તુંકારો. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-જેન્ટલમેન, ઊઠો, આ મારી સીટ છે.
ટ્રેનના રીઝર્વ કોચ માં પહેલેથી પોતાની સીટ પર બેસી ગયેલા એક ભાઈને
પાછળથી આવેલા બીજા સદગૃહસ્થે કહ્યું.
-અરે ! આવી જાવ ને બાપુ, લ્યો અહી આરામથી બેસો.
સીટ પર બેસી ગયેલા ભાઈએ જરા ખસીને બેસવાની જગ્યા કરી આપતા હસીને સીટના
દાવેદારને કહ્યું.
-એમ થોડી જગ્યા કરી આપવાથી નહિ ચાલે, હું આટલી અમથી જગ્યામાં નહિ બેસું.
તમે અહીંથી ઊઠી જાવ.
સદગૃહસ્થે રોફ બતાવતા ઉંચે અવાજે કહ્યું એટલે બધા પ્રવાસીઓ નું ધ્યાન એ
તરફ દોરાયું.
-હું અહીંથી ઊઠીશ તો બીજો કોઈ બેસી જશે.
-બીજાની ચિંતા કરવાની તમારે જરૂર નથી, સમજ્યા?
-પણ મારી ચિંતા તો હું કરું કે નહિ?
-તમારી વાત તમે જાણો, અહીંથી ઊઠો, આ જગ્યા મારી છે.
-મેં ક્યારે કહ્યું કે આ મારી જગ્યા છે?
બોસ, તમારી જ જગ્યા છે, તમે બેસો.
-તો પછી ભલા થઈને ઊઠી જાવ તો હું બેસું.
-નહિ ઊઠું તો શું કરી લેશો?
-નહિ શેના ઊઠો? આ જગ્યાનું રીઝર્વેશન મેં કરાવ્યું છે.
-કરાવ્યું હશે. આખી ગાડીનું રીઝર્વેશન તો નથી કરાવ્યું ને?
-વ્હોટ ડુ યુ મીન?
-આઈ મીન વ્હોટ આઈ સેઇડ. રૂઆબ તો એવો મારો છો જાણે આખી ગાડી તમારા બાપની
હોય.
-જો...જો... કહી દઉં છું, બાપ સુધી ના જાવ.
-જઈશ, સાડી સત્તર વાર જઈશ. શું કરી લેશે તું?
-અરે, અરે! મને ‘તુંકારે’ બોલાવે
છે? મેં તમને સજ્જન ધાર્યા હતા.
-સજ્જન છું, ત્યારે જ તો તને બેસવા સીટ આપું છું.
-સીટ આપે છે તે કઈ ઉપકાર નથી કરતો. એક તો મેં રીઝર્વ કરાવેલી સીટ પડાવી
લીધી છે, અને ઉપરથી...
-ક્યારનો મારી સીટ... મારી સીટ... કરે છે તે ગળે બાંધીને લઇ જવાનો છે કે?
-લઇ પણ જાઉં. તારા બાપનું કઈ જાય છે?
-એય, મોં સંભાળીને બોલ, નહીતર...
-નહીતર શું? ના..ના, શું કરી લઈશ તું?
-જોવું છે? લે, લેતો જા.
-અલ્યા, મને ધક્કો મારે છે? મારતા મને પણ આવડે છે, સમજ્યો?
-માર્યા માર્યા હવે. આંગળી તો અડકાડી જો.
–જા, જા. તારા જેવા સાડી સત્તર જોયા.
-એમ? લે તો પછી, આ અઢારમાં ને પણ જોતો જા.
કોઈવાર ટ્રેનની મુસાફરી દરમ્યાન રીઝર્વેશન અને અપ – ડાઉન વાળા વચ્ચે ઉપર મુજબની બોલાચાલી – હુંસાતુસી જોવાની – સાંભળવાની
ખુબ મઝા પડે છે. પ્રથમ સામાન્ય સંવાદ, પછી તુંકારો, પછી ગાળાગાળી અને છેલ્લે વાત
મારામારી કે ઝપાઝપી સુધી પહોચે છે. એમની
વચ્ચેના સંવાદો જે ઝડપથી રૂપ બદલીને વિકાસ પામે છે, એનાથી આપનું ભાષાજ્ઞાન વધે છે.
શહેરીજન માનવાચક સંબોધનથી ટેવાયેલો હોય, એને ‘તુંકારો’ અપમાનજનક લાગે છે. પણ ગામડા ગામમાં તો ‘તુંકારો’ સામાન્ય રૂપે
ચલણમાં હોય એની કોઈને નવાઈ નથી લાગતી. તેઓ એને સ્વાભાવિક રૂપે સ્વીકારે છે, એના
જાતે અનુભવેલા ત્રણ ઉદાહરણો તમને આપું એટલે તમે સહેલાઈથી સમજી શકશો.
