Tuesday, 20 December 2016

દૂધવાલા ભૈયાને પત્ર.

દૂધવાલા ભૈયાને પત્ર.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પંડિતરાજ જેસંગ દૂધવાલા ભૈયાજી,
જે રામજી કી! તમને કરેલ ‘પંડિતરાજ’ ના સંબોધનથી તમને અચરજ થયું હોય તો કહી દઉં કે આ બિરુદ મેં તમને અમસ્તું જ નથી આપ્યું, પણ બરાબર સમજી-વિચારીને જ આપ્યું છે. ગાય, ભેંસ, વાસીદું, તગારું, બોઘરણું, ઘાસ, ગંજી, ખાટલો...વગેરે શબ્દોએ તમારા શબ્દકોશમાં પૂરેપૂરી જગ્યા રોકી લીધી છે એટલે તમને ‘પંડિતરાજ’  નો અર્થ ન સમજાય એ સ્વાભાવિક વાત છે.   
પણ તમે સાચા અર્થમાં પંડિત એટલે કે મહાન સંત છો,  કેમ કે તમે સમયના બંધનથી ‘પર’ છો. રજાના દિવસે જ્યારે અમે સવારની મીઠી નિદ્રાની લહેજત લઇ રહ્યા હોઈએ છીએ ત્યારે તમે સવારના પાંચ વાગ્યામાં આવીને પહેલા સાઈકલની ઘંટડી અને પછી મારા ઘરની ડોરબેલની ઘંટડી જોર જોરથી વગાડીને અમને જાગૃત થવાની ફરજ પાડો છો. આ દુનિયામાં સંતજન જ સૂતેલા માણસને જગાડવાનું કામ કરે છે.
રોજ છોકરાઓને સ્કુલે જવાનું હોય છે ત્યારે તમે એટલા મોડા આવો છો કે છોકરાઓ દૂધ પીધા વિના જ જતા રહે છે. જો કે છોકરાઓ તો તમે આપેલ દૂધ પીવા ક્યારેય રાજી નથી હોતા, કહે છે ‘મમ્મી, એ કરતા અમે ઠંડુ પાણી પી લઈએ તો ચાલે કે નહીં?’ એ તો હું એમને સમજાવીને દૂધમાં કૉફી, બોર્નવિટા, હોર્લિક્સ, કોકો, ચોકલેટ વગેરે ઉમેરીને આપું અને પટાવીને દૂધ પીવડાવું છું.
રજાના દિવસે તમારે પાછા વહેલું જ આવવું એવું પણ નક્કી નથી હોતું. ગયા રવિવારે સવાર સવારમાં અચાનક જ બહારગામથી મહેમાન આવ્યા. ચા મૂકવા દૂધની જરૂર હતી ત્યારે તમારી રાહ જોઈ જોઇને થાક્યા, છેવટે પાડોશીને ત્યાંથી જરુર પુરતું દૂધ લઈને કામ ચલાવ્યું. છેવટે બપોરે અમે જમવા બેઠા ત્યારે તમે આવ્યા. હું ખીજવાઈ તો તમે કહ્યું, ‘બોન, અમારી પાહે તમાર લોકની જેમ ઘડીયાલ ની મલે.’
મને વિચાર આવ્યો કે તમને એક ઘડિયાળ ભેટ આપું, પણ પતિદેવે કહ્યું, ‘તું ઘડિયાળ આપશે તો પણ એ એનો ઉપયોગ કરશે નહીં, છેવટે ગુસ્સો તને જ આવશે એના કરતાં જેમ ચાલતું છે એમ ચાલવા દે.’  મને એમની વાત સાચી લાગી અને હું એમની સાથે સહમત પણ થઇ. હવે તમે ખરેખર સંત થયા કે નહીં?  કે સદા વિરુદ્ધ રહેતા પતિ પત્ની પહેલી વાર કોઈ મુદ્દે એકમત તો થયા.
