Wednesday, 5 July 2017

માનો તો આજે આટલી બસ છે.

માનો તો આજે આટલી બસ છે.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-ભાભી, તમારે એક ફ્લેટની ઇન્ટીરીયર ડીઝાઈન કરી આપવાની છે.
એક દિવસ મારા પતિદેવના ખાસ મિત્ર પનુભાઈએ અમારા ઘરે આવી હક્કપૂર્વક મને કહ્યું.
હક્કપૂર્વક કંઈ કહી શકાય એવા સંબંધો હવે ઓછા થતા જાય છે. છોકરાઓ નાના હોય ત્યારે તેઓ  મા-બાપ પાસે  હક્કપૂર્વક  ચીજો માંગતા હોય છે, અને મા-બાપ પણ છોકરાઓને  અધિકાર પૂર્વક સૂચનાઓ આપતા હોય છે, એટલે એ સંબંધ આત્મીય  હોય છે. એવો જ બીજો મીઠો હક્કપૂર્વક નો સંબંધ મિત્રતાનો હોય છે. 
-પનુભાઈ, જો હું ભુલતી ન હોઉં તો તમારા ફ્લેટના ફર્નીચરની ડીઝાઇન તો મેં ગયા વર્ષે જ બનાવી આપી હતી, ખરું ને ?
-એકદમ ખરું. અને તમે બનાવી આપેલી ડીઝાઈન મને અને પન્ના (એમના પત્ની) ને – બેઉને ગમી હતી. અમે એ મુજબ જ ફર્નીચર પણ કરાવ્યું હતું.
-તો હવે તમારે એ બદલાવીને નવું ફર્નીચર કરાવવું છે, માત્ર એક વર્ષમાં ? મેં નવાઈથી પૂછ્યું.
-અરે ના ભાભી. તમે બનાવી આપેલી ડીઝાઈન મારા સાળા એટલે કે પન્નાના મોટાભાઈને બહુ ગમી છે, એટલે પન્નાએ કહ્યું કે મોટાભાઈની ડીઝાઈન પણ તમારી પાસે જ તૈયાર કરાવીએ.   
-મોટાભાઈની ડીઝાઈન ?
-એટલે કે મારા મોટા સાળાના ફ્લેટના ફર્નિચરની ડીઝાઈન, ભાભી.
-એમ કહોને ત્યારે. પણ તમારા સાળા તો અહીં અમદાવાદમાં નથી રહેતા, મુંબઈ રહે છે ને ?
-હા, પણ હવે તેઓ અહીં સેટ થવા માંગે છે.
-કેમ, એ ત્યાં અપસેટ છે ?
-અરે હોય ! એ તો ત્યાં ‘વેલ સેટ’ છે, બહુ મોટી પાર્ટી ગણાય છે. ઘર, ઓફીસ, ગાડી, પ્રતિષ્ઠા...બહુ મોટા માણસ છે એ.
-તો પછી એ બધું છોડીને અહીં અમદાવાદમાં કેમ આવે છે ?
-મેં કહ્યું એટલે.
-તમે કહ્યું એટલે ? એવું તમે શું કહ્યું એમને ?
-મેં કહ્યું, ‘જતીનભાઈ, મુંબઈમાં બધાને બહુ લાભ આપ્યો, હવે  અહીં અમદાવાદ આવો તો પાર્ટનરશીપમાં ધધો જમાવીએ, થોડો ઘણો લાભ અમને પણ આપો.’
-અચ્છા, અને એ માની ગયા ?
-હા, બહુ વિનંતીઓ કરી ત્યારે સદનસીબે તેઓ માની ગયા.
-કોના સદનસીબે ?
-મારા જ સ્તો વળી.
-હં... ઓકે, એમણે અહીં ફ્લેટ લઇ લીધો ?
-હા, પહેલાં તો એ બંગલો જ  લેવાનું કહેતા હતા.
-અચ્છા, તો પછી ફ્લેટ કેમ લીધો ?
-એ એમની ‘દૂરંદેશી’ ગણો ને. હમણા ટેમ્પરરી ફ્લેટ લઇ લીધો, પછી અહીં ફાવી જાય તો બંગલો લેશે.
-ફ્લેટ કયા એરીયામાં લીધો ?
-આપણા જ એરિયામાં – એટલે કે સેટેલાઈટ એરીયામાં જ છે. મારા ઘરથી તો એટલો નજીક છે કે .. આમ હાથ લાંબો કરીએ તો અડી જાય. (એમણે હાથ લાંબો કરીને કહ્યું.)
-પનુભાઈ, તમારો હાથ લાંબો કરતા પહેલાં સંભાળજો, બને તો હાથ લાંબો કરતા જ નહીં.
-હેં.. હેં.. હેં.. ભાભી, તમે પણ ઠીક મશ્કરી કરો છો મારી.
