Tuesday, 26 July 2016

જોરુકા ગુલામ.

જોરુકા ગુલામ.  પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

-મિ. પારેખ, આજે અમે બધા સ્ટાફ મેમ્બર્સ ‘સુલતાન’ ફિલ્મ જોવા જવાના છીએ, તમે પણ ચાલો.
-નહિ મિ. શાહ, મારાથી નહિ અવાય, મારે ઓફિસમાં ઘણું કામ છે.
-એય મહેશિયા, સીધેસીધો ચાલ ને હવે ભાવ ખાયા વિના. એક મિત્ર અમિત એ કહ્યું.
-અમિત, હું ભાવ નથી ખાતો, સાચ્ચે જ મારે અહી ઘણું કામ છે.
-કામ કાલે કરજો મિ.પારેખ, ફાઈલો રિસાઈ નહિ જાય. મિ.શાહે આગ્રહ કર્યો.
-ના,  ના. મારાથી નહિ અવાય, સોરી મિ. શાહ.  મિ.પારેખે લાચારી દર્શાવી.
-જવા દો ને મિ.શાહ. એ નહિ જ આવે, ભારે વેદિયો છે. અમિતે નારાજગીથી કહ્યું. 
થોડીવાર પછી ઓફિસમાં ટેલીફોનની રીંગ વાગી. મિ.શાહે ફોન ઉપાડીને વાત કરીને કહ્યું:
-મિ.પારેખ, તમારા માટે ફોન છે, તમારા ઘરેથી.
-હેલો, મહેશ બોલું છું, કોણ મીના? બોલ કેમ ફોન કર્યો? મહેશભાઈએ પૂછ્યું.
-મહેશ, તમે તરત જ ઘરે આવો.
-મારે અહી ઘણું કામ છે, અત્યારે નીકળાશે નહી, પણ થયું છે શું તે કહેને.
-અરે! તમારા કામને નાખો ચૂલે, બાબો પડી ગયો છે અને એનો  પગ મોચવાઈ ગયો છે,  તરત જ ડોક્ટર ને ત્યાં લઇ જવો પડશે, તમે ફટાફટ ઘરે આવો.
-ઠીક છે, આવું છું, હમણા આવ્યો.
મિ.પારેખ ફોન મુકીને ફાઈલોના ઢગલાને એક બાજુ કરીને ઊભા થયા. સ્ટાફ મેમ્બર્સે એક બીજાની સામે ખાસ સૂચક રીતે જોયું અને પછી મર્માળુ સ્મિત કર્યું.
-મિ. પારેખ, ફાઈલો ખસેડીને ઊભા કેમ થઇ ગયા? તમારે તો ઘણું કામ છે ને?  મિ.શાહે સંભળાવ્યું.
-મારે તરત જ ઘરે જવું પડશે.
-તો પછી કામનું શું? આ ફાઈલોને ખોટું નહિ લાગે?
-નહિ જાઉં તો મીનાને ખોટું લાગશે, ને એ બબડાટ કરશે.
-હાસ્તો, આ ફાઈલો તો બિચારી મુંગી છે, જા  જા તું તારે  ખુશીથી.  અમિત બોલ્યો.
-હવે તમે બધા ચુપ રહેશો? 
કહીને મિ. પારેખ ચીઢાઈને બહાર નીકળી ગયા. એ હજી દરવાજે માંડ પહોંચ્યા હશે ત્યાં એમની પીઠ પાછળ એક વાકય એમના કાને અફળાયુ, ‘જોરૂ કા ગુલામ’ એમને ખુબ ગુસ્સો ચઢ્યો પણ કરે પણ શું? અમિત તો  વારંવાર  એની સામે જોઇને જોક્સ સંભળાવતો,  દાખલા તરીકે,
૧- આગંતુક: બેટા, તારા પપ્પા શું કરે છે?
   બાળક:  મારી મમ્મી જે કહે તે બધું જ.
