Wednesday, 28 June 2017

પુનર્જન્મ.

પુનર્જન્મ.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-અલ્યા મનીયા, બહુ ખા ખા કરીશ તો આવતા જન્મે ભૂંડ નો અવતાર મળશે.
હું મારી ફ્રેન્ડ નીતાના ઘરે મળવા ગઈ હતી ત્યારે એની દીકરી  મીનલે, એક મોટો વાડકો ભરીને દાળ ભાત ખાઈ રહેલા એના નાના ભાઈ મનીષને કહ્યું.
-ભૂંડ એટલે શું દીદી ? ઈંગ્લીશ મીડીયમમાં ભણતા મનીષે પૂછ્યું.
-ભૂંડ એટલે પીગ, ડફોળ. એટલું પણ નથી આવડતું ? પપ્પાને કહીને તને ગુજરાતી મીડીયમમાં દાખલ કરાવી દેવા જેવો જ છે.   મીનલે કહ્યું.
-ઓહ ગોડ ! મારી નાખ્યા. એમ કહેતા મનીષ જમતા જમતા ઊઠી ગયો.
-કેમ મનીષ, જમવાનું અધૂરું છોડીને ઊઠી ગયો ? મેં એને પૂછ્યું.
-આન્ટી, તમે સાંભળ્યું નહીં, આ ટુનટુન (મીનલ) શું બોલી તે ? ના, બાબા ના. મારે આવતા જન્મે ‘ડર્ટી પીગ’ નથી બનવું.
-અરે ! પણ તું તો કહેતો હતો ને કે – ‘પુનર્જન્મ – બુલશીટ !’ તું ક્યારથી પુનર્જન્મમા માનતો થઇ ગયો ? મીનલે એને પૂછ્યું.
-જ્યારથી ન્યુઝપેપર વાળા પુનર્જન્મ પર મોટા મોટા લેખો છાપતા થઇ ગયા ત્યારથી.
-તું ન્યુઝપેપર વાંચે છે ? મેં નવાઈ સાથે એને પૂછ્યું ?
-હા આન્ટી, હું રોજ ઈંગ્લીશ ન્યુઝપેપર વાંચું છું.
-એ તો ઠીક, છાપાવાળા તો કંઈપણ લખે, એ બધું કંઈ  સાચું થોડું જ હોય ?.
-આન્ટી, યુ વોન્ટ બીલીવ, પણ ‘રીઇન્કારનેશન’ એટલે કે ‘પુનર્જન્મ’ના  ટ્વેન્ટી જેટલા  કેસીઝ તો આપણા સાયન્ટીસ્ટ લોકો પ્રૂવ કરી ચૂક્યા છે. સો..પુનર્જન્મ ઈઝ નોટ.. તમે લોકો પેલું શું કહો છો....?
-અંધશ્રધ્ધા ?
-યસ, ઇટ ઈઝ નોટ અંધશ્રદ્ધા  કે ઠગવિદ્યા. ઇટ ઈઝ ફેક્ટ, આઈ મીન ...
-સત્ય એટલે કે હકીકત ?  
-યસ, યસ. એજ..  સત્ય – હકીકત.
વૈજ્ઞાનિકો તો પુનર્જન્મ વિષે હમણા થોડા સમયથી માનતા થયા, પણ આપણા ઋષિ મુનિઓ તો સદીઓ પહેલાં કહી ગયા હતા કે – ‘પુનરપિ જનનમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે શયનમ’, એટલે કે  ‘ફરીથી જન્મવું, ફરીથી મરવું, ફરીથી માતાના ઉદરમાં સુવાનું.’
થોડા વર્ષો પહેલાની વાત છે. મારી ફ્રેન્ડના જેઠનો દીકરો ચેતન મોટરબાઈક લઈને વડોદરાથી અમદાવાદ આવવા નીકળ્યો. રસ્તામાં નડીયાદમાં એની બાઈક એક ટેમ્પો સાથે અથડાઈ, આ બનાવથી આઘાત પામેલા એના આત્માએ એના દેહને છોડી દીધો. ત્રીસ વર્ષનો યુવાન ચેતન ઘડીના છઠ્ઠા ભાગમાં ‘અચેતન’ થઇ ગયો.
આમ તો પુનર્જન્મની વાતો રોમાંચક લાગે, આત્માને નવો દેહ મળે, નવું રહેઠાણ મળે, પણ એક વાત નથી સમજાતી કે – ત્રીસ વર્ષના યુવાન સુંદર દેહને ત્યજીને આત્માએ નવું રહેઠાણ શોધવા શા માટે ભટકવું જોઈએ ? વળી એની યુવાન પત્ની અને નવજાત બાળકની સંભાળ, એનો આત્મા કે જે નવા દેહમાં વસી ગયો છે, તે લેવા આવશે ?  
પુનર્જન્મના કિસ્સા વધતા જશે પછી તો આવું પણ થશે –
-એય મહેશિયા, તારે મને એક લાખ રૂપિયા આપવાના છે.
