કૂતરું કરડ્યું. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
-હલ્લો, હલ્લો. સાંભળો છો?
-આટલા વર્ષોથી એ જ તો કરતો આવ્યો છું.
-સાંભળો, આપણા બાબાને કૂતરું કરડ્યું.
-હેં? કેમ...કેમ?
-શું કેમ..કેમ?
-કૂતરું કેમ કરડ્યું?
-કેમ કે શેરીમાં કૂતરું જ હતું, વાઘ – સિંહ નહોતા.
-એમ ગુસ્સે ન થા, મારો પૂછવાનો મતલબ કે કૂતરું શી રીતે કરડ્યું?
-અમે શોપિંગ કરવા માણેકચોક ગયેલાં.
-તે તમને વળી રહી રહીને કૂતરાનું શોપિંગ કરવાનું ક્યાંથી સુઝ્યું? હું પપી લાવવાનું કહેતો હતો ત્યારે તો, ‘એવી પળોજણ કોણ કરે?’ કહીને મને કૂતરું લાવવાની તેં ચોખ્ખી ના પાડી હતી.
-તે હજી પણ હું ઘરમાં કૂતરું લાવવાની ચોખ્ખી ના જ કહું છું, પહેલા તમે
મારી પૂરી વાત તો સાંભળો, અમે કૂતરું ખરીદવા નહોતા ગયા, અમે તો બજારમાં કાપડ
ખરીદવા ગયા હતા.
-અચ્છા! કાપડના વેપારીઓ ક્યારથી કૂતરા રાખતા થઇ ગયા?
-કૂતરું વેપારીની દુકાને નહોતું, એ તો શેરીમાં બેઠું હતું.
-નવાઈ ની વાત લાગે છે, કૂતરું શેરીમાંથી દુકાનમાં આવીને બાબાને કરડ્યું?
-ઓહો! એ દુકાનમાં નહોતું આવ્યું, અમે શેરીમાં ગયેલા.
-લો, શહેરમાં ગયા તે ઓછું હતું કે પાછા તમે શેરીમાં જવાના થયા?
-પણ શેરીમાં થઈને જ બજારમાં જવાય એમ હતું.
-ઠીક છે, ટૂંકમાં વાત પતાવ, પછી શું થયું?
-અમે શેરીમાંથી પસાર થતા હતા ત્યારે બાબાનો પગ એક ઊંઘતા કૂતરા પર પડી
ગયો.
-શું? આવો ઘોર અપરાધ?
-બાબાએ પગ કઈ જાણી જોઇને થોડો મુકેલો? એ તો ભૂલથી એવું થઇ ગયું.
-ઓકે, પણ કૂતરાને લાગ્યું હશે કે આ ‘અળવીતરા’ એ જાણી જોઇને મને સતાવવા જ
મારી પૂંછડી પર પગ મુક્યો હશે.
-તમે પણ શું? આપણા બાબા માટે આવા શબ્દો વાપરો છો?
-સાચું બોલવા બદલ સોરી. પણ કૂતરું હોંશિયાર, તે બાબાને જોતાવેંત ઓળખી
ગયું.
-એટલે કઈ બચકું ભરી લેવાતું હશે?
-નહિ સ્તો વળી. એનામાં ક્ષમાભાવનો અભાવ કહેવાય, પછી શું થયું?
-પછી કૂતરું જોર જોરથી ભસવા લાગ્યું.
-પણ ‘ભસતા કૂતરા કરડે નહિ’ એવું મેં તો સાંભળેલું.
-કૂતરાએ એ નહિ સાંભળ્યું હોય, અને ‘કરડતા કૂતરા ભસે નહિ’ એવું તો ક્યાંય
લખ્યું નથી ને?
-ઠીક છે, પછી તમે લોકોએ શું
કર્યું?
-પછી અમે એક સરકારી હોસ્પીટલમાં ફોન કર્યો.
-ફોન ઉપાડ્યો કોઈએ?
-હાસ્તો, કેમ આમ પૂછો છો?
-એમ જ, સરકારી હોસ્પીટલમાં કોઈ ફોન ઉપાડે તો નવાઈ તો લાગે ને? ફોન પર શું
વાત થઇ?
-મેં કહ્યું, બાબાને કૂતરું કરડ્યું છે, શું કરીએ? તો કહે,
મ્યુનીસીપાલીટીને ફોન કરો, એ લોકો કૂતરાને પકડી જશે, અમે કૂતરા પકડવાનો ધંધો કરતા નથી.
-હં, બરાબર. હવે મને લાગ્યું કે સરકારી હોસ્પિટલ છે, પછી?
-પછી શું? એના જવાબથી મને હોસ્પિટલવાળા પર ખુબ ગુસ્સો ચઢ્યો. આપણને પણ ખબર
છે, કે એ લોકો શ્મશાન સળગતું રાખવા સિવાય કોઈ ધંધો કરતા નથી, તો પણ એ લોકો આવો ઉડાઉ જવાબ આપે તે ચાલતું હશે?
-એ તો ઠીક, પણ તે પછી શું કર્યું?
-ત્યાં ટોળામાં એક ડોક્ટર પણ હતા, એમણે અમુક ઇન્જેક્શનનું નામ લખી
આપ્યું. કહ્યું, ‘તમારા કેમિસ્ટ પાસેથી આ પાંચ ઇન્જેક્શન લઈને ઘરે જાવ અને તમારા
ફેમીલી ડોક્ટર પાસે બાબાને ઇન્જેક્શન મુકાવી દેજો’ ૫૦૦ રૂપિયાનું એક એવા પાંચ ઇન્જેક્શન તો હું લઇ
આવી છું.
-માય ગોડ! કૂતરું તો બહુ મોંઘુ પડ્યું, આટલામાં તો કદાચ આખું કૂતરું
ખરીદી શકાય.
-એ વિચાર પછી કરજો, હમણા તો તમે તરત ઘરે આવો અને બાબાને ડોક્ટર પાસે લઇ
જઈને ઇન્જેક્શન મુકાવી આવો.
-ભલે. હમણા જ નીકળું છું, આ આવ્યો જ સમજ.
હવે પછીના લેખમાં 'બાબો કૂતરાને કરડ્યો' એ વિષય પકડજો. મસ્ત સમાચાર બની જશે !
ReplyDelete"કૂતરું કયાં કરડયું? "
ReplyDelete"ફલાણી શેરીને નાકે."
"એમ નહીં, કૂતરું શરીરના કયા ભાગે કરડ્યું? "
"અગત્યના ભાગે કરડયું "
"હું પૂછું છું કે કયા અગત્યના ભાગે કરડયું? "
"જમણા પગની પીંડી ઉપર"
"પછી તમે શું કર્યું? "
"તેને પથરો માર્યો"
"એમ નહીં, સારવાર શી કરી ?"
.....બસ આમ ચાલ્યા કરે. ડૉકટર બેભાન થઈ જાય..
"કૂતરું કયાં કરડયું? "
ReplyDelete"ફલાણી શેરીને નાકે."
"એમ નહીં, કૂતરું શરીરના કયા ભાગે કરડ્યું? "
"અગત્યના ભાગે કરડયું "
"હું પૂછું છું કે કયા અગત્યના ભાગે કરડયું? "
"જમણા પગની પીંડી ઉપર"
"પછી તમે શું કર્યું? "
"તેને પથરો માર્યો"
"એમ નહીં, સારવાર શી કરી ?"
.....બસ આમ ચાલ્યા કરે. ડૉકટર બેભાન થઈ જાય..