Tuesday, 9 August 2016

હર કુત્તેકે દિન આતે હૈ.

હર કુત્તેકે દિન આતે હૈ.          પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-પલ્લવી, હું સાંજે ઓફિસેથી આવું ત્યારે ડીનર રેડી રાખજે, આપણે જમીને અજયના ઘરે જઈ  આવીએ.
-અજયભાઈના ઘરે તો ગયા વીકમાં જ જઈ  આવ્યા ને આપણે? આજે કેમ પાછું?
-એના હાથે ફ્રેકચર થયું છે, એટલે ખબર કાઢી આવીએ.
-અરરરર! ફ્રેકચર શી રીતે થયું?
-એ તો એના ઘરે જઈશું એટલે ખબર પડશે.
-ઓકે, લગભગ કેટલા વાગ્યે ઘરે પહોચશો?
-સાત વાગ્યાની આસપાસ.
અમે જમીને રાત્રે અજયભાઈના ઘરે પહોંચ્યા. અજયભાઈ સોફામાં ત્રાંસા પાડીને ટીવી જોતા હતા. એમને એમના ઘાયલ જમણા હાથને ખભેથી લટકાવેલી કપડાની ઝોળીમાં સાચવીને મુક્યો હતો. ઇન્ડિયા – પાકિસ્તાન ની વન ડે મેચમાં ઇન્ડિયન બેટ્સ મેનોનો ખરાબ દેખાવ જોઇને અજયભાઈ સોફામાં ઉછળતા હતા અને પછી હાથે દુખાવો થતા ઉંહકારા કરતા હતા.
-હાય અજય, કેમ છે, મઝામાં?  મારા પતિ જીતુએ પૂછ્યું.
-શું ધૂળ મઝામાં? જોતો નથી કેવો સજામાં પડ્યો છું તે. અજયભાઈએ સોફામાં સરખા બેસતા કહ્યું.
-એ તો ‘કરે એવું પામે અને વાવે તેવું લણે’ રીનાભાભીએ એક કહેવત ટાંકતા કહ્યું.
-એ ય રીનાડી, તું તો ચુપ જ રહેજે, કઈ બોલતી જ નહિ.
-શું કામ નહિ બોલું? હું તો બોલીશ જ અને સાડી સત્તર વાર બોલીશ, બોલ શું કરી લેશે તું?
-આ હાથને સાજો થઇ જવા દે પછી તારી વાત છે, તને પણ જોઈ લઈશ. જોને જીતુ, આ રીનાડી મારી અવદશાનો કેવો ગેરલાભ લે છે તે. ઇસ દુનિયામે કિસે અપના સમજે કિસે બૈગાના ?
-અજય, પ્લી...ઝ. બીજું કાંઈ પણ કર, પણ તું ગાવાનું તો બંધ જ કર.  તારો રડકો સુર સાંભળીને પડોશીઓને થશે કે હું તને મારી રહી છું.
-મારી તો રહી જ છે ને તું મને, શબ્દો વડે. હમણા  તું પણ મજાક કરી લે. પણ યાદ રાખજે રીનાડી, ઈશ્વરકે ઘર દેર હૈ, અંધેર નહિ હૈ,  ઔર ‘ હર કુત્તેકે દિન આતે હૈ.’  
-એય રીના – અજયભાઈ, તમે બંને ઝઘડો નહિ. અજયભાઈ અમને કહો તો ખરા, આ એક્સીડન્ટ થયો શી રીતે?    મેં  જીજ્ઞાસા પૂર્વક પૂછ્યું.
-રીનાભાભીએ વેલણ વાપર્યું કે સાણસી છુટ્ટી ફેંકી?  જીતુએ રમુજ કરતા કહ્યું.
-મને એવો મોકો મળ્યો જ ક્યા? રીનાએ હસીને કહ્યું.
-વાંક બધો આ રીનાડીનો જ છે, જીતુ.  અજયે ફરિયાદી સુરે કહ્યું.
-અરે વાહ ! ‘હલકું લોહી હવાલદારનું?’ મારો વાંક શી રીતે ? કુતરું મેં રસ્તા પર મોકલેલું?
-ના,  કુતરું તો તેં રસ્તા પર નહિ મોકલેલું, પણ તેં ફોન કરીને મને જલ્દી ઘરે આવી જવાની તાકીદ કરેલી કે નહિ?
-હા, જલ્દી ઘરે આવવાનું જરૂર કહેલું, પણ આંખ બંધ કરીને રસ્તા પર સ્કુટર ચલાવવાનું નહોતું કહ્યું.
-મેડમ, તમે શું ધારો છો, હું આંખો બંધ કરીને સ્કુટર ચલાવું છું? હું તો ખુલ્લી આંખે જ સ્કુટર ચલાવતો હતો.
