Wednesday 21 June 2017

પ્રાર્થના: હમ કો ધનકી શક્તિ દેના.

પ્રાર્થના: હમ કો ધનકી શક્તિ દેના.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક ધર્મગુરુએ એક બાળકને પૂછ્યું:
-શું તું દરરોજ રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરે છે ?
-હા.  બાળકે જવાબ આપ્યો.
-અને રોજ સવારે ?
-ના.
-કેમ, સવારે પ્રાર્થના કેમ નથી કરતો ?
-સવારે પ્રાર્થના કરવાની શી જરૂર છે ? રાત્રે તો અંધારામાં ડર લાગે છે એટલે પ્રાર્થના કરું છું.
દુઃખમેં સુમિરન સબ કરે સુખમે કરે ન કોઈ, જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહેકા હોય? ‘
મતલબ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ, સુખમાં યાદ કરતા નથી. આમ પણ સુખમાં કરવા જેવા કેટકેટલા કામો હોય છે, એટલે પ્રાર્થનાનો  ટાઈમ જ ક્યાં રહે છે ? ટીવી પર ક્રિકેટમેચ જોવાની હોય, બાળકો અને પત્નીને થીએટરમા  ફિલ્મ જોવા લઇ જવાના હોય, કિટી પાર્ટીમાં કૂથલી કરવા (સોરી ચર્ચા કરવા) જવાનું હોય, ક્લબમાં લંચ અથવા ડીનર  લેવા જવાનું હોય, સોનીને ત્યાં ઘરેણા (સુખમાં સોની દુઃખમાં રામ ?) લેવા જવાનું હોય, દરજીને ત્યાં કપડા સીવડાવવા જવાનું હોય....અને આ દરજીઓ...? મૂવા ધક્કા પણ કેટલા ખવડાવે છે ?
-ગ્રાહક: ભગવાને આ આખી દુનિયા છ દિવસમાં બનાવી અને તને એક કોટ બનાવતા વીસ દિવસ લાગ્યા ?
-દરજી: ઉતાવળે કરેલું કોઈ કામ સારું નથી થતું, તમે દુનિયાની દશા જોઈ રહ્યા છો ને ?
આ બધી જફાઓમાં આપણને મરવાની ફુરસદ નથી હોતી, તો પ્રાર્થના કરવાનો સમય તો રહે જ ક્યાંથી? મને આપણી હિન્દી ફિલ્મોમાં આવતી પ્રાર્થના ખુબ ગમે છે. ફિલ્મના  હીરોને જીવન મરણમાં ઝોલા ખાતી (લોહીલુહાણ)  હાલતમાં સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે. ડોક્ટર કહે છે: ‘ઇનકી બચનેકી ઉમ્મીદ બહુત કમ હૈ.’ અને ઓપરેશન થીએટરનો દરવાજો બંધ થાય છે.
હીરોની મા અથવા એની હિરોઈન મંદિરમાં દોડી જાય અને મોટા અવાજે પ્રાર્થના લલકારવા માંડે. એક બાજુ પ્રાર્થના પૂરી થાય અને બીજી બાજુ ઓપરેશન પૂરું થાય. શોલે ફિલ્મના ગબ્બરસિંગ ના ડાયલોગ - ‘જબ તક બસંતીકે પાંવ ચલેંગે મેરી બંદુક રુકેગી, જબ બસંતીકે પાંવ રુકેંગે મેરી બંદુક ચલેગી’ એના જેવું કંઈક આપણને લાગે. પછી  ડોક્ટર બહાર આવીને કહે: અબ ખતરા ટલ ગયા હૈ, આપ લોગ પેશન્ટસે મિલ શકતે હૈ.’
અહીં તમે પ્રાર્થનાની શક્તિ તો જુઓ, જે હીરોની બચવાની ઉમ્મીદ ઓછી હતી, તે તરત જ  આઈસીયુ રૂમની પથારીમાંથી ઊભો થઈને, દુશ્મના અડ્ડામાં હથિયાર વગર જઈને બંદુક અને હથિયારધારી  તમામ દુશ્મનોને ખતમ કરી નાખે છે. નિર્માતા – નિર્દેશક શું એમ માને છે કે આપણે સાવ અક્કલ વગરના – ઉલ્લુ છીએ ? (છીએ તો ખરા જ ને, ત્યારે જ તો આવી ફિલ્મ જોવા જઈએ છીએ ને ?)  
હમણા થોડા દિવસ પર ટીવી ની એક હિન્દી  સીરીયલની હિરોઈન પોતાને દુઃખોમાંથી છોડાવવા માતાના ફોટાની સામે આંખો મીંચીને પ્રાર્થના કરતી હતી, ‘મદદ કરો સંતોષી માતા, મદદ કરો સંતોષી માતા...’ મેં ધ્યાનથી જોયું તો એ સંતોષી માતાનો નહીં પણ જગદંબા માતાનો ફોટો હતો.
હવે તમે જ કહો એને મદદ કરવા કોણ આવે, અંબામાં કે જેમના ફોટાની સામે બેસીને એ પ્રાર્થના કરી રહી છે એ, કે સંતોષીમાતા કે જેને એ પોકારી રહી છે તે ? બંનેને એમ થાય  કે ‘જેને બોલાવે છે એ  મદદ કરશે જ ને ?’ અથવા તો બંનેને એમ થાય કે ‘આને શું મદદ કરવી, આ તો અમને ઓળખાતી સુધ્ધાં નથી.’