૨- મમ્મી: આ અઠવાડિયે તમારામાંથી જે આજ્ઞાંકિત રહેશે તેને હું ઇનામ આપીશ.
   પુત્રો: ના, મમ્મી. તો તો એ ઇનામ પપ્પાને જ મળે.
ઓફિસમાં જ્યારે જ્યારે હેનપેક્ડ હસબંડ ની વાત નીકળતી ત્યારે સૌની નજરો ના સૂચક તીર મિ.પારેખની સામે જ તકાઈ રહેતા. આ તીરોથી વીંધાઈને તેઓ નીચું જોઈ મનોમન કહેતા: ‘હે ધરતી મા, તમે મારગ આપો તો હું એમાં સમાઈ જાઉં.’ પણ એકવાર પોતાના ઉરમાં સીતાને સમાવી લીધા પછી હવે ધરતી મા  પણ ચેતી ગયા હતા. ‘જો હું આ લોકોને મારગ આપવાનું શરુ કરું તો આ લોકો તો એક પછી એક અહી જ આવવા માંડે અને પછી ઉપરની જેમ અંદર પણ આ લોકો તો જગ્યા માટે લડવા માંડે, જગ્યા માટે થઇ ને પાઘડી બોલવા માંડે,  માટે મારે એ બબાલ જોઈએ જ નહિ ને. આ લોકો કરતા તો મારે ધગધગતો ‘લાવા’ સારો.’   
આમ ધરતી ના મારગ આપવાના ઇન્કારથી નિરાશ થયેલા મિ. પારેખ મનોમન બબડતા, ‘સાલાઓ, આ બધા હમણા મારી ઠેકડી ઉડાવે છે, ઉડાવો ઉડાવો. પણ એકવાર લાગ મળવા દો. પછી જો હું આ બધાને બતાવી ન આપું કે મિ. પારેખ શું ચીજ છે, તો મારું નામ મહેશ નહિ. બૈરાની બે વાત શું માની કે ‘જોરૂ કા ગુલામ’ થઇ ગયા?  હું તો મારી બૈરીની જ વાત માનું છું, પણ આ બધા તો પારકા બૈરા આગળ પાણી પાણી થઇ જાય છે અને એમના કામો કરવા ટાણે – કટાણે દોડી વળે છે, એમને શું કહેવું? એકવાર તો આ સૌ ને બતાવી જ આપવું છે કે હું ‘જોરુ કાં ગુલામ’ નથી. સાલું, આવી ઈમેજ લઈને ક્યા સુધી જીવી શકાય?’
અઠવાડિયા – દસ દિવસથી પતિને સુનમુન થઇ ગયેલો જોઇને મીનાએ બહુ પ્રેમથી પૂછ્યું, ‘મહેશ, શું થઇ ગયું છે તમને? તમારી તબિયત તો ઠીક છે ને?’ પણ મહેશે ન મીનાની વાત નો કોઈ જવાબ આપ્યો ન એની સામે જોયું. ઓફિસમાં પણ દિવસના દસ ના હિસાબે કામમાં ગોટાળા કર્યા, પંદર વાર સ્ટાફ મેમ્બર્સ સાથે ઝઘડ્યા, પાંચ વાર પટાવાળા ને ધમકાવ્યો અને સાત વાર બોસની બોલી ખાધી.
ચિંતાતુર મીનાએ મહેશના મિત્ર એવા ડોક્ટરને બોલાવ્યા, પણ મહેશે એમને પણ દાદ ન દીધી. નટખટ સાળી સ્મિતાએ આવીને જીજાજીને જોક્સ કહ્યા, હસી મજાક કરી, તો પણ મહેશજી સુનમુન રહ્યા. કંટાળીને મીનાએ પોતાની બેસ્ટ સલાહકાર એવી મમ્મીને બોલાવી. એની સલાહ મુજબ સવાર – સાંજ મહેશને ભાવતી વાનગીઓ રાંધવા માંડી, પણ મહેશભાઈ તો ભાવતા ભોજન જમીને ઓડકાર પણ ખાધા વિના ચુપચાપ ઉઠી જતા હતા. મીના એ મહેશ માટે પરફ્યુમ, પેન, ટાઈ, શર્ટ,  પર્સ વગેરે દસ દિવસમાં દસ ગીફ્ટ લાવીને આપી, તો ય મહેશભાઈ ન પીગળ્યા. હવે મીના ખરેખર કંટાળી ગઈ અને સૌ હથિયાર હેઠા મૂકી દીધા.
