દહેજ એક આભૂષણ છે. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
શેફાલીના લગ્ન અને રિસેપ્શન સારી રીતે પતી ગયાં, એટલે નિરાંતનો શ્વાસ
લેતાં કન્યા વિદાય પહેલા કન્યાને એકાંતમાં મળીને એના માતા પિતાએ પૂછ્યું:
-બેટા, બધું સરસ રીતે પતી ગયું, હવે તું સાસરે જવા તૈયાર છે ને?
-સાસરે? ઓહ મોમ, ડોન્ટ સે ધેટ, હું તો મારા પોતાના ઘરે જઈ રહી છું. શેફાલીએ
ઉન્નત મસ્તકે જવાબ આપ્યો.
-એ બધું તો ઠીક બેટા, પણ લગ્નજીવનનો માર્ગ કેટલો કઠણ છે એ તું જાણે છે ને?
-કઠણ ને નરમ કેમ કરવું તે મને બહુ સારી રીતે આવડે છે. એન્ડ બાય ધ વે, એ
લોકોએ કઈ પણ ગરબડ કરી તો મને અહી પાછી આવતા કોણ રોકનાર છે?
-છતાં ય બેટી તને કઈ મુશ્કેલી પડે તો..
-ડોન્ટ વરી ડેડ,આઈ વીલ મેનેજ ઓલ થિંગ્સ.
-બેટી, એ લોકો તને મિક્સર-ગ્રાઈન્ડર-ફૂડ પ્રોસેસર લઇ આવવાનું કહેશે તો?
-એ તો મારા ફ્રેન્ડ સર્કલે ઓલરેડી આપ્યું જ છે.
-એ લોકો ઘરઘંટી લાવવાનું કહેશે તો?
-વેલ, તો આપણે સરળ હપ્તેથી ઘરઘંટી લઇ લઈશું.
-અને બેટી, એ લોકો ફ્રીઝ માંગશે તો?
-ફ્રીઝ એક તો પડ્યું જ છે ને, નવું પણ છે અને મોટું પણ છે, પછી બીજાની શી
જરૂર?
-ઓકે, એ લોકો તારી પાસે સ્કુટર માંગશે તો?
-સ્કુટર તો જોઇશે જ ને પપ્પા! ક્યાંકથી એની સગવડ કરાવી પડશે. મમ્મીની
ફિક્સ ડીપોઝીટ ઉપાડવી પડશે.
- પણ કાલે ઉઠીને એ લોકો તારી પાસે કાર મંગાવશે તો?
-હંઅઅઅ. કાર તો આજકાલ ‘સ્ટેટ્સ સિમ્બોલ’ ગણાય છે. એક કામ કરીશું, ડેડી?
તમારી ઓફિસમાંથી કાર માટેની લોન લઇ લઈશું. પછી તમે હપ્તે હપ્તે ચૂકવી દેશો તો ખાસ
વાંધો નહિ આવે, ખરું ને ડેડી?
એ બધું તો ઠીક છે બેટા, ‘પડશે એવા દેવાશે’ પણ આ બધું એરેન્જ કરતા થોડો
ઘણો ટાઈમ તો લાગે જ ને? ત્યાં સુધીમાં એ લોકો તને જાતજાતના મહેણાં-ટોણા સંભળાવશે.
-અરે! દેન છે કોઈની કે મને કઈ કહી જાય? મોઢું જ ન તોડી લઉં એનું?
-ત્યાં કોઈ તારા પર હાથ ઉપાડશે તો?
-મને કોઈ આંગળી તો અડાડી જુએ,તમારી દીકરી કરાટે ચેમ્પિયન છે, ડેડી.
-શાબાશ બેટી, તારી પાસે મને આ જ ઉમ્મીદ હતી. હવે મને શાંતિ થઇ. ઓલ ધ
બેસ્ટ, બેટા.
-થેંક્યું ડેડી, મમ્મી! ગુડબાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ.
ક્યાં પહેલાની દબાયેલી, કચડાયેલી, લજામણીના છોડ જેવી શરમાયેલી નવોઢા, અને
ક્યાં આજ ની ‘બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ’ બધી રીતે સામનો કરવા સજ્જ આ હિંમતવાન દુલ્હન.
જો કે આપણે અહી દુલ્હન વિશે વાત નથી કરવી, આપણે તો અહી વાત કરવાની છે
દહેજ વિશે. જો કે હું તો માનું છું કે દહેજના દૂષણને દૂષણ કહેનારા લોકો સમાજ
વિરોધી તત્વો છે. દહેજ એ તો આધુનિક લગ્ન પ્રણાલીનું એક અત્યંત કીમતી આભૂષણ છે,
ગરીબી દુર કરવાના સાધનોમાનું એક સરળ સાધન માત્ર છે. એનો વળી વિરોધ શું કામ? આ
પ્રથાને પ્રેમથી અપનાવો.