-હું મશ્કરી કરતી જ નથી, પનુભાઈ. તમને સાવધાન કરી રહી છું.
-ભલે તો તમે ફ્લેટની ડીઝાઈન કરી આપશો ને ?
-મને ફ્લેટની ડીઝાઈન કરી આપવાનો કશો વાંધો નથી, પણ તમે માનતા હો તો મારી તમને એક સલાહ છે.
-અરે ! એક શું એકવીસ કહો ને.
-ના, એકવીસ નહીં, એક જ સલાહ છે. તમે  કોઈ પણ જગ્યાએ તમારા પૈસા ઇન્વેસ્ટ કરો તો બહુ સમજી વિચારીને કરજો. અને બને તો તમારા સાળાનું ઘર તમારા ઘરથી દૂર જ રાખજો. એક વાત યાદ રાખજો -‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’
-આ તે કેવી વાત ભાભી ? મારા સાળા બહુ કાબેલ માણસ છે. મોટા મોટા માથાઓ સાથે એમની ઉઠબેસ છે, અને મહારથીઓ સાથે ઓળખાણ છે. મારી સાથે પાર્ટનરશીપ માં ધંધો કરવામાં એમને શું સ્વાર્થ ? ઉલટાનો મારો જ ફાયદો છે.
-પણ  પન્નાબેન તો એવું નથી માનતા. એ તો તમારા આ સાહસની વિરુદ્ધમાં છે.
-બૈરાઓને ધંધાની વાતમાં શું સમજ પડે? તમે ફ્લેટની ડીઝાઈન કરી આપશો કે નહીં ?
-તમે તો અમારા ‘એ’ ના ખાસ મિત્ર, તમને થોડી જ ના પડાય ? જો કે તમારા સાળા ઊચી પાર્ટી હોય તો એમણે ફ્લેટનું ઇન્ટીરીયર કોઈ સારા પ્રોફેશનલ ડીઝાઈનર પાસે કરાવવું જોઈએ એમ મને લાગે છે.
-મેં પન્નાને એ જ કહ્યું, તો એ કહે, ‘ખોટા ખર્ચા શું કામ કરવા જોઈએ ?’ કોઈએ સાચું જ કહ્યું છે કે - ‘બૈરાની બુદ્ધિ પગની પાનીએ’  એને  શું ખબર પડે કે કેટલાક ખર્ચા ‘ડબલ ફાયદો’ બનીને પાછા આવે. પણ હવે હું એનું કહ્યું કરવાનો નથી, હું કંઈ ‘હેનપેક્ડ હસબંડ’ (જોરૂકા ગુલામ પતિ)  નથી. તમે જોજો, ભાભી.  હું કોઈ સારા પ્રોફેશનલ પાસે જ ઇન્ટીરીયર કરાવીશ. અને પનુભાઈ પગ પછાડતા ચાલી  ગયા.
થોડા સમય બાદ મારા પતિદેવે મને સમાચાર આપ્યા કે પનુભાઈએ એમના સાળાનો ફ્લેટ લેવા મોટી લોન લીધી હતી, પ્રખ્યાત ઇન્ટીરીયર ડીઝાઈનર પાસે ફર્નીચર કરાવ્યું હતું, અને ધામધૂમથી વાસ્તુપૂજા કરાવી હતી, એમાં મોટા મોટા માણસોને બોલાવ્યા હતા.એક તો  અમે મોટા માણસ ન હોવાથી, અને બીજું ફ્લેટના ઇન્ટીરીયરની ડીઝાઈન પણ મેં નહોતી બનાવી તેથી, કે પછી ત્રીજું જે કોઈ કારણ હોય તે, પણ  અમને વાસ્તામાં નહોતા બોલાવ્યા. આને ‘વ્યવહારુ માણસ’ કહેવાતું હશે ?  થોડા સમય પછી એવા પણ ખબર મળ્યા કે પનુભાઈએ એમના સાળાને એક કાર અપાવી છે.
ત્યાર પછી ઘણા સમય સુધી અમને પનુભાઈના  કંઈ સમાચાર ન મળ્યા. અમને થયું, પનુભાઈ સાળાના સત્સંગથી ‘લાખોપતિ’  કે ‘કરોડપતિ’ થઇ ગયા હશે. એમને બિઝનેસમાંથી અમારી સાથે વાત કરવાની કે અમને મળવાની ફુરસદ નહીં મળતી હશે. એવામાં એક દિવસ અચાનક પનુભાઈ અમારા ઘરે આવી પહોંચ્યા. એમની ચાલ વરસાદની મોસમના હવાયેલા પાપડ જેવી  ઢીલી હતી, એમનું મોં વર્લ્ડકપમાં  હારેલી ભારતીય ટીમ જેવું ઉદાસ હતું, રીઝલ્ટના  દિવસે વિધાર્થીની હોય એવી એમની આંખો ચિંતાતુર હતી.
