Friday, 3 March 2017

છે મજા તો એ જ.

છે મજા તો એ જ.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક ક્લાસમાં ટીચરે વિદ્યાર્થીઓને વાર્તા લખવા કહ્યું, અને સાથે સાથે સૂચન કર્યું કે- વાર્તા ‘ટૂંકી અને રસમય’ હોવી જોઈએ. એક બાળકની વાર્તા સાવ ટૂંકી હતી, તે જોઇને ટીચરે એને વાર્તા ક્લાસમાં વાંચી સંભળાવવા કહ્યું.  વિધાર્થીએ વાર્તા વાંચી, જે નીચે મુજબ હતી :
‘એક પતિ અને એક પત્ની એકવાર એકબીજાની સામે વિરુદ્ધ દિશામાં મોં રાખી ઉભા રહ્યા. પછી એ જ દિશામાં થોડુંક ચાલ્યા, થોડુક  વધુ ચાલ્યા, ચાલતા જ ગયા અને અંતે તેઓ  સુખી થયા.’ 
પતિ પત્નીના ઝઘડાની વાતો સર્વ સામાન્ય છે, બાળક પણ એ વિષે અજાણ નથી. બંને સંપીને રહેતા હોય તો સગાઓને કે પાડોશીઓને શંકા જાગે છે કે – ‘આ બંને પતિ પત્ની તો છે ને?’ લગ્નજીવનની શરૂઆતમાં પતિ બોલે છે અને પત્ની સાંભળે છે. થોડા વર્ષ બાદ પત્ની બોલે છે અને પતિ સાંભળે છે. થોડા વધારે વર્ષો બાદ બંને બોલે છે અને બાળકો કે પડોશીઓ સાંભળે છે.  
પતિ પત્નીના ઝઘડાની વાત આવી તો મને એક બહુ જ જૂની પંક્તિ યાદ આવે છે:
લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો,
ફૂલ  કેરે  દડુલિયે  સીતાએ  વેર વાળ્યા જો.
આ પંક્તિઓ સૂચવે છે કે પતિ પત્નીના ઝઘડા આદિકાળથી ચાલી આવ્યા છે. ભગવાન રામ  અને માતા સીતા પણ એમાંથી બાકાત નથી.  રામ દિવ્ય પુરુષ હતા એટલે એમણે પત્ની સીતાને મારવા લવિંગની લાકડી (હળવું શસ્ત્ર) પસંદ કરી. આપણે રહ્યા સામાન્યજન, તેથી જે હાથમાં આવે તે (નેતર હોય કે આંબો) લાકડીથી પત્નીને ફટકારીએ.
સામાન્ય જનની પત્ની હોય તો કદાચ માર ખાઈને, રડીને, કકળીને બેસી રહે, પણ સીતા તો સતી હતા. તેથી એમણે રામ પર ફૂલના દડાનો વળતો પ્રહાર કરી વેર વાળ્યું. આખરે ‘અબળા ક્યા સુધી અબળા રહે?’ એ વાત સીતાજીએ આપણને શીખવાડી.
સીતાજી જો આજે જીવતાં હોત તો આજની આધુનિક  નારીઓ એમને પોતાના રોલમોડેલ કે ગ્રુપલીડર બનાવતે.  જો કે રામ સીતાને મારી શક્યા તેનું કારણ એક જ છે કે તેઓ સીતાના કાયદેસરના પતિ હતા. બાકી બિચારા રાવણે તો ફક્ત સીતાનો હાથ જ પકડ્યો અને એની સોનાની લંકા બળીને રાખ થઇ ગઈ.
થોડા વર્ષો પૂર્વે છાપામાં પતિ પત્નીના ઝઘડાનો એક અજબ કિસ્સો છપાયો હતો. ગુજરાત રાજયના ભરૂચ જિલ્લામાં એક પતિએ પોતાની પત્નીને ખેતરમાં તુવેરો કાપવા મોકલી. પત્ની ખેતરમાં જવાને બદલે કડીયાકામે ગઈ.
