ઉનકા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની ?
પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
ડોક્ટર: આટલું બધું
શી રીતે વાગ્યું ?
દર્દી: હસવા ગયો
એટલે.
ડોક્ટર: હસવાથી કોઈ
ઘાયલ થાય એવું પહેલીવાર જોયું.
દર્દી: મારી પત્ની
પડી ગઈ, એ જોઇને મને હસવું આવ્યું, અને..
ડોક્ટર: સમજી ગયો,
આવો ડ્રેસિંગ કરી આપું.
છાપામાં આજે આ જોક
વાંચ્યો, અને મને ભૂતકાળના મારા એક ભવ્ય ભૂમિપતન ની યાદ આવી ગઈ. એકવાર મારા ઘરના
વરંડાના પહેલાં પગથીયાથી પલાળેલા કપડાની વજનદાર ડોલ સાથે હું ગબડી પડી, અને અમે
બંને છેક છેલ્લે (છઠ્ઠે) પગથીયે પંહોચી ગયા.
‘આને તો પહેલેથી જ
દાદર ચઢવા-ઉતરવાની આળસ છે’, મોટોભાઈ બોલ્યો. ‘અરે, પણ સાચવીને ચાલવું જોઈએ ને,
ક્યાંક વાગી બેસે તો ?’ મમ્મીએ સચિંત કહ્યું. એ સિવાય આ ઘટનાની નોંધ પાડોશી સુધ્ધા
એ લીધી નહીં, હા, ત્યાં રમતાં બે ચાર છોકરાઓ હસી પડ્યા ખરા.
ઘરના બીજા વડીલ
સભ્ય બોલ્યા, ‘જરા સાચવીને ચાલવાનું રાખ, ક્યાંક હાડકા ભાંગશે તો ઉપાધી થશે.’ હાડકા
ભાંગવાનો મારો સ્વભાવ નથી કે શોખ પણ નથી. પણ અહીં ‘મૃગજળ’ થી ઊંધી પરિસ્થિતિ થઇ, આરસના પગથીએ
પડેલું પાણી મને દેખાયું નહીં, અને હું પડી. પણ જ્યારે ઘરનાને જ સાચું કારણ
જાણવાની પડી ન હોય ત્યારે બહારનાઓને શું દોષ દઈ શકાય?
કોઈ વ્યક્તિને એના
સ્થાનેથી ગબડાવી પાડવામાં આપણને કોઈ કારણની જરૂર નથી પડતી, પણ આપણે આપણા સ્થાનેથી
ગબડી પડીએ તો એના અનેક જાણ્યા-અજાણ્યા, માનીતા-અણમાનીતા કારણો હોઈ શકે છે. એકવાર
એક સાઈટ પર બંધાતા નવા મકાનના હોજમાં, એ
મકાનના કોન્ટ્રાકટર ભાઈ પડી ગયા. એમના હાથમાં મકાનનો નકશો હતો, અને એમનું ધ્યાન
નકશામાં હતું, એટલે એમને પાણી ભરેલો હોજ દેખાયો નહીં અને એમાં ખાબક્યા. સામાન્ય રીતે કોઈ પણ નકશો માણસને માર્ગ સુઝાડે, આ મકાનના
નકશાએ એમને માર્ગ ભુલાવ્યો.
ત્યાં કામ કરતા
મજૂરો દોડી આવ્યા, અને સિમેન્ટની ગુણી ઉંચકતા હોય એમ ટીંગાટોળી કરીને ઊંચકીને એમને
બહાર કાઢીને તડકે સૂકાવા મૂક્યા. દરરોજ આ જ મજૂરોને ગધેડા, સુવ્વર, કે ખચ્ચર કહીને
સંબોધતા એ કોન્ટ્રાકટર ભાઈએ આજે તો એમને ‘થેંક્યું’ કહ્યું. (ગરજે ગધેડાને પણ બાપ કહેવો
પડે.)
‘કશુંક ન દેખાવાને’
કારણે (પગથીએ પાણી અને પાણી ભરેલો હોજ), ઘટેલા પતનના બે કિસ્સા આપણે જોયા એટલે કે
જાણ્યા. પણ અમારા મિત્રનો યુવાન પુત્ર ‘કશુંક દેખાવા’ (રૂપસુંદરી) ના કારણે પડ્યો (એના પ્રેમમાં),
એટલું ઓછું હોય એમ વડીલોના વિરોધ છતાં એની સાથે એ ‘લગ્નબંધન’ માં પણ પડ્યો, હવે એ
કબુલ કરે છે કે એ દુખમાં પડ્યો છે. ખેર ! જેવા જેના નસીબ. પડવું એ માનવ સહજ નબળાઈ
છે, એમાં કોઈ શું કરી શકે?
આપણે ત્યાં એક
કહેવત પ્રચલિત છે, ‘ખાડો ખોદે તે પડે.’ પણ કેટલીકવાર કોઈ નિર્દોષ માણસ પણ એ
ખાડામાં અજાણતા પડી જાય છે. અહીં મને જાણીતા હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટનો એક
કિસ્સો યાદ આવે છે. જ્યારથી એમને ડાયાબીટીશ થયો છે, ત્યારથી ડોક્ટરની સલાહથી એમણે
રોજ અમદાવાદના એમના વિસ્તાર મણીનગરમાં આવેલા
કાંકરિયા તળાવના ચક્કર લગાવવાના શરુ કર્યા છે.
