Tuesday 16 August 2016

સરિતાનું સૌંદર્ય.

સરિતાનું  સૌંદર્ય.             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

(૧૧ મા ધોરણના ગુજરાતી વિષયના ‘નિબંધ’ વિભાગમાં પુછાયેલા ‘સરિતાનું સૌંદર્ય’ અંતર્ગત એક તોફાની વિધાર્થી એ લખેલો જવાબ.)

સ..રિ..તા..! ઓહ ! કેટલું સુંદર નામ ! નામ લેતાં જ મુખમાંથી નીકળે વાહ વાહ ! અને દિલમાંથી નીકળે આહ આહ ! સરિતા... જેને પ્યારથી ‘સરુ’ કહીને બોલાવી શકાય અથવા તો ‘રીતુ’ પણ કહી શકાય. અગર મુડ બન જાય તો ઉસે ‘’સત્તુ’ કહકર બુલા લીજીયે, ક્યા ફર્ક પડતા હૈ? ચાંદને તમે ચંદ્ર કહો, શશી કહો કે શશાંક કહો, ચાંદ તો આખરે ચાંદ જ છે. સુંદર, શીતળ, મનોહર અને આકર્ષક ! એ જ રીતે સરિતાને પણ કોઈ પણ નામે બોલાવો, સરિતા તો આખરે સરિતા જ છે. ચંચળ – નટખટ – નાચતી – કુદતી – ગાતી – કલકલ નિનાદ કરતી – વહેતી સુંદર સરિતા!

પૃથ્વી પરની તમામ વનિતાઓ માં સરિતાનું સૌંદર્ય અજોડ છે, બેનમૂન છે, નિરાળું છે. આદિકાળથી સરિતાઓ (વનિતાઓ) નું સૌન્દર્ય પુરુષોને આકર્ષતું રહ્યું છે. સરિતાના સૌંદર્યમય  સ્મિતમાં પોતાના પ્રેમનું પ્રતિબિંબ જોતાં મારા તમામ મિત્રો કેટલા મુર્ખ છે. શું તેમને પોતાના દેખાવ વિશે ભયંકર ભ્રમ છે? એમણે કદી અરીસામાં પોતાના મોં જોયા છે? ‘કૌઆ ચલા હંસ કી ચાલ તો અપની ચાલ ભી ભૂલા.’ બિચ્ચારા ! જ્યારે એમનો ભ્રમ તુટશે – દિલ તુટશે ત્યારે તેઓ શું કરશે? કેટલા  દુખી થશે એ બધા? પણ એ તો જેવા જેના નસીબ, એમાં આપણે શું કરી શકીએ? મારી સાથે એ સૌનો શું મુકાબલો? ‘કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તૈલી?’

ક્યાંથી મેળવ્યું હશે સરિતાએ આવું અનુપમ સૌંદર્ય? એની મમ્મી પાસે? ના, ના, એ તો લાગે છે જ લલીતા પવાર જેવી.  તો એના પપ્પા પાસે? ના, ના. એ તો કાદરખાન કરતા પણ જાય એવા છે. અને એનો ભાઈ પણ કેવો? જ્હોની લીવરને ય હેન્ડસમ કહેવડાવે એવો. એના દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી..બધા જ ‘એન્ટી-બ્યુટી-કોન્ટેસ્ટ’ માં એવોર્ડ જીતી લાવે એવા છે. તો પછી સવાલ એ થાય છે કે, સરિતાનું સૌંદર્ય આવું મનમોહક ક્યાંથી? હશે, આપણે મમ મમ થી કામ છે, ટપ ટપ થી નહિ.
    
સંસ્કૃત માં એક શ્લોક છે, કયો? પેલો..પેલો.. ‘સુરતરુવર શાખા લેખીનીમ પત્રમઉર્વી, લિખતી યદી ગૃહીત્વા શારદા સર્વ કાલમ, તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ’ પહેલી લીટી યાદ નથી, પણ આખા શ્લોકનો અર્થ કઈક આવો થાય છે, ‘સમુદ્ર ભરાય એટલી શાહી લઈને, પૃથ્વી પરના તમામ વૃક્ષોની ડાળીની પેન બનાવીને મા સરસ્વતી (શારદા) આખો વખત (દિવસ અને રાત) લખ લખ કર્યા કરે, તો પણ હે ઈશ્વર! તારા ગુણનો પાર પામી શકાય એમ નથી.’

હે સરિતે!   તારા સૌંદર્ય ની બાબતમાં પણ આવું જ કઈ છે. ગુજરાતીના આ ક્વેશ્ચન પેપરમાં બીજા કોઈ સવાલોના જવાબો હું ના લખું અને એક માત્ર આ જ સવાલ (નિબંધ) નો જવાબ લખ લખ કર્યે રાખું તો પણ પરીક્ષકને હું તારા સૌંદર્ય નો પરિચય કરાવી શકું એમ નથી. પણ તો શું થયું? આવા વિચારે હું તારા વિશે લખવાનું અધુરું છોડી દઉં તો એ તને અન્યાય થયેલો  ગણાય.