એક બપોરે મીનાએ મહેશને ઓફિસમાં ફોન કર્યો:
-હેલો, મહેશ?
-મીના, હું કામમાં છું, પ્લીઝ ડોન્ટ ડીસ્ટર્બ મી.
-મહેશ, સાંભળો તો ખરા...
-કહ્યું ને એકવાર કે મને ફુરસદ નથી.
-મારી વાત સાંભળો, અત્યારે ને અત્યારે જ ઘરે આવો.
-ઘરે આવવા હું અત્યારે નવરો નથી, સમજી? તારે હવેથી ઓફિસમાં મને  ફોન કરવો નહિ.
મિ. પારેખે રીસીવર મુક્યું અને ગર્વભેર મિત્રોની સામે જોઈ રહ્યા. આજે મિત્રોની નજરમાં પણ મિ. પારેખ તરફ અહોભાવ છલકાતો હતો. મિ. પારેખની નજર આજે ધરતી તરફ નહિ પણ આસમાન તરફ હતી. આજે તો તેઓ પણ ઉડું ઉડું થઇ રહ્યા હતા, ‘આજ મેં ઉપર, આસમાં નીચે, આજ મેં આગે, જમાના હૈ પીછે...’ આજે એમની વર્ષો જૂની ‘જોરુ કાં ગુલામ’ ની ઈમેજ ભાંગીને  ભુક્કો થઇ ગઈ હતી.
મિ. પારેખ આજે ખુબ ખુબ ખુશ હતા. પણ કહેવાય છે ને કે, ‘ખુશી યંહા થોડી હૈ ઓર બહોત ગમ હૈ..’ ફોન મુક્યાને વીસેક મિનિટ જ થઇ હશે અને મિ.પારેખની પત્ની મીના વાવાઝોડાની જેમ ઓફિસમાં ધસી આવી.
-મહેશ, આ બધું શું માંડ્યું છે?
-મીના તું અહી શા માટે આવી? ઘરે જા. મહેશે જોશ્ભાર્યા સ્વરે કહ્યું.
-હું બોલતી નથી અને લાખ વાના કરું છું, એટલે બહુ ફાટ્યા છો. ચુપચાપ ચાલો ઘરે નહીતર..
-નહીતર શું કરીશ? નથી આવવાનો જા.
-નથી આવવું ને? ઠીક છે, તમ તમારે ખુશીથી પડ્યા રહો અહી. હવે તમે તમારે રસ્તે અને હું મારે રસ્તે.  હું મારી મમ્મી અને બહેન જે નીચે ગાડીમાં જ બેઠા છે, એમની જોડે પિયર જાઉં છું. આપણા ડાયવોર્સ નાં પેપર વકીલ મારફતે થોડા જ દિવસમાં તમને મળી જશે,  હવે કોર્ટમાં જ મળીશું, બાય બાય. કહેતા કહેતા  મીના ઓફિસમાંથી સડસડાટ નીકળી ગઈ.
-અરે અરે, મીના, સાંભળ તો ખરી. સાવ આવું શું કરે છે?

કહેતા કહેતા મિ. પારેખ મીનાની પાછળ જવા તૈયાર થયા. એમણે આસમાન તરફ થી પોતાની નજરોને ધીરે ધીરે જમીન પર ઉતારી. અને દરવાજાની બહાર નીકળતી વખતે એમના કાન પીઠ પાછળથી આવતા એક જ વાક્ય સાંભળવા સરવા થયા, ‘જોરૂ કા ગુલામ’  

No comments:

Post a Comment