મુરતિયો તો લગ્ન બજારનો ‘કોરો ચેક’ છે, એને કસી કસીને વટાવો. દહેજને લીધે
મોતને ભેટતી યુવતીઓ ‘વીરાંગનાઓ’ છે. એમના મોત પર ગર્વ લેવો જોઈએ, રુદન કરીને કે
વિલાપ કરીને એની શહીદીને શરમાવો નહિ. ધન્ય છે એવા માતા પિતા કે જેઓ દહેજરૂપી
યજ્ઞવેદી પર પોતાની લાડકવાયીઓ ના બલિદાન ચઢાવતા ખંચકાતા નથી. ફટ છે એવી યુવતીઓને
કે જે દહેજરૂપી ભૂષણથી ડરીને પોતાના પિયર ચાલી આવીને પોતાની કાયરતાનું પ્રદર્શન
કરે છે.
‘દહેજને કારણે મરવું પડે તો ભલે પણ પારોઠના પગલાં ન ભરતી, પાછી આવીને
પીયરિયાની આબરુને લાજાવતી નહિ.’ એવું સાસરે જતી પોતાની પુત્રીને કહેનારા માતા પિતા
અજોડ છે. છાપાવાળા, ટીવીવાળા તેમ જ સરકારે આવી મહાન વ્યક્તિઓનું ભવ્ય સન્માન કરવું
જોઈએ, જેથી અન્ય માતા પિતાઓને આમાંથી પ્રેરણા મળી રહે.
દહેજના કારણે જે સાસુ – સસરા – જેઠ - નણંદ કે પતિ પોતાની પુત્રવધુ, ભાભી
કે વહુ નું ખૂન કરે એ તમામ વ્યક્તિનું સરકારે બહુમાન કરવું જોઈએ. એક રીતે જોઈએ તો
‘વસ્તી વધારા’ ના ફણીધરને નાથવાની આ એક
આડકતરી રીત જ છે. પોતાની જાનના જોખમે ( ક્યારેક ફાંસી પણ થઇ શકે છે) એ લોકો
પરિણીતાને મોક્ષ અપાવે છે. સરકારે તો આવા સમાજસેવી વ્યક્તિઓને કાયદાકીય રક્ષણ
પૂરું પાડવું જોઈએ.
સાસરીયાઓ વહુના માતા પિતા પાસે ટીવી, વીસીઆર, ફ્રીઝ, સ્કુટર, કાર કે ઇવન
ફ્લેટ પણ માંગે તો એમાં ખોટું શું છે? એ તો એમનો હક્ક બને છે. આખરે આ બધી તો જીવન
જરૂરિયાતની વસ્તુઓ જ છે ને? પોઝીટીવ રીતે વિચારો તો તમને લાગશે કે એ લોકો કેટલા
સારા માણસો છે કે તેઓ પોતાના ઘરમાં જ રહે છે અને પુત્રવધુના ઘરે રહેવા આવતા નથી.
દીકરીના સાસરીયાઓના ભરણ પોષણની જવાબદારી દીકરીના પિતાની જ છે, એ વાત દીકરી જન્મે
ત્યારથી જ એનો પિતા બરાબર સમજી લે તો ઝઘડો
જ ક્યાં રહ્યો?
દીકરીના જન્મની સાથે જ એના પિતાએ વધુ પૈસા કમાવાના પ્રયત્નમાં લાગી જવું
જોઈએ. જે માણસમાં દીકરીના સાસરીયાઓને પોષવાની, એમને ખુશ રાખવાની ત્રેવડ ન હોય એને
દીકરીનો પિતા બનવનો કોઈ હક્ક નથી, આ વાત જો દરેક દીકરીના મા-બાપ સમજી લેશે તો પછી
આપણા સમાજમાં દહેજ એક દૂષણ નહિ, પણ ઝગારા મારતું એક આભૂષણ બની જશે એમાં શંકાને
લેશમાત્ર સ્થાન નથી.
અને માંગવું એ કેટલું કપરું કાર્ય છે નહીં ? આટઆટલી મોંઘવારીમાં બિચારાં સાસરીયાં કરે ય શું ? કેરોસીન તો બ્લેકમાં પણ મળતું નથી.અત્યારની સળગતી સમસ્યાને તમે યોગ્ય વાચા આપી છે.
ReplyDelete