-લાખ રૂપિયા ? નરેશીયા, તું પાગલ તો નથી થઇ ગયો ને ?
-હજી સુધી તો નથી થયો, પણ તું પૈસા પાછા ન આપે તો થઇ જાઉં પણ ખરો, અને તને ખબર તો હશે જ કે   પાગલ માણસ કંઈ પણ કરી શકે.
-જો નરેશ, હું તને બરાબર ઓળખું છું, તું કોઈને લાખ રૂપિયા તો શું, લાખ પૈસા પણ..અરે ! પૈસાની વાત તો છોડ, લાખ  કાંકરાય પરખાવે એવો નથી. એ તો કહે, તેં મને રૂપિયા આપ્યા ક્યારે ? કોઈ લખાણ છે તારી પાસે ?
-ના, પણ ગયા જનમમાં મેં તને બીઝનેસ કરવા લાખ રૂપિયા આપ્યા હતા, એ મને બરાબર યાદ છે.
-ગયા જનમમાં ? જા રે જા.  -  ‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.’
-સાચું કહું છું, મહેશ. મેં તને રૂપિયા આપ્યા હતા, અને તે પાછા આપ્યા વિના જ તું ગુજરી ગયેલો.
-જો નરેશ, આ વાતને તુ સાચી માનતો હોય, તો આ જન્મમાં પણ હું તને રૂપિયા આપ્યા વિના જ ગુજરી જવાનું પસંદ કરીશ.
-તો તારે મને આવતા જન્મમાં રૂપિયા આપવા પડશે, એમ તું છટકી નહીં શકે, સમજ્યો ?
-એક વાત કહું, નરેશ ? તારે કોઈ  સારા મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે.
આ મહેશ – નરેશ નું પછી શું થયું તે ખબર નથી. પણ વર્ષો પહેલાં (મારા મમ્મી-પપ્પા હતા, અને તેઓ યુવાન હતા ત્યારે),  એવા ‘છાયાશાસ્ત્રી’ ઓ હતા, જેઓ તમારો પડછાયો માપીને તમારા ગયા જન્મથી માંડીને આ જન્મના અંત સુધીનો ઈતિહાસ (ભૂત -વર્તમાન-ભવિષ્ય) બધું કહી આપે. જોયા તો નથી પણ સાંભળ્યું છે કે આજે પણ આવા ‘છાયાશાસ્ત્રી’ઓ અસ્તિત્વ ધરાવે છે.
મારી મમ્મીને આવા એક ‘છાયાશાસ્ત્રી’ એ કહ્યું હતું, ‘ગયા જન્મમાં તમે તમારી બીમાર માતાની સેવા ચાકરી કરવાની છોડીને સાસરે જતા રહ્યા હતા, તેથી આ જન્મમાં તમને માતાનું સુખ ન મળ્યું, પણ પતિનું સુખ ભરપુર મળ્યું.’ મારા મમ્મી-પપ્પાનું દામ્પત્યજીવન મધુર હતું. પણ મારી મમ્મી છ મહિનાની હતી, ત્યારે જ મારા ‘આજીમા’ (મમ્મીના મમ્મી) મૃત્યુ પામ્યા હતા.
મારી મમ્મીને એના ગયા જન્મના ખોટા કર્મનું ફળ આપવા, આ જન્મમાં મારી આજીમાએ યુવાન વયે મરવું પડે, એ વાત ન્યાયની દ્રષ્ટિએ મને યોગ્ય નથી લાગતી. ખેર ! હશે, એ મારા આજીમાના આગલા જન્મના કોઈ ખોટા કર્મનું ફળ હશે એમ માની લઈએ. આ ‘છાયાશાસ્ત્ર’ કે ‘જ્યોતિષશાસ્ત્ર’, બેમાંથી એકેયમાં ઊંડા ઉતરવા જેવું નથી. કેમ કે એ ‘ક્વિક સેન્ડ’  એટલે કે  ‘કળણ’ જેવું છે, જેટલા બહાર નીકળવા મથીએ એટલા ઊંડા ઊતરી જવાય.
સામાન્ય રીતે ફિલ્મોમાં જોખમી સીન હીરોના બદલે એના ડુપ્લીકેટ ભજવતા હોય છે. પરંતુ ‘માર્શલ આર્ટ’ ના કિંગ ગણાતા જેકીચાને એની એક ફિલ્મ ‘આર્મર ઓફ ગોડ’ મા ખુબ ઊંચેથી કૂદવાનો સીન જાતે ભજવ્યો, અને એમ કરતા એમનું માથું પથ્થર સાથે જોરથી અફળાયું. સાત કલાકના જોખમી ઓપરેશન બાદ એ જીવી ગયા અને માનવા લાગ્યા કે ‘આ મારો પુનર્જન્મ છે – મને નવું મળેલું જીવન પરમાત્માની  બક્ષિસ છે.’ એમને ખબર નહોતી કે જુનું મળેલું જીવન પણ પરમાત્માની જ બક્ષિસ હતી. પરંતુ આ ઘટના બાદ તેઓ ખુબ જ પરમાર્થી બની ગયા. પ્રભુ આવા જીવોને પુન: પુન:  પુનર્જન્મ આપતા રહેજો.