તમે કાન્તીભાઈ પાસે પૈસા લેવા જાઓને કહો કે - મગનભાઈ, મને  પાંચસો રૂપિયા આપોને, પ્લીઝ. બે દિવસમાં પાછા આપી દઈશ. તો કાન્તીભાઈ તમને મદદ કરે ખરા ? ન કરે અને કહે –‘ સોરી છગનભાઈ, મારું નામ મગનભાઈ નથી કાન્તીભાઈ છે, તમે મને અત્યારથી જ ઓળખાતા નથી તો પૈસા લીધા પછી તો ઓળખશો જ ક્યાંથી ? અને ઓળખ્યા વગર પૈસા કોને  પાછા આપશો ?’
એટલે પ્રાર્થના કરવી પણ સહેલી નથી, ઘણું ધ્યાન રાખવું પડે છે. જો કે સંગીત શીખવા કરતા પ્રાર્થના કરવી સહેલી ખરી. સંગીતમાં તો સાત સૂર – સા, રે, ગ, મ, પ, ધ, ની, સા.. શીખવા પડે જ્યારે પ્રાર્થનામાં તો બે  જ સૂર – એક ફરિયાદી સૂર- ’હે ભગવાન !આ દુનિયામાં કરોડો માણસ છે, તેમાંથી એક હું જ મળ્યો તે મારા માથે  દુખના ઝાડ ઉગાડ્યાં ? તને કોણે દીનદયાળ કહ્યો ? તું તો સાવ નિર્દયી છે.’
અને બીજો સૂર યાચક એટલે કે ભિક્ષુક સુર –
-‘હે પ્રભુ ! મારી દસ લાખની લોટરી લગાડી દે, હું તને સવાશેર પેંડા ચઢાવીશ.’
-હે ભગવાન ! શેફાલી સાથે મામલો ફીટ કરી દે, સજોડે અંબાજી આવીને દર્શન કરીશ.
-હે ભગવાન ! પંદર લાખની ઉઘરાણી બાકી છે, એ આવી જાય તો પાંચ બ્રાહ્મણ જમાડીશ.
એક પ્રેગનન્ટ  લેડી એના પહેલા બાળકને માનસિક રીતે તૈયાર કરી રહી હતી:
-જો બન્ટી બેટા, ભગવાન થોડા સમયમા તારે માટે એક નાનો ભાઈ મોકલશે.
-મારે ભાઈ નથી જોઈતો.  પટ્ટ કરતો બન્ટીએ જવાબ આપ્યો.
-કેમ, તારે ભાઈ કેમ નથી જોઈતો ?
-બસ એમ જ, ભગવાનને કહેજે કે મોકલવો જ હોય તો મારા માટે તબડક તબડક કરતો ઘોડો મોકલે.
આમ ભગવાન પાસે કોઈ ઘોડો માંગે તો કોઈ હાથી માંગે, કોઈ ‘દુશ્મનના દાંત ખાટા કરી નાખજે’ એવું માંગે તો કોઈ ‘હરીફને હંફાવજે’ એવું માંગે. એક વખત એક ભાઈની અતિ ભક્તિથી  પ્રસન્ન થઈને  પ્રભુ બોલ્યા, ‘માંગ માંગ માંગે તે આપું, પણ એક વાત યાદ રાખજે તને મળશે એ કરતાં તારા પાડોશીને બમણું મળશે, કેમ કે એણે તારા કરતાં વધુ ભક્તિ કરી છે.’
આ સાંભળીને ઘણું વિચારીને એ ભાઈએ માંગ્યું, ‘પ્રભુ ! મારી એક આંખ જતી રહે એવું કરો.’ આવી છે આપણી પ્રાર્થના અને આપણી માંગણી. શતાવધાની સાસુમાઓ પ્રભુના નામની માળા ફેરવતા ફેરવતા ચારેકોર બધું જ ધ્યાન રાખતી હોય છે, ‘કૃષ્ણ કૃષ્ણ મારા વાલા –દયા રાખજે, એ મીતાવહુ, દૂધ દોઢ લિટર લેજે. હરિઓમ હરિઓમ  – મીતાવહુ,  દાળ બે વાડકી ઓરજે,  શાંતિ શાંતિ.’
એકવાર ભગવાન વિષ્ણુ કાનમાં રૂ ના પૂમડા ખોસીને બેઠા હતા. એક દિવસ ગયો, બે દિવસ ગયા, અઠવાડિયું ગયું. પછી લક્ષ્મીજીથી ન રહેવાયું એટલે પૂછ્યું, પ્રભુ, તમે કાનમાં રૂ ના પૂમડા કેમ ખોસી રાખ્યા છે, મારી વાત તમને સાંભળવાની નથી ગમતી ?’ ભગવાન બોલ્યા, ‘દેવી, એવું નથી. વાત જાણે એમ છે કે - આ પૃથ્વીવાસીઓની પ્રાર્થના સાંભળી સાંભળીને હું બોર થઇ ગયો છું. મને લાગે છે આમ ને આમ લાંબુ ચાલ્યું તો હું પાગલ થઇ જઈશ. તેથી કાનમાં પૂમડા ખોસી રાખ્યા છે, દેખાવું ય નહીં ને દાઝવું ય નહીં, એટલે કે - સાંભળવું ય નહીં અને પાગલ થવું ય નહીં.’
અને છેલ્લે એક આધુનિક પ્રાર્થના સાથે ધ એન્ડ:

‘હમ કો ધન કી શક્તિ દેના ધન સંચય કરે, દૂસરોકી જય સે પહેલે ખુદકી જય કરે.’   

1 comment:

  1. બહુ સાચી માગણી. આજ સુધી કેમ ના સૂઝ્યું?

    ReplyDelete