૧- શાકવાળી અને
ગૃહિણી (ગ્રાહક) વચ્ચેનો સંવાદ:
-હાક આઈવું હાક, બુન, હાક લેવું સે?
-ગુવારશીંગ કેમ આપી?
-૨૦ રૂપિયાની હેર. ( શેર= ૫૦૦ ગ્રામ)
-બહુ મોંઘી છે ને કઈ?
-હારું, તને ૧૮ રૂપિયે આપા (આપીશ) લઇ લે બુન, બીજું હું લેવું સે? કૂણા –
કૂણા ભીંડા સે, ને મખમલ જેવી પાપડી સે,
બીજા પાંહે ની મલહે, લઇ લે, ના ની કે’તી.
૨- શેઠાણી અને
કામવાળી નો સંવાદ:
-લખમી, કાલે સવારે આઠ વાગ્યે આવી જજે, મોડું નહિ કરતી.
-આઠ વાગે તો નીં અવાય. ઈસ્પિતાલમાં હો મારે વાળવા જવાનું કે નીં?
-તે એક દિવસ વહેલી ઊઠજે.
-કેમનીકને વે’લી ઊઠું? રાતના
વાહણ કાઢતાં તું જ તો દહ વગાડે છે. પસી મને ઘેર જઈને પરવારતાં અગ્યાર વાગી જાય સે.
-હવે તો હું નવ વાગ્યે વાસણ કાઢી આપું છું ને?
-ઈ વાત હાચી. પણ તારી એકલીને તાં જ થોડી કામ કરતી સું? બીજા પાંચ ઘેર કામ
કરું ને છઠ્ઠું મારું ઘર. તારે તો બસ, જીપ (જીભ) ચલાવવાની ને મારે હાથ હલાવવાના. ઊં
તો નવ વાગે આવા, ચાલહે ને?
-ચલાવ્યા વગર કઈ છૂટકો છે?
૩- ઓફિસર અને
પટાવાળા વચ્ચે નો સંવાદ:
-જેન્તી (જયંતી) કાલે કેમ દેખાયો નહિ?
-ફુવારે તો ઉતો (હતો) સાયેબ.
-જોશી સાહેબ ફુવારે રાઉન્ડ મારવા ગયેલા, પણ તું ત્યાં નહોતો એમ એમણે
કહ્યું.
-ઊં તો તાં જ ઉતો. પણ જોશી સાયેબ જ તાં ની આવેલો. ઊ ઓફિસમાં ગયો તો દેહાઈ સાયેબ હો
ઘેર જવા નીકળી ગેયલો. ને ઊ ટીફીન લેવા તારે ઘેર ગીયો તો ભાભી જ ની મલે, ટીફીન આપે
કોણ?
-ફુવારો સાફ કર્યો તો કે?
-ની ત્યારે? ઈ સાફ કરી કરીને તો આંગળાના ટેભા હો ઘસાઈ ગિયા. ફુવારાનું
કામ બહુ અઘરું સે. તું જોશી સાયેબ કે દેહાઈ સાયેબને કઈ દેજે કે મને બીજું કઈ કામ
હોંપે. મારે આ કામ કરવા કરતા ટીફીન આપવા જવાનું કામ જ હારું સે.
આ ત્રણેય ઉદાહરણમાં વપરાયલી ગુજરાતી તળપદી ભાષા સામાન્યત: ગુજરાતમાં મૂળ અને દીર્ઘ કાળથી સ્થાયી થયેલા લોકો બોલતા હોય છે. આખો લેખ વાંચીને મજા આવી. એક વાત કહું મૂળ સૂરતના ઘણાખરા લોકો (ગંદી) ગાળ ચાલુ વાતચીતમાં યે પ્રીફીક્ષ-સફીક્ષની જેમ બોલતા હોય છે. ઘરનો સ્ત્રી વર્ગ પણ હાજર હોય છતાં તેની અમન્યાનો સવાલ તેઓને નડતો નથી.આ ગાળ તેમને કોઠે પડી ગયેલી હોય છે. અને તેમાં તેમને કંઈ અજુગતુ લાગતું નથી.હવે ક્રમશ: સુધારો થતો જાય છે.-હું મૂળ સૂરતી છુ. નાનપણ સંગત-દોષ વસાત ગાળ બોલ્યો હોઈશ, પણ સમજણો થયા પછી બોલતો નથી..............આ તો જરા અમથુ જાણવા જોગ...........
ReplyDelete