Tuesday, 11 October 2016

મારી મહત્વકાંક્ષા.

મારી મહત્વકાંક્ષા.    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

પોતાના વિશે વખાણવા લાયક અને બીજાના વિશે વખોડવા લાયક વાતો કહેવાનું માણસને હંમેશા ગમતું આવ્યું છે. તેથી મારે જ્યારે ‘મારી મહત્વકાંક્ષા’ વિશે લખવાનું આવ્યું ત્યારે એ લખતા હું અત્યંત આનંદિત થઇ ગઈ છું.

‘વાહ ઉસ્તાદ વાહ’ – ‘નહી હુજુર વાહ તાજ બોલીએ’ ની જાહેર ખબર વાળા તબલા વાદક ઝાકીર હુસેન સાહેબનું નામ બોલવું હોય તો આગળ ‘ઉસ્તાદ’ બોલવું જ પડે. ‘ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબ’  ના તબલા વાદન થી ઉત્પન્ન થતું અદભૂત સંગીત સાંભળું છું, ત્યારે મને પણ એમના જેવા પ્રખર તબલા વાદક બનવાની મહત્વકાંક્ષા જાગે છે.

એમ તો  શ્રી હરિપ્રસાદ ચોરસિયા નું મનભાવન બાંસુરી વાદન સાંભળું છું, ત્યારે મને ય એવા બાંસુરી વાદક થવાના સ્વપ્ન આવે છે. મલ્લિકા સારાભાઈને સુંદર નૃત્ય કરતા જોઉં છું, ત્યારે હું વિચારું, ‘એ ય ગુજરાતણ અને હું ય  ગુજરાતણ ! શું હું એમની જેમ નૃત્ય કલામાં પારંગત ન થઇ શકું?
અમદાવાદ ના ‘ટાગોર હોલ’ માં મારું ‘આરંગેત્રમ’ છે. એ જ વખતે શહેરના કેટલાક સિનેમા ઘરોમાં અમિતાભ બચ્ચન જી નું ‘પિંક’ મુવી લાગ્યું છે. લોકો અમિતજીના ઓવારેથી દોડી આવીને મારા ‘આરંગેત્રમ’ ના પાસ મેળવવા પડાપડી કરે છે. ટીના મુનીમ અને અનીલ અંબાણી ના લગ્નમાં નહોતી થઇ એવી અદભુત મેદની ટાગોર હોલના પ્રાંગણ માં ભેગી થઇ છે. પબ્લિક ને કાબુમાં રાખતા પોલીસોને પરસેવો છૂટી જાય છે.

હેમા માલિની, સુધા ચન્દ્રન, વૈજંતીમાલા વગેરે પ્રસિદ્ધ નૃત્યાંગનાઓ મને પ્રોત્સાહિત કરવા સામે ચાલીને હોલ પર પધાર્યા છે.  મારું નૃત્ય જોવામાં એવા તલ્લીન થઇ જાય છે, કે એમના હાથમાંનું આઈસ્ક્રીમ પીગળી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. બધા આંખનો પલકારો મારવાનું પણ ચુકી જાય છે. નૃત્ય પૂરું થતા આખો ટાગોર હોલ ૫ મિનીટ સુધી તાળીઓના ગડગડાટ થી ગુંજી ઉઠે છે.

ફિલ્મ અભિનેત્રી ‘સુજાતા મહેતા’ નો ‘ફોટોગ્રાફ વિથ ઓટોગ્રાફ’ મારી પાસે છે. જ્યારે જ્યારે હું એ ફોટો જોઉં છું, ત્યારે ત્યારે મારી અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલી અભિનય શક્તિ આળસ મરડીને જાગી ઊઠે છે.  ફિલ્મ જગતના રૂપેરી પરદે હું ધામધૂમ થી પદાર્પણ કરું છું. મારા બારણે મોટા મોટા નિર્માતાઓની કતાર લાગી જાય છે, એ બધા મને મોં માગ્યા દામ આપીને પોતાની ફિલ્મ માટે સાઇન કરવા તત્પર છે.

મારી અભિનય કલાથી હું સમગ્ર ફિલ્મ જગત પર છવાઈ જાઉં છું. મારા ચાહકો મને ‘ઓટોગ્રાફ’ અને ‘ફોટોગ્રાફ’ માટે ઘેરી વળે છે. હું મેકપ વગર નીકળું તો પણ મને ઓળખી કાઢે છે. એ બધાથી બચવા હું રોજ  મારી કાર બદલીને નીકળું, ક્યારેક મર્સિડીઝ, ક્યારેક આઉડી, ક્યારેક લીમોઝીન તો ક્યારેક વિન્ટેજ કાર લઈને નીકળું, છતાં ચાહકો મારો પીછો છોડતા નથી. મારા ઘરના ફોનની ઘંટડી સદા રણકતી રહે છે, જે મને ખુબ સંતોષ આપે છે.