એને કદાચ વિસર્જનાત્મક (કાપવાનું) કામ કરવા કરતા સર્જનાત્મક ((ચણવાનું) કામ વધારે ગમતું હશે. પણ એના પતિને આ ન ગમ્યું અને એણે પત્નીનું નાક કરડી ખાધું. કદાચ ખાવા માટે તુવેરો ન મળવાથી ઉશ્કેરાઈને એણે આવું પગલું ભર્યું હોઈ શકે. પછી એ લોકોનું શું થયું તે ખબર જાણવા મળ્યા નથી, પણ ન્યુઝપેપરની મદદથી આપણને આવા અનેક રસમય બનાવ જાણવા મળે છે.
વર્ષો પહેલાં પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના લગ્નજીવનના ભંગાણના સમાચાર પણ આપણને ન્યુઝ્પેપરવાળા એ જ આપ્યા હતા ને. એ બંનેના છુટા પડવાથી,  ‘ચાલો, હવે આપણો ચાન્સ કદાચ લાગી જશે.’ એવા વિચારોથી ભારતના કેટલાય આશાસ્પદ કુંવારા યુવાનો ગેલમાં આવી ગયા હતા.  
ચર્લ્સથી છુટા પડ્યા બાદ ડાયેનાએ કરકસર કરવા માંડી હતી. દસ હજાર ડોલરના ડ્રેસને બદલે નવ હજાર ડોલરના  ડ્રેસ એણે ખરીદવા માંડ્યા હતા. એટલું ઓછું હોય તેમ એ જુના ડ્રેસને કપાવીને –ટૂંકા કરીને – નવી ફેશનના બનાવીને પહેરવા માંડી હતી.
આ સાંભળીને અમારી સોસાયટીના યુવાનોને આશા જાગેલી કે ‘હવે તો ચોક્કસ એ આપણા ઘરમાં ગોઠવાઈ જશે.’ એ લોકો તો જો ડાયેના મળતી હોય તો એના બંને બાળકો,  પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને દત્તક લેવાય તૈયાર હતા. પણ અમારા એ યુવાનોની આશા ફળીભૂત થાય એ પહેલાં તો ડાયેના સ્વર્ગે સિધાવી ગઈ. ખેર ! યુવાનોને દિલાસા સિવાય આપણે બીજું શું આપી શકીએ?
કહેવાનું તાત્પર્ય એ છે કે આ દુનિયામાં ભાગ્યેજ કોઈ યુગલ એવું હશે કે જેમની વચ્ચે કદી તકરાર જ ન થઇ હોય. અમારી સોસાયટીમાં દર વર્ષે અપાતા ઇનામ  ‘શ્રેષ્ઠ યુગલ’ ના સન્માન સમારંભમાં વિજેતા યુગલ ઇનામ લેતી વખતે જ, ‘બેમાંથી કોણ એવોર્ડનો ખરો હકદાર છે’ એ મુદ્દા પર ઝઘડી પડયાના દાખલા મૌજુદ છે.
દામ્પત્ય જીવનના ઝઘડામાં અભણ લોકો શારીરિક યુદ્ધ કરે છે, તો ભણેલાઓ વાકયુદ્ધ કરે છે. કેટલાક કિસ્સાઓ અજ્ઞાત રીતે લુપ્ત થઇ જાય છે, તો કેટલાક કિસ્સાઓ કોર્ટ અને અંતમાં છાપે ચઢે છે. લોકો એ તમામ કિસ્સા ખુબ રસથી વાંચે છે.
તમામ દૈનિક, અઠવાડીક, પાક્ષિક, મેગેઝીનના તંત્રીઓને મારું જોરદાર પણ નમ્ર સૂચન છે, કે તેઓ પોતાના છાપામાં કે મેગેઝીનમાં પતિ પત્નીના ઝઘડાની એક કોલમ નિયમિત રૂપે છાપે. આમ કરવાથી એમના મેગેઝીનનો ફેલાવો અનેક ઘણો વધવાની શક્યતા છે. પતિ પત્નીના યુદ્ધની આ કોલમમાં અમે પણ લેખો આપીને એમને યથાશક્તિ મદદ કરીશું એવું મારું વચન છે. કેમ કે અમારું મન પણ એમ જ કહે છે, ‘મુક મન લેખા અને જોખા બધા, છે મજા તો એ જ... હરપળ ઝઘડીએ,’


No comments:

Post a Comment