એક દિવસ અચાનક એ
રસ્તામાં પડેલ ખાડામાં પડ્યા. ‘કાલે જ્યાં હતો રસ્તો સરળ, એ આજે આવો ઉબડ ખાબડ
ક્યાંથી થઇ ગયો ?’ એવો કવિ ટાઈપનો સવાલ અમદાવાદ નગરપાલિકાને પૂછવા કરતા અમે
વિનોદભાઈને જ પૂછ્યું, ‘વિનોદભાઈ, આમ અચાનક ધરતીપ્રણામનું રહસ્ય શું ?’
વિનોદભાઈ હસીને
બોલ્યા, ‘થયું એવું કે હું રોજની ટેવ મુજબ વહેલી સવારે કાંકરિયાના કિનારે કિનારે
ચાલવા નીકળ્યો, (તે વખતે કાંકરિયા તળાવ અવિકસિત હાલતમાં હતું), ત્યારે મારી નજર
કાંકરિયાની પાળે આપઘાત કરવા જનાર યુવાન પર પડી. ‘આપઘાત કરવો એ એક ગુનો છે’ એવું એને
સમજાવવા હું મારી રોજીંદી ઝડપ કરતા વધારે ઝડપથી ચાલવા ગયો, મારું ધ્યાન એ યુવાનમાં
હતું એટલે મને ખાડો દેખાયો નહીં, અને હું પડ્યો.’
-પછી શું થયું ?’
ના મારા સવાલના જવાબમાં એ બોલ્યા,
-‘પછી હું જેને
બચાવવા માંગતો હતો, એ યુવાને આવીને મને બચાવ્યો, એટલું જ નહીં, એણે મને કહ્યું, - ‘આપઘાત
કરવો હોય તો આ ખાડો કામ નહીં લાગે, આ તળાવ બાજુ આવો.‘
-ઓહ ગોડ ! પછી ?
-‘પણ તારે આપઘાત
કરવો છે શું કામ ?’ એમ મેં એને પૂછ્યું તો એણે કહ્યું –‘આજે મેં એક હાસ્યલેખ
વાંચ્યો.’
આટલું સાંભળ્યા પછી
મેં વિનોદભાઈને આગળ કંઈ પણ (એ હાસ્યાલેખના
લેખક કોણ હતા ?) પૂછવાનું માંડી વાળ્યું, લેખક કોઈ પણ હોય શું ફરક પડે ?
પતનની વાત નીકળી
છે, ત્યારે મને એક બહુ જૂનો કિસ્સો યાદ આવે છે. ૨૦ મી જુલાઈ, ૧૯૯૨ ની વાત છે. આપણા
સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે એમની
શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ હતો. સમારંભના અંતે
આપણા તે વખતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા ઉભા થવા જતા પોતાની શારીરિક સમતુલા જાળવી
શક્યા નહીં, અને પોતાના સ્થાનેથી ગબડી
પડ્યા.
આ દેશની પરિસ્થિતિ
જોતાં તો મને એમ જ લાગે છે, કે કોઈ પણ સાચો શાસક શારીરિક તો ઠીક પોતાની માનસિક
સમતુલા પણ સાચવી શકે નહીં. એમને સત્તાસ્થાનેથી ગબડાવી નાખવા ઉત્સુક લોકો તૈયાર જ
બેઠા હોય છે. અહીં મને એક બીજી રસપ્રદ વાત યાદ આવે છે.
ભારત દેશમાંથી
ચીનમાં ‘કરચલા’ ની નિકાસ થાય છે. આ કરચલાના બોક્સ ઢાકણ વગરના ખુલ્લા જ હોય છે. આ
જોઇને એક વિદેશીએ કુતુહલપૂર્વક પૂછ્યું, ‘આ જીવતાં કરચલા આ ખુલ્લા બોક્સમાથી બહાર
ન નીકળી જાય ?’ પેકિંગ કલાર્કે કહ્યું, ‘ના સાહેબ, જેવો કોઈ કરચલો બોક્સની સાઈડ પર
ચઢી બહાર નીકળવાની કોશિશ કરે કે તરત જ બાકીના કરચલાઓ એના પગ ખેંચી પાડી નાખે.’ રાજકારણની
વાત જવા દો, આપણા સમાજમાં પણ આવી જ સ્થિતિ નથી ?
પણ વાત થતી હતી
આપણા રાષ્ટ્રપતિના શારીરિક પતનની. તેઓ નસીબદાર હતા કે એમને કોઈએ ‘બરાબર સાચવીને
ઊભા નહીં થાઓ તો પડી જ જવાય ને ?’ અથવા ‘પડશો તો હાડકાં ભાંગશો અને ઉપાધી કરશો’ એવું
કોઈએ કહ્યું નહીં. ઉપરથી પ્રધાનો ઉપરાંત એમના પત્ની વિમળાજીએ એમને ઉભા થવામાં મદદ
કરી.
અમને અફસોસ હોય તો
ફક્ત એક જ વાતનો કે – આ ઘટનાની નોંધ એકેએક છાપાવાળાએ લીધી, એમની ગબડી પડ્યાની
તસવીર સુધ્ધા પહેલે પાને પ્રસિદ્ધ કરી, અને અમે પડ્યા ત્યારે ? કોઈએ એક લીટી સરખી
પણ – બહારના પાને નહીં તો અંદરના પાને પણ – પ્રસિદ્ધ કરી ? કોઈએ ટપકા સરખી પણ નોંધ
લીધી ? અમને ઉઠાડવા કોઈએ હાથ સરખોય લંબાવ્યો ? કોઈએ ‘કેમ છે, બહુ દુખતું તો નથીને
?’ એવી પૃચ્છા સુધ્ધાં કરી ? મૈ પૂછતી હું – ક્યા
‘ઉનકા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?’
No comments:
Post a Comment