આમ તો રાજકીય ક્ષેત્ર થી હું તદ્દન અજ્ઞાત છું. સ્કુલમાં નાગરિક શાસ્ત્ર માં જેટલા ભણાવવામાં આવ્યા છે, તેટલા કાયદાઓ મેં ખુબ જ કંટાળા પૂર્વક જાણ્યા છે. તે સિવાયની કાયદાકીય આંટી ઘૂંટીઓ કે બંધારણના નિયમો હું જાણતી નથી. તો પણ મને ક્યારેક નેતા કે નેશનલ લીડર બનવાની મહત્વકાંક્ષા જાગે છે.

મારામાં ક્યારેક મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચન્દ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, કે લોકમાન્ય ટીળક..વગેરે સઘળા નેતાઓનું જોમ ઉભરાઈ આવે છે. મારું ભાષણ સાંભળીને કરોડોની જન મેદની મંત્રમુગ્ધ બની જાય છે.  દેશ વિદેશથી નેતાઓ મને મળવા અને સલાહ લેવા આવે છે. વડા પ્રધાન વાત વાતમાં ટેલીફોન કરીને મને દેશ બચાવવાના ઉપાયો પૂછે છે. ક્યારેક રાષ્ટ્રપતિ મને , ‘આ વડા પ્રધાન ચાલુ રાખવા કે બદલવા?’ એ વિશે સલાહ પૂછે છે, ક્યારેક તેઓ મારા ઘરે આવી બાજરીનો રોટલો – માખણ – રીંગણ નું ભડથું – મગની દાળની ખીચડી અને કઢી જમી જાય છે. 

હાસ્ય ક્ષેત્રે મહાન હસ્તી બનવાની મહત્વકાંક્ષા તો મેં જે ઘડી એ કલમ હાથમાં પકડી એ જ ઘડીએ જ પાળી રાખી હતી. ગુજરાતી હાસ્ય ક્ષેત્રે લેખકોની મતલબ સારા લેખકોની અછત છે. લેખકોનું તો ઠીક પણ લેખિકાઓની તો રીતસર કમી જ છે. તેથી ઘુસણખોરી કરવા માટે હાસ્ય ક્ષેત્ર સારામાં સારું ફિલ્ડ છે, એમ લાગવાથી મેં મારી, ઉત્તમ હાસ્યલેખિકા બનવાની મહત્વકાંક્ષા ને પાળી પોષીને મોટી કરવા માંડી.

ગુજરાતની તો વાત છોડો, ભારત ભરના ન્યૂસપેપર્સ વાળા એમની પૂર્તિમાં મારા હાસ્યલેખો છાપવા અધીરા થયા છે. મારા મગજમાંથી હાસ્યલેખો નો ધોધ વહી રહ્યો છે, અંત:સ્ફૂરણાની રેલમછેલ છે. લેખો લખતા લખતા મારા નાજુક હાથ થાકી જાય છે. છેવટે મહાભારતમાં જેમ વેદ વ્યાસ મુનીજી બોલે અને ગણપતિજી લખે, એવી વ્યવસ્થા – હું બોલું અને મારી મિત્ર લખે એમ મેં ગોઠવી.

પણ થોડા સમયમાં મારી મિત્ર બીમાર (?) પડી, એટલે મારે બીજા લહિયાની વ્યવસ્થા કરાવી પડી. કેટલાક અખબારના તંત્રીઓને મારે ના પાડીને નિરાશ કરવા પડ્યા. દેશના અનેક હાસ્યલેખકોની વિનંતીને માન આપીને મેં ‘હાસ્ય માર્ગદર્શિકા’ બહાર પાડી, જેની લાખો કરોડો નકલ છપાવા છતાં આજે બજારમાં એક પણ નકલ વેચાવા માટે ઉપલબ્ધ નથી, એવી એની માંગ છે.

દેશ ભરના હાસ્ય સંમેલનોમાં મારી હાજરી અને વક્તવ્ય અનિવાર્ય અંગ બની ગયા, આયોજકો અણધાર્યો પુરસ્કાર અને સન્માન આપવા માંડ્યા, હોલની કીડીયારા જેટલી ભીડ છતાં પીનડ્રોપ સાઈલન્સ જેવી અકલ્પ્ય ઘટનાઓ રેગ્યુલર બનતી ગઈ, ભલભલા મુંજીઓ મને બોલાતી સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા.


સ્કુલ, કોલેજ અને તમામ લાયબ્રેરી માં મારા પુસ્તકોની હાજરી વર્તાવા લાગી. ગુજરાતી સાહિત્યમાં મારો  ‘હાસ્યક્ષેત્રે સૂર્ય’  ઝળહળવા લાગ્યો. લોકો એના તેજ વડે સાવ અંજાઈ ગયા. આવા હાસ્યલેખો, આવા હાસ્યલેખિકા  -  ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બોલી લોકો મારા પુસ્તકો ખરીદીને વાંચવા લાગ્યા, ત્યારે એક સફળ હાસ્યલેખિકા બનવાની મારી મહત્વકાંક્ષા પૂરી થઇ.    

No comments:

Post a Comment