વર્જિનિયા યુનીવર્સીટીના વિજ્ઞાની પ્રોફેસર ઇયાન સ્ટીવન્સને તો સંશોધન કરી ‘ટ્વેન્ટી કેસીઝ ઓફ રીઇનકાર્નેશન’ ‘ નામનો લેખ લખ્યો, જેમાં પુનર્જન્મના વીસેક જેટલા કેસો રજૂ કર્યા છે. આમાનો એક કેસ ભારતનો પણ છે. રસૂલપુર ગામના ‘જસબીર જાટ’ નામના છોકરાનો આત્મા કોઈ કારણસર એનો દેહ છોડી ગયો. એ જ સમયે ‘વદેહી’  ગામના ‘શોભારામ’ નામના શખ્સનો આત્મા દેહની શોધમાં ભટકતો હતો તે, જસબીરના દેહમાં પ્રવેશી ગયો.
આમ ડીપોઝીટ કે ગેરન્ટી આપ્યા વિના, ભાડું ઠરાવ્યા વિના, અનધિકૃતપણે પ્રેવેશેલા શોભારામના આત્માને કારણે જસબીરનો દેહ સચેતન થયો. પણ એ માંસાહારી જીવ સંપૂર્ણપણે શાકાહારી થઇ ગયો. સંસ્કૃત ભાષામાં પુનર્જન્મની (ખરેખર તો એના પાછલા જન્મની) વાતો કરવા લાગ્યો, જેમાંની ૯૮% વાતો સાચી હતી.
એ બધું જે હોય તે, પણ આ રીતે જો ભટકતા આત્માઓ પડતર દેહો પર ગેરકાયદેસર કબજો જમાવતા થઇ જશે, તો ભવિષ્યમાં કેવી વિકટ પરિસ્થિતિ સર્જાશે ? કદાચ આત્માઓ વચ્ચે મનપસંદ દેહો મેળવવા તીવ્ર સ્પર્ધા અને પરિણામે ઝપાઝપી પણ થાય. અથવા તો આ કામ માટે એજન્ટ આત્માઓ ઓફીસ ખોલીને દેહના એડવાન્સ બુકિંગની પધ્ધતિ અમલમાં મૂકે એવું પણ બને. મને તો જો કે બેઉ બાજુની ચિંતા થાય છે, કે ‘મારા આ દેહને કેવો આત્મા મળશે, અને મારા આ આત્માને કેવો દેહ મળશે?’
થોડા વર્ષો પૂર્વે એક ન્યૂઝપેપરમાં વાંચ્યુ, -‘રહસ્યમય મૃત્યુ પછીના ૨૫ વર્ષ બાદ બ્રુસ-લી નો પુનર્જન્મ.’ પહેલાં તો મને આ વાંચીને નવાઈ લાગી, પછી આગળ વાંચતા ખબર પડી કે ‘કુંગ-ફૂ’ ના કલાકાર મરહૂમ અભિનેતા ‘બ્રુસ-લી’ ની ૨૫ મી મૃત્યુતિથિ   હોંગકોંગવાસીઓએ ખૂબ માનભેર ઉજવીને એણે યાદરૂપે પુનર્જીવિત કર્યો. ત્યાંના એક હોટેલમાલિકે તો ‘બ્રુસ-લી-કાફે’ નામની નવી રેસ્ટોરાં શરુ કરી, જેમાં વાનગીઓના નામ – ‘કુંગ-ફૂ-કરી’, ‘ફીસ ઓફ ફ્યુરી’, ‘બીગ-બોસ-બર્ગર’, ડ્રેગનસૂપ’ વગેરે રાખ્યા.
પુનર્જીવન ની આ રીત મને બહુ ગમી. કદાચ મારા મૃત્યુના ૨૫ વર્ષ બાદ ભારતનો કોક વીરલો મારા નામ ઉપરથી મને પુનર્જીવન આપવા ‘પલ્લવ-કાફે’ નામની રેસ્ટોરાં શરુ કરે, અને મારા પુસ્તકોના લેખોના નામ પરથી વાનગીઓના  નામ ‘ઉછીનું-ઊંધિયું’, ‘ચોકસાઈ-બિરીયાની’, અવમૂલ્યન-દાળભાત’,  ‘જોરૂકા ગુલામ- બટરરોટી’, ‘એડમીશન-આઈસ્ક્રીમ’, મર્સી-કિલિંગ-ભજીયા’ કે ‘તથાસ્તુ-મુખવાસ’ રાખે તો એ ખરેખર મારો પુનર્જન્મ હશે જ હશે.     
    No comments:

Post a Comment