-એમ? તો પછી રસ્તા પર કુતરું કેમ દેખાયું નહિ? કે પછી ‘બીજું કૈક’ જોવામાં પડ્યા હતા ભાઈસા’બ?
-આપણા એરીયામાં ‘બીજું કૈક’ જોવા જેવું હોય છે જ ક્યાં? શું કહે છે, જીતુ તું?
-હેં ?  હા, હા. તારી વાત તો સાચી છે, યાર. પણ એ તો કહે કે આ થયું શી રીતે?
-યાર, હું અંજલી થીયેટર પાસેથી સ્કુટર લઈને પસાર થતો હતો ત્યારે ડિવાઈડર ની પેલી બાજુથી અચાનક જ એક કુતરું આપઘાત કરવા નીકળ્યું હોય એમ એમ દોડી આવ્યું. હું હજી કઈ  વિચારું કે બ્રેક મારું તે પહેલા તો એ સીધું મારા સ્કુટર સાથે ભટકાયું. મેં બેલેન્સ ગુમાવ્યું ને સ્કુટર સમેત  ભૂમિ નમસ્કાર કર્યા. વજન બધું આવી ગયું મારા હાથ પર અને હાથમાં ફ્રેકચર થઇ ગયું.
-અંજલી થીયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે?
-કેમ, તારે જાણીને શું કામ છે? અત્યારે મારી આવી સ્થિતિ છે ને તને ફિલ્મ જોવા જવાનું સુઝે છે?
-ના, મને ફિલ્મ જોવા જવાનું નથી સુઝતું. પણ બનવા જોગ છે કે કોઈ કોમેડી ટાઈપ હોરર ફિલ્મ ચાલતી હોય તો તે જોઇને કુતરાને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હોય. લાગ્યું હોય કે ‘આવી ફિલ્મ જોવી એ કરતા મરવું સારું.’
 -અત્યારે તને મજાક સુઝે છે, પણ મને એ કહે કે ‘મેરે સાથ હી ઐસા કયું હોતા હૈ?’
-આજુબાજુ ડાફરિયા મારતા ફરે એની સાથે આવું જ થાય. રીનાએ ફરી ટપકું મુક્યું.
-રીનાડી, તું હવે ચુપ રહેવાનું શું લઈશ? આ સાલા મ્યુનીસીપાલીતી વાળા તદ્દન નકામા માણસો છે. રોડ ટેક્સ – વિહિકલ ટેક્સ – ફલાણો ટેક્સ – ઢીકણો ટેક્સ – એવા જાત જાતના ટેક્સ લે છે અને રસ્તા પર રખડતા કુતરાને દુર કરવાનું એમને સુઝતું નથી.
-સાંભળ અજુ, ગાંધીનગરમાં તો ગવર્મેન્ટે જાહેરાત કરી છે કે જે કોઈ શખ્સ રસ્તા પર રખડતા ગાય , ભેંસ કે કુતરાને પકડીને ડબ્બામાં પુરવામાં મદદ કરશે એમને આર્થિક સહાય કરવામાં આવશે. બોલ, આપણે જોડાવું છે  આ અભિયાનમાં?
-રીનાડી, રીનાડી. તું તો બોલાતી જ નહિ. એક તો આ ઇડીયટ જેવા ઇન્ડિયન બેટ્સમેનો તદ્દન કંગાળ અને શરમ જનક દેખાવો કરી રહ્યા છે અને  ઉપરથી તું મારો છાલ છોડતી નથી.
-અજય, ટી વી બંધ કરવા રીમોટ નામની ચીજ આપી હોય છે. – જીતુએ કહ્યું.
-જીતું, કાશ ! ટી વી ની જેમ આ બીવી ને બોલતી બંધ કરવાનું રીમોટ પણ મળતું હોત !!



1 comment:

  1. એકવાર ભગવાને ખુશ થતા ભક્તને કહ્યું કોઈ એક વરદાન માંગી લે. તો ભકતએ કહ્યું ભારતથી અમેરિકા સુધીનો એક ઓવરબ્રીજ બનાવી આપો.
    ભગવાને કહ્યું, એ શક્ય નથી, અન્ય કંઇ માંગ. તો ભક્તએ કહ્યું, પત્નીનું મો બંધ કરી શકાય એવું રીમોટ કંટ્રોલ આપો.
    ભગવાન બોલ્યા, બ્રીજ ટુ લેન જોઈએ કે ફોર લેન ?

    ReplyDelete