Tuesday, 23 August 2016

યે મેરા પ્રેમપત્ર પઢકર.

યે મેરા પ્રેમપત્ર પઢકર.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મમ્મી: મુન્ના, ક્યારનો શું કરી રહ્યો છે બહાર?
મુન્નો: મમ્મી, હું મારા ફ્રેન્ડસ જોડે ‘પોસ્ટમેન – પોસ્ટમેન’ રમી રહ્યો છું.
મમ્મી: એ વળી કઈ રમત?
મુન્નો: મમ્મી, અમે પોસ્ટમેન બનીને સોસાયટીના ઘરે ઘરે જઈને પોસ્ટ આપી આવ્યા.
મમ્મી: અને એ માટે ટપાલ આઈ મીન પોસ્ટ ક્યાંથી લાવ્યા?
મુન્નો: મમ્મી, તારા કબાટમાં ‘ખાનગી’ લખેલું લેટર્સ નું એક પેકેટ હતું ને, એ મેં લીધું.

આ તો એક જોક છે એટલે પછી મુન્નાનું શું થયું? કે મમ્મીનું શું થયું? એ પ્રશ્નો અપ્રસ્તુત છે. અને આમ પણ હવે ઈન્ટરનેટ ના ફાસ્ટ કોમ્યુનીકેશન ના જમાનામાં પત્રો લગભગ આઉટ ડેટેડ થઇ ગયા છે. પણ જ્યારે પ્રેમ પત્રોનો એક અદભૂત જમાનો હતો એ વખતની વાત તમને વાત કરું છું.

માણસ જ્યારે કોઈ ખોટું કામ કરવા જઈ રહ્યો હોય છે, ત્યારે ચોવીસે કલાક જાગતો રહેતો એનો અંતરાત્મા એને ડંખે છે, ચેતવે છે, અંત:સ્ફૂરણા દ્વારા મેસેજ મોકલે છે, ‘ હે વત્સ, સાવધાન ! તું જે કઈ પણ કરવા જઈ રહ્યો છે તે કરવા યોગ્ય કામ નથી. આગળ વધતા પહેલા ફરીથી એકવાર વિચારી લે. જો તું મારા અવાજને – તારા અંતરાત્માના અવાજને અવગણીને આગળ વધશે તો તારે કર્મના ફળ મીઠા નહિ પણ માઠા ભોગવવા પડશે. મેં તો મારી ફરજ પ્રમાણે તને ચેતવણી આપી દીધી, હવે તું જાણે અને તારું નસીબ જાણે.’
 
માણસનું નસીબ જો આ ક્ષણે પાધરું એટલે કે સારું હોય, ઠેકાણે હોય, તો એ ચંચુપાત કર્યા વગર આત્માના અવાજને અનુસરીને ખોટું કામ કરવાનું માંડી વાળે. જો કે એવું ભાગ્યે જ બને છે. મોટેભાગે તો પોતાને ‘બુદ્ધિશાળી’ ગણાવતો માણસ અંતરાત્માને ડરાવી, ધમકાવીને ચુપ કરાવી દે છે, એના અવાજને દબાવી દે  છે, ‘બેસ, બેસ, ડાહ્યલા. તને આમાં શું સમજ પડે? બુદ્ધિ ન ચાલતી હોય ત્યારે ચુપ રહેતા શીખ.’ એની આવી ધમકી  સાંભળીને અંતરાત્મા પણ ચુપ થઇ જાય. વારંવાર ની આવી દમદાટી થી કેટલાકના અંતરાત્મા લાંબા ગાળા માટે અને કેટલાકના તો કાયમને માટે ચુપ થઇ જાય છે.
માણસની બુદ્ધિ જ્યારે ખોટી પડે છે અને અંતરાત્માનો અવાજ સાચો સાબિત થાય છે, ત્યારે માણસ પોતાના ખોટા કામોને લીધે ઊંધા માથે પછડાય છે. આવે વખતે અંતરાત્મા પાછો જાગ્રત થઇ જાય છે અને સંભળાવે છે, ‘લે, મેં નહોતું કહ્યું કે આ કામ કરવા જેવું નથી? મારી વાત ન માની ને પછડાયા ને ઊંધા માથે? હાથના કર્યા હૈયે વાગ્યા ને? ભોગવ હવે તારા કર્મોને. મને ચુપ કરતો હતો, હવે પોતે જ ચુપ થઇ ગયો ને? તું એ જ લાગનો છે.’ ને માણસ પસ્તાય છે, અંતરાત્માની મનોમન માફી માંગે છે, ફરીથી એવી ભૂલો ન કરવાનું નક્કી કરે છે, થોડા સમય બાદ પોતાની આ કબુલાત ભૂલી જાય છે, અને એ જ ભૂલ ફરીથી કરવા તૈયાર થઇ જાય છે.
 