તારા સૌંદર્ય પ્રશસ્તિ ની શરૂઆત હું ક્યાંથી કરું? ચાલ, મને જે અત્યંત લોભાવે છે એ તારા સુંદર નયનોથી જ કરું. તારા સુંદર ચક્ષુ, ..અહાહાહા! એકવાર જે એમાં ડૂબ્યો તે ગયો કામથી, બચવાના કોઈ ચાન્સીસ નહિ. હું તો તારા લોચનિયે લોભાયો છું. જે નથી લોભાયા એવા ઈર્ષ્યાળુઓ માંથી પેલો મદનીયો ભલે તારા નયનોને ‘ઉત્તર – દક્ષીણ ‘ કે પછી ‘લુકિંગ લંડન – ટોકિંગ ટોકિયો’ કહે. હકીકત તો હંમેશા હકીકત જ રહે છે.

તારા સુંદર ચહેરામાં આંખથી જરાક નીચે ઉતરીએ કે આવે તારું નાક. કોઈ ગઝલકારે કોઈના નાક પર ગઝલ નથી ફટકારી ( ફટકારી હશે તો મને વાગી નથી) એટલે મારે સાદી ભાષામાં જ એનું આલેખન કરવું પડશે. તારા આખાય ચહેરામાં પહેલી નજરે ધ્યાન ખેંચે એવું છે તારું અપ્રતિમ નાક. પેલા યમરાજે (તારા પપ્પાએ) આપેલી સાચા હીરાની ચૂંક (જળ) તું જ્યારે ધારણ કરે છે, ત્યારે નાકની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. પણ પેલો મદનીયો? એનાથી બોલ્યા વિના કઈ રહેવાય? એ તો તારા નાકને ‘પકોડા’ સાથે સરખાવે છે. ભલેને સરખાવતો, આપણને તો પકોડાય પ્યારા છે.

નાક પછી વારો આવે છે તારા હોઠનો. હોઠ ઉપર તો ભલ ભલા કવિઓ – શાયરો – ઘાયલો એટલે કે ગઝલકારોએ અવનવી કવિતાઓ – શાયરીઓ – ગઝલો લખી છે. પણ એ બધીઓ તારા હોઠની તારીફ કરવામાં ફીકી લાગે. તું જ્યારે લાલ – ગુલાબી – બ્રાઉન – પર્પલ વગેરે કલરની લીપસ્ટીક લગાડીને આવે છે, ત્યારે મારા મિત્રોના હોઠો પર મલકાટ (કે મરકાટ?) આવે છે. એ લોકો મારા જેટલા પ્રમાણિક નથી તેથી પોતાના મનોભાવ છુપાવીને તારા હોઠને ‘ગાંઠીયા – ભજીયા‘ વગેરે ઉપનામ થી નવાજે છે. ભલેને તેઓ એમ કરતા, હું તો પહેલેથી જ ફરસાણ નો ચાહક છું.

હવે આવું છું તારા કાન ઉપર. તારા કાન બનાવવામાં તો કુદરતે કમાલ જ કરી નાખી છે. તદ્દન ઓરીજીનાલીટી એટલે કે મૌલિકતા વાપરી છે. એમાય જ્યારે તું કાનોમાં હીરા રૂપાના લટકણીયા  સજાવીને આવે છે, ત્યારે જોનારા અવાક થઇ જાય છે. પણ આપણે ત્યાં અદેખાઓનો ક્યા તોટો છે? મદનીયો તને ‘સુપર્ણખા’ (સુપડા જેવા કાનવાળી)  કહે છે. ભગવાને એનામાં ‘એસ્થેટિક સેન્સ’ મૂકી જ નથી તો શું થાય?

તું ડીઝાઈનર અથવા તો  કોઈ પણ ડ્રેસ પહેરે  એનાથી કશો ફરક નથી પડતો. આઈ મીન ..બધા જ કપડા તને મસ્ત રીતે સુટ થાય છે. ‘સોનામાં સુગંધ’ તો ત્યારે ભલે છે, જ્યારે તું મહેફિલમાં ગાય છે. મારા મિત્રો ભલે એમ કહે કે, ‘આ ભેસાંસુરીને સુર – લય – તાલ ની ગતાગમ નથી.’ પણ હું જાણું છું ણે કે – ‘કોકિલ કંઠી’ લતાજી સાક્ષાત તારા ગાળામાં વસેલા છે.

હે સરિતે ! તું તો સૌન્દર્યનો ‘લખલૂટ’ ખજાનો છે. મારી બોલપેનમાં રીફીલ ખલાસ થઇ જાય ત્યાં સુધી તારા વિશે લખું, તો પણ તારી સુંદરતાનો પુરેપુરો પરિચય હું પરીક્ષક ને કે ઇવન વાચકોને આપી શકું એમ નથી. તેથી જાણીતા કવિ શ્રી વેણીભાઈ પુરોહિત ની ફેમસ પંક્તિથી આ પ્રશસ્તિ પત્ર પૂરો કરું છું.

‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો....’ 

  

4 comments:

  1. સરીતા...
    https://gadyasoor.wordpress.com/2008/04/26/river/

    https://gadyasoor.wordpress.com/2008/07/29/river_3/

    https://gadyasoor.wordpress.com/2008/07/28/sarita_2/

    ReplyDelete