-શું થયું યાર, તારો ચહેરો કેમ આમ છાપામાં છપાયેલા ‘ખોવાયેલ છે’ જેવો થઇ ગયો છે ? પતિદેવે પૂછ્યું.
-યાર, બહુ મુશ્કેલીમાં છું. થોડા પૈસા જોઈએ છે. એમણે ખંચકાતા કહ્યું.
-તને પૈસા જોઈએ છે ? મશ્કરી ન કર. કહે, સાળાની સાથે મળીને કેટલી પેટી (રૂપિયા) બનાવી ?
-કેટલી પેટી ગુમાવી એમ પૂછ, મારો સાળો મને મૂરખ બનાવી ગયો. તને કહેતાંય શરમ આવે છે.
-તો શરમાઈને કહે. બોલ, કેટલા રૂપિયા જોઈએ છે, બસો, પાંચસો, હજાર, બારસો, પંદરસો...આ પહેલાં પણ તને ક્યારેય ના પાડી છે ? દોસ્તીમાં એવું તો ચાલ્યા કરે.
-પહેલાની વાત જુદી હતી અને અત્યારની વાત જુદી છે.
-એટલે ?
-એટલે એમ કે મારે દસ લાખ રૂપિયા ભેગા કરવાના છે. સાળાના ફ્લેટ લોન લઈને લીધો છે, એ સિવાય ફર્નીચર  અને  કાર – બધું થઈને મેં લગભગ દસેક લાખ રૂપિયા રોક્યા છે. હવે સાળો ફરી જાય છે. મુંબઈમાં બધાને નવડાવીને આવ્યો છે, અને અહીં મને નવડાવવા બેઠો છે. કહે છે, ‘વ્યાજ તો શું પણ મુદ્દલ પણ નહીં મળે, જા તારાથી થાય તે કરી લે.’
-ભારે થઇ  આ તો, પછી તેં શું કર્યું ?
-ગુસ્સો તો એવો આવ્યો કે ગુંડાઓ રોકીને સાલાને ટીપી નાખું. પણ પન્નાડી રડવા લાગી, કહે –‘મારા ભાઈને તમે ઓળખાતા નથી, એની પાસે તમારા કરતા સવાયા ગુંડાઓ હશે, તમને કંઈ થઇ ગયું તો પછી મારું કોણ ?’
-પન્નાબેનની વાત સોળ આના સાચી છે, પનુભાઈ. તમારે બળથી નહીં કળથી કામ લેવાની જરૂર છે. મેં કહ્યું.
-મારા માથે દેવાનો ડુંગર ખડકાયો છે, ભાભી. તમે જ કોઈ રસ્તો સુઝાડો પ્લીઝ.
-‘બૈરાની બુદ્ધિ તો પગની પાનીએ’ એમને વળી ધંધામાં શું સમઝ પડે ? એમને રસ્તો પુછાય ?
-ટોન્ટ ન મારો ભાભી, કોઈ ઉપાય બતાવો, પ્લીઝ.
-લોન લઈને ફ્લેટ  લીધો છે, એટલે ફ્લેટ તો તમારા નામે જ હશે, તમે  કોઈ સારા વકીલ દ્વારા તમારા સાળાને ફ્લેટ ખાલી કરવાની નોટીસ મોકલો.  મને સુઝ્યું એવું મેં એમને કહ્યું.
-અને એ ખાલી ન કરે તો ?
-તો કોઈ માથાભારે માણસને એ ફ્લેટ ‘ભાડૂત સહિત’ એટલે કે તારા સાળા સહિત વેચી નાખ. માર્કેટ કરતા ઓછો ભાવ મળશે, પણ પૈસા આવશે તો ખરા. એમાંથી તું બાકીનું દેવું ચૂકતે કર. જો કે મુશ્કેલી એ છે કે લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી તારાથી ફ્લેટ વેચી પણ નહીં શકાય. પતિદેવે વાતની પૂર્તિ કરી.
-બહુ બૂરી રીતે ફસાયો છું, યાર.  ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.’ -  ભાભી તમારી આ વાત સો ટકા સાચી પડી. હવે તો તમારી એક નહીં એકવીસ સલાહ માનીશ, ભાભી. જુઓ મેં મારા કાન પકડ્યા. હવે આમાંથી નીકળવાનો ઉપાય હોય તો બતાવો.
-અમારા ઓળખીતા એક વકીલ છે, એમને મળીને સલાહ લઈએ, ત્યાં સુધી ધીરજ રાખો, એકવીસ તો નહીં પણ ... માનો તો આજે આટલી બસ છે, મેં કહ્યું.
  

No comments:

Post a Comment