બોલો તમારી શી સેવા કરું?
-આ લીનાબેનને બહારગામ રાખડી મોકલવાની છે, એમને મદદ કરો.
-અરે રાખડી તો શું તમે કહેશો તો ભાખરી, ચકરી,  ટોકરી ...જે કહેશો તે મોકલશું.
-ફિલહાલ તો એમના ભાઈને સમયસર રાખડી મળે એવું કરી આપો તો બસ છે.
-અરે કંચન, પણ મારે તો હજી રાખડી લાવવાની અને પત્ર લખવાનો પણ બાકી છે.
-એ બધી ફિકર તમે હવે અમારા પર છોડી દો, બહેન. તમે તો બસ સરનામું આપો.
-સરનામું?
-હા, સરનામું. જેને રાખડી મોકલવાની છે એ તમારા ભાઈનું સરનામું આપો. એમના કુટુંબીજનો વિશે માહિતી આપો. અમે રાખડીની સાથે પત્ર પણ લખીશું, એમાં તમારા સૌ પિયરીયાઓને સ્મરીશું. ગીત – ગઝલ - ભાઈ બહેનના પ્રેમની મસ્ત પંક્તિઓ લખીશું.  દાખલા તરીકે: ‘ભૈયા મેરે રાખીકે બંધનકો  નિભાના, ભૈયા મેરે છોટી બહનકો ન ભુલાના...’
-પણ હું તો એની મોટી બહેન છું.
-અચ્છા તો છોટી બહન ની જગ્યાએ બડી બહન લખીશું. તમે કહેશો તો સ્પીડપોસ્ટમાં અને તમે કહેશો તો કુરિયરમાં કવર મોકલશું.  હવે તો અમે ફોન અને ઈમેલ જેવી ક્વિક સર્વિસ પણ શરુ કરી છે.
-ફોન કે ઈમેલથી રાખડી કઈ રીતે મોકલી શકાય?
-સિમ્પલ ! તમારા ભાઈ જે શહેરમાં રહેતા હોય ત્યાં અમારી બ્રાંચ હોય, અમે અહીંથી ફોન કે ઈમેલમાં જે સંદેશ મોકલીએ તે ત્યાની ઓફીસવાળા સંદેશાની સાથે રાખડી એટેચ  કરીને તમે આપેલા સરનામે પહોંચાડી આવે.અમારી પાસે તો અવનવી રાખડીના આલ્બમ પણ છે, એમાં જોઇને તમે ભાઈ માટે રાખડી પસંદ કરી શકો.
-આઈડીયા બુરા નહીં હૈ.
-અમારી પાસે તો આનાથી પણ વધારે ઝાંસુ એટલે કે ફક્કડ આઈડીયા છે.
-અચ્છા, એ શું છે એ પણ કહીદો.
-આ વર્ષથી અમે અમારી ઓફિસમાં યંગ, સ્માર્ટ અને બ્યુટીફૂલ લેડીઝ સ્ટાફ રાખવાના છીએ. આ બહેનો તમારા વતી જાતે જ તમારા ભાઈના ઘરે જઈને  કંકુ-ચોખા લગાવશે, આરતી ઉતારશે, મીઠાઈ ખવડાવશે અને તમારા ભાઈને રાખડી બાંધી આવશે. (જો તમારા ભાઈને આવી સુંદર યુવાન બહેન પાસે રાખડી બંધાવવાનો વાંધો ન હોય તો)
-ઓહ ઓહ.
-હજી સાંભળો, તમારા ભાઈ બદલામાં ‘વીરપસલી’ આપશે તો એ પણ અમે તમને તમારા ઘરે પહોંચાડીશું,  અને એ મળ્યા ની રસીદ તમારા ભાઈને મોકલી આપીશું.
-અરે વાહ! એનો ચાર્જ શું રાખ્યો છે?
-એ તો જેવી સર્વિસ એવો ચાર્જ. જો તમારે આ પ્રસંગના ફોટા કે વિડીયો કેસેટ જોઈતી હોય તો એ પણ મળશે. એનો થોડો વધારે ચાર્જ થશે.
-આઈડીયા તો ખુબ સરસ છે. સુપર્બ ! આવો આઈડીયા કોને આવ્યો?
-મેડમ, ‘ઓરીજીનલ આઈડીયા કેમ ફ્રોમ ઓરીજીનલ માઈન્ડ.’ હવે બોલો, તમારે કેવી ટાઈપની સેવા જોઈએ છે?
-મારે તો એક સિમ્પલ પણ સરસ રાખડી અને એક પ્રેમસભર પત્ર બળેવ પહેલા મારા ભાઈને મળી જવા જોઈએ.
-મળી જશે, તમે ત્યાં ટેબલ પર જઈને રાખડી પસંદ કરી લો અને વિગત લખાવી દો.
વિગત લખાવીને લીના આ ‘અનોખી સર્વિસ’ ની માહિતી નેહાને આપવા ઓફિસમાંથી નીકળી બસસ્ટોપ તરફ વળી.