શું પ્રોગ્રામ છે આજ નો? પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
જે રીતે બધી વ્યક્તિઓ બહારથી દેખાય છે, એટલી સીધી સાદી અંદરથી હોતી નથી,
એ રીતે સામાન્ય વાતચીત માં પુછાતા બધા સરળ પ્રશ્નો અભિનેતાના ચહેરાની જેમ બહારથી
દેખાય છે, એટલા સીધા સાદા કે નિર્દોષ હોતા નથી. આવા ‘અંદરસે કુછ ઔર, બાહર સે કુછ
ઔર’ પ્રશ્નોને ઓળખવામાં તમે જરા પણ ગફલત કરી કે ખલ્લાસ! તમે નથી માનતા ને આ વાત? તો વાંચો આગળ....
-હલ્લો, મિતેષ. શું કરે છે?
-કોણ, અનીષ?
-નહિ તો બીજું કોણ હોય? દેખાતો કેમ નથી આજ કાલ?
-ઘર, બૈરી - છોકરાં ને નોકરી, એમાંથી સમય જ ક્યા રહે છે?
-હા, હા. બહુ મોટો માણસ થઇ ગયો ને તું તો. અમને યાદ કરવાનો તારી પાસે
ટાઈમ ક્યાંથી હોય?
-એવું કંઈ નથી યાર. બોલ શી વાત હતી?
-શું પ્રોગ્રામ છે આજ નો?
-કંઈ નહી, બેઠા છીએ.
જોયું ! વગર વિચાર્યે તમે અનીષનાં બહારથી નિર્દોષ દેખાતા પણ હકીકતમાં
નિર્દોષ નહી એવા સવાલોના ચીલા ચાલુ જવાબો આપી દીધા ને? જરા ધીમા પડો અને વિચારો કે
શા માટે આ બધા સવાલો પુછાયા છે. શું કહ્યું તમે? સવાલો તો વળી પુછાય, એમાં વિચારવાનું
શું? તમારી પાસે એ બાબતે વિચારવાનો ટાઈમ નથી? તો પછી તમારા કર્યા તમે જ ભોગવો, બીજું શું?
-નવરા બેઠા જ છો તો પછી ઘરે આવો, હવે તો તમારે ગાડી પણ આવી ગઈ છે ને?
-હા, એ તો ખરું, પણ અત્યારે?
-તે અત્યારે વળી શી ધાડ મારવાની છે, આવો ને. કે પછી ભાવ ખાય છે?
-ના ના, એવું કંઈ નથી. ઠીક છે, થોડી વારમાં આવીએ છીએ. .
તમે મિત્રની વાતમાં આવી જાઓ છો અને સંમતિ આપી બેસો છો. અને પછી પત્નીને
કહો છો:
-ચાલ, તું અને છોકરાઓ તૈયાર થઇ જાવ.
-ક્યાં જવાનું છે? પત્ની પૂછે
છે. (એ બુદ્ધિશાળી છે)
-અનીષનાં ઘરે.
-નથી જવું. (પાછલા અનુભવોને કારણે પત્ની સાવચેત છે, ચબરાક છે, તેથી ના
પાડે છે)
-ચાલ ને હવે યાર, નખરા કર્યા વગર. તમે સહેજ ખીજવાઈને કહો છો.
-તમારો એ મિત્ર મને દીઠો ય ગમતો નથી. પત્ની ન જવાનું કારણ કહે છે.
-તો એની સામે જોયા વગર વાત કરજે, બસ? તમે એન હસાવવા કહો છે, પણ એ ગંભીર
છે.
છેવટે ‘જવું છે’ અને ‘નથી જવું’ ની વચ્ચે થોડો સંઘર્ષ થાય છે. જીત તમારી થાય છે. તમે
પત્ની અને બાળકોને લઈને અનીષના ઘરે જાવ છો. ‘આવો, આવો’ અને ‘કેમ છો, કેમ છો’ પત્યા પછી, પાણી આવે છે, તમે
પાણી પીને બેઠા છો, ત્યાં જ-
-પપ્પા ચાલો ને પપ્પા ચાલો ને ... અનીષનો નાનો દિકરો અનીષ ને કહે છે.
-ક્યાં જવું છે બેટા, મુન્નુ? અનીષ એના દીકરાને લાડથી પૂછે છે.
-બહાલ જવું છે, ફલવા જવું છે. મુન્નુ એની કાલી ઘેલી બોલીમાં કહે છે અને અનીષનો હાથ ખેંચે છે.
-અત્યારે બહાર ફરવા ન જવાય બેટા, જો અંકલ અને આંટી આપણા ઘરે આવ્યા છે ને?
-પપ્પા, અંકલની નવી કારમાં ફરવા જઈએ. મુન્નુ થી મોટો દીપલ બોલે છે.
-પપ્પા, ચાલો ને, પપ્પા ચાલો ને. કહીને મુન્નુ જોરથી ભેંકડો તાણે છે.