પ્રેમપત્ર લખવાની પ્રક્રિયા પણ ઘણીવાર પસ્તાવો કરવાનો વખત આવે એવી પ્રક્રિયા છે. કુંવારાઓ કદાચ મારી આ વાત માનવા તૈયાર નહિ થાય, પણ પરણેલા પુરુષો તરત જ મારી વાત સાથે સહમત થશે એની મને ખાતરી છે.કેમ કે જ્યારે પત્ની એક હાથમાં વેલણ ઝાલીને અને એક હાથ કેડ પર મૂકીને પતિને પૂછતી હોય(ખરેખર તો ઉધડો જ લેતી હોય), - ‘કેમ, પ્રેમપત્રો માં તો કેવું કેવું લખતા’તા? પ્રિયે ! તારા માટે આકાશના તારા તોડી લાવીશ, પૂનમનો ચાંદ લાવી આપીશ, તારી રાહોમાં ફૂલોની સેજ બીછાવીશ અને તને મારી બાહોંના ઝૂલામાં હેતથી ઝુલાવીશ.’

‘ક્યાં ગયા એ તમારા ઠાલાં વચનો? ચાંદ- તારા તોડી લાવવાની વાત મૂકો બાજુએ, રેશનીગ માંથી ખાંડ – કેરોસીન લાવી આપો તો ઘણું. રાહોમાં ફૂલડાની સેજ ન બિછાવો તો વાંધો નહિ, પણ બાળકોને સ્કુલેથી લઇ આવવા એકટીવા તો અપાવો, ક્યા સુધી લ્યુના જેવું ફટફટીયું ચલાવ્યે રાખું? (બાળકો પણ હવે તો એના પર બેસતા શરમાય છે) બાહોંના ઝૂલામાં ઝુલાવવાની વાતને મૂકો તડકે, માળીયેથી આટલો એક તેલનો ડબ્બો ઉતારી આપો તો પણ તમારી મહેરબાની. દાઝ તો મને એવી ચઢે  છે કે તમારા બધા પ્રેમપત્રો કબાટમાંથી કાઢીને નાખું ચૂલામાં, દેખવું ય નહિ ને દાઝવું ય નહિ. મને તો એ જ નથી સમજાતું કે તમે (પુરુષ) લોકો અમને (સ્ત્રીઓને) પ્રેમપત્રો લખીને આવા તદ્દન જુઠા-ખોટા વચનો આપીને કેમ છેતરતા હશો?

અરે બહેન! તમને શું ખબર કે પ્રેમપત્રો લખતી વખતે એ બિચારાની દાનત તમને છેતરવાની જરા ય નહોતી. પણ પ્રેમપત્રો માં શું લખાય તે વાતની જ એ નાદાન – નિર્દોષ અને બિન અનુભવી માણસને ખબર નહોતી. એને શું, આ વાતની ખબર ઘણા પ્રેમીઓને નથી હોતી. ઘણા  ઓછા લોકો જાણે છે કે – પ્રેમપત્રો લખવાની કળા ઘણી કુશળતા માંગી લે છે. એમાં ક્યાંય ભેરવાઈ ન પડાય એની કાળજી રાખવાની હોય છે. પરંતુ આ કુશળતા કે સાવધાની ઘણા અનુભવની બાદ આવે છે, અને ત્યાં સુધીમાં તો ભાઈ કે બેન કુરબાન થઇ ચુક્યા એટલે કે પરણી ચુક્યા હોય છે, ક્યાં તો પોતે જેને પ્રેમપત્રો લખ્યા હોય છે એને અથવા બીજાને.
પોતાની પ્રેમિકા પોતાને છોડીને બીજા કોઈની ડાળે જઈને બેસી ગઈ હોય, એટલે કે બીજાને પરણી ચુકી હોય છે, અને પોતાને જોઈતી પત્ની ન મળી હોય ત્યારે કેટલાક સનકી પ્રેમીઓને બદલો લેવાની ઈચ્છા જાગે છે. એ  પ્રેમિકાએ લખેલા પ્રેમપત્રોનો શસ્ત્રો તરીકે ઉપયોગ કરીને પ્રેમી એને ‘બ્લેકમેલ’ કરે છે. જેનાથી પેલી ‘વ્હાઈટ ફીમેલ’ એટલે કે ડરની મારી ‘ફિક્કી’ પડી જાય છે.

પ્રેમપત્રો લખવામાં જો પ્રેમીજને મૂર્ખતાની તમામ સરહદો વટાવી દીધી હોય, એટલે કે ન લખવા જેવું પણ ભરડી નાખ્યું હોય, ઉપરથી એવા પ્રેમપત્રો નો નાશ કરવાને બદલે મિલકતની જેમ કબાટમાં સંઘરીને બેઠા હોય, નસીબ કાણા હોય, તો આ ખજાનો પતિ અથવા પત્નીના હાથમાં આવી જાય, તો પછી તો – અહાહાહા ! એમના લગ્ન જીવનમાં ‘બોમ્બ વિસ્ફોટ’ થાય છે. અને વકીલોને કમાણી નું સાધન મળી રહે છે, અદાલતમાં લોકોને મનોરંજન મળી રહે છે. નિર્દોષ અને મજાના લાગતા આવા  પ્રેમપત્રો એ ઘણા  પ્રેમીજનોની પત્તર ખાંડી છે.
ક્યારેક પ્રેમપત્ર ભૂલથી પ્રેમિકાના બદલે એના પરમ પૂજ્ય પિતાશ્રીના હાથમાં જતો રહે તો હાડકા ભાંગવાને કારણે પ્રેમીએ હોસ્પીટલમાં જવાનો વારો પણ આવી શકે છે. અથવા આવા કેસમાં પ્રેમી જો લાખોપતિ કે કરોડપતિ પિતાનો પુત્ર હોય તો જીવનભરની જેલ (લગ્ન બંધન) માં જવું પડે છે. આમ પ્રેમપત્રો ક્યારેક ‘બેધારી તલવાર’ જેવી અસર પણ ઉપજાવે છે. એટલે મિત્રો, ક્યારેક તમને પ્રેમપત્ર લખવાનું મન થાય, તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને પ્રેમપત્ર લખજો.