સવારના ઘરમાં બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હોય એટલે દૂધ તો મારે જ લેવાનું એવો વણલખ્યો નિયમ બની ગયો હતો. ગમે તે સમયે આવીને તમે મને - રસોઈ કરતાં, ઈસ્ત્રી કરતાં, ગાતાં, ખાતાં, નહાતાં કે રસોઈ બનાવતાં કેટલીય વાર ડીસ્ટર્બ કરી છે. કોઈ પણ કામ કરતી હોઉં, ‘જલ્દી કર પેલો મૂવો ગમે ત્યારે ટપકી પડશે.’ એ જ મારો તો જીવનમંત્ર જ થઇ ગયો છે. જો કે તમને આ કહેવાનો કોઈ અર્થ નથી એટલે હું ભગવાનને  પ્રાર્થના કરું છું કે મને સવારમાં માત્ર અર્ધો કલાક એવો આપે જ્યારે હું શાંતિથી એનું નામ લઇ શકું.
તમે ‘ક્વોલિટી કોન્શિયસ’ છો એ તો જાણે મારી આપેલી ફાટેલી, સાંધેલી નોટો તો ઠીક પણ સહેજ જૂની થયેલી નોટો પણ લેવાની  આનાકાની કરો છો એના પરથી જણાઈ આવે છે. પણ મને એ તો કહો કે તમે ભેંસના દૂધમાં ગાયનું દૂધ કે ક્યારેક પાણી મિક્સ કરીને આપો છો ત્યારે તમારી ‘ક્વોલિટી કોન્શિયસનેસ’ ક્યાં જાય છે? જો કે આટલા વર્ષે અમે તો એનાથી પણ  ટેવાઈ ગયા છીએ.
એક તો તમે અમારી સોસાયટીમાં આવો છો પણ ખુબ વાજતે-ગાજતે. સાઈકલની જોરદાર ઘંટડીના અવાજથી અમારા પડોશીઓ પણ જાગી જાય છે અને અમને ઘણીવાર ફરિયાદ પણ કરે છે. જો કે એમની ફરિયાદનું તો ઠીક છે એ તો કર્યા કરે, પણ પછી ક્યારેક તેઓ ઊછીનું દૂધ માંગવા આવે છે ત્યારે અમારાથી બહાનું નથી કાઢી શકાતું કે ‘આજે અમારો દૂધવાળો નથી આવ્યો.’ 
બાળકોને પરીક્ષામાં બેસવા સ્કુલમાં ૭૦% હાજરી આવશ્યક હોય છે. પણ તમારે તો આવી ય કોઈ ઝંઝટ જ નથી. મનફાવે એ દિવસે આવો અને મનફાવે એ દિવસે રજા પાડો. તમારાથી કંટાળીને મેં એકાદ બે વાર તમારી પાસે દૂધ લેવાનું બંધ કરીને અન્ય દુધવાલા પાસે લઇ જોવાનો પ્રયત્ન પણ કરેલો. પણ એ બીજા દૂધવાલા બે ચાર દિવસ દૂધ આપીને રફુચક્કર થઇ ગયેલા. શું કામવાળાની જેમ તમારું પણ કોઈ યુનિયન છે કે?
આ તમારી ‘દાદાગીરી’ અમારે ક્યાં સુધી સહન કરવાની એ તો રામ જ જાણે. મેં તો મારી તમામ હૈયા-વરાળ આ પત્રમાં ઠાલવી છે, તમે પત્ર નથી જ વાંચવાના તે જાણ્યા છતાં. આશાના એકમાત્ર કિરણરૂપ જો તમે આ પત્ર વાંચો તો તમારી ઉત્તમ સેવાનો લાભ હવે બીજા કોઈને આપો એવી મારી વિનંતી કમ પાર્થના છે. ભગવાન તમને અને તમારી ભેંસને લાંબી આવરદા આપે એજ શુભેચ્છા!
એજ લિખિ(તંગ) 
આપની સેવાથી અતિ પ્રભાવિત થનાર,
પલ્લવી.   2 comments:

  1. પલ્લવીબેન, હવેની પ્રજા તમે વર્ણવેલી પરિસ્થિતિમાંથી બહાર આવી ગઈ છે કારણ કે કોથળીનું દૂધ અને ફ્રીઝની સગવડ ઘરેઘર થઈ ગઈ છે. જો કે લેખમાં હાસ્ય અકબંધ રહ્યું છે. મઝા આવી.

    ReplyDelete
  2. આન્ંદ આવ્યો. વાસ્ત્વિક. નાની અમથી ઘંટડી થી તમારી કલ્પના ઉડે ને અમને ક્યાં લઈ જાય્!
    - સુરેશ શાહ, સિંગાપોર

    ReplyDelete