તમારા કાનમાં મુન્નુ ની ‘પપ્પા, ચાલો ને’ ની રેકર્ડ અને ભેંકડો ત્રાસ
ગુજારે છે. તમે ઊભા થઇ જાવ છો અને કહો છો:
-ચાલ ને યાર, આને કારમાં એક આંટો
મરાવી આવીએ. બધા થોડું ફરી આવીએ.
મુન્નુ ખુશ થઈને તાળીઓ પાડે છે. તમે બહાર આવો છો અને પાછળ આખું ટોળું તમે
બે- તમારા બે અને અનિષ લોકો બે અને એમના બે-
એમ આઠ જણ સાંકડે - માંકડે ગાડીમાં ભરાઈને બેસો છો. રસ્તામાં આઈસ ક્રીમ
પાર્લર જોઇને મુન્નુ ચીસ પાડે છે.
-પપ્પા, આઈસ કલીમ, પપ્પા, આઈસ કલીમ.
-ચુપ ચાપ બેસ છાનો માનો. અનીષ તડુકે છે.
-મને જોઈએ મને જોઈએ.. ફરી મુન્નુ ફૂલ વોલ્યુમ થી ભેંકડો તાણે છે.
તમે કંટાળીને ગાડી આઈસ ક્રીમ પાર્લર પર પાછી લાવો છો. ને પછી તો અહહાહહા!
આઈસ્ક્રીમ ખાવાનો હોય ત્યારે શું નાના કે મોટા, બધા જ ગ્રાહક થઇ જાય છે.મસ્ત
ફિગર ૪૨૦ રૂપિયાનું બીલ આવે છે, ત્યારે
અનીષ કહે છે, ‘યાર હું તો ઘરના પહેરેલે કપડે જ બેસી ગયો છું, પર્સ નથી લાવ્યો, તું
જ આપી દે.
તમારા ખીસ્સાને વગર વાંકે ૪૨૦ રૂપિયાનો ફટકો પડે છે. તમારી પત્ની તમારી
સામે કતરાતી નજરે જુએ છે, એ નજરો કહી રહી છે, ‘હું નહોતી કહેતી કે અનીષ ભાઈના ઘરે
નથી જવું. તમે ન માન્યા, લો ભોગાવો હવે.’ ઘરે પાછા વળતી વખતે અનીષનો મોટો દિકરો
દીપલ કહે છે:
-પપ્પા, તમે શરત જીતી ગયા. હે પપ્પા જીતી ગયા. એ તાળીઓ પાડે છે.
-ચુપ બેસ, શેતાન. અનીષ એને ધમકાવે છે.
-એ એ મમ્મી હારી ગઈ. દીપલ હસીને બોલે છે.
-ચુપ રહે ચાંપલા, કે પછી એક અડબોથ દઉં? અનીષ કહે છે.
અરે ! એને બોલવા તો દે, બોલ બેટા, શું શરત પપ્પા જીતી ગયા? તમે કહો છો.
-અંકલ, મુન્નુને આજે સવારે જ આઈસ ક્રીમ ખાવો હતો.
-હં હં પછી? તમે રસપૂર્વક પૂછો
છો.
પછી પપ્પાએ કહ્યું, ‘બેટા, તને સાંજે આઈસ ક્રીમ ખવડાવીશ’ તો મમ્મી બોલી,
‘એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી.’ તો પપ્પા કહે, ‘એક પાઈ પણ ખર્ચ્યા વગર મફતમાં
તમને બધાને આઈસ ક્રીમ ખવડાવું તો?’ તો મમ્મી કહે, ‘આઈસ ક્રીમ વેચવા વાળો તમારો સગો થતો હશે, ખરું ને?’ તો
પપ્પા કહે, ‘આઈસ ક્રીમ વેચવા વાળો તો નહિ
પણ આઈસ ક્રીમ ખવડાવવા વાળો તો જરૂર આપણો સગો થતો જ હશે.’ તે હેં
અંકલ, તમે અમારા શું સગા થાવ? દીપલે પૂછ્યું.
-ગયા જનમનો દેણદાર. દીપલના
સવાલના જવાબમાં તમે મનમાં બોલો છો.
તમને મનમાં ખુબ ગુસ્સો ચઢે છે. અનીષને ગાડીમાંથી ધક્કો મારીને બહાર ફેંકી
દેવાનું મન થાય છે, પણ તમે તેમ કરી શકતા નથી, લાચાર છો. જો કે આ બધામાં અનીષનો કંઈ
વાંક નથી. વાંક તમારો પોતાનો જ છે. તમે પોતે જ પેલા સીધા સાદા લાગતા સવાલની ઝપટમાં
આવી ગયા. પ્રશ્નની ગંભીરતા ને સમજ્યા વગર, વિચાર્યા વગર એનો જવાબ આપી બેઠા. લો,
તમે પૂછી રહ્યા છે, ‘કયો પ્રશ્ન?’ આટલી વારમાં ભૂલી ગયા? તો તમને યાદ દેવડાવું- એ
પ્રશ્ન હતો – ‘શું પ્રોગ્રામ છે, આજ નો?’
વાહ પ્રોગ્રામ જામ્યો બાકી.
ReplyDeleteઆભાર.
Delete