ગમે તેવી અડગ મનોબળ વાળી વ્યક્તિ હોય તો પણ પ્રથમ વાર પ્રેમપત્ર લખતી વખતે થોડી પળો માટે તો એનો આત્મવિશ્વાસ ડગમગી જ જાય છે, અને એ ‘યે મેરા પ્રેમપત્ર પઢકર તુમ નારાજ ના હોના’ એવું લખવા પ્રેરાય છે. પછી પ્રેમિકાને મસ્કા મારતા લખે છે, ‘કી તુમ મેરી જીંદગી હો, કી તુમ મેરી બંદગી હો’  બદનસીબે એ જ પ્રેમિકા ને પરણી જાય તો વર્ષો પછી એ પ્રેમિકા એને ‘મૌત’ સમાન અને ‘બદદુવા’ સમાન લાગવા માંડે છે, કેવું અજબ છે ને માનવ મન? પછી તો એ ‘એ મેરા પ્રેમપત્ર પઢકર...’ ગાવાનું ભૂલી જાય અને ગણગણવા માંડે, ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ, તુને કાહે કો દુનિયા બનાઈ....?’  

7 comments:

 1. પલ્લવીબેન,
  તમે સલાહ આપવામાં મોડા પડ્યા છે. ( સૌજન્ય : મોરારજી દેસાઈ - તેઓ ટ્રેન ચુકી જાય તો હું મોડો પડ્યો એવું કહેવાને બદલે ટ્રેન મને ચુકી ગઈ તેમ કહેતા) મારા કિસ્સામાં જો તમે આજથી અઠ્યાવીસ વર્ષ પહેલા આ લેખ લખ્યો હોત તો મારો પ્રથમ પ્રેમ પત્ર અને તેના પછીના પત્રોની હાર માળા ન સર્જાઈ હોત. બાકી તો ઈશ્વર ઈચ્છા બળવાન છે.
  અને એક આડ વાત મારી પત્નીને ક્યારેય ખબર ન પડવી જોઈએ કે આજ મેં પહેલો પ્રેમ પત્ર લખ્યાનું દુઃખ તમારી સામે વ્યક્ત કર્યું કારણ કે હજુ પણ મારે એક જ પત્ની છે. એટલે થોડો ડર તો લાગે જ.

  ReplyDelete
 2. જે બે પાત્રો પરસ્પર પ્રેમ કરતાં હતાં તેમનાં લગ્ન થતાં હતાં ત્યારે ગોર મહારાજે "ઓમ્ પ્રેમ પત્રાય્ સ્વાહા.." બોલીને તેઓએ એક બીજાને લખેલા પત્રોનું બંડલ,તેની ઉપર નાડાછડી બાંધી, કંકુ ચોખા ચડાવીને યજ્ઞકુંડમાં પીવરાવ્યું.

  ReplyDelete
 3. જે બે પાત્રો પરસ્પર પ્રેમ કરતાં હતાં તેમનાં લગ્ન થતાં હતાં ત્યારે ગોર મહારાજે "ઓમ્ પ્રેમ પત્રાય્ સ્વાહા.." બોલીને તેઓએ એક બીજાને લખેલા પત્રોનું બંડલ,તેની ઉપર નાડાછડી બાંધી, કંકુ ચોખા ચડાવીને યજ્ઞકુંડમાં પીવરાવ્યું.

  ReplyDelete
 4. પધરાવ્યું એમ વાંચશો.

  ReplyDelete
 5. પધરાવ્યું એમ વાંચશો.

  ReplyDelete
 6. કોઈ સરકારી નોટિસને પણ 'પ્રેમપત્ર' ગણવાનો રિવાજ છે !!!!!

  ReplyDelete
 7. પ્રેમ પત્ર લાવતો ટપાલી અને પ્રેમ પત્રો આજે ઇન્ટરનેટ અને ટેક્ષ્તીગનું ચલણ વધ્યું હોઈ ઓછા થઇ ગયા છે.

  વિદેશમાં રહેતા પ્રેમીના પ્રેમ પત્રો પ્રેમિકાને આપતા ટપાલી સાથે જ પ્રેમિકાએ લગ્ન કરી લીધાના બનાવો બનવાની શક્યતાઓ એથી આજે ઘટી ગઈ છે !

  ReplyDelete